ભારતીય જ્ઞાનપીઠ પારિતોષક રઘુવીર ચૌધરી-તરુલતાબેન મહેતા

ભારતીય   જ્ઞાનપીઠ  પારિતોષક રઘુવીર ચૌધરીને મળ્યું તેથી  સૌ ગુજરાતીઓ  ગૌરવથી તેમને સલામ કરે છે.માતૃભાષા ગુજરાતીની સેવા રઘુવીરભાઈ અવિરતપણે તેમના એકએકથી ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્રારા કરતા રહ્યા છે.રણજિતરામ સુવર્ણચદ્રક ,સાહિત્ય અકાદમીનો દિલ્હીનો પુરસ્કાર ,ગુજરાતી સાહિત્યનો અકાદમીનો પુરસ્કાર,નર્મદ સુવર્ણચદ્રક —બીજા અનેકની યાદી ગુગલ પર ક્લિક કરતાં મળી રહેશે.તેમની ઉંમર કરતાં તેમણે પ્રકાશિત કરેલાં પુસ્તકોની વધુ છે.80 પુસ્તકો તે પાછા ગુણવત્તાથી ભરપૂર લખનાર રઘુવીરભાઈને તેમની સર્જનશક્તિ માટે અભિનન્દન.(વાયગ્રા જેવું શબ્દાગ્રા મળતું હોય તો બીજા શબ્દસર્જકોને લાભ થાય )તેમનાં 80પુસ્તકોમાં કવિતાઓ ,વાર્તાઓ  ,નવલકથાઓ ,વિવેચનો  ,નાટકો  હાસ્યલેખો  ,અનુવાદો , સંપાદનો સઘળાનો સમાવેશ થાય છે.એમના એક કાવ્યનો ઉલ્લેખ કરી કહીશ કે નદીના પાણી વધે કે ઘટે પણ તેમના સર્જનની નદી જળથી છલકાતી સદાય વહ્યા કરે છે.કાવ્ય છે,’આ એક નદી ‘

‘દર્પણમાં

મારા ચહેરાની પાછળ

હજીય વહેતી

આ એક નદી

નામે સાબરમતી

અમથી અમથી ખમચાતી

મારી નીદર પરથી પસાર થતી.

સવારે ધુમ્મ્સમાં ભળીને

લગભગ પુલ નીચે એ

અટવાઈ જતી.

અછાંદસ કાવ્ય લાંબુ છે,પણ અંતમાં કવિ કહે છે,’સુકાઈ રહી છે આ એક નદી નામે સાબરમતી .

વચ્ચેના વર્ષોમાં દૂધવિહોણા માતાના સ્તનો જેવી   શુષ્કજલા સાબરમતી જોઈને કવિની જેમ અમદાવાદીઓ ઉદાસ થતા,આદિલ મન્સૂરીનું ‘નદીની રેતમાં રમતું નગર ‘ સૂકાયેલી સાબરમતીને જોઈ ઝૂરાપો અનુભવતું, હાલ નર્મદાયોજનાથી નદીમાં પાણી વહે છે અને લોકો’ રીવર વોક’ની મસ્તી સાંજે માણે છે.રઘુવીર ચૌધરીએ શહેરી જીવનના અને ગ્રામ્યજીવનના અનેક સંવેદનોને તેમનાં સર્જનમાં ઉતાર્યા છે,આ કાવ્યમાં તેઓ સો ટકા અમદાવાદના રહેવાસી  (અમદાવાદી નથી કહેતી કારણ કે તેમના ખિસ્સાની અને દિલની ઉદારતાનો મને મીઠો અનુભવ છે.) જણાય.પણ તેઓ બાપુપુરામાં  ઘરની ‘હાશ’ માણે છે. સાબરમતીને કાંઠે ગાંધીજીનો આશ્રમ અને ગુજરાતી સાહિત્યપરિષદનું વિશાળ બિલ્ડિગ,પરિષદના પ્રાગણમાંથી નદીદર્શન મનને પુલકિત કરી દે.રઘુવીર ચૌધરી અને બીજા અનેક સાહિત્યકારોનું મિલનસ્થાન,સાહિત્યની પ્રવુતિઓથી ધમધમતું.ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ થઈ ચૂક્યા છે,ટ્રસ્ટ્રી અને બીજી અનેક જવાબદારી તેમણે ઉપાડી છે.ગુજરાત યુનિવર્સીટીમાં હિન્દીના પ્રધ્યાપક, હિન્દી અને ગુજરાતીના સાહિત્યના ઉત્તમ સર્જક.સાહિત્યની ભૂમિમાં નવાં ખેડાણ કરનાર રઘુવીરભાઈ વતન બાપુપુરામાં ઉમદા ખેડૂત.શહેરી સઁવેદનો અને તળપદી ઊર્મિઓ બન્ને જીવંત બની તેમના સર્જનમાં ઉતરે છે.ઉમાશઁકર જોશી અને સુરેશ જોશી બન્નેનો  તેમણે આદર કર્યો છે.ગાંધીયુગ અને આધુનિક સાહિત્ય સહુમાંથી તેમનું મૌલિક સર્જન થયું છે.પશ્ચિમની વિચારસરણીની અસરથી લખાયેલી આધુનિક નવલકથાઓ લખનાર રઘુવીર ચૌધરી ‘પોટલું’ જેવી તળ જીવનની વાર્તા આપેછે.’પોટલું’ વાર્તાની ડોશી પોતાના ગામનું નામ ભૂલી ગઈ છે,પણ ગામના ઝાડ,તળાવને યાદ કરૈ છે.પોટલાની ગાંઠ તો છૂટતી નથી.મને તો શહેરમાં,દેશ-પરદેશમાં ભૂલા પડેલાં આપણે સૌ જીવનના પ્રશ્નોની ગાંઠ ઉકેલવાનો વ્યર્થ  પ્રયત્ન કરતા હોઈએ તેવું લાગે છે.જન્મભૂમિ અને માતૃભાષામાં પ્રાણ પૂરનાર તેમને વન્દન હો.

એમનાં પુસ્તકોની યાદી ગુગલ પર સુલભ છે ,તેથી આપવાનું ટાળ્યું છે.પણ મારા કોલેજકાળ દરમ્યાન તેમની

‘અમૃતા ‘નવલકથાનું ધેલું લાગેલું,વાંચીને મિત્રોમાં ચર્ચા કરતાં.ડાયલોગ બોલતાં (શોલેના ડાયલોગ કેટલાક કડકડાટ બોલતા ) પછી ઉપરવાસની કથાત્રયી રસથી વાંચી,તેમના નવા પ્રકાશિત પુસ્તકો શોધીને
વાંચેલાં ,એમને એવોર્ડ મળતા રહ્યા પણ રઘુવીરભાઈ હમેંશા એમના મર્મીલા હાસ્યથી ખબર પૂછે,એમની અને ઉમાશઁકર જોશીની સ્મુતિશક્તિની દાદ દેવી પડે.એકવાર મળો એટલે બીજીવાર મળે ત્યારે નામ સાથે તમારી પ્રવુતિ વિષે પ્રેમાળ પૂછપરછ કરે.તમને પોતીકું લાગે તેવા સ્વજન મળ્યા.રઘુવીરભાઈની પ્રતિભા એમની યુવાન વયે જેવી ઉત્સાહથી છલકાતી,નર્મ હાસ્યથી દીપતી,સ્ફૂર્તિલી,ગૌરવશાળી સપ્રમાણ શરીરથી શોભતી તેવી આજે છે.માફ કરજો ,માથે ધોળા વાદળો તેમના સફેદ પોશાકને ગૌરવ આપે છે.આ રઘુવીર ચૌધરી માટે હું ઉમળકાથી લખું છું કારણ ગુજરાતી સાહિત્ય પરિષદોમાં અને બીજા અનેક પ્રસન્ગે તેમનો પરિચય થયો છે.ખાસ કરીને 1990માં મારા ‘વિયોગે ‘વાર્તાસગ્રહને પારિતોષક મળ્યું ત્યારે તેમની અને શ્રી ઉમાશઁકર જોશી બન્નેની હાજરી હતી.બન્ને જ્ઞાનપીઠ એવોડના વિજેતા.બીજા પન્નાલાલ પટેલ એ યાદીમાં યાદ આવે છે,તેમનો અને રઘુવીર ચૌધરીઓ નિકટનો સબન્ધ છે.આપણી ગુજરાતી ભાષા આવા મહાન સાહિત્યકારોથી ગોરવવન્તિ છે.આપણું સદ્દભાગ્ય છે આપણને તેમની પ્રત્યક્ષ હાજરી અને વક્તવ્યનો લાભ મળશે.

તરૂલતા મહેતા 21મી ઓ.2016

1 thought on “ભારતીય જ્ઞાનપીઠ પારિતોષક રઘુવીર ચૌધરી-તરુલતાબેન મહેતા

  1. રધુવીરભાઈની આજની અને આવતી કાલની Bay Area ની મુલાકાતને અનુલક્ષીને આ બહુ જ સરસ લખાણ મૂકી, તમે માતૃભાષાની સેવા કરી છે, અને શિક્ષક તરીકેની ફરજ ઉત્તમ રીતે બજાવી છે. અભિનંદન અને આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.