નવલી નવરાત્રી-કલ્પનારઘુ

એક છે માતા જનમ દેનારી, એક છે જગદ્‍જનની જગદંબા અને એક છે ભારતમાતા.

યા દેવી સર્વ ભૂતેષુ માતૃરુપેણ સંસ્થિતા

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।

માતૃત્વ એ નારીશક્તિની ચરમસીમા છે. હિન્દુધર્મમાં માતાની ઉપાસનાનુ વિશેષ મહત્વ રહ્યું છે.  જગદંબાનાં નવ સ્વરૂપોની સાધના, આરાધના કરવાનો નવ રાત્રીનો સમૂહ એટલે નવરાત્રી. વસંત અને પાનખરનાં સંગમનાં સમયગાળાને મહિષાસુરમર્દિની મા દુર્ગાનાં વિવિધ રૂપોનાં પૂજન માટે પવિત્ર ગણવામાં આવે છે. તે અરસામાં સૂર્યનો પ્રભાવ પણ રહે છે. આમ કાળચક્રનો સંધિકાળ એ શક્તિની આરાધના માટેનો ઉત્તમ સમય ગણાય. આ નવ દિવસ બ્રહ્માંડમાં ઉર્જાનું પ્રમાણ પણ વધુ હોય છે. આસો સુદ એકમથી નવરાત્રીની શરૂઆત થાય છે.

આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીની ગરિમાને તરોતાજી કરે છે. સ્ત્રી માટે સૌભાગ્ય, સફળતા, સ્વાસ્થ્ય, પુત્ર-સુખ, ઇચ્છાપૂર્તિ, શત્રુ પર વિજય, નવનિધિનું સુખ, કાર્યસિધ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે. રાત્રિના સમયે લાઇટો અને લાઉડસ્પીકરની ઝાકમઝાળ અને બુલંદ સુરીલા અવાજમાં તાલ અને લયમાં ભક્તિ અને ઉલ્લાસથી રાસ-ગરબાની રમઝટ રેલાય છે. સળંગ નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લહાવો છે. પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાથી માતાજીની સ્તુતિથી તારલિયાઓથી મઢેલ રળિયામણી રાત્રીઓ જીવિત બને છે. ધૂપ-દીપ, આરતી-પ્રસાદમાં વિવિધતા જોવા મળે છે.

સ્ત્રીમાં એક ખૂબી છે કે બદલાવની સાથે પોતે પણ બદલાય છે. નવ દિવસમાં નવ જાતની વેશભૂષા સાથે ચપટી-તાળીનાં ગરબા અને દાંડિયા રાસથી ગમે તેવી અશક્ત નારીમાં પણ અજબની શક્તિ જોવા મળે છે. સમય અને વાતાવરણનું ભાન રહેતુ નથી. આજકાલ નવરાત્રિમાં ભક્તિનું તત્વ શેષ થતું દેખાય છે. પરંતુ ભક્તિની પરિભાષા કઇ? કોઇપણ કાર્યમાં મન, શરીર અને આત્મા એકાકાર થઇ ઝૂમે છે ત્યારે પેદા થતાં તરંગો પરમતત્વને પણ આંદોલિત કરી શકે છે.

યોગની ભાષામાં ગરબા-રાસમાં નૃત્ય-સંગીત, તાલ-લયને કારણે મૂલાધાર ચક્રમાં રહેલી શક્તિ જે કુંડલીની સ્વરૂપે બેઠી છે તે સુષુમ્ણા માર્ગે ઉર્ધ્વગતિ કરે છે. અને મનુષ્યની તમામ અશુધ્ધિઓનું ભક્ષણ કરીને, સાત ચક્રોનું ભેદન કરીને સાધનાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે. અને કર્તાપણાના અહમ્‍નું જે રાવણમાં હતું તેનું દશેરાએ દહન કરીને શિવતત્વને પામે છે. ત્રેતાયુગમાં રાવણ પર વિજય મેળવવા શ્રી રામે આસો સુદ એકમથી નોમ સુધી દેવી શક્તિની આરાધના કરીને, જાગૃત કરીને દેવીમા પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મેળવ્યું હતું. અને દશેરાના દિવસે લંકા પર આક્રમણ કરી રાવણનો સંહાર કર્યો હતો. આમ રામનો રાવણ પર વિજય થયો હતો. માટે દશેરાને વિજયાદશમી કહેવાય છે. આ દિવસે માતાજીને વિદાય અપાય છે.

પૌરાણિક કથા અનુસાર અસુરોના ત્રાસથી દેવતાઓ જયારે ખૂબ ત્રસ્ત થયા ત્યારે સ્વયંની રક્ષા માટે શક્તિની આરાધના કરવા લાગ્યા. શિવે શક્તિને ધરા પર મોકલી. શક્તિ દુર્ગા સ્વરૂપે પ્રગટ થઇ. અસુરોનો નાશ કરીને દેવતાઓના દેવત્વની રક્ષા કરી. જેનામાં આસુરી વૃત્તિઓ છે તે જ અસુરો છે. આમ શરીરની આસુરી વૃત્તિના નાશ માટે મા દુર્ગાનાં સ્વરૂપનાં જુદા જુદા નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. સ્વરૂપ ગમે તે હોય પરંતુ દેવી શક્તિ તો એકજ છે જે જગદજનની છે પરંતુ શક્તિના જુદા રૂપ લઇને કાર્યોના કારણે તે અલગ અલગ નામે પૂજાય છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધિદાત્રી, આ નવદુર્ગાની જે સ્વરૂપે જીવનમાં જ્યારે જ્યારે જરૂર હોય તે સ્વરૂપની પૂજા-આરાધના કરવામાં આવે છે.

દરેક વ્યક્તિના જીવનમાં પિતા કરતાં માતાનું સ્થાન ઉંચુ અને મહત્વનું હોય છે. માતા બાળકને જન્મ આપીને તેનુ પાલન પોષણ કરે છે. મા, મહાકાળી બનીને બાળકના દુર્ગુણોનો નાશ કરે છે, બીજાની બુરાઇઓ સામે તો આપણે સરળતાથી લડી શકીયે છીએ પરંતુ પોતાનામાં રહેલા અસુર સામે લડવાની શક્તિ આપે છે, લક્ષ્મી બનીને આર્થિક રીતે સક્ષમ બનાવે છે, સરસ્વતિ બનીને જ્ઞાન અને શિક્ષણ આપે છે, અન્નપૂર્ણા બનીને ભોજન દ્વારા શારીરિક વિકાસ કરે છે.

જગદંબાના સાત્વિક, રાજસ અને તામસ ગુણ તરીકે મા સરસ્વતિ, મહાલક્ષ્મી, અને મહાકાળી ત્રણેય વિધ્યમાન છે. જેઓ અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાનની સેવામાં પ્રવૃત્ત છે. દેવી શક્તિ સત્કાર્યો કરનારના ઘરોમાં લક્ષ્મી રૂપે, દુર્જનના ઘરોમાં અલક્ષ્મી રૂપે, શુધ્ધ હ્રદયમાં બુધ્ધિરૂપે, સજ્જનોના હ્રદયમાં શ્રધ્ધા સ્વરૂપે, કુળવાન માણસમાં લજ્જારૂપે વિરાજે છે.

વર્ષમાં ૪ વાર નવરાત્રીની ઉજવણી કરવામાં  આવે છે. વસંત નવરાત્રી, અષાઢ કે શાકંભરી નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી. દેવી પુરાણ અનુસાર આ નવરાત્રીઓ જગતની ત્રણ મહાશક્તિને સમાન રીતે સમર્પિત કરવામાં આવી છે જેથી દેવીના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય. એક થી ત્રણ રાત્રિ મહાકાળીને, જે આપણામાં રહેલ તમામ આસુરી તત્વોનો નાશ કરે છે. ૪ થી ૬ રાત્રિ સંપત્તિની દેવી મહાલક્ષ્મીને, જે ભક્તોને અખૂટ સંપત્તિ આપવાને સક્ષમ છે અને છેલ્લી ત્રણ રાત્રિ બુધ્ધિની દેવી મહા સરસ્વતિને.

સાધનાની શરૂઆતમાં સાધક દરેક જાતના વિકારો અને અશુધ્ધિઓથી ભરપુર હોય છે. તેથી સાધનાના પ્રથમ ચરણમાં મહાકાળી પોતાના અસ્ત્ર શસ્ત્રથી વિકરાળ સ્વરૂપે તમામ દુર્ગુણોનો નાશ કરે છે. આ દુર્ગુણો એટલે ચંડીપાઠમાં વર્ણવેલા અસુરો શુમ્ભ-નિશુમ્ભ, મહિષાસુર, મધુકૈટભ, ચંડમુંડ, રક્તબીજ, ભસ્માસુર, ધુમ્રલોચન વિગેરે કોઇ બહારના નહી પરંતુ આંતરિક શત્રુઓ જેવા કે કામ, ક્રોધ, મોહ, અહંકાર, લોભ, વગેરેના રૂપક જ છે! આ તમામ દેવી નારી સ્વરુપોના આશિર્વાદ મેળવી, આંતરિક શુધ્ધિ પામેલો સાધક આધ્યાત્મિક સમૃધ્ધિ પામવાને લાયક બને છે. સાધનાના આગલા ચરણમાં મહાલક્ષ્મીની તેના પર કૃપા થાય છે. શક્તિ કૃપાથી હવે જેને સંસારમાં કંઇ પામવાનુ રહેતું નથી એવો સાધક સાધનાના અંતિમ પડાવ પર મા સરસ્વતિની કૃપા પ્રાપ્ત કરીને પરમ જ્ઞાન સંપાદન કરવાને લાયક બને છે. આમ નવરાત્રી એ સાધકના આધ્યાત્મિક વિકાસનુ પર્વ છે.

નવરાત્રીના મૂળમાં ગરબો છે.માતાજીની સ્તુતિમાં ગવાતા ગીતોને ગરબા કહે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભમાં એટલે કે મધ્યભાગમાં દિવાવાળા કાણાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે ગરબાના ઘટમાં દીવો મૂકીને કુભ સ્થાપન કરીને નવ દિવસ ગરબા ગવાતા. આ રીતે મા જગદંબાની આરાધના કરવામાં આવતી. ગર્ભમાં રહેલુ બાળક અને ગરબામાં રહેલો દિવડો એક અનુસંધાન કરી આપે છે. આમ ગર્ભની અંદર નવુ જીવન પ્રગટાવવાની શક્તિ નારીમાં રહેલી છે. ગરબાનો દીવો અખંડ રહે તે માટે કાળજી લેવી જોઇએ. તેવી રીતે માતા તેના ભાવિ સંતાનનુ ગર્ભ સ્વરૂપે રક્ષણ કરતી હોય છે. આ પરંપરા પૂર્વજોથી ચાલી આવી છે.

ગુજરાતી ગરબો એ ગુજરાતનુ લોકનૃત્ય છે. નવરાત્રીમાં ગરબો લેવાય છે, રમાય છે, ઝીલાય છે. ’જ્યાં વસે એક ગુજરાતી, સદા કાળ ગુજરાત’ આ લોકવાયકા અનુસાર માત્ર ગુજરાતજ નહી, દેશમાં કે વિદેશમાં જયાં જ્યાં ગુજરાતી વસેલા છે ત્યાં તેમણે આ ઉત્સવની મહેંક પ્રસરાવી છે અને અન્ય જાતિના લોકો પણ તેમાં જોડાય છે. આ કળિયુગમાં રાવણનો સંહાર કરવા સીતાની સુરક્ષા કાજે મા દુર્ગાને પ્રસન્ન કરવી જ પડશે! જ્યારે રોજ દ્રૌપદીના ચિરહરણ થાય છે ત્યારે મહિષાસુરનુ મર્દન કરવા નારીએ જાગૃત થવુંજ પડશે.

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે।

શરણ્યે ત્ર્યમ્બકે ગૌરિ નારાયણિ નમોઽસ્તુતે॥

કલ્પના રઘુ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in કલ્પનારઘુ and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s