‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’.
લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી.
૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને ખબર હતી. અંહી ઘરડાં લોકોની સ્થિતિ ખૂબ દયનિય હોય છે. પોતાની વહાલી એકની એક દીકરી, જેને લાખોની મિલકત મળવાની છે તે આવો ‘ધડાકો’ કરશે? પહેલા તો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. પણ પછી તે સડક થઈ ગઈ. તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી. જ્યારે સાજી હોય ત્યારે પોતાની દીકરી અનુષ્કાને બધી તરફની મદદ કરતી. અનુષ્કા તેની એકની એક દીકરી હતી. લક્ષ્મીચંદના વિયોગ પછી તે એકલી થઈ ગઈ હતી. લક્ષ્મીચંદ લાખોમાં રમતો વ્યાપારી હતો. સંતાન માત્ર એક જ હતું. અનુષ્કા પરણીને સાસરે ન્યૂયોર્ક આવીને સ્થાયી થઈ હતી. પપ્પા હતાં ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. અચાનક ૬૫ વર્ષની ઉમરે પહેલો હાર્ટ એટેક આવ્યો અને લતા એકલી થઈ ગઈ. ૭૫ વર્ષની થઈ ત્યાં સુધી તો મુંબઈ નોકર ચાકર વિગેરેની હાજરીમાં બાદશાહની જેમ રહેતી.
જેમ ઉમર વધે તેમ દીકરીને ચિંતા થતી. ‘કાલે ઉઠીને મમ્મીને કાંઈ થઈ જાય તો આ બધું કોણ અવેરશે? અનુષ્કાનો પતિ ખૂબ વિચારીને ડગલાં ભરતો. ખબર હતી લાખોની જાયદાદ તેને જ મળવાની છે. પોતે પણ ડોક્ટર હતો. પૈસાની ક્યાં કમી હતી? આ તો જાણે લોટરી લાગી હોય તેવી વાત હતી. ધીમે ધીમે અનુષ્કાને સમજાવી મગજમાં ઠોકાવ્યું કે મમ્મીનું બધું મુંબઈથી સમેટી ઘર ભેગું કરી લે. મમ્મી નહી હોય પછી મુંબઈના ચક્કર કોણ કાપશે?
અનુષ્કાને આ વાત વ્યાજબી લાગી. મમ્મીને પ્યારથી સમજાવી. લક્ષ્મીચંદને મિત્રો ઘણા હતાં. તેના સ્વભાવમાં સહુને સહાય કરવી એવો મુદ્રાલેખ કોતરેલો હતો. જેને કારણે લતાને મુંબઈનું બધું સમેટતાં કોઈ અગવડ પડી નહી. અમરે બધા પૈસા બેંક મારફત અમેરિકા મગાવી લીધાં. લતા અમેરિકા ઘણીવાર આવીને રહી હતી તેથી તેને અંહી રહેવામાં પણ કોઈ વાંધો ન હતો. લતાને પ્રસુતિ આવે ત્યારે હમેશા આવતી અને છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી અનુષ્કાને મદદ કરતી. પાછી ‘નેની’ તો હોય જ.
પાંચેક વર્ષ તો અનુષ્કાના બાળકો નાના હતાં એટલે મમ્મી આશીર્વાદ જેવી લાગે. બાળકોની ચિંતા નહી. તેમને ઘરની સુંદર અને તાજી ભાતભાતની વાનગીઓ પણ મળી રહેતી. બાળકો કાંઇ કાયમ નાના રહેવાના ન હોય ! મોટો તો હવે કૉલેજ ગ્રેડ્યુએટ થવાની તૈયારીમાં હતો. નાના બન્ને હાઈસ્કૂલમાં આવી ગયા હતાં.
અનુષ્કાએ અમરની ક્લિનિક પર જઈ ફાઇનાન્સ સંભાળી લીધું.
લતા પહેલાં કોઈક કોઈક વાર ગાડી ચલાવતી હતી. ૭૫ની થયા પછી સદંતર બંધ કરી દીધું. અનુષ્કાને કાંઇ પણ કહે તો ગલ્લાંતલ્લાં કરે. મનમા કહે,’ મમ્મી છે તો શું થઈ ગયું ? હું પણ થાકી જાંઉં છું. મારે ઘરે આવી અમર સાથે સમય પસાર કરવો હોય. બાળકોને એમની મનગમતી જગ્યાઓએ લઈ જવાનાં હોય.’
લતા સમજતી પણ બોલતી નહી. પોતાનાં કાંડા કાપી આપ્યા હતાં. મુંબઈની જગ્યા વેચી નાખી હતી. ધંધાની દુકાન ખૂબ મોકાની હતી. અરે માત્ર ભાડે આપી હોત તો પણ લતાને ચમન હતું. સંબંધીઓ પુષ્કળ હતાં. લક્ષ્મીચંદના ભાઇ તેમજ બહેન પણ મુંબઈમાં હતાં. દીકરીના પ્રેમમાં પાગલ થઈ બધું સમેટી લીધું હતું. છતાંય મુંબઈ જવું હોય તો જેઠનું અને નણંદનું ઘર તેને માટે ખુલ્લું હતું. મોટીભાભી હોવાને કારણે સહુ તેની ઈજ્જત કરતાં. મુંબઈમાં બધું સમેટતાં પહેલાં દિયર અને નણંદે ખૂબ સમજાવ્યાં હતાં. મોટી ભાભી તો ‘મા’ સમાન ગણાય. લતા એકની બે ન થઈ.
છેલ્લાં છએક મહિનાથી લતા વિચારી રહી હતી અનુષ્કા ઓછું બોલે અને મમ્મીની હાજરી ઘરમાં હોવા છતાં પણ ગણકારે નહી. મા હતી તેથી તેની પાસે જતી પણ ત્યારે ઉત્તર હા કે નામાં આપતી. તેને ખૂબ અતડું લાગતું. શબ્દ બોલે નહી. અમર તો સવારે વહેલો જાય, રાતના મોડો આવે. બાળકો ભણવામાં વ્યસ્ત રહેતાં.
આજે સવારે અનુષ્કાએ કહ્યું, ‘મમ્મી તને ‘સિનિયર્સ’ હોમમાં મૂકવાની છે. હવે ભારત પાછાં જવાના બધા દરવાજા બંધ હતાં. મમ્મીને કારણે તેમને વેકેશન પર જવું હોય ત્યારે ખૂબ અગવડ પડતી. નાના બન્ને હવે રજામાં કૉલેજ જવાની તૈયારી કરી રહ્યાં હતાં.
અમરના માતા અને પિતા તો ૬૫ વર્ષની ઉમરે બદ્રીનાથ ગયા ત્યારે અકસ્માતમાં સાથે વિદાય થઈ ગયા હતાં. એ લપ અનુષ્કાને હતી નહી.
લતા વિચારી રહી હવે શું? તેને એમ કે ‘સિનિયર્સ હોમ’ એક જ શહેરમાં હશે. પણ ના, લગભગ ૫૦૦ માઈલ દૂર. અમર તો વ્યસ્ત હોય એટલે મૂકવા પણ ન ગયો. અનુષ્કાએ ખૂબ પ્યાર જતાવ્યો.
‘મમ્મી, તને રોજ ફોન કરીશ’.
‘મમ્મી, તને દર મહિને હું અને અમર મળવા આવીશું.’ સાવ ખોટાં અને બેહુદાં વચન લતાને આપી રહી !
લતા તો બહેરી અને મૂંગી થઈ ગઈ. તેનું દિમાગ કામ ન કરતું. બોલવાનો કોઈ અર્થ ન હતો. તેને ખબર હતી તેની જીદ્દી દીકરી પોતાના મનનું ધાર્યું જ કરવાની. જરૂરી સામાન લીધો. આમ પણ પતિ ગુમાવ્યા પછી તેની જરૂરિયાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. જાણે ચાવી દીધેલું પૂતળું ન હોય. સારું હતું એને ઈંગ્લીશ આવડતું હતું. શરૂ શરૂમાં તો બે મહિના અનુષ્કા આવી. એક વાર અમર સાથે આવી ત્યારે સવારે આવી સાંજના જતી રહી.
‘મમ્મી, તારે કાંઈ જોઈએ છે?’
‘ના, બેટા’.
એકવાર તો કહે, ‘મમ્મી, મને આ મહિને ફાવે એવું નથી. હું આવતા મહિને આવીશ’.
‘સારું બેટા’.
લતાને હવે કોઈ ઉમળકો રહ્યો ન હતો. તેણે તો અંહી પોતાના મીઠા અને મળતાવડા સ્વભાવને કારણે ઘણા મિત્રો બનાવી લીધાં. ઈંગ્લીશમાં ભારતીય ફિલોસોફીની લોકોને વાતો કરતી. પોતાની વાકચાતુર્યતાને કારણે લોકોમાં પ્રિય થઈ પડી. હમેશા સહુમાં સારું જોનાર દીકરીમાં શું કામ ખરાબ જુએ ? હકીકતનો સામનો કરવાનો મનોમન નિર્ધાર કર્યો. ‘ મા’ હમેશા પોતાના સંતાનનું સુખ અને સમૃદ્ધિ વાંછે.
લતા ખૂબ હોંશિયાર હતી. મુંબઈમાં તેને બધી સગવડ હતી. બાળપણમાં તેની માતાએ તેને ખૂબ લાડકોડ અને કાળજીથી ઉછેરી હતી. પૈસો કદાપિ તેના દિમાગ પર છવાયો ન હતો. હા, કોઈની ખુશામત કરી ન શક્તી. પોતાની આગવી પ્રતિભાને કારણે નર્સિંગહોમમાં આદર પામતી. પતિ સાથે આખી દુનિયા ફરી હતી. તે જાણતી હતી, મનુષ્ય માત્રમાં, ‘ માત્ર ચામડીના રંગ અલગ હોય બાકી સ્વભાવે સહુ સરખાં.’ અંહી બધી જ જાતની પ્રજા હતી પણ સહુની સાથે હળીમળીને તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સગવડ બધી સચવાતી. હાથની છૂટ્ટી હોવાને કારણે બધાં તેનું કામ પણ પ્રેમથી કરતાં. એક વસ્તુ ખૂબ સુંદર રીતે પતિએ શિખવાડી હતી.
‘ભલે અનુષ્કા દીકરી છે. તારા પૈસાનો વહીવટ અને કાબૂ તારા હાથમાં રાખજે. તું નહિ હોય ત્યાર પછી બધું એ લોકોનું જ છે.’ તેને હવે અનુષ્કા મળવા આવે તો સારું, ન આવે તો ફિકર ન હતી. ‘એકલા આવ્યા એકલા જવાના’. મનોમન તેણે દીકરીનો આભાર માન્યો, ‘હા, દીકરી તારે કારણે મારો દિ’ ફર્યો’.