દેવોમાં તકરાર-હાસ્ય સપ્તરંગી -(9)નિરંજન મહેતા

 

૨૦૧૫મા શ્રી નરેન્દ્ર મોદી અબુ ધાબી ગયા હતા અને એવા સમાચાર હતા કે ત્યાં ત્યાના શેખે તેમને એક મંદિર બાંધવા માટે જમીન ભેટ આપી હતી. હવે ત્યાં કયું મંદિર બાંધવું તે તેની વિગતો પ્રાપ્ત થઇ નથી પણ મને જાણવા મળ્યું છે કે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તે વખતે સ્વર્ગમાં દેવોમાં તે સંદર્ભમાં તકરાર થઇ હતી કે કોનું મંદિર બંધાવું જોઈએ. આ તકરારનો નિવેડો લાવવા કોણ સક્ષમ હોય સિવાય કે બ્રહ્માજી. એટલે સૌ દેવો બ્રહ્માજીના માનસપુત્ર શ્રી નારદજીને લઈને તેમની પાસે ગયા.

આમ એક સાથે દેવોના જૂથને આવેલા જોઇને બ્રહ્માજી પણ ચમક્યા પણ કોઈ ભાવ બતાવ્યા વગર પૂછ્યું કે શું વાત છે. બધાએ શ્રી નારદજીને આગળ કર્યા કારણ કોઈ એક દેવ વાત કહે તો તેમાં તેનો પોતાનો સ્વાર્થ હશે એમ બ્રહ્માજી માને તો?

શ્રી નારદજીએ કહ્યું કે પૃથ્વી પર ભારતવર્ષના વડા પ્રધાન તેમની અનેક વિદેશયાત્રાઓ દરમિયાન એક અબુ ધાબી નામના દેશમાં ગયા હતા અને ત્યાના રાજવી જે શેખના નામે ઓળખાય છે તેમણે પ્રસન્ન થઇ એક જમીન મંદિર બાંધવા ભેટ આપી હતી. હવે ત્યાં કયા દેવનું મંદિર બંધાવું જોઈએ તે વિષે આ બધા દેવોમાં તકરાર છે. ભારતવર્ષ અને અન્ય દેશોમાં અનેક મંદિરો બંધાયા છે અને બંધાતા રહેશે. આ બધા મુખ્યત્વે શ્રી વિષ્ણુના જુદા જુદા રૂપના હોય છે. તે જ રીતે દેવાધિદેવ મહાદેવના પણ ઘણા મંદિરો છે. પણ તે સિવાય અન્ય દેવોને તો કોઈ યાદ પણ નથી કરતુ. તમે કહેવાઓ જગતનિયંતા પણ તમારા પણ ગણ્યાગાંઠ્યા મંદિર છે. હા, દેવીઓની તો બોલબાલા છે.

બ્રહ્માજી થોડો બખત ચૂપ રહ્યા અને વિચાર્યું કે વાત તો કંઈક અંશે સાચી છે, પણ શું જવાબ આપવો તે માટે મૂંઝાયા, કારણ પોતાના નામનું મંદિર બાંધવા કહે તો તે યોગ્ય ન લાગે. પછી કહ્યું કે આપણે ત્રિમૂર્તિના બાકીના બે સાથીદાર વિષ્ણુજી અને મહાદેવજીને બોલાવી પૂછીએ. મનમાં થયું કે આનાથી એક કાંકરે બે પક્ષી મરાશે. એક તો તેઓ તેમનું  મંદિર બાંધવાની વાત નહી કરી શકે અને બીજું જો મારૂં મંદિર બંધાવું જોઈએ તેમ સૂચન કરશે તો આપણું તો કામ થઇ ગયું!

કહેણ મોકલતા બંને દેવો હાજર થયા અને બ્રહ્માજીને નમન કરી બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. વાત સાંભળ્યા પછી તેઓ સમજી ગયા કે જગતનિયંતાએ ચતુરાઈ કરી પોતાનું મંદિર બંધાય એવો આડકતરો ઈશારો કર્યો છે. હવે તો તેને અનૂરૂપ આપણે પણ એવી જ રીતે ઉપાય બતાવો પડશે જેથી આપણો હક્ક રહે અને તે પણ આપણા કહ્યા વગર, એટલે વિષ્ણુજીએ કહ્યું કે જગતપિતા તો પૂજનીય છે એટલે તેમના નામનું મંદિર બંધાય તે સારી વાત છે પણ અન્ય દેવોનું તેથી મહત્વ નથી એમ અમે કેમ કહી શકીએ? હવે જે દેશમાં આ મંદિર બંધાવાનું છે તે દેશમાં પણ વિવિધ પ્રકારના ધર્મોનું પાલન થાય છે. તેમને જ નક્કી કરવા દો કે ક્યાં દેવનું મંદિર બાંધવું. કારણ અમે અમારા માટે કહીએ તે યોગ્ય નથી પણ જો ત્યાંના લોકો લોકલાગણીને માન આપી મારૂ કે મહાદેવનું મંદિર બાંધે તો આપણે તે સ્વીકારવું પડે અને તેઓ જો મૂંઝાશે તો તેઓ ભારતવર્ષના વડાપ્રધાન કે જે સાંપ્રદાયિક છે તેમની સલાહ લઇ વાતનો નિવેડો લાવશે એટલે આપણે આ વાત અહિ જ સમાપ્ત કરીએ.

સૌ દેવો નિરાશ વદને પાછા વળ્યા.

 

નિરંજન મહેતા

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.