કઈ લાઈનમાં જવાનો ?-કલ્પના દેસાઈ

1221352164

 

મિત્રો આ હાસ્ય લેખ ખાસ વાંચવા મુકું છું

તમારો દીકરો પાસ થઈ ગયો ?’
‘હા, ફર્સ્ટ ક્લાસ આવ્યો. ’
‘અરે વાહ ! કઈ લાઈન લેવાનો હવે ?’
‘સીધી લાઈન. ’
‘હેં ? એ વળી શું ?’
‘ભઈ, આ સવાલથી એ હવે કંટાળ્યો છે, એટલે જે પૂછે તેને આ જ જવાબ આપે છે. હવે તો અમારી સાથે પણ સરખી વાત નથી કરતો. ’
‘પણ એણે કોઈ લાઈન તો પહેલેથી નક્કી કરી હશે ને ?’
‘ એ તો આઠમા ધોરણમાં આવ્યો ત્યારનો કહેતો હતો કે, હું તો ઘાસતેલની લાઈનમાં જઈશ, ગૅસના બાટલાની લાઈનમાં જઈશ, રેલવેની બારીએ ટિકિટની લાઈનમાં જઈશ, મોટો થઈને કૉલેજના એડમિશનની લાઈનમાં જઈશ, નોકરી માટેના ઈન્ટરવ્યૂની લાઈનમાં જઈશ અને એવી બીજી જેટલી પણ લાઈન લાગશે તે બધામાં ઊભો રહીશ. ’
‘હવે તો મોટો થઈ ગયો ને ?’
‘એટલે જ કોઈ જવાબ નથી આપતો. ’
‘તમે કારણ નથી શોધ્યું ?’
‘કારણમાં તો બીજું શું હોય ? જે એને મળે તેમાંથી કોઈને કંઈ ખબર જ ન હોય, થોડી ઘણી ખબર હોય તો તેને વિષયની સમજણ ન હોય અને જેને બધી ખબર હોય તે બહુ હોશિયાર હોય ! એટલે જે મળે તે એને એક જ સવાલ પૂછે કે, ‘કઈ લાઈન લેવાનો ?’ શરુઆતમાં તો એ જવાબ આપતો પણ પૂછનારા એને ત્રાસ આપીને અધમૂઓ કરવા માંડ્યાં. પહેલાં તો લોકોને ડૉક્ટર, એન્જિનીયર ને સીએ સુધીની જ જાણકારી હતી તે સારું હતું. હવે તો જ્ઞાની મહાપુરુષોનો રાફડો ફાટ્યો તે રિઝલ્ટ આવતાં જ ઘેરેઘેર ફરવા માંડ્યા ! તેમાં જો બે–ચાર જણ સાથે નીકળી પડ્યા તો માબાપનુંય આવી બને.

‘સાયન્સ લીધું છે ?’ પૂછીને શરુઆત કરે ને માછલીને જાળમાં ફસાવવા માંડે.
‘હા. ’
‘ડૉક્ટર બનવાનો ?’ ડૉક્ટરથી આગળ એમને પણ વધારે નથી ખબર !
‘કંઈ નક્કી નથી, કેટલા ટકા પર એડમિશન થાય તેના પર આધાર.’ (જાણે છે કે, ડૉક્ટરની હા પાડશે તો સવાલો ચાલુ જ થઈ જશે, ‘આ ડૉક્ટર કે પેલા ડૉક્ટર ?’)
હવે ખરો ખેલ શરુ થાય.
‘ડૉક્ટર બનવામાં લાંબો થઈ જશે. એના કરતાં બી.ફાર્મ કરી લે. લાઈસન્સ લઈ લેવાનું. દુકાન ખોલીને બેસી જવાનું. કમાણી જ કમાણી. ’
‘દુકાન ખોલવા પૈસા જોઈએ ને ?’
‘તો પછી ઓર્થો બની જા. ’
‘ઓર્થો ? ઓર્થોડૉક્સ ?’
‘અરે ભાઈ, એ નહીં. પેલા હાડકાના ડૉક્ટર આવે તે. ’
‘એ પણ ડૉક્ટર જ ને ? બધામાં પૈસા જોઈએ. ’
‘તો ફિઝિયો બની જા. ’
‘એ વળી શું ?’
‘પેલા હાથપગની કસરતવાળા ને માલીશવાળા આવે તે. એમાં બહુ ખર્ચો પણ નહીં. ’
‘એ તમને કોણે કહ્યું ? મારે એવું કંઈ નથી બનવું. ’
‘તો પછી તું શું કરવાનો ? હેરડ્રેસિંગ સલૂન ખોલવાનો ?’
‘આઈડીયા તો સારો છે. ’
‘સાવ નફ્ફટ. માબાપનો તો કોઈ વિચાર જ નહીં કરવાનો. જરા પણ કદર નહીં. આ જકાલના છોકરા સાવ નકામા. ’ (તમે મારા માબાપનો વિચાર કરો તો સારું. એમને પણ કંઈ વિચારવા દો. એના કરતાં તમારા છોકરાં સાચવો, જાઓ.)
બીજા ભાઈ જરા સમજાવટથી કામ લેવાની કોશિશ કરે ! ‘બેટા, તને જે લાઈનમાં ઈન્ટરેસ્ટ હોય તે જ લાઈન લેજે. એમ પૈસાની લાલચમાં ગમે તે લાઈન નહીં લઈ લેતો. (આગલા ભાઈ મોં વાંકું કરે.) ડૉક્ટર, એન્જિનીયર કે સીએ બનવા કરતાં, હું તો કહું કે બેસ્ટ લાઈન તો આજે આઈટીની જ છે. ’
‘હું તો બધી લાઈનાં એક એક વરસ ફરી આવીશ. પછી જેમાં ગમશે તેમાં ટકી જઈશ.

‘એમ તો કેટલા પૈસા બગાડવાનો ? અને વરસ કેટલાં બગડે તે કંઈ ભાન છે ?’
‘હા, પણ કેટલા વરસથી આ સવાલ મને હેરાન કરે છે. હું પણ જોઉં તો ખરો કે નહીં કે કઈ લાઈન સારી ?’

ત્રીજા ભાઈ જરા મોડર્ન ખયાલના. ‘આ ટીવી પર પણ જાતજાતના પ્રોગ્રામ્સ આવે છે હવે તો. કંઈ એક્ટર–બેક્ટર બનવું હોય કે પછી રિયાલિટી શૉમાં જવું હોય ને કંઈ એન્કર–બેન્કર બનવું હોય કે સિંગર–ડાન્સર જે બનવું હોય તે. તારામાં આવડત હોય તો ત્યાં પણ બહુ સ્કોપ છે આગળ જવા માટે. કરિયર બનાવવી હોય તો આ બધામાંથી પણ કંઈ પસંદ કરવા જેવું ખરું, હં કે ! એમ તો તારા ઘરનાં બધાં બહુ ફોરવર્ડ છે, હું જાણું ને ? આખરે તો તારી મરજી પ્રમાણે જ થશે બેટા.’ જાણે કે, આ લોકોએ તો કોઈ દિવસ ટીવી જોયું જ નથી ને એ લોકો દુનિયાના એવા છેડે રહે છે કે જ્યાં છાપાં પણ નથી મળતાં ! તમે તમારા બાળકોની નજરમાં કેટલા ફોરવર્ડ છો તે જાણો છો ?

બસ, એમ કોઈ કૂક કે શેફ બનવાનો રસ્તો બતાવે તો કોઈ બિઝનેસ કરવાની પચાસ લાઈન પણ બતાવે. પછી પોતે કેટલી મહેનતે આજે આ જગ્યાએ પહોંચ્યા છે તેની મહાબોરિંગ વાર્તા કહ્યા વગર જાય નહીં. ભણનારો ને પાસ થનારો એક ને તેનો હાથ પકડનારા હજાર ! જાણે કે, હજાર હાથવાળા હરિ સાક્ષાત્ હાજરાહજુર !

પેલા બધા જ્ઞાનીઓના હાથ છેવટે હેઠા પડે અને અંતે, જતાં જતાં છોકરાનું ભવિષ્ય ભાખતા જાય, ‘આ તમારા છોકરાને સાચવજો જરા. કોઈ ઠેકાણું જ નથી હજી. રિઝલ્ટ આવી ગયું છે. બધે એડમિશનની દોડાદોડી છે અને એને કંઈ પડી જ નથી. ભલતાસલતા જ જવાબો આપે છે. મોટાનું માન કેમ જાળવવું તે તો ખબર નથી ને ડિગ્રી લેવા નીકળ્યો છે. જોજો, લાઈન બહાર ન જતો રહે. એને અમારા વતી કહેજો જરા કે, સીધી લાઈન પર રહેજે નહીં તો ચણાના ભાવે વેચાઈ જશે. ’

‘ભઈ, એ તો પહેલેથી જ કહેતો હતો કે, સીધી લાઈન લેવાનો છું પણ કોઈ માનતું જ નથી. ’

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, કલ્પના દેસાઈ, હાસ્ય, હાસ્ય સપ્તરંગી and tagged , , , . Bookmark the permalink.

2 Responses to કઈ લાઈનમાં જવાનો ?-કલ્પના દેસાઈ

  1. P.K.Davda કહે છે:

    ખરેખર કઈ લાઈન લેવી એ સમસ્યા છે. જે લાઈનમાં રસ હોય એમાં એડમીશન મેળવવું મુશ્કેલ હોય, અને જેમાં એડમીશન મળતું હોય એમાં રસ ન હોય !! આ મુશ્કેલી આજની નથી, હું ભણતો હતો ત્યારે પણ આજ મુશ્કેલી હતી.

    Like

  2. tarulata કહે છે:

    klpana Desaina lekho etle hlva hasyni sarvani.srs.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s