તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(7)જયવંતીબેન પટેલ

ઝંખના

યૌવનના પ્રાંગરે પગ મુક્તી મંગળા, આજે ખૂબ આનંદમાં હતી.  નિશાળેથી આવી ત્યારે તેની બા અને નાની બહેન ઘરમાં નહોતા.  તેણે ચંપલ ઊતારી, પુસ્તકો ટેબલ ઉપર મૂક્યા અને ઢબ દઈ પલંગ પર પડી.  હાશ !

હવે બે દિવસની છુટ્ટી છે.  ઝંખનાને બહાર ફરવા લઈ જઈશ, આઇસક્રીમ ખવડાવીશ, સારી મૂવી હશે તો તે જોવા લઈ જઈશ.  સૂતાં સૂતાં છત ઉપર નજર રાખી સોનેરા સ્વપ્ના સેવી રહી. યૌવન ધબકારા લેતું હતું.  તેને પણ ઝંખના જેવી બાળકી હોવાની ઝંખના થતી.  આજે શાળામાં સર્વેએ તેના રૂપ અને ગુણ બન્નેના કેટલા વખાણ કર્યા હતા !!!  તે આંખો બંધ કરી વાગોળતી રહી.

ત્યાં તો બા આવી ગઈ.  ઝંખના રડમસ ચહેરે પાછળ પાછળ આવી.  તરત મંગળા ઊઠીને સામી ગઈ. ઝંખનાને ભાથમાં લીધી.  અને બાને પૂછ્યું ,

“શું થયું બા ?  આમ હાંફળી ફાંફળી કેમ બની ગઈ છે?”

બાએ કહયું ,” જો મંગળા, તારા બાપુજી હવે નથી એટલે મારે એકલે હાથે તમો બંન્ને દીકરીઓનું જોવાનું રહયું

ઝંખના તો હજુ બાર વર્ષની છે.  પણ તું શાણી અને સમજુ છો – આફ્રિકાથી આપણી જ્ઞાતિના મણિભાઈનો દીકરો મનસુખ, લગ્ન કરવા દેશ આવ્યો છે અને તારે માટે પૂછાવ્યું છે.  પૈસે ટકે સુખી કુંટુંબ છે.”

“પણ બા ,” મારે તો આગળ અભ્યાસ કરવો છે ” મંગળાએ જવાબ આપ્યો.
બાએ કહયું ,”હું સમજું છું બારમીની પરિક્ષા તેં આપી દીધી.  આગળ ભણવાના તારા કોડ છે પણ આવી વાત,  વારે વારે સહજ રીતે ન આવે.  તું સમજુ છો !  હું હા પાડીને આવી છું.  તને જોવા આવતી કાલે આવવાના છે ,” મંગળા આગળ કાંઈ ન બોલી.  સમજીને શાંત રહી.

બીજે દિવસે મનસુખ તેની માસી સાથે તેમના ઘરે આવ્યા.  પહેલી મુલાકાતમાં જ મનસુખ એને ગમી ગયો હતો.  મનસુખને પણ મંગળાનું નમણું રૂપ અને સમજદારી પ્રસન્ન પડી ગઈ.  નક્કી થઈ ગયુ અને ઘડિયા લગ્ન લેવાયા.  નવોઢા મંગળા પરણીને સાસરે આવી ત્યારે ઓગણીશ વર્ષની હતી.  મનસુખ સાથે આફ્રિકા આવી ત્યારે તેને માટે દરેક વસ્તુ નવપલ્લવિત વૃક્ષ જેવું હતું.  દરેક પગલે નવું પાંદડુ – નવું શીખવાનું.   મંગળા હોંશિયાર હતી.  ધીમે ધીમે પારંગત થતી ગઈ.  ચાર વર્ષ ક્યાં વિતિ ગયા ખબર ન પડી.

તે દરમિયાન તેની બા તેમજ નાની બહેન, ઝંખના , જે હવે ખાસ્સી સત્તર વર્ષની થઈ હતી, તેમને બોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ મનસુખ તૈયાર કરી રહયા હતા.  એક કાકાએ વહારે ધાઈ મદદ કરી અને મુંબઈનું કામકાજ પતાવી આપ્યું.  બા અને નાની બહેન દેશથી આફિકા આવ્યા.

તેમનું ઘર વસાવવામાં મનસુખ અને મંગળાએ ખૂબ મદદ કરી.  બાને પણ એક નાની ફેક્ટરીમાં સીલાઈનું કામ મળી ગયું.  ઝંખનાએ આગળ અભ્યાસ શરૂ કર્યો – મનસુખના માતા પિતા નિવૃત જીવન જીવતા હતા.  ધંધો હવે મનસુખ સંભાળતો.  લગ્નના પાંચ વર્ષ પછી મંગળા માં બનવાની હતી.  ઘણી વખત મંગળાને થતું – મારાં પતિ મારી સાથે વધુ સમય વિતાવે તો કેટલું સારૂ !!  આખો દિવસ ધંધામાં વ્યસ્ત મનસુખ, સાંજે મોડો ઘરે આવે, એકાદ બે પેક ચઢાવે, ત્યારે ઠરે ઠામ પડે.  મંગળા માં બનવાની હતી તેનો આનંદ મનસુખ કરતાં તેનાં માતા-પિતાને વધુ હતો.  તેઓ મંગળાનું ખૂબ ધ્યાન રાખતા।

હવે તો મોટા બંગલામાં નીચે માતા -પિતા રહેતા અને ઊપર મનસુખ અને મંગળા – બધુ અલગ અલગ બનતું.  મનસુખનો આવવા જવાનો કોઈ સમય ન રહેતો.  કોઈક વખત રાતના ખૂબ મોડો આવતો.  મંગળા રાહ જોતી જોતી સુઈ જતી.  પણ હવે ટેવાઈ ગઈ હતી.  તેને થતું કામકાજના બોજથી થાકી જતા હશે – બને  તેટલી અનુકુળ બનવા પ્રયત્ન કરતી.  છેલ્લાં દિવસોમાં તેની તબિયત નરમ રહેતી.  તેની બાને તેની ખૂબ ચિંતા રહેતી.

પૂરે મહિને મંગળાએ દીકરાને જન્મ આપ્યો.  કુટુંબમાં આનંદ છવાઈ ગયો.  મંગળા હવે દીકરાના ઊછેરમાં સમય પસાર કરવા લાગી.  મનસુખ વહેલો મોડો થાય તો તે કશું જ ન બોલતી.  તેની પોતાની તબિયત પણ સારી ન્હોતી રહેતી.  ડોક્ટરો કઈ  ચોક્કસ પકડી ન્હોતા શકતા.  તેની બાએ, મંગળાની જરૂરિયાત સમજીને તેની નાની બહેનને થોડાં સમય માટે મંગળાને ત્યાં રહેવા મોકલી.  ઝંખના આવી ત્યારથી મંગળાને ખૂબ સારૂ લાગતું.  કામકાજનો બોજ પણ ઘણો હલકો થઈ ગયો હતો.  એક તો તેની લાડલી નાની બહેન હતી અને પાછી દૂધમાં સાકર ભળી જાય એવી.  મનસુખને પણ ગમ્યું.  ઝંખના મૂળે રૂપાળી, ઊપરથી છલકાતું યૌવન.  મનસુખ હવે ઘરે વહેલો આવતો.  સઘળું કામકાજ ઝંખના આગળ આગળ કરતી.  જેથી દીદીને તકલીફ ન પડે.

એક દિવસ મનસુખે તેને આંતરી અને તેનો હાથ પકડ્યો.  ઝંખનાના શરીરમાંથી વીજળી પસાર થઇ ગઈ. ખૂબ ક્ષોભ થયો.  હાથ ખેંચી લીધો.  બીજી વખત બાથમાં લીધી.  ઝંખના ગભરાઈ ગઈ.  શું કરું ? સમજાયું નહિ.  દીદીને કહીશ તો દીદીને ખરાબ લાગશે એમ વિચારી મૌન રહી.  તેનો લાભ મનસુખ લેતો ગયો.  આમ થોડો સમય વિતિ ગયો.  હવે ઝંખનાને પણ મનસુખની કંપની ગમવા માંડી.  તેને બાથમાં લ્યે એ તેને ગમતું.  ઘરનું કામ પતાવી બંન્ને જણા બેડરૂમમાં એક બીજાની કંપની શોધતા.  મંગળા તેનાં નાના દીકરા સાથે બાજુની રૂમમાં સૂતી.  તેનું મન અને મગજ જાણે સુન્ય બની ગયા હતા.

આ પરિસ્થિતિને ખ્યાલમાં રાખી તેની બાએ ઝંખનાને પાછી બોલાવી ત્યારે મનસુખે કહયું કે ઝંખનાને અહીં જ રહેવા દયો.  મંગળાને ખૂબ મદદ થાય છે.  તે છતાં બાએ ઝંખનાને પાછા આવવાનું દબાણ કર્યું.  પણ હવે ઝંખના માની નહિ.  દીદીને મદદ જરૂર કરતી હતી પણ બનેવી સાથેનો સબંધ દીદીને દુઃખ આપતો હતો તે ઝંખનાને કે મનસુખને સમજાતું ન્હોતુ.  અથવા તો સમજાતું હતું છતાં સ્વછનદી બની, સંયમ અને શીલતાને નેભાળે મૂક્યા હતા.

વર્ષ દિવસે મનસુખે ઝંખનાને કાયદેસર એની બીજી પત્ની બનાવી.  મંગળા, સમર્પણની મૂર્તિ , દુઃખી હદયે બંગલો છોડી બા સાથે રહેવા જતી રહી.  બા, મંગળાનું દુઃખ જોઈ વધુ દિવસો ન જીવ્યા.  મંગળા દીકરાનું મોઢું જોઈ દિવસો પસાર કરવા લાગી.  જગદંબા હતીને, હિંમત ન હારી.  મંગળાએ એક બાલમંદિર ખોલવાનો વિચાર કર્યો જેથી તેનાથી દીકરાની સંભાળ સારી રીતે લઈ શકાય. નાની સરખી મૂડી રોકી એણે એક ઓરડો બાલમંદિરને અનુકુળ તૈયાર કર્યો.  ધીમે ધીમે બધાને વાત કરતાં ઘણાં માં – બાપ પોતાના બાળકને એના બાલમંદિરમાં મૂકવા લાગ્યા.  મંગળાને આવક પણ થઈ અને કાર્યક્ષેત્ર પણ મળ્યું.  મન દઈ બાળકોને સંભાળતી, શીખવાડતી, ગાતી, રમાડતી, અને સંતોષ લેતી.  જાણે વાત્સલ્યની મૂર્તિ.  આમ ત્રણ વર્ષનો સમય વિતિ ગયો.  મનસુખ અને ઝંખનાની સાથે હવે કોઈ સબંધ ન્હોતો રહયો.

એક અંધારી રાત્રે કોઈ બેલ મારતું હતું અને દરવાજો ખટખટાવતું હતું.  મંગળાએ લાઈટ કરી બારણુ ખોલ્યું.  સામે એક દૂબળીશી કાયા માંડ માંડ ઊભી રહી હતી.  મંગળાએ ધારીને જોયું. તે બોલી,
“અરે ! આ તો ઝંખના છે.  કોણ ? ઝંખના તું ?  આ શું હાલત બનાવી છે તારી ? ઓહ ઝંખું , આ શું છે તારા હાથમાં ?  તારાથી બરાબર પકડાતું પણ નથી.  મને જોવા દે.  આ તો નજાકત બાળક છે.
દયાની દેવી બોલી રહી ,” ઝંખું , તું અંદર આવ – તું કેવી બની ગઈ છે ? ”  ધીમે રહી મંગળા ઝંખનાને અને બાળકીને અંદર ઘરમાં લાવી.  અને કહયું ,”  લે જરા પાણી પી અને અહીં બેસ.  હવે કહે આ બધું શું છે?

ઝંખના ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી.  માફી માંગતી રહી.  અને પછી બોલી ,
“દીદી, મને મારા કુકર્મોનું ફળ મળી ગયું છે.  મેં તને બહુ દુઃખી કરી.  કોઈનું સાંભળ્યું નહીં.  કોઈ દિવસ એ ન વિચાર્યું કે તારા પર શું વિતિ હશે ?  હવે જો મારી દશા !  મને એચ આઈ વી લાગુ પડ્યો છે.  દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જાય છે.  આ બાળકી તેમાંથી બચી ગઈ છે. મને આ રોગ પાછળથી દાખલ થયો છે. મેં મુર્ખીએ કદી ન વિચાર્યું કે જે માણસ, દેવી જેવી તને મૂકી શકે છે તો મને છોડતા એને શું વાર લાગે?
એ બીજી સ્ત્રીઓ સાથે પણ ભટકે છે.  એમાંથી જ મને આ રોગ થયો છે.  હું તારી માફી માંગવા જ આવી છું.  મેં તને ખૂબ અન્યાય કર્યો છે.  મારી  નાદાનિયતમાં મેં એ ન વિચાર્યું કે તારું લગ્ન જીવન વિખેરીને હું કેવી રીતે સુખી થઈ શકુ !!  ઝાંઝવાના જળ પકડવા બેઠી હતી.”    ઝંખનાથી આટલું માંડ માંડ બોલાયું. ઢગલો થઈ મંગળાના ચરણોમાં ઢળી પડી.  શારીરિક રોગ અને માનસિક વ્યથા એટલી પ્રબળ હતી કે ઝંખનાને અંદરથી કોરી લીધી હતી.  પશ્ચાતાપની જ્વાળા તેને જીવવા દયે એમ નહોતા.  અને ત્યાં જ એનું પ્રાણ પંખેરું ઊડી ગયું.

દીદીના ચરણોમાં પડી, ક્ષમાની યાચના કરવાનું છેલ્લું કાર્ય કરવા જ એ જીવી રહી હતી.  મંગળા એ નવશિશુની સામે તાકી રહી – અને પછી જોયું તો આબેહુબ ઝંખના જ બાળકી બની તેનાં ખોળામાં હતી !!
મંગળા, કરુણાથી ભરપૂર, વાત્સ્લ્યથી તેને માથે હાથ ફેરવતી રહી.

જયવંતી પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.