જોડણીદોષ-  નિરંજન મહેતા

મિત્રો આપ જાણો છો “આપણે આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે શબ્દોનુંસર્જન અને “બેઠક”ની શરૂઆત કરી છે જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થાય છે આપણો હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો. વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે એ સારી વાત છે.નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”. પરંતુ જોડણી ભૂલો દેખાય છે તો આ લેખ આપણને સૌને  માર્ગદર્શન આપશે. 

જોડણી દોષ 

આપણા નામની અંગ્રેજી જોડણીમાં જો કોઈ ભૂલ કરે તો તે આપણને તરત ખૂંચે છે અને તે સુધારવાનાં પગલાં લઈએ છીએ. પરંતુ આપણી ભાષા ગુજરાતી ભાષામાં થતી આવી ભૂલો તરફ આપણે ઉદાસીનતા દાખવીએ છીએ. મૂળ આમાં ભાષા પ્રત્યેનું અજ્ઞાન પણ કારણભૂત છે. અભ્યાસ દરમિયાન અન્ય વિષયો તરફ વધુ ધ્યાન અપાય એટલે ગુજરાતી ભાષા સાથે સાવકી મા આપે તેવું વર્તન શાળાઓમાં થતું હોય છે અને હવે તો ગુજરાતી માધ્યમની શાળાઓ એક પછી એક બંધ થતાં ભવિષ્યની પેઢી વિદેશી ભાષાઓમાં માહેર હશે, પણ પોતાની માતૃભાષા અને તેની સમૃદ્ધિ વિષે અજાણ રહેશે.

જો કે ગુજરાતી ભાષાની અસ્મિતા વિષે કેટલાક સમયથી જાગૃતિ આવી છે તે આવકારદાયક છે. સાથે સાથે ગુજરાતી ભાષામાં લખનાર વર્ગ પણ વધતો ગયો છે પણ તેઓથી થતી જોડણીભૂલો તરફ યોગ્ય ધ્યાન અપાય તે અપેક્ષિત છે, કારણ કે હાલના સમયમાં ગુજરાતી ભાષા ઘણાં પરિબળો વચ્ચે અતિક્રમણ સહી રહી છે. ગુજરાતી અખબારો અને સામયિકો વાંચતાં જણાય છે કે જોડણીદોષ સુધારવા તરફ પૂરતું ધ્યાન નથી અપાતું યા તો તે માટે કોઈ જાણકાર વ્યક્તિ નથી હોતી. વળી અમુક અખબારોમાં સમાચારો પૂર્ણ ગુજરાતીમાં ન આપતાં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે છે. આથી જાગરૂક વાચક માટે આ અસહ્ય હોવા છતાં તેને તે ચલાવી લેવું પડે છે.

એમ તો મનફાવતી રીતે જોડણી કરનાર પ્રત્યે તો ગાંધીજીએ પણ પોતાનો આક્રોશ દાખવ્યો હતો.

જે ભૂલો સામાન્ય છે તે હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈની હોય છે, જેમ કેપરિસ્થિતિમાં બધી હ્રસ્વ ઇ હોય છે જેની જગ્યાએ ક્યાંક ક્યાંક દીર્ઘ ઈ પણ લખાય છે. એક અન્ય ભૂલ માતા માટે વપરાતો શબ્દ મામાટે થાય છે. કેટલાય લખનાર તે માંલખે છે. માંનો અર્થ છે અંદર, પણ તેને ધ્યાન બહાર રખાય છે. હા, હિન્દીમાં મા માટે માંશબ્દ વપરાય છે; પણ તે ગુજરાતીમાં લખીએ તો તે અયોગ્ય છે.

અન્ય શબ્દ છે પતિએટલે કે ભરથાર. પણ કેટલાક તે પતીલખી ખરેખર તેને પતાવી દે છે! તો વળી પત્નીમાં દીર્ઘ ઈના સ્થાને હ્રસ્વ ઇ લખે છે!

અનુસ્વાર માટે પણ પૂરતું ધ્યાન નથી અપાતું. જ્યાં જરૂર ન હોય ત્યાં પણ અનુસ્વાર મુકાતાં હોય છે. આ માટે ચોક્કસપણું રાખવું જરૂરી છે. ચિતાશબ્દની ઉપર અનુસ્વાર આવી જાય તો તેનો આખો અર્થ જ ફરી જાય. જ્યાં અનુસ્વાર મુકાવો જોઈએ, ત્યાં જોડીને શબ્દ લખવાની આદત છોડવી જોઈએ; જેમ કે અંગને બદલે અન્ગ લખાય તે ખોટું છે. તે જ રીતે સંતાન, બેંક વગેરે જેવા શબ્દોમાં પણ અનુસ્વારનો ઉપયોગ થવો ઘટે.

અનુસ્વારની જેમ હ્રસ્વ અને દીર્ઘમાં પણ અર્થફેર થઇ જાય છે – ‘સુરતઅને સૂરત’, ‘પુરીઅને પૂરી

ડો. ભાવસારના સાર્થ જોડણીકોશમાં સવિસ્તાર આ નિયમો વિષે લખાયું છે, જેમાંથી થોડુક:

૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ શબ્દ પ્રમાણે રાખવી; જેમ કે મતિ, ગુરુ, નીતિ, નિધિ વ.

૨. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈને હ્રસ્વ સ્વર કરી ઉમેરીને લખવું; જેમ કે દરીઓ નહીં પણ દરિયો, કડીઓ નહીં પણ કડિયો વ.

૩. ચાર અથવા વધારે અક્ષરોના શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, ખિસકોલી વ.

૪.એલુંપ્રત્યયવાળા અક્ષરોમાં ઉમેરીને લખવા જેમ કે ગયેલું , જોયેલું, થયેલું, વ.

૫. શબ્દોને છેડે આવતા ઈ કે અનુનાસિક ઇં દીર્ઘ કરવા દા.ત. કીકી, કીડી, સીડી, અહીં, દહીં, નહીં વ.

૬. તે જ રીતે ઉ કે અનુનાસિક ઉં હ્રસ્વ કરવા ખેડુ, ગાઉ, ટાપુ, ટીપું, બિહામણું વ.

૭. જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં જોડાક્ષર પૂર્વેના ઇ કે ઉ હ્રસ્વ લખવા દા.ત. કિલ્લો, બિલ્લો, ઇજ્જત, કિસ્મત, હુન્નર.

૮. મધ્યાક્ષ્રર દીર્ઘ હોય ત્યારે પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખવાં. કિનારો, જિરાફ, મિનારો, ઉનાળો, ઉચાટ વ.

૯. મધ્યાક્ષ્રર હ્રસ્વ હોય ત્યારે પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ દીર્ઘ લખવા. કીચડ, દીવડો, લીમડો, કૂકડો, ભૂસકો.

૧૦. શબ્દના બંધારણમાં ક્યાંય પણ શ્રુતિ આવતી હોય તો ત્યાં પૂર્વેનો ઈ હ્રસ્વ કરવો ઘોડિયું, માળિયું, પિયર, મહિયર, વ.

જોડણીદોષ ઉપરાંત જે સામાન્ય ભૂલો નજરે પડે છે તે વિરામચિહ્નોની. સળંગ વાક્યમાં જ્યાં જરૂરી હોય ત્યાં અલ્પવિરામ મુકાતાં નથી. તો પૂર્ણવિરામ પણ એક નહીં, બે મુકાય છે. તે જ રીતે આશ્ચર્યચિહ્ન પણ એકના બદલે બે કે ત્રણ વપરાય છે. આનાથી શબ્દની અસરમાં કોઈ વૃદ્ધિ નથી થતી, એટલે આવા પ્રયોગ ન કરવા.

આ બાબતમાં મમતામાસિકમાં શ્રી મધુ રાય દર અંકે નિવેદન આપે છે તે નોંધવા યોગ્ય છે. તેમના કહેવા મુજબ

૧. વાર્તાકારો શબ્દ ન જડે, ત્યારે ત્રણ ત્રણ ટપકાં (….) મૂકીને ઊભરો દર્શાવે છે.

૨. (!!)કે (!?) જેવાં ચિહ્નો નિરર્થક હોવા છતાં તેનો ઉપયોગ થાય છે.

૩. સંવાદની શરૂઆતમાં અને અંતે અવતરણ ચિહ્ન હોય તે હિતાવહ છે.

૪. પૂર્ણવિરામ કે કોઈ પણ વિરામચિહ્ન પછી જગ્યા છોડવી. ઊંધી માત્રા ન વાપરવી.

૫. શંકા હોય ત્યાં જોડણીકોશ જોઈ લેવો.

એ પણ ધ્યાનમાં આવ્યું છે કે ઘણાં લખાણો સળંગ વાક્યોમાં લંબાણથી લખાતાં હોય છે. લાંબા ફકરા જોઈ વાચક રસક્ષતિ અનુભવે છે. એ જરૂરી છે કે લખાણ નાના નાના ફકરામાં વહેંચાઈ જાય, જેથી કરીને વાચકને તે વાંચવાનો અને માણવાનો વધુ લહાવો મળે.

તે જ રીતે જ્યારે પાત્ર પાસે સંવાદ બોલાવાય, ત્યારે જો કહ્યું કેશબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે અવતરણ ચિહ્ન ન મૂકવાં, પરંતુ સંવાદની વધુ અસર દાખવવા કહ્યુંપછી કેશબ્દ ન મૂકવો અને અલ્પવિરામ મૂકી પછી અવતરણ ચિહ્ન મૂકવું અને સંવાદ પૂરો થાય ત્યારે પણ તે ચિહ્ન મૂકવું.

કોઈકવાર એક વ્યક્તિનો સંવાદ એક કરતાં વધુ ફકરામાં આવતો હોય છે. આવે વખતે પહેલો ફકરો પૂરો થયા પછી અવતરણ ચિહ્ન ન મૂકવું અને જ્યારે તે વ્યક્તિનો સંવાદ પૂરો થાય ત્યારે છેલ્લા ફકરાના અંતે અવતરણ ચિહ્ન મૂકવું.

એક અન્ય સામાન્ય ભૂલ થતી હોય છે. અને શબ્દ પહેલાં અલ્પવિરામ મૂકવાની. મારા મતે અનેશબ્દ બે શબ્દોને જોડતો શબ્દ છે; જેમ કે મહેશ અને સુરેશ વાતો કરી રહ્યા હતા.હવે મહેશ શબ્દ પછી અલ્પવિરામ મુકાય તે યોગ્ય નથી. તો કોઈક કોઈક વાક્યની શરૂઆત પણ અનેશબ્દથી કરે છે. આ પણ ખોટું છે. અંગ્રેજી લખાણમાં આ રીત અપનાવાઈ છે, જે તેમના સદીઓ જૂના વ્યાકરણના નિયમોથી વિરૂદ્ધ છે.

એ જ રીતે લેખકો નું, –ની, –માં, –થી જેવા પ્રત્યયોવાળા શબ્દોમાં આ પ્રત્યયોને જુદા કરી નાખે છે. રમેશનું મનની જગ્યાએ રમેશ નું મનલખાય તે ખોટું છે. લેખકે આ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે જેથી યોગ્ય રૂપમાં શબ્દ રજૂ થાય.

આપણે બોલતી વખતે વારંવાર અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણા લખાણમાં તેની જરૂર ન હોય અને યોગ્ય ગુજરાતી શબ્દ હોય તો તેનો ઉપયોગ કરવો હિતાવહ છે; કારણ કે ગુજરાતી ભાષાનું ભંડોળ ઘણું વિશાળ છે અને યોગ્ય શબ્દો મળી જ આવે છે, તો પછી અન્ય ભાષાના શબ્દનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? જેમ કે શાળાને બદલે સ્કૂલ, જાળીને બદલે ગ્રિલ, મિત્રને બદલે ફ્રેન્ડ, પત્નીને બદલે વાઈફ. આમ કંઈ કેટલાય અન્ય ભાષાના શબ્દો જે બોલવામાં સહજ હોય છે તે લખવામાં પણ વપરાય છે, કારણ કે લેખક માટે તે એક ફેશન બની રહે છે. તો પછી આપણી ભાષાનો ક્યાંથી ઉદ્ધાર થાય?

આ માટે gujaratilexicon.com અત્યંત ઉપયોગી બની રહે છે અને તેનો બહોળો પ્રચાર જરૂરી છે. તે ઉપરાંત લખનાર કોઈ જોડણીકોશ વસાવે અને ઉપયોગ કરે તો તે પણ ઉત્તમ.

ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા બધાંએ મળીને પ્રયાસ કરવો જોઈએ તે કહેવું જરૂરી છે? તે જ પ્રમાણે તેની શુદ્ધતા માટે પણ દરેક લખનાર જાગરૂકતા દેખાડી બને તેટલું દોષરહિત લખે તો જરૂર ભાષાની શોભામાં વધારો થશે. વેબગુર્જરીના મિત્રો આ નાના લખાણને ધ્યાનમાં રાખી પોતાની રચનાઓ યોગ્ય બીબામાં મૂકશે, તો તે આનંદની વાત બનશે.

 

4 thoughts on “જોડણીદોષ-  નિરંજન મહેતા

  1. જોડણી અને વ્યાકરણના નિયમો બહુ સરળ ભાષામાં સમજાવ્યા છે, જે લોકો અનુસરી શકે એમણે અનુસરવું જોઈએ, ખાસ કરીને ભાષાના વિષય લઈ ડીગ્રી પ્રાપ્ત કરી હોય, એ લોકોએ તો ખાસ અનુસરવું જોઈએ.

    મારા જેવા માણસ માટે ભાષા એ સંવાદનું માધ્યમ છે. હું જે કહેવા માંગતો હોઉં, તે વાંચવાવાળો બરાબર સમજી શકે તો મારા માટે એ પુરતું છે. જોડણી કરતાં વિચારને હું વધારે મહત્વ આપું છું. તમારી બધી જોડણી સાચી હોય, પણ તમે શું કહેવા માગો છો, એ જો ન સમજાય તો ભાષા જ ક્યાં રહી? ભાષા તમે શું કહેવા માગો છો એ સમજાવવાનું માધ્યમ છે. મુંગા-બહેરાઓનું માધ્યમ અલગ છે, એમાં ક્યાં ખરી-ખોટી જોડણી હોય છે?

    સંસ્કૃતને એટલું તો અઘરૂં બનાવ્યું કે એ નષ્ટ થઈ ગયું. ભાષાને જીવાડવી હોય, તો સંસ્કૄતના ઉદાહરણ ઉપરથી પાઠ શીખવાની જરૂર છે.

    Liked by 1 person

  2. નીરંજન ભાઈ ,ભાષા માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે આભાર! પરંતુ આજના જમાનામાં જેમ આપણે સૌ પર્દૂષીત વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેમ અંદરનો લેખક કે કવિ જીવડાને જીવંત રાખવા થોડું ચલાવી લેવું જરૂરી બને છે. હા,અર્થનો અનર્થ થવાે ના જોઈએ તે પણ તેટલુંજ જરૂરી છે. હું અંગત રીતે દાવડા સાહેબ સાથે થોડીઘણી સહમત છું.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.