હાસ્ય સપ્તરંગી (૨૯) જસ્સી જૈસી કોઈ નહી- હેમાબેન પટેલ

મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના છે. આટલી ઉંમરે રૂપાળા એટલા બધા ઐશ્વર્યા રાયને પણ શરમાવે ! જેવા રૂપ તેવા ગુણ પણ, સ્વભાવે ભોળીયા, બીજાને મદદ કરવામાં અને સેવા કરવામાં તન-મન-ધનથી હમેશાં તૈયાર. લક્ષ્મીમા પણ તેમના પર ખુબજ મહેરબાન. જીભે માસરસ્વતી મહેરબાન ! ભણેલુ ઓછા, આફ્રિકામાં રહેતા હતા, હાલ સાઉથ કેરોલીના રોકહીલમાં રહે છે.સર્વ ગુણ સંપન્ન હોવા છતાં એબ્સન્ડ માઈન્ડ પ્રોફેસર જેવાં ! એવી એવી હરકતો કરે અને તેમની આપ વીતી જાતે જ બીજાને સંભળાવે ત્યારે હસી હસીને લોટ-પોટ થઈ જવાય. તેમને મળવાનુ ઘણી વખત થયુ છે, ત્યારે તેમના આફ્રિકાના પરાક્ર્મના કીસ્સા સાંભળવાની અમે ફરમાઈશ કરીએ અને હાસ્ય મહેફીલ જામે. તેમને મૉઢે સાંભળવાની મઝા વધારે આવે કારણ તેમનો બોલવાનો અંદાજ નીરાલો છે. જસુબેનની કહાની એમને મૉઢે સાંભળીએ.

આફ્રિકામાં મારી બાજુમાં જ ડૉક્ટર રહેતા હતા એક દિવસ કોઈએ મારુ બારણુ નોક કર્યુ, મને લાગ્યુ ડોક્ટરનો કોઈ પેસંટ હશે એમ માનીને બારણુ ખોલ્યુ, સામે કાળીયો ઉભો હતો, અંદર બોલાવ્યો, આવ ભાઈ અંદર બેસ, સોફા પર બેસવા કહ્યુ, સરબત બનાવીને આપ્યુ, મેં તો થોડી વાતો કરી અને પેલાને કીધુ તૂં બેસ હું હમણાં આવુ એમ કહીને કિચનમાં ગઈ,કિચનમાં આઘુપાછુ કરતી હતી ત્યાં મને યાદ આવ્યુ , પેલા કાળીયાને બેસાડીને હું તો અહિયા આવી ગઈ લાવ જોવા દે શું કરે છે ? બહાર જઈને જોયુ તો કાળીયો મોટી બેગમાં ઘરની વસ્તુ ભરતો હતો ! મને જોઈને કાળીયો ભાગી ગયો, ત્યારે મને ભાન થયું આય…હાય.. મેં તો એક ચોરની આગતા સ્વાગતા કરી ! મારુ મગજ ક્યાં ફરે છે ? મારી જાતને જ મેં વઢી નાખી, ગમે તેવા માણસોને ઓળખ્યા વીના ઘરમાં પેસવા દે છે. જસુ સાવધાન રહે આજે તો બચી ગઈ છુ, મગજને ઠેકાણે રાખતાં શીખ.

એક દિવસે, આજે તો મારે મંદિર પ્રસાદ લઈ જવાનો છે એમ બોલીને સવારમાં મેં જલ્દી જલ્દી મગસ બનાવ્યું, ઠારીને ચકતાં પાડીને ડબામાં લઈ જવાનુ હોય, હું ભુલકણી તે દિવસે આખી થાળી ઉપાડીને મંદિર ભાગી, મંદિર ગઈ ત્યારે ભાન થયું આય…હાય… આ મેં શું કર્યુ ! ભગવાનની આવી રીતે ભોગ ધરાવાય ! જસુ તારા મગજને શું થયુ છે ?

મારા ઘરે અમારા ફેમિલી ફ્રેન્ડને પરિવાર સાથે ડીનર માટે મેં બોલાવ્યા હતા, જમવાનુ પણ બનાવીને મેં તૈયાર રાખ્યુ હતુ, એ લોકો સાંજના થોડુ વધારે બેસાય એટલે વેહલા આવ્યા, અમે ગપ્પાં માર્યાં, ઘણો બધો સમય વહી ગયો એટલે મેં તેઓને કહ્યું ઘણુ મોડુ થઈ ગયુ નહી ? ચાલો હવે અહિયાં જમીને જજો. પેલા લોકો તો મારી સામે જોવા લાગ્યા. મેં પુછ્યુ કેમ આમ મારા મૉઢા સામુ જોયા કરો છો ? જમવાનુ કહ્યુ એમાં આટલુ બધુ આશ્વર્ય ? મહેમાન તરત જ બોલ્યા જસુબેન તમે અમને જમવા માટે તો બોલાવ્યા છે કેમ ભુલી ગયાં ? હું તરત જ બોલી, બોલો હવે મારા મગજને શું કરવું ? બધી રસોઈ પણ બનાવીને તૈયાર રાખી છે ! હુ ભુલકણી છું, ભુલી ગઈ મનમાં ઓછુ ના લાવશો. મહેમાન બોલ્યા જસુબેન અમે તમને નથી ઓળખતાં શું ?

એક દિવસ અમારા ફેમિલી ફ્રેન્ડ ઘરે આવ્યા, હું તેમના માટે સરબત બનાવીને લાવી, સરબતના ગ્લાસની ટ્રૅ હાથમાં લઈને ત્યાંજ ઉભી ઉભી વાતોએ વળગી, વાતોમાં એટલી બધી તલ્લીન, વાતો કરતાં કરતાં જ સરબતનો ગ્લાસ જાતેજ પીને પુરો કર્યો. સરબત પુરુ થઈ ગયું ત્યારે ભાન થયું મહેમાનને આપવાને બદલે પોતેજ સરબત પી ગઈ.

મારો સ્વભાવ બોલકણો બહુ  હૉ ! પાછી હું મહિલા મંડળની ચેર પર્સન ! એક દિવસ મારે સ્પીચ આપવાની હતી, મારા મોટાભાઈને મેં કીધુ ભાઈ, મને બોલતાં બહુ ફાવે નહી એમ કરોને ભાઈ, મને સ્પીચ લખી આપો હું વાંચીને બોલીશ.ભાઈએ મને સ્પીચ લખી આપી, મેં એક વખત વાંચી લીધી. ભાઈ મને તેમની ગાડીમાં હૉલમાં લઈ ગયા, સ્પીચ પણ વાંચીને બરાબર આપી. મનમાં ખુશ થઈ, વાહ જસુ તું કંઈ જાય એમ છે ! બધુ બરાબર પતી ગયુ ઘરે જવાનુ હતુ પાર્કીંગ લૉટમાં પહોચી, મારા ભાઈની ગાડીના કલર જેવા જ કલરની ગાડી ઉભી હતી, ધુમકીમાં કંઈ જોયા વીના જ તેમાં ડ્રાયવર સીટની બાજુની સીટમાં બેસી ગઈ અને ભાઈને પુછવા લાગી ભાઈ, મેં સ્પીચ બરાબર વાંચી હતી ને ? હું બકબક કરતી રહી ભાઈએ મને જવાબ ના આપે એટલે મેં ભાઈની સામે ઉંચુ જોયુ, અરે હું કોની ગાડીમાં બેસી ગઈ ! ગાડીમાંથી ઉતરીને કંઈ બોલ્યા વીના સીધી ભાગી ! પાછુ વાળીને કોણ જોવે ? બીજાની ગાડીમાં બેસી ગઈ હતી !

આજે મારે મારી સહેલીને ત્યાં મઠિંયાં વણવા જવાનુ હતું હું મારી આડણી-વેલણ લઈને તેને ત્યાં ગઈ, બેનપણી ઉપરના માળ પર રહે, જ્યારે નીચે કોઈનુ બારણુ ખુલ્લુ હતુ હું પેસી ગઈ ! બોલી દક્ષાબેન, આવતાં બહુ મોડુ થયુ ચાલો મઠિયાં વણવાના ચાલુ કરીએ, સામેથી કોઈ ઉત્તર ન મળ્યો મેં સામે જોયુ તો બીજી બાઈ ઉભેલી હતી ઘર પણ જુદુ લાગ્યુ !  ભાન થયું હું બીજાના ઘરમાં પેસી ગઈ છું ! ત્યાંથી ભાગી અને મારી રામ કહાણી દક્ષાબેનને સંભળાવી. શું કરું ! હુ ! મારો ભલકણો સ્વભાવ  ભારે પડે છે.

નવરાત્રી હતી અને હું માતાજીના મંદિર દર્શન કરાવા ગઈ ત્યાં મુર્તિ આગળ નીચે માતાજીના પગ આગળ માતાનાજીના ચરણ પાદુકા હતા હું દર્શન કરવા નીચે નમી પાદુકાને પગે લાગી અને એક પાદુકા હાથમાં ઉપાડી લીધી મંદિરની બહાર નીકળી એક બહેને સવાલ કર્યો જસુબેન તમારા હાથમાં આ શું છે ? મેં મારા હાથમાં જોયું તો માતાજીની પાદુકા ! અરર જસુ ! તેં આ શું કર્યુ ? માતાજીની પાદુકાજ ઉપાડી લીધી, આ મારા મગજને શું થઈ ગયું છે, કોઈ વસ્તુનુ ભાન નથી રહેતુ, દોડતી પાછી ગઈ અને પાદુકા પાછી મુકીને માતાજીની માફી માગી.

ઘરે સત્યનારાયણ કથા રાખી હતી, ગોરમહારાજ આવ્યા તેમને આસન આપી બેસાડ્યા, વાતોએ વળગી, તેમણે ચસ્મા મુક્યા હતા તે મેં લઈને ઠેકાણે ઉંચા મુક્યા. કથા ચાલુ થઈ ગોરમહારાજ તેમના ચસ્મા શોધે ઘર ગાંડુ કર્યુ. મારા ચસ્મા મેં ટેબલ પર જોયા ત્યારે થોડી વાર પછી મને ભાન થયુ મેં ગોરમહારાજના ચસ્મા ભુલથી ઠેકાણે ઉંચા મુકી દીધા.

મારા બધા દાંત ખરાબ થઈ ગયા હતા, એટલે બધા દાંત કઢાવીને દાંતનુ ચોખઠુ બનાવડાવ્યુ હતું હું દાંત રાત્રે કાઢીને બાથરૂમમાં એક ડબ્બીમાં મુકી રાખુ, એક દિવસ દાંત મારા હાથમાંથી છટક્યા અને ટોયલેટમાં પડી ગયા મેં તેમાંથી કાઢી લીધા અને ધોઈને મુક્યા, વિચાર્યુ ટોયલેટમાં પડી ગયેલુ ગંદુ થયેલુ કોણ પહેરે ? આ ફેકી દઈશ અને બીજા કરાવીશ, તે દિવસે આખો દિવસ ચોખઠુ પહેર્યુ નહી. બીજે દિવસે નાહીને તૈયાર થઈ બહાર જવાનુ હતું જલ્દી જલ્દી બાથરૂમમાં જઈને ડબ્બીમાંથી દાંતનુચોક્ઠુ કાઢીને પહેરી દીધુ. બહાર જઈને આવી રાત્રે સુતી વખતે જ્યારે ચોકઠુ મૉઢામાંથી કાઢ્યુ ત્યારે યાદ આવ્યુ આતો ટોયલેટમાં પડી ગયું હતુ, યાદ આવ્યુ એટલે ઉલટી જેવું થવા લાગ્યુ, કેટલા કોગળા કર્યા, ગરમ પાણીથી કોગળા કર્યા પણ હવે શું ? દાંતનાચોકઠાને ગરમ પાણીમાં ઉકાળવા મુક્યા ! મોઢું કેમનુ ઉકાળુ ? કોઈને કહેવાય નહી આબરૂ જાય !

કેન્યાથી ટાન્જાનિયા જવું હોય તો વીઝા લેવા પડે, હું અને મારા પતિ વીઝા લેવા માટે ગયાં ત્યાં આગળ ઓફિસરે વીઝા આપી દીધા અને પાસપોર્ટ પર સીક્કો મારી આપ્યો. ઓફિસર કોઈ કામ માટે ટેબલ આગળથી ખસ્યો, પાસપોર્ટની બાજુમાંજ તેના ડ્રોવરની ચાવી પડી હતી મેં પાસપોર્ટ્ની સાથે તેની ચાવી પણ લઈ લીધી તેનુ મને ભાન ન હતું . અમે ઘરે જવા પાછા નીકળતા હતા, અમારા બીજા ફેમિલી ફ્રેન્ડ પણ વીઝા લેવા આવ્યા હતા,રાહ જોતાં જોતાં અમે અડધે રસ્તે પહોંચી ગયા, આવ્યા નહી, બહુ રાહ જોઈ આખરે આવ્યા એટલે પુછ્યુ કેમ આટલી બધી વાર લાગે તે ભાઈએ કહ્યુ ઓફિસરની ચાવી ખોવાઈ ગઈ, ત્યારે મને મારી ચાવી ચેક કરવા માટે કેડે હાથ મુક્યો તો મારી ચાવી સહીસલામત હતી, તો પછી મારા હાથમાં આ કોની ચાવી છે ? મને ભાન થયું હું જ પેલાની ચાવી લઈને આવતી રહી છું.અમે પાછા ફર્યા અને ઓફિસરને ચાવી પાછી આપી અને અમે બંન્નેએ તેની માફી માગી. ત્યાર બાદ ગામમાં કોઈના પણ ઘરમાં કોઈ વસ્તુ મળતી ના હોય તો બધા એક બીજાને પુછે જસુબેન તમારા ઘરે આવ્યાં  હતાં ?

જસુબેન બોલે પણ ખરાં,મારાં પરાક્રમો બહુજ છે અમુક મને યાદ નથી આવતાં, હોંશે હોંશે લોકો મારી રામ કહાણી સાંભળે અને બોલે “ જસ્સી જૈસી કોઈ નહી “ હું વિચારુ વાત તો સાચીજ છે મારા જેવા મગજ ધરાવતા બહુ ઓછા મળે.મારી હરકતોથી મને ઘણી વખત બહુજ શરમ આવે છે, પરંતુ અજાણથી ભુલો થાય છે, મને લાગે છે મારુ નાનુ મગજ વધારે કામ કરે છે, પેલા મોટા મગજને ધ્યાન પણ ના હોય હું શું કરી રહી છું.લોકો મને ઓળખી ગયા છે, જસુબેનનુ મોટુ મગજ કામ નથી કરતુ ! લોકોનુ નાનુ મગજ સુતેલુ હોય, જ્યારે અહિયાં તો મોટુ મગજ સુતેલુ છે.બધી નિર્દોશ હરકતો છે,મારી ભુલો કોઈ મનમાં લેતુ નથી, માફ કરી દેછે.

( આ ઘટનાઓ કાલ્પનિક નથી, જસુબેન અને તેમના પરાક્ર્મ સત્ય ઘટના છે. )

હેમાબેન પટેલ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.