શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

“સ્ત્રીની બુદ્ધિ પાનીએ” જેવી સ્ત્રીઓને ઉતારી પાડતી કહેવતોનો જમાનો આજે તો ક્યારનો ય પાછળ વહી ગયો છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ કેટલાક સ્થાનોએ તો એમના કરતાં એક કદમ આગળ ચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓ જૂની ટેવના માર્યા કેટલાક પુરુષો હજુ પણ સ્ત્રીઓ તરફ નિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએ જોતા હોય છે

સ્ત્રીઓની બુદ્ધિને પડકારવાની હરકત કોઈ વાર પુરુષોને કેવી ભારે પડી શકે છે અને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજ પીરસી હળવા તો કરે છે જ એની  સાથે  સાથે સ્ત્રી શશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે. 

શેરને માથે સવા શેર …. રમુજ કથા -૧

અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે.અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હંમેશાં તકાયેલી રહે છે એવાં  બે પતીપત્નીને લગતી એક રમુજ કથા એક મિત્રના મેલમાં અંગ્રેજીમાં વાંચી હતી  એને યાદ કરી એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે આપેલ છે એ  જરૂર માણવી ગમે એવી છે.

ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના જન્મ સ્થળ અને વતન આર્કાન્સાસ સ્ટેટના એક પર્યટન સ્થળે  ઉનાળુ વેકેશન માણતાં હતાં

આ સ્થળેથી કોઈ કામ અંગે રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ એમની ગાડીમાં ગેસ પુરાવવા માટે રોકાયાં. 

ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની ઔપચારિક વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે એક વર્ગમાં જ અભ્યાસ  કરતાં હતાં એટલું જ નહિ એ વખતે હિલરીનો બોય ફ્રેન્ડ હતો.   

ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં વાઈટ હાઉસમાં રહેતી પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી આગળ શરુ કરી દીધી.  

એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી જ્યાં ગેસ પુરાવેલો  ગેસ સ્ટેશન જોયું. જોઇને એમનાં પત્ની હિલરીની થોડી મજાક કરી એમને ચીડવવાનું મન થયું

બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને  કહ્યું

હની, જો તું હાઈસ્કુલ વખતના તારા પેલા ગેસ સ્ટેશનના માલિક બોય ફ્રેન્ડ સાથે વધુ સમય રહી હોત તો તું આજે એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”

ક્લીન્ટનના આ શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગયાં પણ પછી થોડા સ્મિત સાથે જવાબમાં ક્લીન્ટનને  લાગલું ચોપડાવ્યુ

ના બીલ, ત્યાં તારી ભૂલ થાય છે. જો હું બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો એ એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત! ” 

 

શેરને માથે સવા શેરરમુજ કથા ૨.

સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર અલક મલકની વાતો કરતાં બેઠાં છે.

આનંદ સોફ્ટવેર  એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ કરે છે.તેઓ નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધે વાતો કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર પતાવીને દિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી ટીવી જોઇને સુઈ જવાનો  એમનો રોજનો નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : “બોલ આનંદ ,આજની શી નવાજુની છે ?”

આનંદ : “અરે હામંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાં વાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું ને ,દરેક સ્ત્રી સ્વભાવે બોલકી  હોય છે.”

મંજરી થોડી વાર તો ચુપ રહી ,પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી

આનંદ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:“બોલશું કારણ છે ?”

મંજરી :“કારણ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશું સમજાતું હોય એમ એ જ વાત ફરી પૂછે છે.પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”

આનંદ :“શું કહ્યું ?”

મંજરી :“જોમારી વાત સાચી નીકળી ને ?”

આ સાંભળી આનંદ ઘડીક તો ચુપ થઇ ગયો.પછી  થોડી વાર પછી એણે ફરી મંજરીને પોતાની બુદ્ધિનો પરચો બતાવવાના આશયથી કહ્યું :

મને નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે છે ?”

મંજરીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવુંભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે મારા તરફ આકર્ષાવો  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી કે જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

વિનોદ પટેલ ,સાન ડીએગો

કઈ લાઈનમાં જવાનો ?-કલ્પના દેસાઈ

1221352164

 

મિત્રો આ હાસ્ય લેખ ખાસ વાંચવા મુકું છું

તમારો દીકરો પાસ થઈ ગયો ?’
‘હા, ફર્સ્ટ ક્લાસ આવ્યો. ’
‘અરે વાહ ! કઈ લાઈન લેવાનો હવે ?’
‘સીધી લાઈન. ’
‘હેં ? એ વળી શું ?’
‘ભઈ, આ સવાલથી એ હવે કંટાળ્યો છે, એટલે જે પૂછે તેને આ જ જવાબ આપે છે. હવે તો અમારી સાથે પણ સરખી વાત નથી કરતો. ’
‘પણ એણે કોઈ લાઈન તો પહેલેથી નક્કી કરી હશે ને ?’
‘ એ તો આઠમા ધોરણમાં આવ્યો ત્યારનો કહેતો હતો કે, હું તો ઘાસતેલની લાઈનમાં જઈશ, ગૅસના બાટલાની લાઈનમાં જઈશ, રેલવેની બારીએ ટિકિટની લાઈનમાં જઈશ, મોટો થઈને કૉલેજના એડમિશનની લાઈનમાં જઈશ, નોકરી માટેના ઈન્ટરવ્યૂની લાઈનમાં જઈશ અને એવી બીજી જેટલી પણ લાઈન લાગશે તે બધામાં ઊભો રહીશ. ’
‘હવે તો મોટો થઈ ગયો ને ?’
‘એટલે જ કોઈ જવાબ નથી આપતો. ’
‘તમે કારણ નથી શોધ્યું ?’
‘કારણમાં તો બીજું શું હોય ? જે એને મળે તેમાંથી કોઈને કંઈ ખબર જ ન હોય, થોડી ઘણી ખબર હોય તો તેને વિષયની સમજણ ન હોય અને જેને બધી ખબર હોય તે બહુ હોશિયાર હોય ! એટલે જે મળે તે એને એક જ સવાલ પૂછે કે, ‘કઈ લાઈન લેવાનો ?’ શરુઆતમાં તો એ જવાબ આપતો પણ પૂછનારા એને ત્રાસ આપીને અધમૂઓ કરવા માંડ્યાં. પહેલાં તો લોકોને ડૉક્ટર, એન્જિનીયર ને સીએ સુધીની જ જાણકારી હતી તે સારું હતું. હવે તો જ્ઞાની મહાપુરુષોનો રાફડો ફાટ્યો તે રિઝલ્ટ આવતાં જ ઘેરેઘેર ફરવા માંડ્યા ! તેમાં જો બે–ચાર જણ સાથે નીકળી પડ્યા તો માબાપનુંય આવી બને.

‘સાયન્સ લીધું છે ?’ પૂછીને શરુઆત કરે ને માછલીને જાળમાં ફસાવવા માંડે.
‘હા. ’
‘ડૉક્ટર બનવાનો ?’ ડૉક્ટરથી આગળ એમને પણ વધારે નથી ખબર !
‘કંઈ નક્કી નથી, કેટલા ટકા પર એડમિશન થાય તેના પર આધાર.’ (જાણે છે કે, ડૉક્ટરની હા પાડશે તો સવાલો ચાલુ જ થઈ જશે, ‘આ ડૉક્ટર કે પેલા ડૉક્ટર ?’)
હવે ખરો ખેલ શરુ થાય.
‘ડૉક્ટર બનવામાં લાંબો થઈ જશે. એના કરતાં બી.ફાર્મ કરી લે. લાઈસન્સ લઈ લેવાનું. દુકાન ખોલીને બેસી જવાનું. કમાણી જ કમાણી. ’
‘દુકાન ખોલવા પૈસા જોઈએ ને ?’
‘તો પછી ઓર્થો બની જા. ’
‘ઓર્થો ? ઓર્થોડૉક્સ ?’
‘અરે ભાઈ, એ નહીં. પેલા હાડકાના ડૉક્ટર આવે તે. ’
‘એ પણ ડૉક્ટર જ ને ? બધામાં પૈસા જોઈએ. ’
‘તો ફિઝિયો બની જા. ’
‘એ વળી શું ?’
‘પેલા હાથપગની કસરતવાળા ને માલીશવાળા આવે તે. એમાં બહુ ખર્ચો પણ નહીં. ’
‘એ તમને કોણે કહ્યું ? મારે એવું કંઈ નથી બનવું. ’
‘તો પછી તું શું કરવાનો ? હેરડ્રેસિંગ સલૂન ખોલવાનો ?’
‘આઈડીયા તો સારો છે. ’
‘સાવ નફ્ફટ. માબાપનો તો કોઈ વિચાર જ નહીં કરવાનો. જરા પણ કદર નહીં. આ જકાલના છોકરા સાવ નકામા. ’ (તમે મારા માબાપનો વિચાર કરો તો સારું. એમને પણ કંઈ વિચારવા દો. એના કરતાં તમારા છોકરાં સાચવો, જાઓ.)
બીજા ભાઈ જરા સમજાવટથી કામ લેવાની કોશિશ કરે ! ‘બેટા, તને જે લાઈનમાં ઈન્ટરેસ્ટ હોય તે જ લાઈન લેજે. એમ પૈસાની લાલચમાં ગમે તે લાઈન નહીં લઈ લેતો. (આગલા ભાઈ મોં વાંકું કરે.) ડૉક્ટર, એન્જિનીયર કે સીએ બનવા કરતાં, હું તો કહું કે બેસ્ટ લાઈન તો આજે આઈટીની જ છે. ’
‘હું તો બધી લાઈનાં એક એક વરસ ફરી આવીશ. પછી જેમાં ગમશે તેમાં ટકી જઈશ.

‘એમ તો કેટલા પૈસા બગાડવાનો ? અને વરસ કેટલાં બગડે તે કંઈ ભાન છે ?’
‘હા, પણ કેટલા વરસથી આ સવાલ મને હેરાન કરે છે. હું પણ જોઉં તો ખરો કે નહીં કે કઈ લાઈન સારી ?’

ત્રીજા ભાઈ જરા મોડર્ન ખયાલના. ‘આ ટીવી પર પણ જાતજાતના પ્રોગ્રામ્સ આવે છે હવે તો. કંઈ એક્ટર–બેક્ટર બનવું હોય કે પછી રિયાલિટી શૉમાં જવું હોય ને કંઈ એન્કર–બેન્કર બનવું હોય કે સિંગર–ડાન્સર જે બનવું હોય તે. તારામાં આવડત હોય તો ત્યાં પણ બહુ સ્કોપ છે આગળ જવા માટે. કરિયર બનાવવી હોય તો આ બધામાંથી પણ કંઈ પસંદ કરવા જેવું ખરું, હં કે ! એમ તો તારા ઘરનાં બધાં બહુ ફોરવર્ડ છે, હું જાણું ને ? આખરે તો તારી મરજી પ્રમાણે જ થશે બેટા.’ જાણે કે, આ લોકોએ તો કોઈ દિવસ ટીવી જોયું જ નથી ને એ લોકો દુનિયાના એવા છેડે રહે છે કે જ્યાં છાપાં પણ નથી મળતાં ! તમે તમારા બાળકોની નજરમાં કેટલા ફોરવર્ડ છો તે જાણો છો ?

બસ, એમ કોઈ કૂક કે શેફ બનવાનો રસ્તો બતાવે તો કોઈ બિઝનેસ કરવાની પચાસ લાઈન પણ બતાવે. પછી પોતે કેટલી મહેનતે આજે આ જગ્યાએ પહોંચ્યા છે તેની મહાબોરિંગ વાર્તા કહ્યા વગર જાય નહીં. ભણનારો ને પાસ થનારો એક ને તેનો હાથ પકડનારા હજાર ! જાણે કે, હજાર હાથવાળા હરિ સાક્ષાત્ હાજરાહજુર !

પેલા બધા જ્ઞાનીઓના હાથ છેવટે હેઠા પડે અને અંતે, જતાં જતાં છોકરાનું ભવિષ્ય ભાખતા જાય, ‘આ તમારા છોકરાને સાચવજો જરા. કોઈ ઠેકાણું જ નથી હજી. રિઝલ્ટ આવી ગયું છે. બધે એડમિશનની દોડાદોડી છે અને એને કંઈ પડી જ નથી. ભલતાસલતા જ જવાબો આપે છે. મોટાનું માન કેમ જાળવવું તે તો ખબર નથી ને ડિગ્રી લેવા નીકળ્યો છે. જોજો, લાઈન બહાર ન જતો રહે. એને અમારા વતી કહેજો જરા કે, સીધી લાઈન પર રહેજે નહીં તો ચણાના ભાવે વેચાઈ જશે. ’

‘ભઈ, એ તો પહેલેથી જ કહેતો હતો કે, સીધી લાઈન લેવાનો છું પણ કોઈ માનતું જ નથી. ’

સલીમ અનારકલી …હાસ્ય સપ્તરંગી -(10) -મનીષા જોબન દેસાઈ


અચાનક વરસો પછી રેસ્ટોરાં માં મળી જાય છે
.સંવાદ …….
સ : કેસી હો અનારકલી?
અ :સાહેબે આલમ ,અભી ડાન્સ સ્ટુડીઓ સે  બચ્ચો કો સિખાકર  આ રહી હું
સ :અભી સેટલ નહિ હો ક્યા?
અ :સેટલ તો હું ,લેકિન અબ મેરા ડાન્સ દેખને આપ કહા હો ?
સ ;અબ તો મેં ખુદ  ટીવી મેં  ડાન્સ દેખ લેતા હૂં
અ :કુછ ખાના ઓર્ડેર કર  લે?
સ:લેકિન અનારકલી યકીનન અબ તુમ મેરી વો અનારકલી નહિ રહી .
તુમ્હારા બઢા હુવા વજન દેખ કે મેંરી યે  આંખે નાખુશ્ગવાર  હે .
અ :હાં ,રોગન -ગોસ્ત ઔર શાહી બિરીયાની ને મુજે જકડ રખા હૈ
સ:પહેલે જબ મેં તુમ્હારી નાજુક ઉન્ગલીયો કો સહેલાતા થા તો વો ભીંડી ઔર કકડી જેસી લગ રહી થી ઓર અબ વો મુજે કિસી ખરગોશ જેસી લગતી હૈ.
અ ;સાહેબે આલમ  કભી ભી  કોઈ હંમે દેખ લે  એસા હે ,  પહેલે આપ મેરા યે ગીત સુન લીજીયે .
સ; પર તુમ યે ભી સૂન લો ,તુમ્હે ડાયેટ તો કરના હી પડેગા ,ક્યોંકી અબ તુમ જીન્સ પહેનો યા  સ્કર્ટ  ,મમરે કી બોરી હી લગ રહી હો .
અનારકલી દુખી થઇ ગાવા લાગી ….
વો આઇ તૂટે દિલસે આ..આ…આ…આવાઝ
ખુદા નિગેહબાન હો તુમ્હારા ……
Foodie દિલકા સલામ લે લો
ખાતે ખાતે જા રહે હે ..
ઉઠો હમારા બીલ ભી દેદો ,
કભી સફેદ ભેંસ કહા , કભી કહા હૈ હીપ્પો
કસમ હે તુમકો ,નાં ઉઠાના જનાઝા હમારા
કહી તૂટ ના જાયે કાંધા તુમ્હારા

-મનીષા જોબન દેસાઈ

દેવોમાં તકરાર-હાસ્ય સપ્તરંગી -(9)નિરંજન મહેતા

 

૨૦૧૫મા શ્રી નરેન્દ્ર મોદી અબુ ધાબી ગયા હતા અને એવા સમાચાર હતા કે ત્યાં ત્યાના શેખે તેમને એક મંદિર બાંધવા માટે જમીન ભેટ આપી હતી. હવે ત્યાં કયું મંદિર બાંધવું તે તેની વિગતો પ્રાપ્ત થઇ નથી પણ મને જાણવા મળ્યું છે કે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તે વખતે સ્વર્ગમાં દેવોમાં તે સંદર્ભમાં તકરાર થઇ હતી કે કોનું મંદિર બંધાવું જોઈએ. આ તકરારનો નિવેડો લાવવા કોણ સક્ષમ હોય સિવાય કે બ્રહ્માજી. એટલે સૌ દેવો બ્રહ્માજીના માનસપુત્ર શ્રી નારદજીને લઈને તેમની પાસે ગયા.

આમ એક સાથે દેવોના જૂથને આવેલા જોઇને બ્રહ્માજી પણ ચમક્યા પણ કોઈ ભાવ બતાવ્યા વગર પૂછ્યું કે શું વાત છે. બધાએ શ્રી નારદજીને આગળ કર્યા કારણ કોઈ એક દેવ વાત કહે તો તેમાં તેનો પોતાનો સ્વાર્થ હશે એમ બ્રહ્માજી માને તો?

શ્રી નારદજીએ કહ્યું કે પૃથ્વી પર ભારતવર્ષના વડા પ્રધાન તેમની અનેક વિદેશયાત્રાઓ દરમિયાન એક અબુ ધાબી નામના દેશમાં ગયા હતા અને ત્યાના રાજવી જે શેખના નામે ઓળખાય છે તેમણે પ્રસન્ન થઇ એક જમીન મંદિર બાંધવા ભેટ આપી હતી. હવે ત્યાં કયા દેવનું મંદિર બંધાવું જોઈએ તે વિષે આ બધા દેવોમાં તકરાર છે. ભારતવર્ષ અને અન્ય દેશોમાં અનેક મંદિરો બંધાયા છે અને બંધાતા રહેશે. આ બધા મુખ્યત્વે શ્રી વિષ્ણુના જુદા જુદા રૂપના હોય છે. તે જ રીતે દેવાધિદેવ મહાદેવના પણ ઘણા મંદિરો છે. પણ તે સિવાય અન્ય દેવોને તો કોઈ યાદ પણ નથી કરતુ. તમે કહેવાઓ જગતનિયંતા પણ તમારા પણ ગણ્યાગાંઠ્યા મંદિર છે. હા, દેવીઓની તો બોલબાલા છે.

બ્રહ્માજી થોડો બખત ચૂપ રહ્યા અને વિચાર્યું કે વાત તો કંઈક અંશે સાચી છે, પણ શું જવાબ આપવો તે માટે મૂંઝાયા, કારણ પોતાના નામનું મંદિર બાંધવા કહે તો તે યોગ્ય ન લાગે. પછી કહ્યું કે આપણે ત્રિમૂર્તિના બાકીના બે સાથીદાર વિષ્ણુજી અને મહાદેવજીને બોલાવી પૂછીએ. મનમાં થયું કે આનાથી એક કાંકરે બે પક્ષી મરાશે. એક તો તેઓ તેમનું  મંદિર બાંધવાની વાત નહી કરી શકે અને બીજું જો મારૂં મંદિર બંધાવું જોઈએ તેમ સૂચન કરશે તો આપણું તો કામ થઇ ગયું!

કહેણ મોકલતા બંને દેવો હાજર થયા અને બ્રહ્માજીને નમન કરી બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. વાત સાંભળ્યા પછી તેઓ સમજી ગયા કે જગતનિયંતાએ ચતુરાઈ કરી પોતાનું મંદિર બંધાય એવો આડકતરો ઈશારો કર્યો છે. હવે તો તેને અનૂરૂપ આપણે પણ એવી જ રીતે ઉપાય બતાવો પડશે જેથી આપણો હક્ક રહે અને તે પણ આપણા કહ્યા વગર, એટલે વિષ્ણુજીએ કહ્યું કે જગતપિતા તો પૂજનીય છે એટલે તેમના નામનું મંદિર બંધાય તે સારી વાત છે પણ અન્ય દેવોનું તેથી મહત્વ નથી એમ અમે કેમ કહી શકીએ? હવે જે દેશમાં આ મંદિર બંધાવાનું છે તે દેશમાં પણ વિવિધ પ્રકારના ધર્મોનું પાલન થાય છે. તેમને જ નક્કી કરવા દો કે ક્યાં દેવનું મંદિર બાંધવું. કારણ અમે અમારા માટે કહીએ તે યોગ્ય નથી પણ જો ત્યાંના લોકો લોકલાગણીને માન આપી મારૂ કે મહાદેવનું મંદિર બાંધે તો આપણે તે સ્વીકારવું પડે અને તેઓ જો મૂંઝાશે તો તેઓ ભારતવર્ષના વડાપ્રધાન કે જે સાંપ્રદાયિક છે તેમની સલાહ લઇ વાતનો નિવેડો લાવશે એટલે આપણે આ વાત અહિ જ સમાપ્ત કરીએ.

સૌ દેવો નિરાશ વદને પાછા વળ્યા.

 

નિરંજન મહેતા

 

હાસ્ય સપ્તરંગી -(8)પદ્માબેનશાહ-“ઘડપણ”

“ઘડપણ”

ઘરડા કહેવાય છતા તેમને ઘરડા ન કહેવાય

એવા મારા સાસુમા શું કરું વાહ વાહ કે કરું તોબા તોબા?

ઉપરથી આપણને સમજાવે ઘરડા કોને કહેવાય?

પુત્રવધુ દર્શા અને પૌત્રી વિધિ સાથે ચર્ચા કરતા લખાઈ ગયું ઘડપણ

તો લોં સાંભળો

પૌત્રી કહે બા તમે હવે ઘરડા લાગો ઘરડા કહેવાવ

શું બોલી?મને ઘરડી કીધી?ખબરદાર જો ફરી બોલી!

પણ બા દાંત તો બધા હવે પડી ગયા!

મોઢામાં ના દીસે એકે દાંત ? તેથી શું થાય?

આખી બત્રીસી છે, ચોકઠું તેની સાક્ષી છે, સહુ સ્વાદની બક્ષિશ છે

તો ના ક્હો બોખી એટલું રાખજો ગોખી, સહુ  શબ્દો બોલો જોખી

બા હવે તો આંખે ચશ્માં આવી ગયાને!

આંખે ચશ્માં ફેશનનો છે મહિમા,જાતભાતના તમે પહેરો ચશ્માં

કદિ થયા તમે  ઘરડા,બોલો ?

ફેશનની ક્રાંતિમાં દીસે મુખની કાંતિ ,ચાર ચાર આંખોથી હું થઇ દુનિયા જોતી

બા,હવે તો લાકડીને વોકર પણ આવી ગયા!

આખું બ્રમ્ભ્માંડ ચાલી રહ્યું એકમેકના ટેકે ટેકે,તું ના હવે ટોકે

હાથમાં લાકડી કે વોકર એ તો બઢતી ઉંમરની છે બક્ષિશ!

તું ના હવે રોકે, હકારાત્મક વિચાર સદા હું રાખીશ!

પણ બા,તમે તો હવે વાંકા વળી ગયાને?

ઓહ! તેથી શું થયું?બેટા, વળવું એતો જીવનનો છે  ટર્નીંગ પોઈન્ટ

વળવાથી આવે નમ્રતા,ઇન્ડીયન હોય કે કે અમેરિકન પ્રેસીડન્ટ

એક હાથે કે બે હાથ સંગ ઝુકતા જાયે સહુ સંત

આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/

એક   ડાળી વૃક્ષની  ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !

એક   ડાળી  વૃક્ષની  ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!

અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!

પદમા-કાન

બે મેં.તી- હાસ્ય સપ્તરંગી -(7)રશ્મિ જાગીરદાર

માધવીના લગ્ન પહેલાં  જ એના પતિ અમિતની  જોબ ચાલુ હતી, એટલે તેના લગ્નમાં તેના પતિનો પુરો સ્ટાફ અને સાહેબ પણ  આવેલા. તેના  લગ્ન તેમના મુળ વતન ખંભાતમાં રાખેલા. એ વર્ષોમાં ખંભાતના દરેક વતનીએ ઘરમાં આવતા સારા -માઠા  પ્રસંગો ખંભાત આવી ને જ કરવાનો રીવાજ હતો, વળી ખંભાતની દીકરી ખંભાતની બહાર પરણાવી શકાતી નહી !   તે પણ એક રીવાજ જ હતો.  તો  વળી કન્યાને લગ્ન  વખતે,  મો ન દેખાય તેટલો ઘૂંઘટ ઓઢીને પરણવા બેસવાનું રહેતું ,  આ પણ એક રીવાજ જ હતો.  ખંભાતની છોકરીઓ બીજા ગામ નહિ પરણાવવાનો રીવાજ અમુક અંશે  અત્યારે પણ ચાલુ જ છે ! અલબત્ત જે માને તેને માટે.  આવો રીવાજ પડવાની પાછળ  પણ એક કિવદંતી છે , પણ મૂળ કારણ તો એ જ કે દીકરી આંખથી દુર હોય ને તેને કઈ દુખ હોય તો ખબર ના  પડે.

માધવીના લગ્નના દિવસે હસ્તમેળાપનો સમય રાત્રે ૧૨  ને ૧૦  મિનીટનો હતો ,એટલે જમણવાર પહેલાં રાખી લીધેલો. લગ્નમાં આવેલા પતિના સ્ટાફે વિચાર્યું કે, આખી રાત રોકાવાને બદલે કન્યા પધરાવે એટલે  કન્યાનું    મો જોઈને નીકળી જઈશું. લગ્નમંડપમાં વિધિ ચાલુ થઇ અને સમય થતાં , કન્યાની પધરામણી  તો થઇ પણ ચહેરો તો પુરેપુરો ઘૂંઘટ માં!  મિત્રો માધવીના પતિને કહે, ” અમિતભાઈ, તું ઘૂંઘટ થોડો હઠાવ તો કન્યાના દર્શન થાય !  અને અમે વેળાસર નીકળી શકીએ. તો અમિત કહે :- “ના ના મારાથી  એવું   કશું નહિ કરાય, તમે લોકો પ્લીઝ રોકાઈ  જાવ.” માધવીને પરણાવવા બેઠેલા માતા -પિતાએ આ વાત  સાંભળી, માધવીના પિતા વિચારવા લાગ્યા કે , ” સાપ ના મરે ઔર લાઠી ભી ના તૂટે ”  એવું કૈક કરવું પડશે.  થોડી વાર પછી ફોટોગ્રાફરને બોલાવ્યો અને કહ્યું ,” ભાઈ, વર-કન્યા  સાથે જમાઈના બધા મિત્રો આવ્યા છે, તેમના ત્રણ ચાર સરસ ફોટા પાડી લો.” અને માધવીના ભાભીને કહે,  “વહુ બેટા, માધવીનો ઘૂંઘટ સરખો કરો, ચહેરો દેખાય એ રીતે –ફોટા સરસ આવવા જોઈએ. ”  અને આમ આખરે મિત્રોએ  કન્યાનું મો જોયું ,સાથે સાથે વર રાજાએ પણ !!!  થોડીવાર પછી મિત્રોએ રજા માંગી, “અમિતભાઈ, અમે નીકળીએ.”

અમિત કહે:- “થેંક યું સર એન્ડ ઓલ ફ્રેન્ડસ .”

 એક મિત્ર કહે:-” શાને માટે થેન્ક્સ  અમારે લીધે કન્યાનું મો જોવા મળ્યું એટલે જ ને ?”

અને બધા હસી પડ્યાં.   માધવીને લગ્ન પછી કપડવંજ રહેવાનું  હતું તેના પતિની  ત્યાં જ   જોબ હતી.   ત્યાં અમિતે પહેલેથી જ એક સરસ ખડકી બંધ ઘર ભાડે રાખેલું હતું. ત્યાં જ માધવીનો સંસાર શરુ થયો. માધવીનો દિયર પણ તેમની સાથે ભણવા રહેવાનો હતો. નિર્દોષ ચહેરો , શરારતી ,હસમુખ સ્વભાવ અને પરાણે વ્હાલું લાગે તેવું વ્યક્તિત્વ.  એવો દિયર, ભાભીનો લાડકો હતો. ત્યાં રહેવા ગયા પછી ઘર કામ માટે કોઈને શોધતાં  હતાં, અમિતના એક મિત્રને ત્યાં કામ કરતી  બાઈને એ લોકોએ મોકલી.

માધવીએ પૂછ્યું, : _” ત્રણે કામ કરવાના છે શું લેશો?”

કામવાળી કહે,: -” ભાભી એક કામના દસ રૂપિયા ભાવ છે.”

 માધવી કહે,: – ” બધે આજ ભાવ લો છો ?” તો કહે, ” બીજા કામ તો જુના —તમારે તો એક કામ ના દસ –એટલે ત્રણ કામના ત્રીસ આપવા પડે.

માધવી કહે, : – ” સારું , આજથી જ કામ ચાલુ કરો, હું મહીને ચાલીસ રૂપિયા આપીશ,  તારું  નામ શું છે ?”

કામવાળી કહે,: – ” મારું નામ તો મેતી છે  પણ ભાભી ચાલીસ ના પોસાય હું તો દસ રૂપિયા પ્રમાણે જ લઈશ .”

 માધવી કહે,: – ” મેતી, હું તો તું કહે છે એનાથી દસ વધારે આપું છું.” પછી થોડીવારે સમજ પડી  એટલે ખુશ થઇને હસવા લાગી. અને ત્યારે એની આંખો,હોઠ,અને ચહેરા પર પણ ખુશી જાણે છલકાઈ ઉઠી!  દસ રૂપિયામાં એને મળેલી ખુશી જોઇને મને જે સતોષ અને આનંદ મળ્યાં  તે ખરેખર અમુલ્ય હતાં.

મેતી પાસે કામ બંધાવ્યાને અઠવાડિયું થયું હશે ને અમિતના એક મિત્ર ઘરે આવ્યા કહે:– ” ભાઈ  માધવી ભાભી બી.એસ. સી .  થયેલા છે ને ? તો પ્લીઝ એમને અમારી સ્કુલ માં મોકલ, અમારે ત્યાં અત્યારે અધવચ્ચે એક ભાઈ ને અમદાવાદ નોકરી મળી તો જાય છે ને તું નહિ મોકલે તો મારા વિદ્યાર્થી ઓ નું ગણિત-વિજ્ઞાન   રખડી પડશે.  પતિ  માધવીને કહે,: – ” ત્રણ મહિનાનો  જ સવાલ   છે  તું  જા,  પછી તો બીજા કોઈને રાખશે”   અને માધવી પણ બની શિક્ષિકા, ગામડામાં લોકો  શિક્ષિકા ને  મે’તી   કહેતાં!

અઠવાડિયા પછી કોઈ બેન કામવાળીને બોલાવવા આવ્યા — તે સમયે માધવીનો દિયર બહાર ઓટલે હીંચકા પર બેઠો હતો પેલા બેને પૂછ્યું ,” ભાઈ મેતી છે?”

દિયર કહે :-  “અમારે ત્યાં બે મેતી છે, તમારે કઈ મેતીનું કામ છે ?”

તો પેલા બેને માધવીને બુમ પાડી. માધવી આવી તો કહે તમારે ત્યાં મેંતી જ કામ કરે છે ને ? આ ભાઈ તો કહેછે ,એમને અધવચ્ચે અટકાવીને દિયર કહે :- ” મેં કહ્યું અમારે ત્યાં બે મેતી છે, એક કામવાળી મેંતી ને બીજી મારી ભાભી-મેં’તી  , તમારે કઈ મેતી નું કામ છે?” સંભાળીને બંને મેં’તી અને બાકીના સૌ હસી પડ્યાં !!

રશ્મિ જાગીરદાર

મિચ્છામી દુક્કડમ :

ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે”
આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરવાનું પર્વ. 
સાંવત્સરિક મહાપર્વના પરમપાવન અવસરે 

મિચ્છામી દુક્કડમ :

સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર….પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારાઅંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે.પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાં પર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે.પ્રતીક્રમનો નો અર્થ છે કે આ  જે ભૂલ થઇ રહી છે ,એ ખોટું થયું તેમાં  હું સમંત  નથી ,પ્રતિક્રમણ આપણા અભિપ્રાયો ફેરવવા  માટે છે.પ્રકૃતિ એટલે આપણને જે ચરિત્ર મોહ છે એ અભિપ્રાય રાખે પણ આપણે તો અભિપ્રાય રહિત થવું છેઆપણને ઈચ્છા નથી ફરી આવું કરવાની આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમ કરવાનું છે. પ્રતિક્રમ ના કરીએ તો સ્વભાવ બદલાય નહિ ને એવો ને એવોજ રહે.સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધેલો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ ભાવના હોય.અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને જ્યાં આત્મા અને જ્ઞાન નું તાદાત્મ્ય હોય.અને આંતરિક માર્ગદર્શન આપણી ખોટી સમજણ ને દુર કરે છે.તેજ પ્રતિક્રમણ

 
મિત્રો
 
પ્રતિક્રમ એ મારો જાગૃતિ પૂર્વક નો પુરષાર્થ છે ,મારા દોષો મારા અભિપ્રાયો ને દુર કરવાનો।….

 આપ સર્વેની માફી મને પુરષાર્થ આદરવામાં સહાય રૂપ થશે.

આલોચના પ્રતિક્રમ અને પ્રત્યાખ્યાનથી હું મારા કર્મ ને હલકું કરવાનો પ્રયત્ન કરી રહી છું 
અને એનો સમભાવે  નિકાલ કરી શકું માટે મને માફ કરી
આગળ વધવાની શક્તિ આપશો. 
 
આજે  ક્ષમાપના દિવસે પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વે જીવો ને ખમાવતની સાથે આપ સર્વેને,
મારાથી થયેલા જાણતા  અજાણતા દોષોને ,અંતકરણ પૂર્વક ખમાવું છું.
પ્રજ્ઞા  દાદભાવાળા 

 

હાસ્ય સપ્તરંગી -(6)ખુશનુમા સવાર -પ્રવિણાબેન કડકિયા

સવારના પહોરમાં જો સહુથી કર્કશ અવાજ હોય તો તે પેલાં એલાર્મ ક્લોક નો ! મને ખબર છે, તમે મારી સાથે સંમત થવાના જ ! રોજની આદત પ્રમાણે વહેલી પ્રભાતે ફરવા જવાનું. આ ક્રમ અમેરિકામાં પણ વર્ષોથી ચાલુ હતો. કપડાં બદલીને નિકળી પડી. રામાયણ તો હવે શરૂ થઈ. ગઈ કાલે રાતના ટાઈમ બદલાયો હતો. ઘડિયાળ પાછળ કરવાનું ભૂલી ગઈ. રોજના સમય કરતાં એક કલાક વહેલી.  હવે શરૂ થઈ  ગઈ મારી પહેલી. કોફી મશિન ઓન ન થયુ.  હા, અંહીઆ કોફીનું મશીન  ટાઇમર પર હોય. ખેર આવીને કોફી પિવાનો નિર્ધાર કર્યો. ભલેને વહેલી સવાર હોય. ગરમી કહે મારું કામ.  સવારની ગરમી તો સહન કરવાની આદત પડી ગઈ છે. હ્યુસ્ટન એટલે બીજું મુંબઈ જોઈ લો. પરસેવો થાય ચાલીને આવ્યા પછી સહુથી પહેલાં બાથરૂમ ભેગા થવું પડે. શું કામ ? તમે ધાર્યો એ જવાબ સાચો છે. સ્નાન કરવા માટે.

વાત આ નથી વહેલી સવારે, સહુ પ્રથમ ‘બેથ’ સ્વિમ સુટમાં એલિવેટરમાં ભટકાઈ. તેનું વજન માત્ર ૨૫૦ રતલ. આખો ઉનાળો સ્વિમિંગ કરતી રહી પણ એક રતલ વજન ઓછું ન થયું. ક્યાંથી થાય ઘરે પકાવે નહી. રોજ મેકડૉનાલ્ડના બે ડબલ ચિઝ બર્ગર અને બે એપલ પાઈ ખાય. મોટી ફ્રાઈઝનો ઓર્ડર તો હોય જ. ્સાથે અડધા ગેલન જેટલું કોકોકોલા પીએ. આ તો હજુ શરૂઆત છે. મોટો બીચ ટોવેલ તેની પાસે હતો, પણ ખભા પર લટકતો હતો. અમારા મકાનમાં નીચે ૨૪ કલાકની સિક્યોરિટી હોય છે. સવારના પહોરમાં તેમને મફત સિનેમા જોવા મળ્યો. ભલેને સવારના પહોરમાં તેનું મુખારવિંદ જોઈને આનંદ થયો કે નહી પણ,’ ગુડ મોર્નિંગ’ કહીને ચાલવા માંડ્યું.

સમયની ગરબડને કારણે રોજ કરતાં વહેલી હતી. વહેલી નિકળી એટલે રોજની જેમ સવારના મળવાવાળા મિત્રોને બદલે સામેથી કૂતરાં લઈને ફરવા નિકળેલાં લોકોના દર્શન થયા. મુંબઈમાં હતી ત્યારે ગાય મળે તો શુકન થાય. અંહી કૂતરા લઈને ફરવા આવનારના શુકન ગણવા કે અપશુકન ? હજુ તો બોલ્ડિંગના કંપાઉન્ડની બહાર પગ પણ નથી મૂક્યો. ત્યાં મારી સહેલી લીન્ડા મળી. તેણે પણ ભાષણ ચાલુ કર્યું.

‘ફરગોટ ટુ ચેન્જ ટાઈમ એન્ડ સી વોટ હેપન્ડ”. લીન્ડા હતી પાંચ ફૂટ અને ૧૦ ઈંચ. મારે તેની સાથે વાત કરવી હોય તો ઉંચું જોવાનું ગરદન ખેંચી ખેંચીને મરવાનું. એને મારી સાથે વાત કરતી વખતે ખુરશીમાં બેસવું પડે. સારું છે અમારા મકાનમાં નીચે સિટિંગ એરિયા છે.

મકાનની બહાર આવી રસ્તો ઓળંગીને સામે પાર્કમાં જવા ગઈ ત્યાં એક કપલ સાથે દોડીને મારી આગળથી પસાર થયું. બન્નેના કપડાં સરખા અને બન્નેના વાળની લંબાઈ સરખી. આમાં છોકરો કોણ અને છોકરી કોણ ઓળખવું લગભગ અસંભવ , જો કે મને કોઈ ફરક પડતો ન હતો. આ તો આંખોની આદત એટલે બાકી કોઈ પણ હો. આપણું શું જાય છે ?

આમ પણ મને ચાલવા જાંઉ ત્યારે કંપની હોય તે ન ગમે. સવારના પહોરમાં આખા ગામની વાત. મારા ભાઈ સવારનો સુંદર સમય છે. કુદરતનું સાન્નિધ્ય માણો. પંખીઓનો કલરવ સુણો. બની શકે તો પોતાના ઈષ્ટદેવનું રટણ કરો. અરે કાંઈ ન હોય તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાવ. આ દેશમાં કાંઈ પણ કરવાની છૂટ છે. સહુ પોતાનામાં મસ્ત હોય છે. મને સવારનો પહોર ખૂબ પ્યારો છે. સુંદર ગઝિબોમાં બેસી પ્રાણાયામ કરું. ધ્યાનમાં બેસું. આજનું પ્રભાત તો ખૂબ આહલાદક હતું.

ત્યાં પાછળથી પેટીએ મને બોલાવી. તેની સાથે ચાર કૂતરા.

‘અરે તારા તો બન્ને મરી ગયા’. આટલા બધા ક્યાંથી ?

મારા મોઢા પર વિસ્મય જોઈ બોલી, ‘આઈ વોક પિપલ્સ ડોગ. એવરિ ડોગ, આઈ વોક,  થ્રી ટાઇમ્સ અ વિક ઓનર પેઝ મી ૧૦૦ ડોલર’. આમ તે લગભગ ત્રણસોથી ૪૦૦ ડોલર દર અઠવાડિયે એક્સટ્રા બનાવતી. એકલી હતી પરણી ન હતી. દિલની ખૂબ સારી. સાંજના તેની સાથે વોક લેવાની મઝા ઘણીવાર માણતી.

અમેરિકનોને માણસો કરતાં કૂતરા વધારે વહાલાં. તેમને પ્યાર પણ ખૂબ કરે. કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે વખાણ તેના કૂતરાના કરવાં. તમારા પર વારી જશે.

ઘણાં તો મને પૂછે યુ  ડુ નોટ લાઈક ડોગ’?

હસતાં હસતાં કહી દંઉ, આઈ લાઈક ટુ પ્લે વિથ ધેમ. આઈ હેટ વેન ધે લિક મી’.

આજે ભારતથી આવેલાં વિવેકના માતા અને પિતા મળ્યાં. તેઓ ખૂબ વહેલાં આવતાં. હું એકલી હોવાથી અજવાળું થાય પછી નિકળું. આજ તો મારી લોઢાના પાયે  સવાર ઉગી હતી. તેઓ મદ્રાસના . હિંદી આવડૅ નહી અંગ્રેજી સમજે નહી. ધર્મ સંકટ. કઈ ભાષામાં વાત કરવી ? બે હાથ જોડી હસીને આગળ વધવાનું. કેવી કમનસિબી ,એક દેશના વાસી પણ વાત કરવામાં ઉપવાસી ! આપણી રાષ્ટ્રભાષા હિંદી જેના તેઓ વિરોધી. ‘ઈસી લિએ તો મારા ગયા હિંદુસ્તાન’.

જુઓ આ લેખ વહેલી સવારે લખ્યો છે. ચા પીને વાંચજો. સવારે  ચા સાથે ફાફડા જલેબી કે ટોસ્ટ હશે તો ગમશે. ગમે તો મને આનંદ થશે.  ન ગમે તો જે થાય તે કરી લેજો .

હાસ્ય સપ્તરંગી -(5)વાણિયાગીરી-નિરંજન મહેતા

જીવનમાં ક્યારેય હવાઈસફર ન કરનાર પ્રેમજીભાઈને યમદૂત આવીને લઈ ગયા ત્યારે તેનો લાભ મળ્યો. દૂતે તેને ચિત્રગુપ્ત સામે ખાડો કરી દીધો. વાહ, હવે તો ચિત્રગુપ્તજી પણ ચોપડો ન લખતા કોમ્પ્યુટર વાપરે છે ને શું? આશ્ચર્યથી પ્રેમજીભાઇએ વિચાર્યું.

દૂતને પૂછી ચિત્રગુપ્તે બધી વિગતો કોમ્પ્યુટરમાં નાખતા પ્રેમજીભાઈનો પૂરો હિસાબ સ્ક્રીન પર આવી ગયો. તે જોઈ ચિત્રગુપ્તે કહ્યું, ‘તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તમે કરેલા પાપ અને પુણ્યનો હિસાબ આમાં છે. તે પરથી તમે સ્વર્ગને લાયક છો કે નર્કને તે નક્કી થશે. સૌ પ્રથમ પુણ્યનો હિસાબ જોઈએ. વાહ, પુણ્ય તો કર્યા છે.’

‘પ્રભુ, હું એક જ વાર જમતો અને એમ ઉપવાસ કર્યા છે. ભલે પછી એક વખતમાં ત્રણ ટંકનું કેમ ખાધું ન હોય. એકબીજાની વ્યથાની વાતો કરતા કરતા કથા-ઉપદેશ પણ સાંભળ્યા છે. તો વર્ષમાં એકવાર તો તીર્થયાત્રા પણ કરતા ભલે તે હનીમૂનની માફક મનાવી હોય.’

 

‘ચાલો, હવે પાપની ગઠરી છોડીએ. વાહ, આમા પણ તમે પાછું વળીને નથી જોયું.’

 

આ સાંભળી પ્રેમજીભાઇ થોથવાઈ ગયા. ‘પ્રભુ, જાણીને તો કોઈ પાપ નથી કર્યા કારણ અમને નાનપણથી શીખ આપવામાં આવી હતી કે પાપ કરશો તો નર્કમાં જશો. તેમ છતાં તમારે ચોપડે જે કાઈ થોડુંઘણું નોંધાયું હશે તે નાસમજ કે ભૂલથી થયું હશે.’

 

‘મને ખબર હતી કે તમારી પાસે કોઈને કોઈ બહાના તો હશે જ કારણ ગુજરાતી બચ્ચો એમ પોતાનો વાંક કબૂલ ન કરે. મને ખબર છે કે તમે પાણી  ઉકાળીને પીઓ છો પણ લોકોનું લોહી એમને એમ પીઓ છો. આમ તો અહિંસાની વાતો કરો છો અને રાત્રે મચ્છરો મારતા અચકાતા નથી. એક લેખકને જ્યારે અહી લાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું તે સાંભળો. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની. જો કે તમને આ કથનની જાણ નહી જ હોય કારણ ગુજરાતી લોકોને સાહિત્યના ચોપડા કરતા હિસાબના ચોપડામાં વધુ રસ હોય છે.’

 

‘અમારે માટે લક્ષ્મીજી માતા સમાન છે એટલે અમે તેનું પૂજન વધુ કરીએ છીએ જેથી માતાજીની કૃપા બની રહે. એટલે તો દુનિયાભરમાં ઠેરઠેર અમારો વાસ છે.’

‘પાપ અને પુણ્યનો હિસાબ જોતાં લાગે છે કે કરેલા પાપ ધોવા તે પુણ્ય કર્યાનો ઢોંગ કર્યો છે. પણ એ બન્ને અલગ અલગ વસ્તુ છે એટલે થોડો સમય સ્વર્ગમાં અને થોડો સમય નર્કમાં રહેવું પડશે.’

હવે અસલ સ્વભાવ પર આવીને પ્રેમજીભાઇએ કહ્યું, ‘આપ જો પાપના હિસાબની માંડવાળ કરી મને નર્કમાંથી બચાવો તો હું પુણ્યને કારણે મળતું સ્વર્ગનું સુખ જતું કરવા તૈયાર છું.’

આ સાંભળી ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કે આવું કહેનાર જીવ તો આ પહેલા મળ્યો નથી. પછી કહ્યું કે જો હું તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો તને રાખું ક્યાં?

‘એનો ઉપાય છે, પ્રભુ. સ્વર્ગ અને નર્કની વચ્ચે જે નો મેન્સ લેન્ડ છે તેમા મને એક દુકાન ઉઘાડવાની રજા આપો.’
નિરંજન મહેતા

 હાસ્ય સપ્તરંગી.    શીવ પુરાણ-4-( હેમા પટેલ )

 શ્રાવણ માસ હમણાં જ પુરો થયો, આખો મહિનો “ૐ નમઃ શીવાય “ કર્યા કર્યુ, શીવજી મનમાં જ છવાઈ ગયા. કોઈ કામ હતું નહી એટલે આરામથી સોફા પર બેઠી હતી અને અચાનક દીવાસ્વપ્નમાં ખોવાઈ ગઈ, અને લો વળી આજે  મને શીવજી દીવાસ્વપ્નમાં દેખાયા.હું તો જોઈને બસ ગાંડી ઘેલી થઈ ગઈ ! શીવજી મંદિરમાં નહી અને મંદિરના ઓટલે બહાર બેઠા છે ! માનવા તૈયાર નહી, હાથમાં ચુટલી ખણી દર્દ થયુ, હા સાચેજ શીવજી બેઠા છે.દોડતી ગઈ, દંડવત પ્રણામ કર્યા. મેં કહ્યુ પ્રભુ મને આશિર્વાદ આપો.

શીવજી – “ આજે હું આશિર્વાદ આપવાના મુડમાં નથી. “

પ્રભુ આજે મારા ભાગ્ય જાગ્યા છે અને મને તમારા દર્શન થયા વારંવાર આવો લાવ્હો ક્યાંથી મળવાનો છે.મારી વિનંતી છે મને આશિર્વાદ આપો.

શીવજી  – “ તૂં કઈ ભાષા સમજીશ ? એક વખત ના પાડીને, જા મારો જીવ ના ખાઈશ મને શાંતિથી અહિયાં બેસવા દે.શીવજી ધીમેથી બોલ્યા, મંદિરની અંદર શાંતિ નહી આજે બહાર બેઠો તો પણ શાંતિ નહી, લોકો મારુ માથુ ખાયા કરે છે.

કેમ પ્રભુ શું થયું ?મેં સવાલ કર્યો, પ્રભુ આપ તો હમેશાં પ્રસન્ન ચિત્ત હોય, આજે વિચારોમાં ખોવાયેલા ચિંતિત દેખાવ છો.

શીવજી – “ હા બેન વિચારોમાં જ છું “

બેન કહી છે ને , આવતે વર્ષે રાખડી ચોક્ક્સ બાંધીશ.મારા તો ભાગ્ય ખુલી ગયાં, શીવજીએ મને બેન કહી ! હું તો મારા જ રોદડાં રડ્યા કરુ છું, હા તો આપણે ક્યા હતાં ! શું થયુ ભગવાન ? આપ તો ચુટકીમાં દુખ ભગાડો

શીવજી –  “ હું ભક્તોના દુખ ભગાડુ મારા કોણ ભગાડે ?

પ્રભુ આપ તો હમેશાં સમાધી અવસ્થામાં, સંન્યાસી જેવુ જીવન, આપને સંસારી જેવાં દુખ ક્યાં હોય ?

શીવજી –“ શ્રાવણ માસમાં આખો મહિનો લોકો મને શાંતિથી રહેવા ક્યાં દે છે ? સવાર સવારમાં દુધ અને પાણીની વર્ષા ! એ લોકોને ક્યારેય વિચાર આવે મને પણ સતત દુધ-પાણીની વર્ષાથી ગુંગ્ણામણ થાય.શરદી થઈ જાય !આરતીના વાજીન્ત્રોના અવાજથી કાન ફુટી જાય છે, તો વળી મારા પર ભસ્મોના ઢગલા, લોકોનો શોર બકોર, હું શાંતિ પ્રિય, મને શોર બકોર ના ગમે એટલે તો મારા બે નિવાસ સ્થાન , એક કૈલાસ અને બીજુ  સ્મસાનમાં રહુ છું જેથી ત્યાં કોઈ આવવાની હિંમત ના કરે, કોઈની ઘાઈ નહી,મને શાંતિથી રહેવા દે. અને એક વાત ચોખ્ખી કરું, કેમ મારે સંસાર નથી ? મારી પત્ની છે, સંતાન છે. મારો સંસાર નિરાલો છે, પરંતુ અમે દેવી દેવતા, ભગવાન, પ્રભુ, ઈશ્વર જે કહો તે, માટે તમારા જેવુ જીવન નહી, અમારે તો સંસારીની સેવામાં જ જીવન વીતાવવાનુ. મારો પુરો પરિવાર પૃથ્વીના જીવોની સેવામાં વ્યસ્ત હોય છે.તમારે ઘરની જ ચિંતા, મારા પરિવારને આખા જગતની ચિંતા !

લોકોએ એક મહિનો મારુ માથુ ખાધુ, હવે મારા પુત્રનુ માથુ ખાશે, પછી મારી હનીનુ માથુ ખાશે, હુ ચિંતા ના કરું તો શું કરું ? મારા પરિવારને લોકો શાંતિથી રહેવા દેતા નથી.પાછી જાત જાતની માગણી ! આપવું તો કેટલું આપવું ? લાયકાત પ્રમાણે આપીએ વધારાનુ ક્યાંથી લાવવું ? શ્રાવણ માસમાં જ જાણે હું ભક્ત પર મહેરબાની કરું છું, આ માસમાં જ લોકો ગાંડા ઘેલા થઈને આડેધડ દુધ-પાણીની બરબાદી કરે છે.એક ટાણા ઉપવાસ ! અરે હા ઉપવાસમાં મેવા-મિઠાઈ, જાત જાતના ફરાળી વ્યંજનો બનાવીને આરોગતા ભક્તો પર તો મને દયા જ આવે છે.ફક્ત શ્રાવણ માસ જ શીવજી માટે છે, બીજા મહિનામાં મારી પૂજા-આરાધના કેમ નહી ? આખુ વર્ષ મને કોણ યાદ કરે છે ? શ્રાવણમાં જ મને પુજનારાને મારા ભક્ત કેવી રીતે કહેવાય ? હવે પાછી ગણેશ ચતુર્થી છે, દશ દિવસ લોકો મારા દિકરાને લાડુનો ભોગ ધરાવીને એટલા બધા લાડુ ખવડાવશે ! એમ વિચારશે પણ નહી મારો દિકરો વધારે પડતા લાડવા ખાઈને બિમાર થઈ જશે ! મને મારા દિકરાની ચિંતા થાય લોકોને થોડી થવાની છે. ચાલ છોડ લોકોની વાત , તૂ શ્રાવણ માસમાં બહુ દેખાતી ન હતી અને આજે કેમ આવી ?”

શું કરુ પ્રભુ ? મંદિરમાં કેટલી બધી ગીર્દી, અભિષેક કરતાં પણ એક બીજાના લોટા અથડાય, ધ્યાન આપના ઉપર નહી પરંતુ એક બીજાના લોટા ઉપર, મને તો બીક લાગે રખેને લોટો હાથમાંથી પડે અને આપને વાગે, આપ તો અતિ ક્રોધીત ! ગુસ્સામાં પેલા રતિના પતિને બાળીને ભસ્મ કરી નાખ્યો એમ ભસ્મ કરી નાખો તો !

શીવજીએ હાસ્ય વેર્યુ

પ્રભુ તમને હસવુ આવે છે, પણ અમે તો માનવ જાત બીક લાગે જ ને ? પ્રભુ એક સવાલ કરુ ગુસ્સે નહી થાવ ને ?

શીવજી – “ કેટલા  સવાલ ! પુછ જે પુછવુ હોય તે “

આપ તો ભોલેનાથ દયાળુ છો , તમારા જ પુત્ર ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ ! આટલો બધો ક્રોધ શું કામ ?

શીવજી – “ મેં મારા પુત્રનુ માથુ કાપી નાખ્યુ હોય એમ તને સાચુ લાગે છે ?અને ક્યાં મનુષ્યનુ શરીર અને ક્યાં હાથીનુ શરીર ! માણસના શરીર પર હાથીનુ માથુ ફીટ થાય ખરું ? મારુ કામ છે સંસારની રક્ષા કરવાનુ વગર કારણે હું શુ કામ કોઈને મારુ ? લખનારે લખી નાખ્યુ, જો કહુ, લેખક પોતેજ તે વખતે ગુસ્સામાં હશે તેણેજ તેની કલમથી મારા પુત્રનુ માથુ કાપી નાખ્યુ અને નામ મારુ આપે છે, શીવજીએ પુત્રનુ માથુ કાપી નાખ્યુ, लीखने वाले दिवाने पढने वाले भी दिवाने ! હુ તો અંતરયામી છુ મને ખબર ના હોય આ મારો જ પુત્ર છે. મેં મારા પુત્ર ગણેશના મગજમાં જે કુમતિ હતી તે દુર કરીને સુમતિ આપી. તેની બુધ્ધિમાં ફેરફાર કર્યો, તેને સારા વિચરો માટે સદબુધ્ધિ આપી હતી.હાથી બુધ્ધિશાળી પ્રાણી છે માટે લેખકે ફક્ત તુલના કરી છે બીજું કાંઈ નહી.”

હા હવે મને સમજાયુ,પ્રભુ મા જગદ્મા શું કરે છે ? મઝામાં છે ને ?

શીવજી – હા મારી હનીને પણ ક્યાં શાંતિ છે, નવરાત્રી નજીક આવી રહી છે,થોડા વખત પછી ધરતી પર વિચરણ કરવા નીકળવાનુ છે માટે તેના અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરવામાં બીઝી છે, શસ્ત્રોને ધાર કાઢીને ચમકાવી રહી છે.તેની સવારી વાઘ તેને પણ વીટામીન્સ અને મેવા ખવડાવીને તાજો માજો મજબુત બનાવી રહી છે.

હે પ્રભુ તમે મને બેન કહી છે એટલે બીજો એક સવાલ પુછવાની હિમંત કરુ છુ, આપ ગુસ્સે નહી થાવ ને ? આપની અંગત જીંદગીમાં મારે માથુ મારવું ના જોઈએ છતાં પણ પુછ્યા વીના રહેવાતુ નથી.અમે સંસારી જીવ છીએ પતિ પત્ની ઝઘડા કરે, પત્ની પતિનુ માને નહી એમ તમારે પણ હોય ?

શીવજી – “ મારી હની તો બહુ દયાળુ છે, પરંતુ સ્ત્રી હઠ ખરી, સ્ત્રી હઠને કારણ તેણે દુખ વેઠ્યાં છે. મને પણ દુખ થયું છે, કેટલી ના પાડી છતાં પણ શ્રી રામજી ઈશ્વર છે કે નહી એમ તેમના પર શંકા જતાં તેમની પરિક્ષા કરવા નીકળ્યાં, મારુ સાંભળ્યુ નહી.

હેં પ્રભુ તમારે પણ સુખ-દુખ હોય ?

હા હ્રદય છે એટલે સુખ-દુખની લાગણી તો થાય જ ને, અમને લાગણીને વશમાં કરતાં આવડે, તમને નહી એટલો જ ફરક છે. “

પ્રભુ કૈલાસ ઉપર આપને ઠંડી નથી લાગતી ?

શીવજી  – “ મૃગચર્મ અને વાઘચર્મ , અંગે ભસ્મ,ગળામાં સર્પ,માથે ચંન્દ્ર,ગંગાજી,મારો નંદી, ગળામાં વિષ, વગેરે આટલી મોટી ટોળકી મારી સાથે જ રહેતાં હોય પછી ઠંડી કેવી !

ઓહો ! હો ! હો ! શીવજી આપના અદભુત, અતિ સુંદર, ભવ્ય દર્શન ! દુનિયાને કેટલુ બધુ જ્ઞાન કરાવે છે, એક એક વસ્તુ જીવનના મર્મ સમજાવે છે. હે ભોલેનાથ આપનુ જીવન નિરાલુ ! આપનુ સૌન્દર્ય નિરાલુ ! વાહ ભોલેનાથ, આપ ગુસ્સે જલ્દી થઈ જાવ અને પ્રસન્ન પણ જલ્દી થઈ જાવ, આપની લીલા અપંરમપાર ! હે પ્રભુ કોટિ કોટિ પ્રણામ.

સુંદર સ્વપ્ન માણી રહી હતી અને મારો પૌત્ર દોડતો આવ્યો, દાદી દાદી ! હું  દીવાસ્વપ્નમાંથી જાગી, પૌત્રને બોલી બેટા દાદી સુંદર સ્વપ્ન જોતી હતી તેં મને જગાડી મુકી.

ૐ નમઃ શીવાય.

( આ લેખ નિર્દોશ આનંદ અને રમુજ માટે છે. )