હાસ્ય સપ્તરંગી -(2) અવતાર-એક કલ્પના-નિરંજન મહેતા

‘નારાયણ, નારાયણ’ના ગુંજનથી વૈકુંઠમાં ચોમેર નારદજીનો ધ્વનિ ફરી વળ્યો અને તે ભગવાન વિષ્ણુના કાને પડ્યો. તે સાથે જ લક્ષ્મીદેવી બોલી ઉઠ્યા કે તમારા પરમ ભક્તની પધરામણી થાય છે, જરૂર સાથે કોઈ મુસીબતને લઈને આવ્યા હશે. આ સાંભળીને વિષ્ણુજીએ મંદ સ્મિત કર્યું.

જેવા નારદજી પ્રવેશ્યા કે ભગવાને આગળ વધી તેમનું સ્વાગત કર્યું અને આસન ગ્રહણ કરવા કહ્યું. પછી થોડીવારે પૂછ્યું કે આપના આગમનનું પ્રયોજન શું છે.

નારદજીએ થોડી પળ ગંભીર મુદ્રા ધારણ કરી અને પછી કહ્યું કે હું ભૂલોક્માથી જ સીધો અહી આવ્યો છું કારણ ત્યાંની પરિસ્થિતિ જોઈ મારાથી ન સહેવાયું ન રહેવાયું.

‘એવું તે શું જોયું કે તમારી માનસિક સ્થિતિ આવી થઈ ગઈ?’

‘એક જ વાત હોય તો તો હું આમ દોડી ન આવત.’

‘જરા વિસ્તારથી કહેશો તમે શું જોયું જેથી મને પણ તમને સહાય કરવાનું સરળ થાય.’

‘ભગવાન, પ્રુથ્વી પરની પરિસ્થિતિનું હું વર્ણન કરીશ તો તમે તમારા ગીતાનું વચન યાદ કર્યા વિના નહિ રહો..’

‘હું સમજ્યો નહિ તમે શું કહેવા માંગો છો. ગીતામાં તો મેં ઘણું બધું કહ્યું છે તેમાંથી તમે કયા વિધાનની વાત કરી રહ્યા છો?’

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

‘એટલે તમે મને ફરી અવતાર લેવાનું કહો છો.?’

‘હા, ભગવાન. તે વિના મનુષ્યલોકનો ઉદ્ધાર નહિ થાય. તમારે ફરી એકવાર લોકોના તારણહાર બનવાનો નિર્ણય લેવો પડશે અને તે પણ ત્વરિત.’

‘પહેલા મને જણાવો કે એવી તે કેવી પરિસ્થિતિ ઉભી થઇ છે જેથી તમે મને ત્વરિત અવતાર લેવાનું કહી રહ્યા છો. જો તે મને યોગ્ય લાગશે તો હું અગિયારમો અવતાર લેવા વિચાર કરીશ.’

‘હજી દસમા અવતારની લોકો શંકા કરે છે અને તમે અગિયારમો અંક પણ નક્કી કરી નાખ્યો?’ લક્ષ્મીદેવી ઉવાચ.

‘દેવી, ભલે દસમા અવતારની શંકાઓ થયા કરે પણ જો તે અવતાર નક્કી જ થયો હોય તો હવે પછી જો હું પૃથ્વી પર જાઉં તો તે મારો નવો અવતાર અગિયારમો અવતાર જ ગણાશે.’

‘સાચું કહ્યું ભગવન. કલ્કી અવતાર વિષે અમુક લોકો માને છે કે તે થઈ ગયો છે જ્યારે અમુક લોકો તે નથી માનતા પણ આપણે ક્રમાંકને છોડીને મૂળ વાત પર આવીએ?’ નારદજીએ કહ્યું.

‘હા, તો શું વાત છે જેને કારણે આપનું આગમન સીધુ વૈકુઠલોકમાં થયું?’

‘પ્રભુ, ભારતવર્ષમાં લોકોની પરિસ્થિતિ બહુ જ અવર્ણનીય અને અસહનીય છે. ઠેર ઠેર ધર્મને નામે દંગા, ધર્મને બહાને જાતિઓ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. અરે એટલું જ નહિ પણ પ્રદેશો પ્રદેશો વચ્ચે પણ અંટસ થવા લાગ્યો છે. આમેય તે સદીઓથી જુદા જુદા ધર્મો ભારત દેશમાં પ્રવર્તે છે અને જ્યારે તે માટે સહિષ્ણુતા મરી પરવારે છે ત્યારે ધર્મયુધ્ધો અને જેહાદ જેવા શબ્દોના પ્રચાર વડે અણસમજુ પ્રજાની ઉશ્કેરણી થાય છે અને તેને કારણે ખૂનામરકી ફાટી નીકળે છે. એ ઓછું હોય તેમ વિદ્યાર્થી આંદોલનો, જાતીય સતામણી, કૌટુંબિક વિખવાદોમાં વધારો થતો આવ્યો છે. લોકો ધર્માચારને બદલે અધર્માચારમાં માનવા લાગ્યા છે અને અસહિષ્ણુતા પણ વધી ગઈ છે.’

‘દેવર્ષિ, આવું તો યુગોથી ચાલી આવ્યું છે અને તે માટે હું વારંવાર અવતાર લેવા કૂદી નથી પડતો. તમે તો જાણો છો કે જ્યારે પરિસ્થિતિ અસહ્ય થાય ત્યારે જ હું અવતરૂ છું. અન્યથા મારા ભક્તોને મારા માટે કેટલું માન રહે? કદાચ એમ પણ સાંભળવા મળે કે નવરા છે એટલે દોડી આવ્યા. જરૂર ૨૧મી સદીનો રંગ લાગ્યો હશે અને હવે ૧૬૧૦૮ નહિ પણ તેથી વધુ નારીઓનો ઉધ્ધાર(!) કરવાનો મારો ઈરાદો હશે.’

‘હું પણ એમ જ કહેવાની હતી નાથ. કદાચ આ વખતે તો મને મૂકીને પણ જવાનો વિચાર પણ કરશો. પણ તેમ હોય તો બે વાર વિચાર કરજો. હું પણ ૨૧મી સદીની દેવી છું અને મને પણ સ્ત્રીસ્વતંત્રતાનો રંગ લાગે તો નવાઈ ન પામતા..” લક્ષ્મીદેવી બોલ્યા વગર ન રહ્યા.

‘દેવી, હજુ તો હું પરમ ભક્ત નારદજીની વાત ઉપર પૂરો વિચાર કરૂ અને કોઈ નિર્ણય લઉં તે પહેલા તમે તો અકળાઈ ગયા. સાચે જ તમને ૨૧મી સદીનો રંગ લાગી ગયો છે.’

આ સાંભળી લક્ષ્મીજી મો ફેરવી બેસી ગયા.

‘જુઓ દેવર્ષિ મને થોડો વિચારવાનો સમય આપો. મારે બ્રહ્માજી અને મહેશ્વરને પૂછવું પડે કારણ અવતાર લેવો એ બહુ ગંભીર વિષય છે. એટલે તેમની સલાહ અનિવાર્ય છે. વળી અવતાર મારે એકલાએ નથી લેવાનો હોતો. અન્ય દેવી-દેવતાઓ પણ સહાયક તરીકે મારી સાથે હોય છે એટલે કોને કોને કહેવું અને ક્યા રૂપમાં તેઓએ અવતાર ધારણ કરવો તે માટે પણ બધા સાથે વિચાર-વિમર્ષ કરવો જરૂરી છે.’

‘ભલે પ્રભુ, બને તેટલો જલદી નિર્ણય લેજો એમ કહેવાની જરૂર નથી. હું થોડા સમય પછી પાછો આવું છું.’

જ્યારે ફરી નારદજીની પધરામણી થઈ ત્યારે ભગવાન વિષ્ણુ ગંભીર મુદ્રામાં હતા.

‘મને ખબર હતી કે તમે મારી વાતને બહુ ગંભીરતાથી લેશો એટલે અવતાર ધારણ કરવાનો નિર્ણય લઈ લીધો હશે. જલદી કહો ક્યારે આ બનશે?’

‘નારદજી, તમે ધારો છો તેવું નથી. અન્યો સાથે ચર્ચા કર્યા પછી મારે અવતાર ન લેવો એમ બધાનું મંતવ્ય છે.’

‘અરે, એમ કેમ બને? તમે બધા દેવોને બરાબર સમજાવી શક્યા નથી એમ લાગે છે. મને કહ્યુ હોત તો હું તે સૌને મનાવી લેતે. પણ આ નિર્ણય પાછળનું કારણ જણાવશો?’

‘ચર્ચા તો ઉગ્ર અને લાંબી ચાલી પણ તમને હું તે ટૂંકમાં જણાવું કારણ મારે હવે આ બધું થયા પછી થોડો વિશ્રામ લેવો મહત્વનું છે.

‘બધાનું કહેવું એમ છે કે મારા કૃષ્ણાવતાર પછી ધરતી પર કળીયુગની અસર વધતી ગઈ છે અને તેથી મારા અવતરણનો સમય તો ઘણા સૈકાઓ પહેલા યોગ્ય હતો. એમ કર્યું હોત તો આ બધું દાબી શકાયું હોત. વળી દસમો અવતાર – કલી અવતાર થયો છે કે કેમ અને થયો હોય તો તે કેમ અસરકારક નથી અને તો અગિયારમાં અવતારનું પ્રયોજન શું?.એવો સવાલ પણ ઉભો થયો.

‘કૃષ્ણાવતાર વખતે એક જ ધર્મ હતો અને તે હિંદુ ધર્મ. ત્યાર બાદ પૃથ્વી પર કેટલા બધા ધર્મો સ્થાપિત થઈ ગયા અને વળી તે બધામાં પણ કેટલા ફાંટા! હવે એક ધર્મ બચાવવા કૃષ્ણાવતારમાં મારે કેટલી બધી મહેનત કરવી પડી હતી તો હવે ક્યા ક્યા ધર્મને બચાવવો અને કેવી રીતે તે પ્રશ્ને બધાને મૂંઝવણમાં મૂકી દીધા. જો બધા જ ધર્મોને બચાવવાના હોય તો શું એક અવતાર બસ થઈ પડશે? આનો જવાબ મારી પાસે ન હતો.

‘વળી એક અવતાર માટે કેટલો સમય જોઈએ અને તો એક કરતા વધુ વખત અવતાર ધારણ કરવો પડે તો તે માટે કેટલો સમય જોઈએ તે વિષે મતભેદો હતા. તેટલો સમય ફાળવવા મોટાભાગના દેવો તૈયાર પણ ન હતા. કારણ તો તમે સમજો છો.’

‘તો આનો ઉપાય શું?’

‘તમે તેની ચિંતા ન કરો, દેવર્ષિ. અગાઉ જેમ યાદવાસ્થળી થઈ હતી અને મનુષ્યો અંદર અંદર મરી પરવાર્યા હતા તેમ હવે પણ લઢશે અને અંતે દુનિયાનો આપોઆપ નાશ થઈ જશે. હવે તો મારા નવમા અવતારમાં હતા તેવા કે તેનાથી વધુ શક્તિશાળી શસ્ત્રો માનવોએ પોતાની બુદ્ધિબળથી બનાવ્યા છે અને તેના ઉપયોગથી આપણું ધ્યેય સિદ્ધ થઈ જશે. હવે તમે માનવલોકની ચિંતા છોડી સ્વસ્થતાથી તમારું કાર્ય કરો અને મને પણ થોડો આરામ કરવા દો.’

નિરંજન મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in નિરંજન મહેતા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to હાસ્ય સપ્તરંગી -(2) અવતાર-એક કલ્પના-નિરંજન મહેતા

  1. Vimala Gohil says:

    “વિનાશ પછી વિકાસ” અને ” નાશ પછી નવરચના”ની મજાની આશા પ્રભુએ બંધાવી દીધી
    છે તો આ દોર પકડી રાખી તો આ દોર પકડી રાખીએ ને ઈશ્વાર અવતરણની રાહ જોઈએ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s