હાસ્ય સપ્તરંગી-(૧6)’જરૂરત છે એક ઘરજમાઈની’-તરુલતા મહેતા


ઓફીસથી આવી ચેતનાએ  કાર-કીને પર્સમાં સરકાવી,ફોન હાથમાં લીધો કે તરત
ટાંપીને બેઠેલાં તેના મમ્મી
રમાબા કણસતા હોય તેમ ધીમેથી  બોલ્યા,’ઓ બેટા, આ ખભો મૂઓ એવો પીડે છે કે ,
આજ તો કૂકરમાં  ખીચડી મૂકી દીધી છે.’
એમનું એકમાત્ર કન્યારત્ન  સવાયા દીકરા જેવું.ગૂગલની કમ્પનીમાં બહુ મોટી
સાહેબ છે,એવું વાતવાતમાં તેમનાથી કહેવાય જાય.
‘સાંજે ખીચડી હલકી,પેટને માટે—રમણકાકાનું બોલવું પૂરું થયું નહિ,આખા
સોફામાં વિસ્તરેલા  રમાબાનો ગોદો  પતિને એવો લાગ્યો કે સોફાને છેડેથી
તેમનું સૂકલકડી શરીર નીચે ગબડી પડ્યું.
ઓફિસેથી આવી થાકીને ઢગલો થઈ આડી પડી ગયેલી એમની દીકરી   માટે ઓફિસ અને ઘર
સરખાં જેવાં જ હતાં.ગૂગલની કમ્પનીનો બોસ વર્કની સૂચનાઓ આપ્યા કરતો —
મોટા  પગાર ખાતર  કચકચ સહી લેતી ,પણ જેવી તે ઘરમાં પગ મૂકે તેવી  મમ્મી
‘રામાયણ’ની સીરીયલ બન્ધ કરી તેનું પારાયણ ચલાવે.બિચારા પપ્પા લક્ષ્મણના
રોલમાં નીચી નજરે કાર્પેટ પર મમ્મીના સ્લીપરને જોયા કરે.
સ્માર્ટ ફોનના પડદા પર મગ્ન ચેતના કાંઈ બોલી નહિ,એટલે રમાબા મોટા સાદે
ઉવાચઃ ‘હવે એક ઘરજમાઈ શોધી કાઢવો પડશે ,ઘર સાચવે ,ઘરડાં માં-બાપની સેવા
કરે…..’
રમણકાકા ગભરાટમાં  બોલી પડ્યા,’ પછી મારું શું થશે?’રમાબાએ ઊંચા ડોળા
કર્યા ને પતિ ભોંયભેગા થઈ ગયા.
ચેતનાને કરન્ટ લાગ્યો હોય તેમ સોફામાંથી કૂદીને ઉભી થઈ ગઈ,રુમમાં  ચારે
બાજુ જોવા લાગી ખરે જ કોઈ જમડો ઘરમાં ઘૂસી ગયો છે કે શું?
‘અલી આમ સાપ કરડ્યો હોય તેમ કૂદે છે શું?’ રમાબા તેમના દુઃખતા  ખભા પર
જમાઈ  ‘આઈસીહોટ’નું  માલીશ કરતો હોય તેવું સપનું જોતા હતા.કહે ,’જો તારો
મગજનો પારો ધખધખતા ઉનાળા જેવો ‘હોટ’છે તો જમાઈ હિમાલયન પ્રોડક્ટ ‘આઈસી’
શોધીશું.
શું સમજી?’
લગ્નની વાતથી ફૂગ્ગામાંથી સૂ ..સૂ કરતી હવા નીકળે તેમ ચેતનામાંથી ચેતન
ગાયબ થઈ જતું.તેને માથે જમાઈનું વાદળ ફાટ્યુ તો  તેની દશા નાની શી
છોકરીને દેડકે તાણી જેવી થવાની,કારણ પછી તો મમ્મીની પાર્ટીમાં
ડેલિગેટ્સની સઁખ્યા વધી જવાની.પ્રેસીડન્ટ મમ્મીની  એકહથ્થુ સત્તા –
ઘરમાં   મમ્મીની પાર્ટીનું રાજ –
ચેતના ચેતનવન્તી થઈ ગઇ ,તાત્કાલિક ફોન બાજુમાં મૂકી દીધો.આગ લાગે તે
પહેલાં કૂવો ખોદવા વિચારે ચઢી.
રમાબા ખુશ થયાં.દીકરી તો જાણે ફોનને પરણી હતી.’હની’ને સ્હેજેય આઘો નહોતી
કરતી.પણ જમાઈની વાતથી ગલીપચી થઈ હશે,આ જોબની લ્હાયમાં પાંત્રીસની થઈ
ગઈ,બાકી  મનમાં કે ‘દાડાનું પૅણુ પૅણુ થયું હોય.પત્નીના હાસ્યથી
રમણકાકાને હિંમત આવી, ધીરે રહી ફરી પત્નીની સોડમાં બેઠા.રમાબા છણકો કરી
બોલ્યાં,
‘જરા લાજ રાખો ,કાલ ઉઠીને જમાઈ ઘરમાં આવશે,આવા ને આવા કાલાવેડા કરીને મને
પૅ ણી ગયા.’
ચેતના મૂળમાંથી મમ્મીની વાત કાપી નાખતા બોલી,’મારા જન્માક્ષરમાં મંગળ
છે,જમાઈનું અમંગળ થવાનું નક્કી,તમે એ વિચાર મનમાંથી કાઢી નાંખજો,હું
તમારા માટે ટિફિન મઁગાવીશ.’
રમણકાકા ગેલમાં આવી ગયા,ટાઢા પાણીએ જમાઈની ખસ ગઈ,ઉપરથી ટિફિનનું તૈયાર જમવાનું.
‘ચેતના તેં ખરેખરો રસ્તો કાઢ્યો,જીવહત્યાના પાપમાં પડવું એના કરતા
શાંતિથી જોબ કરવી —-‘
રમાકાકીએ  કૂકરની વિસલ જેવી ચીસ પાડી ‘છોકરીના બાપ છો કે કોણ છો? કુંવારી
છોકરી સાપનો ભારો એને ઠેકાણે પાડવાની દીકરીના માં-બાપની ફરજ ભૂલી ગયા?’
ચેતના ,’જમાઈનો ભારો તમે બે માથે ઉપાડવાના છો ? મારે માથે નોકરી ,ઘર
મા,બાપ બઘાનો  ભાર –હું તો બેવડ વળી ગઈ છું.ઘરમાં કંઈનું કંઈ પારાયણ
તેમાં જમાઈની વાત આ જનમમાં ભૂલી જજો ‘
ચેતના ગુસ્સામાં ખભે પર્સ લટકાવી ગરાજમાં જતી હતી ત્યાં રમાબા ‘બેટા
,મારો હાથ ઝાલીને ઊભી તો કર.’
ચેતનાએ મમ્મીનો એક હાથ પકડ્યો ને રમણકાકાએ પાપડતોડ પહેલવાનની અદાથી બીજો
હાથ પકડ્યો,સોફામાં ગુંદર હોય તેમ રમાકાકીના પાછળના બે તુંમડા કેમે કરી
ઊઠવાનું નામ લેતા નહોતા.પપ્પા ધમણની જેમ હાંફતા
દૂર ફેંકાઈ ગયા.રમાકાકીએ તક ઝડપી લીધી,ચેતનાને પટાવતા હોય તેમ કહે,
‘બેટા,એટલે કહું છું જમાઈ હોય તો તારે અમારી ,ઘરની ચિંતા ઓછી.’
ચેતનાનું મગજ ફટક્યું તેણે મમ્મીની ઝાટકણી કાઢી,’તમે શું સમજો છો ?જમાઈ
વેક્યુમક્લીનર છે તે ચાંપ દાબો એટલે ચાલુ —
રમણકાકાને જોર આવ્યું કહે,’જોજે ને વોશરની જેમ સાસુની  ધુલાઈ કરી દેશે.’
રમાકાકી પતિનો હાથ પકડી બોલ્યા’હું તમને હમણાં ડીશ વોશરમાં ધોઈ નાખું છું ‘
‘અરે આ શું માંડ્યું છે?મારી ફ્રાઈડેની સાંજનું કચુંબર કરી નાખ્યું
‘ચેતના પગ પછાડતી બહાર ગઈ એટલે
રમાકાકીએ બોમ્બનો ધડાકો કર્યો ,’કાલે સવારે મનુપ્રસાદ જોશી છોકરાના
જન્માક્ષર લઈને આવવાના છે.’

તરુલતા મહેતા 16મી સપ્ટેમ્બરે 2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.