તે દિવસે શનિવાર હતો છતાં મારે બેંકમાં જવું પડ્યું, સામાન્ય રીતે એવું ના કરું. આ બેંક મારા ઘરથી ખુબજ નજીક એટલે જવાની વાતથી કંટાળો ના આવે. જો કે એ દિવસે હું ગઈ તે સારું જ થયું. બેન્કના એક ઓફિસર, ફ્લોરાબેન સાથે મારે સારી એવી મિત્રતા બંધાઈ ગયેલી.શરૂઆતમાં તો જઈએ એટલે બધા સાથે થોડું હસીને, હાઈ-હેલો કરીએ તેવું જ હતું, પણ મારે તે બેંકમાં વારંવાર જવાનું થતું, એટલે લગભગ બધા સાથે સરસ ઓળખાણ થઇ ગયેલી. મારું કામ વધુ પડતું ફ્લોરાબેનના ટેબલનું રહેતું એટલે એમની સાથે ખાસ્સી દોસ્તી થઇ ગયેલી. અમે ઘણીવાર સાથે ખરીદી કરવા પણ જતાં. કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે એકબીજાના ઘરે જવાનું પણ થતું. એમ અમારા બંનેનાં ફેમીલી પણ એકબીજા સાથે ભળી શકતા. કોઈ પણ સ્વાર્થ વગરની માત્ર અને માત્ર મિત્રતા પુરતી દોસ્તી હતી પરિણામે અમે એકબીજાને નામથી અને એક વચનથી જ સંબોધતાં. તે દિવસે મને જોઇને ફ્લોરા કહે,:- “હાશ તું આવી ખરી, હું ક્યારની રાહ જોતી હતી. મને એમકે, આજે નહિ આવે તો છૂટીને મારે તારા ઘરે આવવું પડશે.”
મેં કહ્યું,:- કેમ શું હતું આજે?”
ફ્લોરા:-” ના, આજે કંઈ નથી, પણ કાલે રવિવારે, મારે અમારા ચર્ચમાં પ્રેયર થાય પછી મારે સ્પીચ આપવાની છે. મારી સ્પીચમાં તું ના આવે તે કેમ ચાલે? તને ફાવશે તો ખરું ને? રવિવાર થોડું વધારાનું કામ અને આરામ , એટલે તકલીફ તો પડશે.”
મેં કહ્યું,:-” અરે એમાં તકલીફ શાની? તને તો ખબર છે કે, કંઈ નવું જાણવાનું મળે તે હું ક્યારેય જતું ના કરું. એમાંય તારા ફેમિલીમાં બધાને મળવાનું પણ થશે, એ નફામાં.”
ફ્લોર:-” હા, અને ત્યાં તને એક ખાસ ઓળખાણ પણ કરાવીશ, યું વિલ લાઈક ઇટ.”
મેં કહ્યું:-” હેય ફોલોરા લેટ ઇટ બી એ સસ્પેન્સ, જસ્ટ નાવ આઈ એમ ઇન હરી,”
ફ્લોર:-” ઓ કે ઓ કે, કાલે શાર્પ એટ એઈટ, અમારા ચર્ચમાં આવી જજે.”
બીજે દિવસે મારે થોડું વહેલું ચર્ચ પહોંચવું હતું પણ અમારા ઘરથી ખાસ્સું દુર એટલે આંઠ વાગી જ ગયાં. પહેલાં પ્રેયર પછી ધર્મ પુસ્તકમાંથી વાંચન બીજા બે જણની સ્પીચ પછી ફ્લોરાની સ્પીચ હતી. ફ્લોરાની સ્પીચ ખરેખર ખુબ સરસ ભાવવાહી, જ્ઞાનપ્રદ અને માહિતીસભર હતી. મઝા આવી ગઈ, ઘણી જાણકારી પણ મળી. બધો કાર્યક્રમ પૂરો થયો એટલે અમને હાજર રહેલા સૌને એક એક હાથરૂમાલ ભેટ મળ્યો. છેવટે બધા વેરાવા લાગ્યાં એટલે ફ્લોરા મારી પાસે આવી અને મને લઈને એક નન જેવાં દેખાતાં વૃધ્ધા પાસે લઇ ગઈ. નજીક પહોંચતાં પહેલા જ મારી નજર તેમને જોતા જ સ્થિર થઇ ગઈ. તેઓ ખાસ્સા ૭૫-૮૦ ની ઉમરનાં જણાતાં હતાં, એમનાં હાથમાં બાઈબલ હતું. જે વજનને લીધે અડધું ડેસ્ક પર મુકેલું હતું, તેમની નજર એ અર્ધખુલ્લા બાઈબલ પર જ હતી. સામાન્ય રીતે નન પહેરે તેવાં પૂરું શરીર ઢંકાય અને માત્ર મો અને હાથના બે પંઝા જ ખુલ્લા રહે તેવો ડ્રેસ પહેરેલો હતો. હાથ-મો નો રંગ સફેદ વસ્ત્રોથી ભાગ્યે જ જુદો પડે તેવો ગોરો, અત્યંત સુંદર અને તેજસ્વી હતો. આખું અસ્તિત્વ અનન્ય સ્વરૂપે ઓપતું હતું. સુંદર પ્રભાવશાળી અને પવિત્ર તેજથી શોભતાં આ નન, ફરીસ્તાને પણ દર્શન કરવાનું મન થઈ જાય તેવાં હતાં.
ફ્લોરા :-” મધર, આઈ એમ ફ્લોરા એન્ડ શી ઇસ માઈ ફ્રેન્ડ રીમા.”
ફ્લોરા મધર સાથે વાત કરતી હતી તેવામાં એના પતિ, જેક અને બંને દીકરાઓ પણ આવી પહોંચ્યા.થોડીવાર બધા વાતો કરતા રહ્યાં. પણ હું મધરના પ્રભાવથી એવી થઇ ગયેલી કે, એક વાક્ય પણ બોલવા માટે ના સુજયું. વાતો પરથી મને ખ્યાલ આવ્યો કે તેઓ લંડનથી આવેલાં હતાં. ફ્લોરાને હજી રોકાવાનું હતું, એટલે હું બધાને મળીને નીકળી ગઈ. આખે રસ્તે મારા મન પર મધર જ છવાયેલાં રહ્યાં. ક્યારે ફરી ફ્લોરાને મળીને મધર વિષે વધારે જાણું એવી તાલાવેલી સાથે ઘરે પહોંચી ત્યારે, મારા પતિ અને બાળકોને પણ એ જાણવાની તાલાવેલી હતી કે, ચર્ચમાં કેવું રહ્યું?
મેં બધી વાત કરી મધર વિષે પણ કહ્યું. મારા પતિ કહે,:-” મધરમાં એવું તે શું જોયું તો તું આમ અભિભૂત થઇ ગઈ?”
મેં કહ્યું,:-” એમને માટે મને એકજ શબ્દ સુઝે છે, તેમનો દેખાવ, તેમનો પ્રભાવ અને તેમનું રૂપ, બસ, અદ્ભુત, અદભુત અને અદભુત !!!
પછીના બે દિવસો સુધી તો બેંકમાં જવાનો મેળ ના પડ્યો. ત્રીજા દિવસે ફ્લોરાના લંચબ્રેકના સમયે જવાનું નક્કી કર્યું. હું તેને માટે બટેટા વડા બનાવીને લઇ ગઈ. તેને મઝા આવી, મેં પણ તેનો પુલાવ ચાખ્યો. તે દરમ્યાન જ તેણે મધર વિષે વાત પણ કરી. તે ફ્લોરાના જ શબ્દોમાં જોઈએ.
ફ્લોરા:-“મારા સસરા ડોક્ટર છે તે તો તને ખબર છે, આ ડીગ્રી તેમણે લંડનથી લીધેલી. તેઓએ એમબીબીએસ કર્યું તેનું રીઝલ્ટ એટલું સરસ હતું કે, એમડી માટે તેમના પપ્પાએ લંડન જવા સુચવ્યું, પણ તેમણે શરત મૂકી કે, ‘તું લગ્ન કરીને જા.’ મારા સસરાને કોઈ વાંધો નહોતો. એટલે મારા સાસુ -કસ્તુર- સાથે લગ્ન કરીને તેઓ લંડન ભણવા ગયા. મારા સાસુ અહીં તેમના સાસરે જ મોટે ભાગે રહેતા. તે વખતે આટલી ફોન કે મોબાઈલની સગવડ નહોતી એટલે મહીને એકાદ બે પત્રો આવતાં, પછી ધીમે ધીમે ઓછા થતાં ગયા. અહીં બધા ચિંતા કરતાં હતા. તેમનો કોર્સ પતવાનો હતો એટલે બધા રાહ જોતાં હતા. પણ જ્યારે આવવાનો સમય થયો ત્યારે પોતે નહી તેમનો એક લેટર આવ્ય જેમાં એક ફોટો પણ હતો. લેટરમાં લખેલું કે, -મેં એમિલી સાથે મેરેજ કરી લીધાં છે. તે મારી પ્રોફેસર પણ હતી અને મિત્ર પણ. ઉમરમાં પણ મારાથી ૪-૫ વર્ષ મોટી છે. પણ તે મને સાચો પ્રેમ કરે છે, અને મારા વિના જીવી નહિ શકે તેમ કહે છે. તેની સુંદરતા જ નહિ તેના સદગુણો અને સાલસ સ્વભાવ મને પણ ગમી ગયાં. મારા લગ્ન થયેલાં છે એટલે મારાથી એમિલી સાથે લગ્ન ના કરાય તે જાણવા છતાં અને તે માનતો હોવા છતાં, તેના સાચા પ્રેમની પ્રબળતાએ મને રોક્યો.અને મારા કસ્તુર સાથેના લગ્ન વિષે મેં એમીલીને વાત ન કરી. પછી તેણે જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે હું ના ન પાડી શક્યો. કસ્તુરને કહેજો મને માફ કરે અને બીજા લગ્ન કરી લે. તેના કોઈ વાંક વગર સજા આપું છું, તેથી તેનો ગુનેગાર છું. આ સાથે ના ફોટામાં હું અને એમિલી છીએ, લગ્ન વખતનો ફોટો છે. એમિલી અત્યારે મારી સાથે આવીને રહી છે ઇંડિયાના રીવાજ પ્રમાણે.—- આ પત્રથી ઘરમાં સૌ ડઘાઈ ગયાં, કસ્તુર તો વગર ગુનાની સજા પામીને સાવ ભાંગી પડી. લાંબા સમય સુધી શું કરવું, આટલે દુરથી સમઝાવટ પણ કઈ રીતે કરવી અને બંને બાજુ લગ્ન થઇ ગયેલા, તેમાં કોને શું કહેવું? વગેરે પ્રશ્નો મુઝવતા રહ્યા. કોઈના લંડનના વિઝા પણ ના હોય એટલે જવાની તો વાત જ ના રહે.
આખો દિવસ સુનમુન રહેતી કસ્તુરને થતું મારી પાસે એડ્રેસ છે ત્યાં પત્ર લખીને અભિનંદન તો આપી દઉં બંને ને! અને તેને પહેલાં જ્યાં પત્ર લખતી ત્યાં પોતાના પતિ વિન્સેન્ટ અને એમીલીને સંબોધીને પત્ર લખ્યો.
પ્રિય વિન્સેન્ટ તથા પ્રિય એમિલી,
તમને બંનેને લગ્નની ખુબખુબ વધાઈ, તમે બંને સાચા પ્રેમી છો એટલે પ્રભુએ તમને મેળવ્યા છે. હું તેમાં ખુશ છું. મારી બધી જ શુભકામના તમારા બંનેની સાથે છે. વિન્સેન્ટને હું બીજા જન્મ માટે એમિલી પાસે માંગી લઈશ. પણ આ જન્મે તેની પ્રેયસી નહિ તો પત્ની બનીને, અહીં તેના માતાપિતા સાથે જ રહીશ, અને તેમની સેવા કરીશ. વિન્સેન્ટ સિવાય તેમનું બીજું તો કોઈ છે નહિ, તેઓ અત્યારથી જ ભાંગી પાડેલા છે, ઉમર વધે પછી એકલા નહિ રહી શકે, એટલે વિન્સેન્ટની જગ્યા લઈને મારે મારી ફરજ બજાવવી જોઈએ. તમારી કુશળતાના સમાચાર બને તો લખતાં રહેશો તો મોમ-ડેડ શાંતિથી રહી શકે. હું પણ તમને તેમના સમાચાર લખીશ, જો તમે રજા આપશો તો. વધુ શું લખું?
લિ.
તમારી બંનેની કસ્તુર.
કસ્તુર પત્ર લખ્યા પછી જવાબની રાહ જોતી હતી.ઘરમાં તો પત્ર વિષે તેણે કહ્યું જ નહોતું. લગભગ ત્રણ મહિના થવા આવ્યા પણ જવાબ નજ આવ્યો, હવે કસ્તુરે પણ આશા છોડી દીધી હતી.
આજે ૨૫મી ડીસેમ્બર હતી ઘરમાં નાતાલનો માહોલ હતો. બધું હતું, મીઠાઈ, નવા કપડા, ક્રિસમસ ટ્રી, ઘરમાં નવું શુશોભન. આ બધું જ કસ્તુરે જાતે તૈયાર કરેલું, મોમ-ડેડીને રીઝવવા. મોમ-ડેડી પણ કસ્તુર માટે ખુશ હોવાનો ડોળ કરતાં. ટૂંકમાં ક્રિસમસમાં બધું જ હોય તેવું જણાતું તો હતું, પણ એમાનું કશું ય હકીકતમાં નહોતું-મનમાં નહોતું. એવા દેખાડા ભરેલા માહોલમાં બધું પરવારીને કસ્તુર સુવા ગઈ. તેની આંખો હજી માંડ મીંચાઈ ત્યાં ડોરબેલ વાગ્યો. કસ્તુર ઉઠી ખરી, “પણ અડધી રાત્રે કોણ હશે? એવી ચિંતા થઇ બારણું ખોલું કે, ડેડને ઉઠાડુ?” એમ વિચારતી હતી, તેટલામાં બીજીવાર જરા વધારે વાર સુધી બેલ વાગ્યો, તેનાથી મોમ-ડેડ પણ ઉઠીને બહાર આવ્યાં. અને ત્યારે કસ્તુરે બારણું ખોલ્યું. કોઈ પણ પ્રવેશે તે પહેલાં -“મેરી ક્રિસમસ” એવા ટહુકાએ પ્રવેશ કર્યો અને પાછળ જ વિન્સેન્ટ દેખાયો અને હાથમાં નાનકડા બાળક સાથે એક અત્યંત સ્વરૂપવાન યુવતી. કોઈને સમજતા વાર ના લાગી કે, “તે એમિલી છે”- ક્રિસમસના બધા દિવસો હવે ઉત્સાહપૂર્ણ બની ગયા. સૌએ સાથે ખુબ આનંદથી નાતાલની ઉજવણી કરી. અને “જે બધું હતું તો ખરું પણ મનમાં નહિ” તે હવે હકીકતમાં અને મનમાં પણ વરતાવા લાગ્યું.
૩૧મી ની ઉજવણી પછી તરતજ એમીલીએ કસ્તુરને કહ્યું,:-” કસ્તુર, આ ક્રિસમસ ગીફ્ટ તારા માટે અને એમ કહી, ગુલાબના ફૂલ કરતાં ય કોમળ પોતાનું બાળક તેણે કસ્તુરને આપ્યું. કસ્તુર પ્રેમથી તેને રમાડવા લાગી. પહેલી તારીખે નવું વર્ષ ઉજવીને એમિલી જવાની હતી. એટલે કસ્તુર બને તેટલો વધુ સમય બાળકને પોતાની સાથે રાખીને રમાડતી રહી. બધા એમિલીને મુકવા એરપોર્ટ ગયા. છુટા પડતી વખતે જ્યારે કસ્તુરે પોતાની પાસે રાખેલું બાળક એમીલીને આપવા માંડ્યું તો તેણે કહ્યું એ તો તારે માટેની ક્રિસમસ ગીફ્ટ છે તું જ રાખ. કસ્તુર બાઘી બનીને વિન્સેન્ટ સામે જોવા લાગી.
વિન્સેન્ટ:- “હા કસ્તુર, એમિલી આ બાળક તને ભેટ સ્વરૂપે આપવા માટે જ ઇન્ડિયા આવી છે, ખબર નહિ કેમ પણ આ બાળકને જન્મ આપીને તે પોતે તો નન બની ગઈ છે. અને હવે કાયમ માટે લંડન જાય છે. અને હવેથી મારે પણ અહીં જ રહેવું, તેવું મારી પાસે વચન લીધું છે.”
કસ્તુર, એમિલી પાસે જઈને તેના કાનમાં કહે છે ” મેં તો બીજા જન્મ માટે વિન્સેન્ટ માંગ્યો છે, આ જન્મે તો તારો જ”
એમિલીએ પણ કોઈ ના સંભાળે તેમ કહ્યું, “હું તો હવે નન બની તો મારો બીજો જન્મ થઇ ગયો, તો પ્લીઝ કંઈ જ ના બોલ મને મારા રસ્તે શાંતિથી જવાદે.”
ફ્લોરાએ વાત પૂરી કરતાં કહ્યું:-” એ બાળક તે મારા પતી, જેક અને મધર તે એમિલી. પોતાનું બાળક થાય તો કદાચ સાવકા બાળકને અન્યાય કરી બેસે એ બીકથી પછી મારા સાસુએ (કસ્તુરે) બીજા બાળકની ખેવના ના કરી. આજે અમેં બધા મધરને મળીએ તે માટે મારા સસરાએ વિનંતી કરીને મધરને અહીં બોલાવ્યા અને અમને બધાને પણ સત્યથી વાકેફ કર્યા. મારા સાસુજીએ (કસ્તુરે) પણ પોતે વિન્સેન્ટ અને એમીલીને લખેલા પત્રની જાણ કરી, બધાની માફી માંગી. ત્યારે જ મારા સસરાને કસ્તુરે લખેલા પત્રની ખબર પડી. મધરે કહ્યુ કે, કસ્તુરનો આશય જુદો હતો. ખુબ સમજપૂર્વકનો હતો. એ પત્ર થી જ મને વિન્સેન્ટના કસ્તુર સાથેના લગ્નની વાત ખબર પડી. આવી સાલસ છોકરીને દુખી કરવાનું મારું ગજું નહોતું, એટલે મને યોગ્ય લાગ્યું તે મેં કર્યું.