તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(13) પ્રેમની પરિભાષા -રોહિત કાપડિયા

પ્રેમની પરિભાષા
________________

“અવિનાશ ,મને માફ કરજે. આ મારું રાજીનામું અને આ મારાં પપ્પાએ લખેલ પત્ર છે. તું   વાંચી લેજે એટલે મારો જવાબ તને મળી જશે.” વિશ્વાનાં હાથમાંથી પત્ર લેતાં અને તેનાં હાથમાં એક પત્ર મૂકતાં અવિનાશે કહ્યું ” વિશ્વા, બેસ અને આ પત્રમાં મારો જવાબ છે તે તું પણ વાંચી લે.”
વિશ્વાનો પત્ર ખોલીને અવિનાશે વાંચવા માંડ્યો .
બેટા,
તું હમેંશા કહે છે કે હું માત્ર તારો પિતા નથી પણ તારો મિત્ર, રાહબર અને ફીલોસોફર પણ છું. ગઈ કાલે પૂછેલાં તારી જિંદગીનાં એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ મારે તને સામો સામ આપવો જોઈતો હતો પણ એમ ન કરી શક્યો. તેથી જ આ પત્ર લખ્યો છે. તું બે વર્ષની હતી ત્યારે તારી મમ્મી સ્વર્ગલોક સિધાવી ગઈ હતી. તે દિવસથી લઈને આજ સુધી મેં તને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપ્યો છે. તારી હર ખુશીનું ધ્યાન રાખ્યું છે. તારી હર ઈચ્છા ,તારી હર માંગણી પૂરી કરી છે. ખેર ! ગઈ કાલે તે કરેલી માંગણીને હું પૂરી કરી શકું એમ નથી.
જિંદગીમાં પ્રથમવાર તારી મરજી વિરુદ્ધનો નિર્ણય લઉં છું.
તને તારી ઓફિસના માલિક અવિનાશ સાથે પ્રેમ થઇ ગયો છે. અવિનાશ , કોઈ પણ  જાતિનો, કોઈ પણ ધર્મનો હોત તો મેં એનો સ્વીકાર કર્યો હોત ,કારણકે નાત-જાતનાં બંધન પ્રેમની આડે આવે તે મને માન્ય નથી. અવિનાશ પરણેલો છે. તારાં કહેવા મુજબ તેનું લગ્ન
વડીલોનું મન સાચવવા માટેની એક દાંભિક ક્રિયા હતી. ભણેલાં ,ગણેલાં અને નાની ઉંમરે વ્યવસાયમાં ખૂબ જ આગળ વધેલાં અવિનાશ સામે ગામડાંની સાવ મામૂલી ભણેલી એની પત્ની આશા એ બંનેનો મિલાપ કજોડું જ ગણાય એમ તારું માનવું છે.  તું માને છે કે આખી જિંદગી દુઃખી રહીને સાથ નિભાવવાના બદલે હજુ જયારે તેમના લગ્નને એક જ વર્ષ થયું છે ત્યારે બંને છુટા થઈ જાય તે જ યોગ્ય છે. અલબત્ત, અવિનાશે તને કહ્યું છે કે એની પત્ની આશા રાજી ખુશીથી છૂટાછેડા માટે તૈયાર થશે તો જ તારી સાથેનો સંબંધ  એ આગળ વધારશે અને તેં કહ્યું છે કે પપ્પાની એટલે કે મારી સંમતિ હશે તો જ તું સંબંધ આગળ વધારીશ. બેટા , આશાનાં જવાબની મને ખબર નથી પણ આ સંબંધને આગળ વધારવાની સંમતિ હું નથી આપતો. બહુ જ ભારે હૈયે તારાં પ્રેમની આડે આવવાનો નિર્ણય લીધો છે. કોઈનાં હાથમાંથી જામ ઝૂંટવીને પીવાનો આપણને કોઈ અધિકાર નથી. પ્રેમમાં જે મજા છોડવામાં છે, ત્યાગવામાં છે તે મજા મેળવવામાં નથી. પ્રેમ હમેંશા સમર્પણ માંગે છે. એક પ્રેમિકા તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે જો તું વિચાર કરશે તો તને પણ લાગશે કે તું આશાને અન્યાય કરી રહી છે. ખેર ! છતાંયે જો અવિનાશ સાથેનાં સંબંધમાં તને કશું અજૂગતું ન લાગતું હોય તો તું તને યોગ્ય લાગે તે પગલું લેવાં સ્વતંત્ર છે. બાવીસ વર્ષમાં પ્રથમવાર તારી ઈચ્છા ન પૂરી કરી શકનાર
                                            તારા પપ્પા
અવિનાશની આંખ સામે પત્ર પૂરો થતાં જ ,વિશ્વાનાં પપ્પાનું એક ગૌરવશાળી ચિત્ર ઉભું  થયું. આ બાજુ વિશ્વાએ પત્ર ખોલીને વાંચતા,
વિશ્વા ,
માફ કરજે. ગઈ કાલે રોજનાં ક્રમ મુજબ આશા મારી બાજુમાં આવી. મારાં ચરણસ્પર્શ કરી ,મારાં મસ્તક પર હાથ ફેરવીને સૂઈ જવાની તૈયારી કરી રહી હતી. અત્યાર સુધી આશા તરફથી માત્ર પ્રેમ અને આદર જ મળ્યો હોઈ ,આપણાં સંબંધની વાત કઈ રીતે કહેવી તેની મૂંઝવણ અનુભવી રહ્યો હતો. એનાં દિલ પર વજ્રાઘાત થઇ એવી વાત કહેવાની હતી. મન મક્કમ કરીને મેં એનો હાથ પકડીને બાજુમાં બેસાડતાં કહ્યું “આશા, તેં મને હંમેશા પ્રેમ આપ્યો છે પણ મારો પ્રેમ માત્ર ઉપરછલ્લો દેખાવ જ હતો. તું ગામડાંની છે અને તારી તુલનાએ મારું ભણતર ખૂબ જ ઊંચું છે. વડીલોનાં વચનને નિભાવવા મેં તારી સાથે લગ્ન તો કર્યા પણ મારુ મન માનતું નથી. તું હજુ પણ ગામડાંની ઢબે જીવે છે જે મારાં જેવાં આધુનિક, સમાજ તેમ જ મિત્રવર્તુળમાં માનપાત્ર સ્થાન ભોગવતાં શિક્ષિત યુવાન જોડે કજોડાં જેવું લાગે છે. મને મારી ઓફિસમાં કામ કરતી છોકરી વિશ્વા સાથે પ્રેમ થઇ ગયો છે. અલબત્ત, તું સંમતિ આપશે તો જ હું આ પ્રેમને આગળ વધારીશ. જો તારી મરજી નહીં હોય તો હું અહીં જ અટકી જઈશ અને ભવિષ્યમાં પણ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં નહીં પડું. મનને મનાવીને હું આપણાં સંબંધને નિભાવી લઇશ .હાં ! જો તારી મરજી હશે તો તને છોડીને હું તને જરા પણ દુઃખી નહીં થવાં દઉં .તારાં મા-બાપ માટે પણ તને બોઝ નહીં થવાં દઉં .તારાં જીવનભરનાં ભરણપોષણનો હું ખ્યાલ રાખીશ . તું ઇચ્છતી હશે તો યોગ્ય પાત્ર સાથે ફરી પરણાવવાના પ્રયત્નો પણ કરીશ .”
મને હતું કે  આમ તો એ મારી ઉપેક્ષાથી ટેવાયેલી છે પણ આ વાત સાંભળતાં
જ એ રડી પડશે .ભાંગી પડશે .મારાં પગ પકડીને મને ન છોડી દેવાની વિંનતી કરશે .એનાં બદલે આંખમાં આવેલાં આંસુને લૂંછતા એ બોલી ” નાથ ,માફ કરજો .એક પત્ની તરીકે હુંl તમને ખુશ નથી રાખી શકી તેનો મને અફસોસ છે .તમે વચન નિભાવવા લગ્ન કર્યાં છે ને તેથી તમને મૂંઝારો થાય છે પણ મેં તો પતિને પરમેશ્વર ગણીને પૂજવા લગ્ન કર્યાં છે .હું તો મારાં પ્રભુની પૂજા કરીને બહુ જ ખુશ છું .પણ જો મારાં પ્રભુને મારી પૂજા કબુલ ન હોય તો જરૂરથી તમે વિશ્વા સાથે લગ્ન કરો અને ખુશ રહો . મારી ખુશી તો તમારી ખુશીમાં જ છે . મારાં ભરણપોષણની ચિંતા ન કરતાં .હું તો કોઈ નારીસમાજની પ્રવૃત્તિમાં જોડાઈ સેવાનો માર્ગ અપનાવી લઈશ .બીજાં લગ્નનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી .જૂદાં થઈને પણ હું મનથી તમને
જ વરેલી રહીશ. હાં ! પણ જીવનમાં તમને જયારે મારી જરૂરત લાગે, જયારે પણ પાછાં ફરવાનું મન થાય ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મારી પાસે આવી જજો. “બસ , આટલું કહીને સહજ રીતે સૂઈ ગઈ .વિશ્વા, એનાં સૂતાં પછી હું વિચારે ચઢ્યો.એ ગામડાંની હતી એ વાતની મને લગ્નપૂર્વે ખબર જ હતી તો એને અપનાવવી કે નહીં તેનો વિચાર મારે લગ્નપૂર્વે જ કરવો જોઈતો હતો. વડીલોનાં વચનોને નિભાવવાને બદલે મારે વિરોધ કરવો જોઈતો હતો. વાંક મારો છે તો એની સજા એને શા માટે આપું ? મારી ઉપેક્ષાને અવગણીને એણે હમેંશા મને પ્રેમ કર્યો છે. મારી નાની નાની જરૂરિયાતોનો ખ્યાલ રાખ્યો છે. વાસ્તવમાં મને પરમેશ્વર માની મારી પૂજા કરી છે. તો શું હું થોડી ઘણી બાંધછોડ કરી , થોડું એનામાં પરિવર્તન લાવી જિંદગીને પ્રેમમય ન બનાવી શકું ? એ ભણેલી નથી પણ સમજુ છે, હું ભણેલો  છું પણ નાસમજ છું. પ્રેમની પરિભાષાને એ સમજી છે જયારે હું કદાચ પ્રેમને સમજ્યો જ નથી. આવા તો કેટલાં વિચારો પછી મેં આશાને જગાડીને કહ્યું ” આશા, હું દૂર ગયા વગર જ પાછો આવી ગયો છું. મને તારી જરૂરત છે. દિલથી મને માફ કરીને તારામય બનાવી દે. “પછી તો અમે બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં .વિશ્વા ,ફરી તારી માફી માંગુ છું. મને સમજવાની કોશિષ કરજે.
          તારો ભાઈ અવિનાશ.
પત્ર પૂરો થતાં જ વિશ્વાની આંખની સામે આશાની પ્રેમમૂર્તિ ઉભી થઇ. એણે મનોમન આશા અને પપ્પાનો આભાર માન્યો. પોતે આપેલાં રાજીનામાંના કાગળના ટુકડા કરતાં અવિનાશના હાથ પર રૂમાલ બાંધતા વિશ્વાએ કહ્યું ” ભાઈલા ,તારી બેનની આ વીરપસલી સદાયે તારી રક્ષા કરશે અને તને ખુશ રાખશે.”
વાતાવરણ પવિત્ર પ્રેમની સુગંધથી મહેંકી ઉઠ્યું.
                        રોહિત કાપડિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.