સાંસ્કૃતિક સંઘર્ષ- 5-(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)’કોને  કહું ?’- તરુલતા મહેતા

રોશન શિયાવિયા થઈ ઘરના બારણાની પાસે જ ઊભો છે,કોઈ ખોલે તો એ સસલાની જેમ ભાગે.  બારણાના લોક સુધી એનો હાથ પહોચતો નથી.શું કરવું? તે ઘડી ઘડી કૂદકા મારી હાથ ઉંચો કર્યા કરે છે,જમવાના ટેબલની ખુરશીને  ખસેડી બારણા પાસે લાવવા જોરથી ધક્કા મારે છે, એના કૂમળા હાથમાં વાગતાં પડી જાય છે.ઘરમાં એવી ધમાલ મચી હતી કે  કોઈનુ  એના તરફ ધ્યાન નથી ,  ‘શું કરવું છે ?’ એમ પૂછવા કોઈ નવરું નથી.સવારે મમ્મી એને દૂધમાં સીરીયલ અને કેળું આપી કોઈ કામે ભાગી હતી.આજે રજા હતી પણ રોશનને બગીચામાં સાઇકલ ફેરવવા લઈ જવા કોઈ તેયાર  નહોતું.એ બહાર જવા માટે અધીરો થયો હતો,બંધ બારણાના કી-હોલમાંથી કૂદકા મારી બહાર નજર દોડાવે છે,એ જાણે  દોડતો જવા લાગ્યો, દૂર પેલા રોસઅંકલના બેકયાર્ડની ધારે ઉગેલા પીળા ફૂલની પાસે જઈ માથું ઊચું કરી વાત કરવા લાગ્યો. ‘ તારા સિવાય કોઈ મારી તરફ જોતું નથી,કોને કહું?ઘરમાં બીજા આંટીની ધમાલ મને ગમતી નથી,મારું ઘર છે,અહી મને રહેવા દો.’ એ એનાથી ઊંચા છોડની પીળી લીસી પાંખડીઓને એની મમ્મીની આંગળીઓ હોય  તેમ ધીરેથી અડવા જતો હતો ત્યાં ‘ નો નો અડીશ નહિ .. ‘કોઈએ તેને રોક્યો .

એટલામાં બારણું ખૂલતાં રોશન ચારપગે દોડ્યો.

‘પાપા,પાપા મારે બહાર જવું છે’ કરતો વળગી પડ્યો.એના પાપા હમણાંના વીકેએન્ડમાં જ  ઘેર આવતા,એને ‘ચકીચીઝ ‘માં લઈ જતા,રોશનને પીત્ઝા ખાવાની અને ગેઈમ રમવાની મઝા આવતી,કોઈક વાર મોલમાં જઈ શુઝ ને કપડાં લઈ આપતા.સાંજે ઘેર મૂકવા આવતા ત્યારે  મમ્મી એને વહાલ કરી બોલાવતી પણ જો એ પાપાને જીદ કરી ઘરમાં રોકાઈ જવા ક્હે  તો મો ફેરવી લેતી.

આજે પાપા ઘરમાં આવ્યા છે ત્યારે મમ્મી બહાર જતી રહી છે,એને કંઈ સમજાતું નથી.જાણે પઝલમાં કશુંક ખોવાઇ ગયું છે,ગઈ કાલ મોડી રાત સુધી એ પઝલને ગોઠવી ગોઠવી થાક્યો હતો,ઘર બનાવવા મથ્યો,કાર બનાવવા ગયો પણ કાઈ બન્યું નહિ,મમ્મી એના રૂમમાં હતી,એનું બેકપેક,ચોપડીઓ,રમકડાં ,કપડાં બધું એક બેગમાં મૂકી બોલી ,’બેટા રોશન,તારી આ બેગમાં બધી તારી વસ્તુઓ છે,તારા પાપાને ત્યાં બધું ઠેકાણે રાખજે .’ રોશને  પઝલને ફેકી રૂમમાં ઉછાળી ,એ ખરેખરો થાકી ગયો હતો,ઉધમાં આવી ગયો હતો,એણે  મમ્મીના ખોળામાં બેસી ભેકડો તાણ્યો,’હું નથી જવાનો ..નથી જવાનો …’

‘જો મારા ડાહ્યા દીકુ,તારા પાપા તને ખૂબ વ્હાલ કરશે,આ ઘરનું પતી જાય પછી હું  તને મારે ત્યાં લઈ જઈશ.’

રોશન રડતા રડતા બોલતો હતો ,’આ મારું ઘર છે,મમ્મી-પાપાનું ઘર છે,’

એની બાળહઠ આગળ મમ્મી સમજાવી થાકી એટલે વઢીને બોલી ,’ઓ.કે.કાલે વાત અત્યારે સૂઈ જા.’

રોશન મમ્મીના ખોળામાંથી ભાગી પોતાના બેડમાં જઈ ઉધો પડી ડૂસકા ભરવા લાગ્યો.છેવટે મમ્મીએ  રોતલ અવાજે એને જંગલમાં ભૂલા પડી ગયેલા રાજકુમારની વાર્તા સંભળાવી એટલે માંડ છાનો રહ્યો.રાજકુમાર પશુને,પંખીને,નદીને ,આકાશને ,ઝાડને ફૂલને બધાંને કહેતો ,’હું ભૂલ્યો  પડી ગયો છું ,મને માર્ગ દેખાડો?’રોશન અડધી નીદરમાં બબડ્યો ,’ કોને કહું?મારે નથી જવું …મમ્મી  સવાર સુધી એને વળગીને સૂઇ રહી.

‘તારી મમ્મી આવે ત્યારે લઈ જશે.’ એના પાપા ઝડપથી દાદરો ચઢી ઉપરના માળે ગયા.આજ સવારથી કોઈ આંટી અને બીજા બે જણા ઉપર -નીચે ઘરને જોયા કરે છે,રસોડું ,બાથરુમો બધું મમ્મીએ ક્લીન કર્યું છે,એને એના રૂમમાં બેસી ટી.વી.જોવા બેસાડી દીધો હતો.

ઉપરના માળેથી  એવા અવાજો હતા કે એણે કાન પર એના ટચૂકડા હાથ ઢાંકી દીધા,મોટે મોટેથી થતી વાતોથી ને સામાનની ઊથલપાથલથી એને ડર લાગ્યો, એનું ઘર હમણાં જ તૂટી પડશે એમ તેને લાગ્યું . ગયા વર્ષે મમ્મી સાથે મામાને ત્યાં ગયો ત્યારે એરપોટ ઉપર ‘બોમ્બ ફૂટ્યો,બોમ્બ ફૂટ્યો’કહી સૌ જમીન પર આડા પડી ગયા હતાં  અને જ્યાં જગા મળી ત્યાં સંતાયા,દોડાદોડીમાં  એણે  મમ્મીનો હાથ જોરથી પકડી રાખ્યો હતો.તેઓ સહીસલામત એરપોટની બહાર દોડી ગયાં હતાં.એ  બારણા પાસે ઊભો ઊભો રડતો હતો,’મમ્મી મને તારો હાથ પકડવા દે,મને બીક લાગે છે,મારી ચડ્ડી ભીની થઈ જશે.’

‘રોશન કેમ રડે છે?’ એના પાપાએ મોટા અવાજે પૂછ્યું .

જાડા આંટીએ ઉપરથી જોયું ને તાડૂકી ઉઠ્યા,’જલદી જાવ મિ.અજય છોકરાને બાથરૂમ લાગી છે,કાર્પેટ પલાળી દેશે તો ક્લીન કરાવવાનો ખર્ચો થશે.’

‘ના રોશન એવું કરતો નથી’ પાપાએ એને ઊપરથી  બાથરૂમમાં જવા સમજાવ્યો પણ તે એકનો બે ના થયો,એમ જ ભયભીત ઊભો રહ્યો.છેવટે તેઓ  નીચે આવી વહાલથી બાથરૂમમાં લઈ ગયા.તે પાપાનો હાથ પકડી બારણા આગળ ઊભો રહ્યો.

‘શું કરવું છે?આજે હું બીઝી છું બહાર નહિ જવાય.’ પાપાએ એને સમજાવ્યો. એ કેમે કરી પાપાને છોડવા તેયાર નહોતો.

ડોરબેલ વાગતા રોશન ખુશ થયો,એને એમ કે મમ્મી આવી પણ પાપાએ બારણું ખોલ્યું ત્યારે તેણે જોયું કે બે મોટી સફેદ રંગની ટ્રકો

ફૂટપાથની ધારે ઊભી હતી.રોશનને કોઈ બે મો…ટા રાક્ષસો એને ,પાપાને ,મમ્મીને ,એના ટોયઝને ,બાઈકને –આખા ઘરને ઉપાડી જવાના હોય તેવું લાગ્યું.

પાપા કડકાઈથી રોશનને આઘો કરી મજૂરો સાથે ઉપરના માળે ગયા.બારણું ખૂલ્લું જોતાં તે બિલ્લીપગે રોસઅંકલના બેકયાર્ડ તરફ

ભાગ્યો.એકશ્વાસે દોડતો એનાથી ઊંચાં પીળા  ફૂલની  લગોલગ પહોંચી ગયો.

‘આજે ય કહ્યા વિના દોડી આવ્યો ને?જો કેટલો હાંફે છે?’ રોસઅંકલ છોડવાને પાણી પાતા બોલ્યા.

‘જુઓ ફૂલ મારી બાજુ માથું નમાવે છે ,મારે એને ખાસમખાસ વાત કહેવી છે. ‘

‘અરે,એ તો સૂરજમુખી એટલે સૂરજ જોયા કરે.’ રોસઅંકલે એને કહ્યું.

‘ રોશન આંખો બંધ કરી ફૂલને સૂંધે છે,કાનમાં કહેતો હોય તેમ બોલે છે,મારે જવું નથી પણ તું આવું તો કેવું?’ એણે હળવેથી છોડને સહેજ હલાવ્યો .

રોસઅંકલ એની પાસે આવી બોલ્યા ,’રોશન છોડને બીજે ના લઈ જવાય,એના મૂળ જમીનમાં ઊંડા ઉતરેલા છે,એને ખોદીને કાઢીએ તો વિલાય જાય.’
રોશન મો ચઢાવી ઘાસમાં બેસી પડ્યો,’પછી હું કોને કહીશ મારી ખાસ વાત?’
એનું ઉતરેલું મો જોઈ રોસકાકાએ કહ્યું ,
હું તને બીયા આપીશ તું તારા ધેર ઉગાડજે ‘

રોશન બિયાં લઈ એના ઘર તરફ દોડ્યો,દૂર મમ્મી -પાપા સામસામે  ટ્રકો પાસે ઊભાં  હતાં,ઘરનો સામાન બહાર પડ્યો હતો,એને જોતાવેંત એનો હાથ પકડવા તેઓ પાસે આવ્યાં,એ  પાસે પહોચ્યો ત્યારે એની રમકડાંની  કારની ઠોકર વાગતા પડી ગયો,હાથમાંથી ફૂલના બી પડી ગયાં,મમ્મી -પાપાએ એનો એક એક હાથ પકડી ઊભો કર્યો,બન્ને સામસામી દિશામાં એને ખેચતાં હતાં વચ્ચે રોશન ફૂલના છોડ સરીખો જમીનમાં ઊભો હતો.

તરૂલતા મહેતા 20મી ઓક્ટોબર 2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.