મિર્ઝા ગાલિબ અને ગુજરાત

 

ગઝલનું મૂળ છે ઉત્કૃષ્ટ અરેબિક કવિતા. ૧૨મી સદીમાં મોગલોના આગમનથી તે ભારતમાં પ્રવેશી. જો કે તેની લોકપ્રિયતા ૧૭મી સદીમા વધી જ્યારે ઊર્દૂ ભારતમાં સાંસ્કૃતિક ભાષા બની. ગઝલ ઊર્દૂ કવિતાનો એક અત્યંત લોકપ્રિય અને સુંદર પ્રકાર છે અને ગુજરાતી કવિતા અને સાહિત્યનો એક અંતરંગ ભાગ બન્યો છે.

સવાલ એ છે કે ગઝલને આવું આગવું સ્થાન ગુજરાતી કવિતામાં કેવી રીતે મળ્યું?

આ માટે આપણે બે અત્યંત પ્રભાવશાળી ઊર્દૂ કવિઓને યાદ કરવા પડશે. એક છે વલી ગુજરાતી, જે અમદાવાદમાં રહેતા હતા અને ૧૭મી સદીમાં ઊર્દુમાં ગઝલ લખતા હતા. હકીકતમાં તેઓ આધુનિક ઊર્દૂ ગઝલના પિતા હતા. તે પછી આવે છે મિર્ઝા ગાલિબ અને ૧૮૫૯-૧૮૬૯ દરમિયાન ગુજરાત ઉપરનો તેમનો પ્રભાવ. કમનસીબે ગાલિબના ઘણા ચાહકોને ગઝલ રચનામાં ગાલિબના મહત્વના યોગદાન વિષે જાણકારી નથી. હકીકતમાં તેઓ ગાલિબના ગુજરાત સાથેના ગાઢ સંબંધને પણ જાણતા નહી હોય.

ગાલિબના વારસાએ જ ઊર્દૂ અને ગુજરાતી કવિતામાં ગઝલને મહત્વનું સ્થાન આપ્યું છે.

ગાલિબના જીવનકાળ દરમિયાન તેમના શિષ્યો ‘વફા’, ‘મયાલ’, ‘ફિદા’ અને ‘સય્યાહ’ પ્રખ્યાત કવિઓ થયા જેઓ સુરત અને વડોદરાના હતા. ગઝલ પ્રાદેશિક ભાષાઓ જેવી કે હિન્દી, પંજાબી, બંગાળીમાં લખાય છે પણ ગુજરાતીમાં તેનું મહત્વ ખૂબ છે અને ગઝલ રચનાઓનો સિલસિલો વેગથી ચાલુ છે જેને કારણે તેનું ભારતીય સાહિત્યમાં એક આગવું સ્થાન છે. ૨૦મી સદીમાં ગુજરાતી ગઝલનો પ્રવાહ વિકસ્યો અને ‘શયદા’, બરકત વિરાણી ‘બેફામ’, શેખાદમ આબુવાલા, શૂન્ય પાલનપૂરી, સૈફ પાલનપૂરી, આદીલ મન્સૂરી, અમૃત ઘાયલ જેવા કવિઓથી પરિપક્વ બન્યો. આ નામો તો નમૂનારૂપે જ છે.

ચાલો આપણે ઇતિહાસમાં ડોકિયું કરી ગાલિબ અને ગુજરાતના નજદીકના સંબંધને જોઈએ.

જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં કદીએ પગ ન મૂકનાર ગાલિબનો ગુજરાત સાથે એક અનન્ય સંબંધ બંધાયો હતો અને તે પણ સુરત અને વડોદરામાં વસતા તેમના મિત્રો અને શિષ્યો સાથેના પત્રવ્યહવાર દ્વારા.

ગાલિબનો પહેલો પત્ર સન ૧૮૬૩મા મીર ગુલામ બાબા ખાનને લખાયો હતો. આ મીર ગુલામ બાબા ખાન એટલે સુરતના નવાબ મીર જાફર અલી ખાનના જમાઈ. નવાબ મીર જાફર અલી ખાન મીર સરફરાઝ અલી ખાનના સુપુત્ર. મીર સરફરાઝ અલી ખાન મૂળ તે વખતના ઉત્તર પ્રદેશના બદાયુન પ્રાંતમાં આવેલ સેહસ્વાનના. તેમના પૂર્વજો હઝરત ખ્વાજા કુત્બુદ્દીન મોદુદ ચિસ્તીના વંશજ હતાં અને સુલતાન બલ્બનના વખતમાં દિલ્હી આવીને વસેલા. મીર સરફરાઝ અલી ખાન ૧૮૧૭મા ગુજરાતમાં સ્થાયી થયા જ્યારે તેમને કાઠીયાવાડ, ગુજરાતનું કમઢીઆ પ્રાંત મુઘલ શહેનશાહ અકબર શાહ ૨એ સોગાદમાં આપ્યુ હતું.

તે વખતના વડોદરાના શાસક ગાયકવાડ અને અન્ય મરાઠા શાસકોને પેશ્વા સાથે લાંબા સમયથી અંટસ. પેશ્વાઓથી છૂટકારો મેળવવા તેઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ માંગી. કંપનીના કહેવાથી મીર સરફરાઝ અલી ખાન વડોદરાના સૈન્યના અશ્વદળનાં વડા બન્યા. તેમના હાથ નીચે છસો સૈનિકોની ટૂકડી હતી. ૧૮૧૮માં માળવાના યુદ્ધમાં બાજીરાવ પેશ્વાને હાર આપી અને તેને કારણે વડોદરાના ગાયકવાડનું સામ્રાજ્ય ઉગી નીકળ્યું.

આ વિજયને કારણે મીર સરફરાઝ અલી ખાનની સતા અને સંપત્તિમાં વધારો થયો. તે પછી તેમનો મોભો પણ વધ્યો અને તેઓ વડોદરાના આગળ પડતા અને માનનીય વ્યક્તિમાં ગણાવા લાગ્યા તથા તેમને સરદારનું બિરુદ પણ આપવામાં આવ્યું. બ્રિટિશ સરકારે પણ તેમને કમઢીઆના શાસક અને ‘મુખ્ય રાજ્યકર્તા, કમઢીઆ રાજ્યના દરબારશ્રી’ તરીકે માન્યતા આપી. પરંતુ વડોદરાના ગાયકવાડ શ્રી આનંદ રાવ તેમનાથી એટલા પ્રભાવિત હતા કે તેમણે મીર સરફરાઝ અલી ખાનને વડોદરામાં સ્થાયી થવા જણાવ્યું. તેઓએ તે સ્વીકાર્યું અને વડોદરામાં મીર સાહબ વાડા તરીકે જાણીતી એક જંગી વસાહત બનાવી. ત્યાર પછી તેઓ વારાફરતી કમઢીઆ અને વડોદરામાં રહેવા લાગ્યા.

મીર સરફરાઝ અલી ખાનની ઈચ્છા પોતાના બે પુત્રોને કોઈ સારા ખાનદાનમાં પરણાવવાની હતી. તેમને જાણ થઇ કે સુરતના નવાબ, નવાબ અફઝલુદ્દીન પોતાની બે શાહજાદીઓને માટે સારા પાત્રની શોધમાં છે. મીર સરફરાઝ અલી ખાને નવાબને મળી પોતાના બે દીકરા મીર અકબર અલી, મીર જાફર અલી ખાનની ઓળખાણ કરાવી. તેમને મળીને સુરતના નવાબ એકદમ પ્રભાવિત થઇ ગયા અને બન્ને શાહજાદીઓના લગ્ન તે બે ભાઈઓ સાથે કર્યા. પરંતુ મીર અકબર અલીની બેગમનું બિનવારસ મૃત્યુ થતા તે વડોદરા કાયમ માટે જઈ વસ્યા. આમ મીર જાફર અલી ખાન સુરતના નવાબના એકમેવ જમાઈ તરીકે રહ્યા.

સુરતના નવાબને કોઈ પુરુષ વારસદાર ન હતો એટલે તેમણે પોતાના જમાઈ મીર જાફર અલી ખાનને સુરતના ઉત્તરાધિકારી અને વારસદાર ગણ્યા. તેમના મૃત્યુ બાદ બ્રિટિશ સરકારે તેમના જમાઈ મીર જાફર અલી ખાનને ઉત્તરાધિકારી અને વારસદાર ન ગણતા નવાબનું બિરુદ નાબૂદ કર્યું, નવાબને અપાતું વાર્ષિક રૂં. એક લાખનું સાલિયાણું પણ બંધ કરી દીધુ અને સુરતને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધું.

આ બધાથી નારાજ મીર જાફર અલી ખાને પોતાના હક્ક માટે લંડન જઈ પોતાનો દાવો રજુ કર્યો. પ્રથમ પ્રયાસે સફળતા ન મળતા તેઓ ફરીવાર લંડન ગયા અને તેના ફળસ્વરૂપ ૧૮૫૬મા The Nawab of Surat Treaty Bill બ્રિટનના House of Commonsમાં પસાર થયું, જે દ્વારા સાલિયાણું તો ફરી ચાલુ થયું પણ સુરતના નવાબનો ખિતાબ એનાયત ન થયો. તેમ છતાંય સુરતના અને લંડનના નાગરિકો તેમને નવાબસાહેબના નામે જ બોલાવતા.

ગાલિબે કૂલ ૬૧ પત્ર તેમના શિષ્યો અને આશ્રયદાતાઓને લખ્યા હતા. તેમણે પહેલો પત્ર મીર જાફર અલી ખાનના જમાઈ મીર ગુલામ બાબા ખાનને લખ્યો હતો જ્યારે તેમને મીર જાફર અલી ખાનના મૃત્યુના સમાચાર મળ્યા. ગાલિબે મીર જાફર અલી ખાનને નિર્દેશતો બીજો પત્ર હકીમ સૈયદ અહમદ હસન મોદુદીને લખ્યો હતો. સૈયદ સાહેબ મારફત જ મીર જાફર અલી ખાનના ભત્રીજા મીર ઈબ્રાહીમ અલી મિર્ઝાસાહેબના શાગિર્દ બન્યા હતા. ઘણા વખત સુધી મિર્ઝાસાહેબને તેમના શિષ્યો મીર ઈબ્રાહીમ અલી, મીર ગુલામ બાબા ખાન અને મીર જાફર અલી ખાનના સંબંધની જાણ ન હતી પણ જ્યારે તેમને તેમના નજદીકી સંબંધોની જાણ થઇ ત્યારે તેઓ એકદમ ખુશ થઇ ગયા. ત્યારબાદ તેમણે જે પંક્તિ લખી તે ગુજરાતના મીરોને બિરદાવતી એક ઉચ્ચતમ રચના છે, જેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે:

‘આ કુળ શુદ્ધ સોનાની ખાણની નીપજ છે, ઝળહળતા સૂર્યની જેમ તે દુનિયાને પ્રજ્વલ્લિત કરે છે.’

મુઘલ સામ્રાજ્ય પોતાના અંત તરફ જઈ રહ્યું હતું અને બ્રિટીશ સામ્રાજ્યની ચઢતી નજર સામે હતી તેથી બંનેને પોતાના વારસાહક્ક માટે બ્રિટીશ સામ્રાજ્યને લડત આપવી પડી હતી. જો કે બંનેની વ્યથા સરખી જ હતી, પણ મીર જાફર અલી ખાન અંતે સફળ થયા હતા. જ્યારે ગાલિબે દિલ્હી અને કલકત્તા સુધી પોતાના હક્ક માટે એક તુર્કી તરીકે અંત સુધી લડત આપી પણ અસફળ રહ્યા.

ગુજરાતના મીરસાહેબોને એ વાતનો ગર્વ હતો કે તેઓ ગાલિબ સાથે બહુ નજીકનો નાતો ધરાવતા હતા, કાં તો તેમના શિષ્યો તરીકે કે પછી તેમના મિત્ર તરીકે. તેમના એક માનીતા શિષ્ય, દાદ ખાન ‘સય્યાહ’ના પ્રોત્સાહક હતા મીર ગુલામ બાબા ખાન. તો બીજી તરફ હકીમ મોદુદી, મીર ઈબ્રાહીમ અલી, મીર આલમ અલી તેમના શિષ્યો હતા. મીર ઈબ્રાહીમ અલી તેમના સમય દરમિયાન ‘વફા’નાં નામે જાણીતા હતા. મીર ઈબ્રાહીમ અલીના પુત્ર મીર અસલામ અલીને પણ કવિતાઓમાં રસ હતો અને તે ‘જાદુ’ના નામે લખતા. હકીમ મોદુદી ‘ફિદા’ના નામે લખતા. આજે પણ મીરસાહેબના કુટુંબના વંશજોના હૃદયમાં ગાલિબ માટે એક આગવું સ્થાન છે. સ્વ. નવાબ મીર ખ્વાજા કુત્બુદ્દીન, કમઢીઆના ભૂતપૂર્વ દરબાર અને સુરતના મીર જાફર અલી ખાનના વંશજ, ગાલિબની ગઝલોના અત્યંત ચાહક હતા અને પોતાનું આખું જીવન ગાલીબની રચનાઓ પાછળ વિતાવ્યું. જો કે તેમણે ‘Ghalib’s Ethics’ નામની એક પુસ્તિકા લખી હતી.

મીર ગુલામ બાબા ખાન, મીર જાફર અલી ખાનના જમાઈ ગાલીબના આશ્રય્દાતાઓમાના એક હતા. તેમની મૈત્રી વિકસાવવા માટે જવાબદાર હતા ગાલિબના શિષ્ય દાદ ખાન ‘સય્યાહ’ જેમને માટે  મીર ગુલામ બાબા ખાનને  બહુ પ્રેમ અને માન હતા. આમ તો ગાલિબ મીર ગુલામ બાબાને ક્યારેય મળ્યા ન હતા, પણ ‘સય્યાહ’ સાથેના સંપર્કને કારણે અને ‘સય્યાહ’ પાસેથી મીર ગુલામ બાબા ખાનની ખાનદાની પશ્ચાદભૂમિની જાણકારી મળ્યા પછી તેમને મીર ગુલામ બાબા ખાન પ્રત્યે બહુ આદર અને માન હતા. તેમની અને ‘સય્યાહ’ની ઈચ્છા હતી કે ગાલિબ સુરત આવીને વસે પણ તેમ બની શક્યું નહી.

ગુરૂ-શિષ્ય કે ઉસ્તાદ-શાગિર્દ પરંપરા ભારતમાં સદીઓ પુરાણી છે જેમાં શિષ્ય ગુરૂને ભગવાનના રૂપમાં જુએ છે. આવા પ્રકારનો સંબંધ ગાલિબ અને તેમના ગુજરાતના કેટલાક શિષ્યો વચ્ચે જોવા મળે છે. ગાલિબને પૂરા દેશમાં રાજાઓ, રઈસો, નવાબો, ઉમદા વ્યક્તિઓ અને સામાન્ય માનવીઓ જેવા શિષ્યો હતા, જેમાના ઘણા ઉત્કૃષ્ટ કવિ હતા. આમાના એક હતા દાદ ખાન ‘સય્યાહ’ જે ગાલિબને એકદમ પ્રિય હતા. શરૂઆતમાં દાદ ખાન ‘અશ્ક’ના નામે લખતા. તેમને દેશભરમાં મુસાફરી કરવાનો શોખ હતો. એકવાર જ્યારે દાદ ખાન દિલ્હી ગયા ત્યારે તેમણે મિર્ઝાસાહેબના પગ આગળ બેસી પોતાની ગઝલો સુધારવા વિનંતી કરી હતી. તે દિવસથી ગાલિબના તે પ્રિય બન્યા અને તેમને શિષ્ય તરીકે સ્વિકાર્યા અને ‘સય્યાહ’ (મુસાફર)નો ખિતાબ આપ્યો. ત્યારબાદ દાદ ખાન આ જ નામે લખતા.

પોતે બહુ મુસાફરી કરી શકતા ન હતા એટલે ગાલિબ દાદ ખાનને પત્રો લખી તેમણે કરેલ મુસાફરીનું વિગતવાર વર્ણન કરવા કહેતા. ગાલિબને તે એટલા પ્રિય હતા કે તેઓ દાદ ખાનને ‘બર્ખુંરદાર’ના નામે સંબોધતા જે સામાન્ય રીતે કોઈ પોતાના દીકરા માટે વાપરે છે.

એક સફરમાં ૧૮૬૨મા દાદ ખાન મુંબઈથી સુરત પહોંચ્યા. ત્યાના નવાબ મીર ગુલામ બાબા ખાનને ઉર્દૂ અને પર્શિયન ભાષામાં ઊંડો રસ, જેને કારણે ‘સય્યાહ’ તેમના દરબારમાં પહોંચ્યા અને પછીથી તેમના દરબારમાં સાથીદાર બન્યા.

ગાલિબે ‘સય્યાહ’ને કૂલ ૩૫ પત્રો લખ્યા હતા જેમાં નાદુરસ્ત તબિયત, આર્થિક મુશ્કેલી, ‘સય્યાહ’ની મુસાફરી, કવિતા લખવાની સૂચનાઓ, વગેરે જેવા જુદા જુદા વિષયોને સાંકળ્યા હતા. તે ઉપરાંત ગઝલમાં યોગ્ય શબ્દો અને છંદના ઉપયોગ વિષે પણ સલાહસૂચન આપતા. ‘સય્યાહ’ ગાલિબની અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા હતા અને ઉર્દૂ ભાષામાં શ્રેષ્ઠતા મેળવી હતી. તેમના સુરતના વસવાટને કારણે અને ત્યાંથી ગાલિબ સાથેના પત્રવ્યવહારને કારણે જ ગુજરાતને ગાલિબ અને ગઝલોનો પરિચય થયો જે નોંધનીય છે.

મીર ઈબ્રાહીમ અલી સુરતના નવાબ મીર જાફર અલીના ભત્રીજા હતાં. તેઓ સય્યદ મીર હકીમ મોદુદીના નજીકના સગા હતા, જે ગાલિબના શિષ્ય હતા, તેમની મારફત મીર ઈબ્રાહીમ અલીને ગાલિબ સાથે સીધો સંપર્ક હતો. યુવાનીમાં મીર ઈબ્રાહીમ અલી સુરતમાં કાકા સાથે રહેતા હતા. અહી તેમણે પર્શિયન, ઉર્દૂ, અરેબિક અને અંગ્રેજી ભાષાઓ શીખી. જેને કારણે તેમને કવિતા પ્રત્યે લગાવ થઇ ગયો.

૨૫ વર્ષની વયે દાદાના અવસાનને કારણે તેમને સુરત છોડી વડોદરા આવવું પડ્યું અને કારોબારને કારણે કવિતા એકબાજુએ રહી, પણ તેમાનો તેમનો રસ ઓછો થયો ન હતો. પોતાની રચનાઓ તે ગાલિબને મોકલતા અને ગાલિબ તે એકાગ્રતાથી વાંચી સુધારતા. ગાલિબે તેમને પાંચ પત્ર લખ્યા હતા. ગાલિબની મુશ્કેલીને ધ્યાનમાં લઇ મીર ઈબ્રાહીમ અલી તેમને આર્થિક મદદ કરતા. બંનેને એકબીજાને મળવાની તક નહોતી મળી પણ એકબીજાના ફોટાનું આદાનપ્રદાન કર્યું હતું.

મીર ઈબ્રાહીમ અલીને ગાલિબ પોતાના ઉસ્તાદ છે તેનો અત્યંત ગર્વ હતો. તેમની નિગરાનીમાં તેઓ એક સારા કવિ બન્યા. તેઓ ‘વફા’ના ઉપનામે લખતા, તો કવચિત ‘તાલીબ’ના નામે પણ લખતા.

મીર ઈબ્રાહીમ અલીના પુત્ર મીર અહતાશમ અલી તેમના પિતાના પગલે ચાલ્યા અને ‘જાદુ’ના ઉપનામે કવિતા લખતા. તેમના પૌત્ર મીર મહેબુબ અલી ઉર્દૂ અને પર્શિયનના વિદ્વાન હતા અને ગાલિબની પર્શિયન રચનાઓના પ્રશંસક હતાં

સયદ મોદુદી જાણતા હતા કે જેમને કવિતામાં રસ છે તેમનો સંપર્ક ગાલિબ સાથે કરાવાય તો તે કળીઓ એક પુષ્પમાં પરિવર્તિત થાય. આ જ કારણસર તેમને જ્યારે જાણ થઇ કે મીર ઈબ્રાહીમ અલીના પિત્રાઈ, મીર આલમ અલી ખાન પણ કવિતાઓ લખે છે ત્યારે સયદ મોદુદીએ તેમનો ગાલિબ સાથે સંપર્ક કરાવ્યો. મીર આલમ અલી ખાન ‘મયાલ’ના ઉપનામે કવિતા લખતા અને ગાલિબને મોકલતા. ગાલિબના નિર્દેશનમાં અને તેમના પ્રોત્સાહનને કારણે ‘મયાલ’તેમના સમયના એક સુપ્રસિદ્ધ કવિ બન્યા. તેમના પૌત્ર મીર અઝર અલીને પણ પોતાના દાદાની જેમ કવિતામાં રસ હતો અને તેમણે ‘દીવાન’ પ્રકાશિત કર્યું હતું.

આ લેખમાં જે સયદ મોદુદીનો ઉલ્લેખ કરાયો છે એમનું પૂરૂ નામ મીર સયદ હસ્સન મોદુદી. શરૂઆતમાં તેઓ સેહસ્વાન રહેતા અને ત્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ તેમને પોતાની સાહિત્યિક કલાને વિકસાવવી હતી એટલે તેઓ દિલ્હી આવી વસ્યા. ઉર્દૂ અને પર્શિયન કવિતામાં તેમના રસના કારણે તેઓ ગાલિબના સંપર્કમાં આવ્યા. ગાલિબને વિનંતી કરી કે તેઓ કવિતાક્ષેત્રે તેમને માર્ગદર્શન આપે. આ વિનંતી ગાલિબે સ્વીકારી અને બે વચ્ચે એક દીર્ઘકાલીન સંબંધ બંધાયો.

સયદસાહેબ મીર સરફરાઝ અલીના કુટુંબના હતા અને અન્યોની જેમ તે પણ વડોદરા આવી વસ્યા હતા. ત્યાં તેમને મીર ઈબ્રાહીમ અલીના દરબારમાં સ્થાન મળ્યું. મીર ઈબ્રાહીમ અલીનો કવિતામાં રસ જોઈ સયદ મોદુદીએ તેમને ગાલિબ સાથે સંપર્ક કરાવ્યો હતો. ગાલિબને મીર કુટુંબ પ્રત્યે એટલો પ્રેમ હતો કે પોતાની લથડતી તબિયતે પણ તેમના આ ખાસ શિષ્યોની ગઝલો તેઓ સુધારતા.

સયદ મોદુદી પોતાની કવિતાઓ ‘ફિદા’ના ઉપનામે લખતા. સયદસાહેબને વૈદકશાસ્ત્રમાં પણ રસ અને તેનો અભ્યાસ પણ કર્યો, જેને કારણે તેઓ હકીમ મોદુદીના નામે પણ ઓળખાતા હતા. ‘સય્યાહ’ની જેમ હકીમ મોદુદી પણ પ્રવાસના શોખીન હતા. ગાલિબ વારાણસીથી એકદમ પ્રભાવિત હતા અને તેમણે વારાણસી માટે ‘ચિરાગે-એ-દૈર’ નામે એક ‘મસ્નવી’(દીર્ઘકાવ્ય) લખ્યું હતું. જયારે મોદુદી ગાલિબના કહેવાથી વારાણસી ગયા હતા ત્યારે તેઓ પણ ગાલિબની જેમ વારાણસીના જાદુથી મોહિત થઇ ગયા અને તેમણે તે માટે નીચે મુજબ લખ્યું હતું:

“દીખાઈ જાકર બુતાની દખ્ખણ કો અબ ક્યા મુંહ

જો નકદે દિલ થા ફિદા લૂટ ગયા બનારસ મૈ”

હકીમ મોદુદીના મોટા પુત્ર સયદ મેહમૂદ હુસ્સૈન પિતાના પગલે ઉર્દૂમાં ‘અફસર’ના નામે કવિતા લખતા. તેઓ ઉર્દૂ ઉપરાંત પર્શિયન, અરેબિક અને ગુજરાતી ભાષામાં માહેર હતા.

એમ કહેવું ખોટું નથી કે ગાલિબના ગુજરાત સાથેના જોડાણને કારણે ગુજરાતમાં આજે પણ ઉર્દૂ ભાષા એટલી જ લોકપ્રિય છે. ન કેવળ ઉર્દૂભાષી કવિઓ પણ ગુજરાતીભાષી સાંપ્રત પેઢીના કવિઓ પણ આજે ગઝલને જીવંત રાખવામાં સફળ રહ્યા છે. એ પણ નોંધવું રહ્યું કે ભારતની અન્ય ભાષાઓના પ્રમાણમાં ગુજરાતી ગઝલ વધુ ફાલીફૂલી છે જે આપણા માટે ગર્વની વાત છે.

(ઉપરની માહિતી મીર જાફર અલી ખાનના વંશજ અને કમઢીઆ, સૌરાષ્ટ્રના હાલના દરબારશ્રી મીર જાફર ઈમામ પાસેથી તેમ જ તેમના પ્રકાશિત પુસ્તક ‘Mirza  Ghalib and the Mirs of Gujarat’માંથી સાભાર.)

નિરંજન મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in નિરંજન મહેતા, Uncategorized and tagged , , . Bookmark the permalink.

2 Responses to મિર્ઝા ગાલિબ અને ગુજરાત

  1. tarulata says:

    gzlna mul ane prchar vishe sudr lekh.abhinndn Nirnjnbhai.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s