તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા (18)બ્લેક ફ્રાઈડે ડીલ-સાક્ષર ઠાકકર

બ્લેક ફ્રાઈડે ડીલ

આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બ્લેક ફ્રાઈડેની રાતના ૧૨ વાગે મારી ૧૨ કલાક પહેલા જ લીધેલી નવી  ગાડીના પાછળના તૂટેલા કાચ સામે, મારા હાથમાં મારા ૯ મહિનાના બાળક અને મારા મિત્ર સાથે પોલીસની સામે બેઠો હોઈશ.

“ભાભી, નેહા ઇન્ડિયાથી પાછી આવે ત્યારે એને આવો ગાજરનો હલવો બનાવતા શીખવાડી દેજો નહિતર હું તમને વારે ઘડીએ હેરાન કર્યા કરીશ” એની ખાલી થઇ ગયેલી વાટકીમાં ચોથી વાર ગાજરનો હલવો લેતા લેતા રવિ બોલ્યો.

“અરે રવિભાઈ, ખાઓ ને તમ તમારે. જ્યારે તમારે ઈચ્છા હોય ત્યારે મને કહેજો, સાક્ષર સાથે ઓફિસે મોકલાવી આપીશ” મનાલી એ કહ્યું.

“અરે કેટલી વખત આ સાક્ષરને કીધું કે કંઈક લઇને આવ, પણ આ પાક્કો અમેરિકન થઇ ગયો છે, આજે થેન્ક્સ ગીવીંગ છે એટલે જ જમવા બોલાવ્યો” થાળી લઇને સિંક તરફ જતા જતા કહ્યું.

“જા જા હવે, બે દિવસ પહેલા તો ઓફીસમાં ખીર લઇને આવ્યો તો અને ગયા અઠવાડિયે પણ બે દિવસ જમવા તો આવ્યો તો, અમેરિકન તો તું થઇ ગયો છે, બોલાવું ત્યારે જ આવવાનું એવું, બોલાવ્યા વગર ના અવાય?” મારી જમી લીધેલી થાળી રવિને પકડાવતા મેં કહ્યું.

“એ બધું છોડ, ચાલ વોલમાર્ટ જઈએ, બહુ મસ્ત બ્લેક ફ્રાઇડે ડીલ ચાલે છે ટીવીની, આ ૪૩ ઇંચનું ટીવી ક્યા સુધી વાપરીશ? મસ્ત નવું ૬૦ ઇંચનું લઇ લઈએ એક મારે લેવા નું છે અને એક તું લઇ લે” વરીયાળીનો ફાકો મારતા રવિ બોલ્યો.

“એ બધું કોઈ ડીલ વિલ કશું ના હોય ખાલી છેતરવાના ધંધા બ્લેક ફ્રાઈડેના નામે અને અત્યારે અડધો કલાક પછી ૧૦ વાગે તો એ લોકો સ્ટોર ખોલશે એટલે બહુ ભીડ હશે લોકો ૨ દિવસથી લાઈન લગાવીને બેસે છે, પાગલ લોકો! જવું હોય તો કાલે સવારે જઈશું” મેં કહ્યું.

“ઓહો, છેતરવાના ધંધા એમ, તો પછી તે આજે સવારે બ્લેક ફ્રાઈડે ડીલમાં નવી ગાડી કેમ લીધી?” રવિએ કહ્યું

“એ તો એમ પણ લેવાની જ હતી, બ્લેક ફ્રાઈડે સિવાય પણ આટલું ડિસ્કાઉન્ટ મળી જ જતું હોય છે” મેં ખુલાસો કર્યો.

પછી મનાલી સામે જોઈને ,” ચાલો ને ભાભી પછી ત્યાં બાજુમાં શોપિંગ મોલ પણ છે ત્યાં શોપિંગ પણ થઇ જશે તમારું”

“મારે તો કંઈ શોપિંગ નથી કરવું, સુઈ જવું છે, અને સમર્થ ઊંઘે છે એટલે કોઈકે તો ઘરે રહેવું પડશે ને” રવિના ઉમળકા પર પાણી ફેરવતા મનાલીએ કહ્યું.

“શું વાત કરો છો ભાભી! શોપિંગની સામેથી ના પાડો છો! ભગવાન તમારા જેવી પત્ની સૌ કોઈને આપે” રવિએ કહ્યું.

એટલામાં બેબી મોનીટરમાં થી સમર્થનો રડવાનો અવાજ આવ્યો. મનાલી ઉપરના રૂમમાં સમર્થને જોવા ગઈ.

“જો હવે સમર્થ પણ ઉઠી ગયો છે, એટલે ૨-૩ કલાક ઊંઘશે નહિ અને મનાલીને ઊંઘવું છે તો હું સમર્થ સાથે રમીશ” નહિ જવાનું મેં બીજું એક બહાનું કાઢ્યું.

“લે તો તો સારું જ છે, સમર્થને લઇ ને જઈએ ભાભી ને ય ઊંઘવા મળી રહેશે, અને સમર્થને પણ તારી નવી ગાડીમાં ફરવાની મજા આવશે” મારા બહાનાને નકારતા રવિ બોલ્યો.

એટલામાં સમર્થને નીચે લઇને મનાલી આવી.

મનાલી પાસેથી સમર્થને તેડીને રવિએ કહ્યું, “ભાભી, હું અને સાક્ષર સમર્થને લઇને જઈ આવીએ છે, ૨-૩ કલાકમાં તો આવી જઈશું, આવતા આવતા રસ્તામાં જ સમર્થ ઊંઘી જશે”

“હા લઇ જાઓ એને ખવડાવી દીધુ છે એટલે તમને હેરાન નહિ કરે” મનાલી એ કહ્યું.

“કોણ હેરાન નહિ કરે? સાક્ષર કે સમર્થ? “ રવિએ હસતા હસતા કહ્યું.

“બંને” મનાલી એ હસતા હસતા જવાબ આપ્યો.

“મને તો કોઈ પૂછો” મેં કહ્યું.

 

વોલમાર્ટનો પાર્કિંગ લોટ બિલકુલ ભરેલો હતો. એકદમ દુર અમને પાર્કિંગ મળ્યું. ગાડી પાર્ક કરી, સમર્થને એની કાર સીટમાંથી નીકળ્યો અને અમે લોકો વોલમાર્ટ તરફ ચાલવા લાગ્યા.

“આ બેગ શેના માટે લીધી?” મારા ખભે લટકાવેલી બેગ જોઈને રવિએ પૂછ્યું.

“સમર્થના સામાનની બેગ છે, એના ડાયપર, દૂધની બોટલ વગેરે વગેરે, ભલે ખાઈને નીકળ્યો છે, પણ ગમે ત્યારે ગમે તે જરૂર પડે, તારે બેબી આવશે એટલે તને ખબર પડશે” મેં કહ્યું.

અમે જેમ જેમ વોલમાર્ટની નજીક જવા લાગ્યા, ભીડનો અવાજ વધવા લાગ્યો. નજીક પહોંચ્યા તો મેં જેવું વિચાર્યું એવું જ દ્રશ્ય હતું, લગભગ ૩૦૦ થી ૪૦૦ જણની મોટી લાઈન હતી, લાઈનમાં આગળ ઉભેલા ૬-૭ લોકો પોતાના તંબુને સમેટતા હતા. સ્ટોર ખુલવાને ૧૫ મિનીટની વાર હતી, લોકોના ચહેરા પર અધીરાઈ અને ઉત્સાહ દેખાઈ રહ્યા હતા.

“ચાલો હવે પાછા જઈએ?” મેં રવિ સામે જોઈને કહ્યું.

“ઉભા તો રહે ૧૫ મિનીટ પછી સ્ટોર ખુલે એટલે આ બધી લાઈન વિખરાઈને ટોળું બની જશે, પછી ઘૂસ મારતા તો આપણને સરસ આવડે જ છે” રવિ કોલર ચડાવીને બોલ્યો.

“તું જઈ આવ, સમર્થની સાથે હું આવું રિસ્ક નથી લેવાનો” મેં કહ્યું.

રવિનું મોં પડી ગયું. પણ એની નિરાશા બે ક્ષણ માટે જ રહી અને એનું મોં ફરી ખીલી ઉઠ્યું અને એણે કહ્યું, “આ બેગમાં દૂધની બોટલ છે ને?”

“હા, કેમ?” મેં પૂછ્યું.

“તું એ બધું છોડને, બસ મને બોટલ આપ અને તું સમર્થ સાથે અહિયાં પેલા દરવાજા આગળ ઉભો રહે, હું સિક્યોરીટી ગાર્ડને મળીને આવું છુ”

હું એણે કહ્યું એ જગ્યા એ ઉભો રહ્યો અને જોયું તો રવિ સિક્યોરીટીવાળા માણસને બોટલ બતાવી ને કંઈક કહી રહ્યો હતો અને એ ગાર્ડ બીજા ગાર્ડ સાથે કંઈક વાત કરી અને રવિને કંઈ કહ્યું. રવિએ મારી તરફ ઈશારો કરી અને મને એ બાજુ બોલાવ્યો, હું ગયો અને સિક્યોરીટી ગાર્ડએ ત્યાં અડધા ખુલેલા શટરમાંથી અમને બંનેને અંદર જવા દીધા.

“શું કહ્યું તે એમને”  મેં રવિ ને પૂછ્યું.

“કંઈ નહિ મેં કહ્યું બાળકને ભૂખ લાગી છે અને દૂધની બોટલ ગરમ કરવા માટે ગરમ પાણી જોઈએ છે.” રવિએ લુચ્ચું સ્મિત આપતા કહ્યું.

“તું નહિ સુધરે”

સિક્યોરીટી ગાર્ડએ દેખાડેલા પાણીના કુલર આગળ જઈને અમે ઉભા રહ્યા. આજુ બાજુ જોઈ અને રવિ એ કહ્યું, “બસ ૫ મિનીટ અહિયાં ઉભા રહીને ટાઈમ પાસ કરવાનો છે પછી ગેટ ખુલી જશે અને બધું ટોળું અંદર આવશે, ત્યારે આપણે ટીવી વાળા સેક્શનમાં પહોંચી જઈશું.”

અમે ત્યાં ઉભા ઉભા ગરમ પાણીનો નળ ચાલુ કરી પાણી દૂધની બોટલમાં ભર્યું, પછી ખાલી કર્યું ફરી પાછુ ભર્યું. એટલામાં એક શટર ખુલવાનો અવાજ આવ્યો અને એક સાથે મોટું ટોળું અંદર આવવાનું શરુ થઇ ગયું. અમે લોકો ટીવીના સેક્શનની નજીક માં જ હતા એટલે ત્યાં પહોચી ગયા, અને ટોળામાં સમાઈ ગયા અને ત્યાં ટીવીની લાઈનમાં ચોથા પાંચમાં નંબરે આવી ગયા.

૧૦ જ ટીવી હતા જે ડોર બસ્ટર  ડીલમાં હતા. અમારો નંબર આવ્યો ત્યારે અમે ૬૦ ઇંચના ૨ ટીવીની માંગણી કરી.  કાઉન્ટર પર બેસેલો માણસ અંદર જઈ અને કંઈક ચેક કરીને આવી અને અમને કહ્યું કે એક ટીવી બ્લેક ફ્રેમ વાળું છે અને એક ગ્રીન ફ્રેમ વાળું છું. રવિએ મને પૂછ્યા વગર એને બંને લાવવા માટે ઓર્ડર કરી દીધો અને પોતાનું ક્રેડીટ કાર્ડ આપી દીધું. મારી સામે જોઈને કહ્યું, “ફ્રેમ માં આપણને શું  ફરક પડે છે, આટલી સરસ ડીલ છે, કલર આપણે પછી નક્કી કરી દઈશું. અત્યારે તો બંને લઇ લઇએ. મને પૈસા પછી તું ટ્રાન્સફર કરી દેજે”

 

બે બોક્સ આવ્યા એ કાર્ટમાં લઇ અને અમે નીકળ્યા. મારી નવી SUVમાં પાછળનો દરવાજો ખોલી અને બે બોક્સ ગોઠવી દીધા અને હું ડ્રાઈવર સીટ તરફ જતો હતો અને મારો હાથ રોકી અને રવિ એ કહ્યું, “હવે એહી સુધી આવ્યા જ છે તો મોલ માં પણ જઈ આવીએ ને!”

“સમર્થ હવે ઊંઘમાં આવ્યો છે, રડવા લાગશે” મેં કહ્યું.

“એ રડે એટલે સીધા આપણે પાછા બસ. પ્રોમિસ.” સમર્થના માથે હાથ ફેરવતા રવિએ કહ્યું.

પાંચેક મિનીટ જેટલું ચાલીને શોપિંગ મોલના પ્રવેશ આગળ પહોંચ્યા ત્યાં જ સમર્થે રડવાનું ચાલુ કર્યું. રવિ કંઈક વિચારીને નવી યોજના બનાવે એની પહેલા મેં એને કહ્યું, “તે પ્રોમિસ કર્યું’તું, ચાલો હવે પાછા”

રવિએ કહ્યું, “ એકાદ પ્રયત્ન તો કરી જોઈએ” એમ કરીને મારી પાસે થી એણે સમર્થને તેડી લીધો, અને એની બેગમાં થી કાઢીને એના ૨-૩ રમકડા આપી જોયા પણ બધા જ પ્રયત્નો વ્યર્થ. પછી એને ગલી પચી કરી જોઈ, પણ એના લીધે સમર્થનું રડવાનું બમણું થઇ ગયું.

રવિએ સમર્થને મને પાછો આપી અને હતાશ થઇને કયું” “ઓકે ચાલો”

 

ગાડી જે લાઈનમાં પાર્ક કરી હતી ત્યાં પહોચ્યા તો દુરથી દેખાયું કે એક ગાડી રસ્તા વચ્ચે પડી હતી.

“આ કોણે આવી પાર્ક કરી છે, રોડની વચ્ચે? આપણી ગાડી ની સામે ના હોય તો સારું નહિ તો ગાડી કેવી રીતે કાઢીશું!” મેં રવિને કહ્યું.

થોડા નજીક ગયા તો દેખાયું કે એક જણ એક બોક્સ લઇને એ રસ્તા વચ્ચે ઉભેલી ગાડીમાં મૂકી રહ્યો હતો. મને અને રવિને લગભગ એક સાથે જ ખ્યાલ આવ્યો કે એ અમારી જ ગાડીમાં થી નીકાળેલુ ટીવીનું બોક્સ હતું અને અમે બંને સાથે ગાડી તરફ દોડ્યા.

અમને આવતા જોઈને પેલો માણસ તરત ગાડીમાં પસેન્જર સીટમાં બેસી ગયો અને એ ગાડી શરુ થઇને ત્યાંથી નીકળી ગઈ. અમે ગાડી નજીક પહોંચીએ અને નંબર જોવાનો પ્રયત્ન કરીએ એ પહેલા તો એ ગાડી ત્યાંથી ફરાર થઇ ગઈ હતી.

હું દોડ્યો ત્યારે અચાનક સમર્થ હસવા લાગ્યો હતો અને હવે એ સારા મુડમાં આવી ગયો હતો. મેં મારી નવી નકોર ગાડી તરફ જોયું તો પાછળનો કાચ તૂટેલો હતો અને એક ટીવીનું બોક્સ ગાયબ હતું. રવિ માથું પકડીને ત્યાં બેસી ગયો. મેં પોલીસને ૯૧૧ પર ફોન લગાવ્યો અને એક ટીવી ચોરી થયા વિષેની બધી વાત કહી.

ફોન લગાવ્યા પછી ૪ જ મિનીટમાં સાઈરન સાથે ત્યાં પોલીસ આવી પહોંચી.

 

આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બ્લેક ફ્રાઈડેની રાતના ૧૨ વાગે મારી ૧૨ કલાક પહેલા જ લીધેલી નવી  ગાડીના પાછળના તૂટેલા કાચ સામે, મારા હાથમાં મારા ૯ મહિનાના બાળક અને મારા મિત્ર સાથે પોલીસની સામે બેઠો હોઈશ.

આવેલા બે માંથી એક ઓફિસરે એક નોટપેડ અને એક પેન કાઢી અને કંઈક લખવા નું ચાલુ કર્યું અને અમને બંને ને જોઈને પૂછ્યું કે ટીવી કોનું હતું?

મેં અને રવિએ એકબીજા સામે જોઈ અને હળવું સ્મિત કર્યું.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.