હાસ્ય સપ્તરંગી -(15) ઈન્ટરનેટ દેવ!-નિરંજન મહેતા

ઈન્ટરનેટ દેવ!

ઈન્ટરનેટ દેવ, જય હો! જય હોય! જય હો!

આપ ભલે પ્રાચીન દેવ ન હો. ભલે આપનું સ્થાન ચોર્યાસી કોટિ દેવોમાં ન હોય, પણ થોડા સમયમાં આપે લોકોમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે જોઈ આપનો આ સેવક આપને કોટિ કોટિ વંદન કરે છે.

બીજા બધા દેવોનું સામ્રાજ્ય અમુક વિસ્તાર સુધી જ સીમિત છે, જેમ કે તીરૂપતિ ભગવાન દક્ષિણમાં બિરાજે છે, તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી, કિસનમહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.

આ તો ભારતદેશની વાત થઈ, પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લિમ દેશોમાં ઇસ્લામ ધર્મ, તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ. વળી, રશિયા તો કોઈ ભગવાનમાં ન માને. કોઈપણ દેવનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતા, જ્યારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસીમિત છે, આપ તો સર્વવ્યાપિ છો. જ્યાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપનું હોવું અનિવાર્ય છે. થોડુંઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવામાં તેઓ ઉત્સુક હોય છે અને તક મળતા પોતે તો ભક્ત બને છે, પણ સાથેસાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો  માટે સહેલું નથી.

આપે થોડા સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઇને આપને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.

અન્ય દેવીદેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતા વધુ અને ઠેરઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બિરાજો છો, પણ જ્યાં જ્યાં સાયબર કાફે નામની જગ્યા છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતા તેઓ આ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી!

પુરાતન કાળમાં અસુરો ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતા. અર્વાચીન કાળમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેરઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને તેમને છેતરી તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય જ છે, પણ પેલી કહેવત છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવા લોકોની સંખ્યા પણ ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂટવા નહી, પણ અન્ય કુકર્મો માટે પણ તમારો ગેરઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી, પણ આપ લાઈલાજ છો, આવાઓને આમ કરતા અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાતદિવસ આવા કુકર્મીઓને સફળ થતા અટકાવી શકે. પણ હજી તેમાં પૂરેપૂરી સફળતા નથી મળી. મને ખાતરી છે કે એક દિવસ એવો આવશે, જ્યારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો આ દુનિયામાં નહી હોય.

પણ આપના ભક્તો જ્યારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજીરાજી થઇ જાઉં છું, ખાસ કરીને જ્યારે શિક્ષણ પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે ત્યારે. વળી સંદેશાની આપલે આપના માધ્યમથી થાય છે અને તેને કારણે સમયનો જે બચાવ થાય છે તેનાથી આનંદિત થયા વગર રહી નથી શકતો. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને યોગ્ય રીતે વાપરે છે તેવા ભક્તો સરાહનીય છે.

પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેની શી વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઇ રહ્યો છે અને હજી વધુને વધુ બચાવ થશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં, આપના સમજદાર ભક્તો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપતા રહે છે.

આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે તેમ છતાં તે ક્યાં હજી પણ પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે ન હોત તો જનતાની શી હાલત થઇ હોત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!

હવે તો નાના ભૂલકા પણ નાની ઉંમરે આપના ભક્ત બની જાય છે અને ન કેવળ આપના થકી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, પણ સાથેસાથે આનંદપ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત્ર વર્જયતે તે આપને પણ લાગુ પડે છે અને તેને કારણે આપની વધુ પડતી સેવા તેમના માબાપો માટે માથાનો દુ:ખાવો બની રહે છે, જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.

આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલાં લાભ મળે છે! પૈસાની લેવડદેવડ , શોખની ચીજો તેમજ ઘરની જરૂરિયાતની ચીજોને ઘેર બેઠા મેળવવી તે હવે રોજિંદુ થઇ ગયું છે અને આને કારણે રાતદિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે! આમાં બનાવટ કરવાવાળા અસુરો તો હોય જ છે પણ તે હાલમાં અનિવાર્ય છે.

આપના ગુણગાન ગાઉ એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણેખૂણે વસતા સ્વજનો અને મિત્રોનો ઘડીના છઠ્ઠા ભાગમાં સંપર્ક કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી, એવાય તમારા ભક્તો છે જે રાતદિવસ તમારી સેવા કરી તેમના ખોવાયેલા સ્વજનોને મેળવી શકે છે. વાહ દેવા, આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ ગુણગાન ન કરતા આપને ફરી એકવાર દંડવત કરતા હું મારી જાતને રોકી નથી શકતો.

જય હો ! જય હો! જય હો!

નિરંજન મહેતા

1 thought on “હાસ્ય સપ્તરંગી -(15) ઈન્ટરનેટ દેવ!-નિરંજન મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.