સાંસ્કૃતિક સંઘર્ષ -7-અમે ગુજરાતી, અમેરિકાવાસી -પ્રવિણા કડકિયા

 

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. આ છે ઘાંચીના બળદ જેવી વાત. ગોળ ગોળ ફરે પણ ભાઈ હોય ત્યાં ના ત્યાં. હરીફરીને આપણે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરીએ ?

‘હું ને મારો વર’.

‘મારા વરને આ ગમે’.

‘મારા વરને આના વગર ન ચાલે’?

‘મારી પત્ની ગુસ્સે થશે’.

‘મારી પત્નીને ખબર પડશે તો ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ’.

‘મારી રસોઈ કદી વખાણતાં નથી’.

‘ગમે એટલું કમાઉ પણ મારી કિમત કોડીની’.

‘અમેરિકામાં તમે અને હું બન્ને કમાઈએ છીએ, જરા સોફામાંથી ઉભા થાવ”.

“તારી બહેનપણી સાથે પછી વાત ન થાય?”

‘એ તો છે જ એવા ભૂલકણા, મારી વર્ષગાંઠ પણ એમને યાદ રહેતી નથી,’

‘અરે, ભાઈ જો જે કોઈને કહેતો, ઘરે ખબર પડશે તો મારા બાર વાગી જશે’.

‘કમાય છે તો શું થઈ ગયું ? ઘરનું કામ અને રાંધતા તારી મમ્મીએ શિખવાડ્યું નથી લાગતું.’

‘તમારી મમ્મીએ, સોફામાં બેસી જમતાં જ શિખવાડ્યું છે’.

‘ઓ લાટસાહેબના દીકરા, જાવ લિસ્ટ બનાવ્યું છે, ગ્રોસરી લઈ આવો.’

આ બધી પંક્તિઓ જાણીતી લાગે છે. કદાચ સાંભળી પણ હોય. અરે, ન સાંભળી હોય તો બોલ્યા પણ હોઈએ ? લગ્ન પહેલાં ગોર મહારાજ  કેટલી વાર સાવધાન બોલ્યા હતાં. હવે કોઈના લગ્ન માણવા જાવ તો જરૂરથી ગણજો.

ઓ મારા મિત્રો, આ ૨૧મી સદી છે. હા, લગ્ન થયા,  કુટુંબ વધ્યું, બાળકો થયા, સાસુ અને સસરા ( બન્ને પક્ષ તરફથી) ઘરમાં આવે જાય. સંસાર તો આમ જ ચાલે. જો નાની નાની વાતોમાં સમય બગાડશો તો જીવન ક્યાય હાથતાળી દઈને પસાર થઈ જશે. હા, શરૂઆતના વર્ષો પતિ અને પત્નીને એક બીજાને અનુકૂળ થવા જોઈએ. એવું માત્ર આપણા ગુજરાતીઓમાં જ છે એવું નથી. દુનિયાની કોઈ પણ જાતની બે વ્યક્તિ લગ્ન કરે એટલે એ તો રહેવાનું જ. પછી ભલે ને તે અમેરિકન હોય, યુરોપિયન હોય, ચાઈનીઝ કે જાપાનીસ.  નહિતર ખબર છે ને, ૨૧મી સદીનો સહુથી ભયંકર અને ચેપી રોગ, “છૂટાછેડા”. જે એટલો ચેપી છે કે ગમે તેટલા ‘વેક્સિન’ લેવાથી તમે ‘રોગ મુક્ત ‘ બનતાં નથી.

તેના માટે તો સહુથી સરસ અને અકસીર વેકસિન છે, “સમઝણ, સંયમ, ધીરજ, સહનશક્તિ અને સન્માન”. જેની સાથે લગ્ન કર્યા છે તેના માટે અનહદ પ્રેમ. આ બન્ને જણાને સરખાં લાગુ પડે છે. તેનો અર્થ એવો નહી કે ત્રાજવે તોલીને અડધાં અડધાં કરવા. પોતાની બુદ્ધિ યા અંતરનો અવાજ સુણીને પગલાં ભરવા. બેમાંથી એક પણ પહેલ કરવામાં ‘નીચા બાપનું ‘ નથી થઈ જતું.

એક વાત યાદ રાખવી, ” માત્ર હું કહું એ જ થવું જોઈએ”, એ વાક્યને કચરાની ટોપલીમાં પધરાવીએ તો સારું. તેના માટે  આનાથી યોગ્ય બીજી જગ્યા કોઈ નથી. આજે કોઈ ભાષણ આપવાનો ઈરાદો નથી. આ તો જ્યાં ત્યાં  ‘પુરૂષ સ્ત્રીનો અને સ્ત્રી પુરૂષની’ ઈજ્જતનો ફાલુદો કરે છે એટલે લખવા બેઠી. “સન્માન ન આપો તો કાંઈ નહી સ્વમાનને ન છંછેડશો.” એકબીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી જુઓ, જીવન મહેકતું થઈ જશે. “એને ખબર છે” કહીને વાત આડા પાટા પર નહી લઈ જવાની. મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે, “સારા શબ્દો કાને પડે તો ગમે.”

હા, આપણે એક બીજાને પ્રેમ કરીએ છીએ તેમાં ના નહી. કોઈ તેમાં ભાગીદાર થવા આવે તે સહન પણ નથી કરી શકતાં. ત્યાં એક “લાલબત્તી” ધરવાનું મન થાય છે. તમે કહેશો .’મૂકને તારા ડહાપણમાં પૂળો.’ ચાલો બસ, તમારું સાંભળીને મૂક્યો.

આપણું અસ્તિત્વ નાના નાના ચોકઠાનું બનેલું છે. દરેક ચોકઠાને સાંધતી લીટી .સીધી પણ હોઈ શકે, ગોળાકારમાં પણ હોય યા ત્રિકોણ પણ બનાવે. અંતે તે રૂપ ધરે માનવીનું. હવે તમને કહેવામાં આવે કે તમને આંખ ગમે કે કાન તો શું જવાબ આપશો? સ્વાભાવિક છે તમે કહેશો કાન સાંભળવા માટે જોઈએ અને આંખ જોવા માટે. જેમ દરેક અંગનું મહત્વ છે જે પોતાની જગ્યાએ યોગ્ય છે તેને માટે કોઈ બાંધછોડ આપણે કરવા તૈયાર નથી. એ જ નિયમ અનુસાર જન્મ લેતાંની સાથે માતા, પિતા, નસીબદાર હો તો ભાઈ યા બહેન તમને સર્જનહારે આપ્યા છે. વણમાગ્યે તમને તમારું શરીર અકબંધ માતાના ગર્ભમાં પોષણ દ્વારા પ્રાપ્ત થયુ છે. હવે વખત જતાં તેમાં બાંધછોડ કઈ રીતે શક્ય છે?

એક જ જવાબ છે તમે આ ફાની દુનિયા છોડી જતાં રહો. હવે તમે મોટાં થયા, ભણ્યા, પ્રેમ કર્યો, લગ્ન કર્યાં, બાળકો થયા. તમારા સંબંધોનો વિસ્તાર કૂદકે ને ભૂસકે વધ્યો. તમે ઉંમર, શરીર, પરિસ્થિતિ અને બુદ્ધિમાં પાંગર્યા. તમારા “ચોકઠાં”નો આંકડો વધ્યો. તમારે એ સહુને પ્રેમથી સજાવવા રહ્યા. નવા આવે એટલે જુનાને ત્યજાય નહી!

એક વાત યાદ રહે, ” જુનું તે સોનું, નવા એટલે હીરા. પણ હીરાને જડવા સોનાની જરૂરત પડવાની.’

હવે વાત આગળ ચલાવીએ. લગ્ન થયા, પ્રેમ હતો એટલે લગ્ન કર્યાં. પ્રેમનું પ્રદર્શન વખતોવખત કરતાં રહેવું એ સુખી લગ્નજીવનનો પાયો છે. હા, મોટાભાગની વસ્તુઓ એકબીજા સમજી જતાં હોય છે. અભિવ્યક્તિ ‘આભૂષણ’ છે. જે દરેક વ્યક્તિ અંતરથી ચાહતી હોય છે. યાદ રહે તે ઘેલછામાં પરિવર્તિત ન થાય ! સમય, સ્થળ અને સંજોગો પર આધારિત હોય છે.

આપણે રહ્યા ભણેલાં, ગણેલાં, જીવનને વ્યર્થ શા માટે જવા દેવું? આપણે અંગુઠાછાપ નથી. જીવનનું મહત્વ સમજીએ. ‘આજે છીએ, કોણ જાણે કાલે ક્યાં?’ શા માટે ફાલતુ વાતોમાં કિમતી સમય વેડફી દેવો? અરે, અમેરિકામાં આવીને વસ્યા છીએ. નાસા યાન ‘મંગળ’ પર મોકલવાની તડામાર તૈયારી કરે છે. આપણે થોડાંક તો સુધરીએ. પછી ભારતના ગામડામાં વસતા ગમાર અને આપણામાં ફેર શો રહ્યો? આપણે તેનાથી ચડિયાતા છીએ એવું મારો કહેવાનો ઈરાદો નથી. માત્ર સમય અને સંજોગ પ્રત્યે સજાગ રહી આ અણમોલ જીવનને જીવી જઈએ. બાકી સમય કોઈને માટે થંભતો નથી. એની એકધારી ગતિ ચાલુ રહેવાની. તમારા અને મારાં જેવા કંઈક આવ્યા અને ગયા.

“પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે નિશાની ઈશની રે કેમ વેડફી દેવાય”.

જીવન એવું જીવવું કે આપણે જઈએ ત્યારે મુખ પર સ્મિત રેલાયું હોય. કાણે આવેલાના મોઢા પર વિષાદની વાદળી ભલેને પાંચ મિનિટ માટે અંકિત થઈ હોય. પંચકોષનો બનેલો આ દેહ જે આનંદથી છલોછલ ભરેલો છે, જેમાં મગજ નામનો અવયવ છે અને તેમાં “વિચાર કરવાની શક્તિ છે”. હવે સારા, ખોટાં, સાચા યા ભૂલભરેલાં કરવા તે તમારા પર છોડ્યું.

મિત્રો, જીવનની હર પળ કિમતી છે. જે ન દેખાય તેમ સરી રહી છે. યાદ છે ને ‘ગયો અવસર આવે નહી, ગયા ન આવે પ્રાણ’.   એકબીજાની ત્રુટીઓ જોવી ત્યજો. જે છે તેનો લહાવો લો. મંગલકામના કરો. આતંકવાદના ઓળા સમસ્ત જગમાં ઉતર્યા છે. કોણ ક્યારે ક્યાં હશે તેની કોને ખબર ! જુઓ તો ખરા અમારામાં ઈશ્વરે કેટલી તાકાત ઠાંસી ઠાંસીને ભરી છે. અમે કેટલી જગ્યાના પાણી પીધાં છે. અમે દરેક સ્થિતિમાંથી પાર ઉતર્યા છીએ . અમને દરેક જગ્યાએથી ઉત્તમ ગ્રહણ કરવાની સોનેરી તક સાંપડી છે.

જીવન એટલે રેતીમાં પગલાં પાડવા. વાવંટોળ આવશે અને નામોનિશાન ભુંસાઈ જશે. બસ શ્વાસ છે ત્યાં સુધી મુસાફરી ચાલુ રહે. ઉન્નત મસ્તકે ગંતવ્ય સ્થળ પર પહોંચવાની શક્તિ મળે.

મારી વહાલી મા હંમેશા કહેતી, “બેટા વિચાર ઉંચા રાખજે નજર નીચી.”

**********************************************************************************

2 thoughts on “સાંસ્કૃતિક સંઘર્ષ -7-અમે ગુજરાતી, અમેરિકાવાસી -પ્રવિણા કડકિયા

  1. બેટા વિચાર ઉંચા રાખજે નજર નીચી.”.. વાહહહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.