તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(૪)નિમિષા દલાલ

ખંજર

મોનાએ ધીમેથી આંખો ખોલી. તેને થોડા ચક્કર આવી રહ્યા હતા. તેણે આજુબાજુ નજર કરી. એક મોટો ભવ્ય ઓરડો હતો, જેમાં વિશાળ પલંગ પર તેને હાથ-પગ બાંધીને સુવાડવામાં આવી હતી. મો પર સ્કાર્ફ બાંધેલો હતો. મોનાએ હાથ ગોળ ગોળ ફેરવીને છુટવાની કોશિષ કરી.

“ નહિ છૂટે એમ સરળતાથી.. મારા માણસોએ બાંધ્યા છે તારા હાથ.” મોનાએ અવાજની દિશામાં જોયું. પાર્થ ? એ ચમકી. પાર્થ ? અહી ક્યાંથી? અને હું ? છેલ્લે તેણે શિલ્પા સાથે કોફી પીધી હતી, એટલું યાદ આવ્યું. અરે હા, શિલ્પા સાથે કોફી પીવામાં પાર્થ પણ તો સાથે હતો. શિલ્પા, મોનાની મા. પિતાના અવસાન પછી મોના કદી પોતાની માને દુઃખ થાય તેવું કરતી નહોતી. પાર્થ તેમના ઘરે મહેમાન બનીને આવ્યો હતો. પોતે પાર્થને ઓળખાતી હતી, કદાચ મા નહોતી ઓળખતી, એટલે જ તો એને આટલા પ્રેમથી કોફી પીવડાવી હતી.

પાર્થને પોતાની પાસે આવેલો જોઈ મોના પલંગ પર જ થોડી ખસી. પણ..

“ કશું નહિ કરું, ડર નહી. હું તને પ્રેમ કરું છું..” પાર્થે મોનાના મો પરથી સ્કાર્ફ ખોલી નાખ્યો. મોનાને થોડી હાશ થઈ, પણ ગુસ્સા પર કાબૂ ના રહ્યો.

“તારી હિંમત શી રીતે થઈ ?”

“તું ગુસ્સામાં પણ એટલી જ સુંદર લાગે છે.” પાર્થે ખંધુ હસતા મોનાના ચહેરા પરની વાળની લટ સાથે રમતા કહ્યું. મોનાએ તિરસ્કારભરી નજર પાર્થની આંખોમાં નાખી, ને પાર્થ થોડો પાછળ ખસ્યો.

“તું ગમે તેટલી મને નફરત કરે, પણ મારો તારા માટેનો પ્રેમ ઓછો કરી શકશે નહી.” થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ ગઈ.

“પણ હું અહી આવી શી રીતે ? હું તો મારા..”

“ઘરે હતી એમ જ ને ?”

“હા..”

“તારા ઘરેથી અમે તને ઉપાડી લાવ્યા.”

“અને મારી મોમ ? એને તમે શું કર્યું ?” પોતાને આ લોકો અહી ઉપાડી લાવ્યા, તો મોમે તેને બચાવવાની તો કોશિશ કરી જ હશે ને ? આ લોકોએ મોમને તો કઈ…

“મોમ ? તારી મા ? શિલ્પા ?” અટ્ટહાસ્ય કરતા તુટક તુટક શબ્દોથી પાર્થે પૂછ્યું. “ બહુ પ્રેમ કરે છે નહિ તું તારી માને ?”  મોનાને નવાઈ લાગી. આ પાર્થ પોતાની માનું નામ એટલું તુચ્છકારથી કેમ લે છે ? એનો ગુસ્સો ઓર વધ્યો, એ બોલી નહી પણ ગુસ્સાથી પાર્થ સામે જોઈ રહી.   

“તને તારી માએ જ તો મને વેચી છે. પૂરા ૧૦લાખ રૂપિયા લીધા છે એણે.”

“હું નથી માનતી. તારી વાત હું શું કામ માનું ? તું છે કોણ ? એક મવાલી ? કોલેજમાં આવતી બધી છોકરીઓની છેડતી કરનારો ગુંડો ?”

“એ..ઈ… મોઢું સંભાળીને બોલજે. ખબર છે ને તું ક્યાં છે ?” પાર્થને ગુસ્સો આવી ગયો તેણે બંને ગાલમાં આંગળી અને અંગુઠાથી પોતાની હથેળી વડે મોનાનું મો જોરથી દબાવ્યું. થોડી વાર માટે પાર્થનું આ સ્વરૂપ જોઈ મોના ડરી ગઈ. તેની આંખમાં ડર જોઈ પાર્થે તેનું મો છોડી દીધું અને તેના ગાલ પર હાથ ફેરવતા કહ્યું,

“ તું માને કે ના માને પણ આ સત્ય છે જો” પાર્થે મોબાઈલમાં પોતાની પાસેની વિડીયો કલીપ બતાવી.

મોનાના માનવામાં નહોતું આવતું. સગી મા? આ શિલ્પા જ હતી? તેને વિશ્વાસ નહોતો આવતો. એની નજર સામે એ સાંજ આવી, જ્યારે પોતે મમ્મી-પપ્પા સાથે ડાઈનીગ ટેબલ પર ડીનર લેતી હતી અને તેની ફ્રેન્ડ સીમાના ભાભીની વાત કરતી હતી.

“પપ્પા, આ સીમાના દાદી તો બહુ ખરાબ છે ?” પોતાની ડીશ લેતા મોનાએ કહ્યું હતું.

“કેમ ?” એની ડીશમાં પરોઠો મૂકતા પપ્પાએ પૂછ્યું.

“કેમ શું ? એના ભાભી પ્રેગ્નન્ટ હતાં.. તેના દાદીએ ગેરકાનૂની રીતે તેનું ગર્ભ પરિક્ષણ કરાવ્યું. તેમાં દીકરી આવી તો તેનો ગર્ભપાત કરાવી નાખ્યો. એના ભાભી બિચારા બહુ રડતા હતા કાલે.”

“એવું તો ઘર ઘરમાં થતું હોય છે.” શિલ્પાએ કોળિયો મોમાં મૂકતાં કહ્યું હતું.

“ના હો, મારા દાદી એવા નહોતા. હે ને પપ્પા ?” મોનાએ પિતા સામે જોતા કહ્યું હતું. પણ દિશાંત કોઈ જવાબ આપી શક્યો નહોતો. એની નજર નીચી હતી. એ શું જવાબ આપે ? કે એના દાદી પણ..  

“ના બેટા, તારી મા સાચું જ કહે છે, એવું તો ઘર….” થોડીવાર મૌન રહી તે બોલ્યો.

“તો શું મારા દાદી પણ..”

“હા બેટા, તારા દાદીએ પણ તું જ્યારે ગર્ભમાં હતી ત્યારે…” દિશાંતનો અવાજ થોડો ભીનો થયો. તે વધુ બોલી ના શક્યો.

“તો પછી હું…” મોનાએ પિતા સામે પાણીનો ગ્લાસ ધર્યો.

“બેટા, તારી મા બહુ મક્કમ હતી. તે તને જન્મ આપવા માગતી હતી. એણે બધા સામે લગભગ બળવો જ કર્યો અને આજે તું..”. પાણી પી સ્વસ્થ થઈ દીશાંતે જવાબ આપ્યો હતો..  

“આઈ લવ યુ મોમ.” મોનાએ માને બાઝતા કહ્યું હતું.  મોનાને તેની માતા પર ગર્વ થયો હતો.

“પણ મારી માએ તો એમના આખા કુટુંબ સામે લડીને મને જન્મ આપ્યો હતો. તો આજે…” મોના સ્વગત બબડી. એ શિલ્પા અને આજની શિલ્પા બંને અલગ વ્યક્તિત્વ લાગતા હતા. મોનાની મૂઝવણ વધતી હતી.

“મગજને બહુ ત્રાસ ના આપ. જે આજની શિલ્પા છે, તે જ ગઈ કાલે પણ હતી. તને શું લાગે છે ? દીકરી પર પ્રેમ હોવાને કારણે એણે તને જન્મ આપ્યો ? ના, ઘડપણમાં એના શોખ તું પૂરા કરી શકે એટલે …”

“હું નથી માનતી. મારા પપ્પા તેના…”.

“રહેવા દે.. તારા સિધ્ધાંતવાદી પિતા પર તો તેને ત્યારે પણ ભરોસો નહોતો.. એ તો..”

“શટ અપ.. તું મારી  માના ચરિત્ર વિષે કઈ પણ બોલીશ ને હું સાંભળી લઈશ ?”

“તને કઈ સાબિતી જોઈએ છે, બોલ ? હું તને આપું..” ટેબલના ખાનામાંથી કેટલાક ફોટા કાઢીને તેણે મોનાને બતાવ્યા. મોના જોઈ રહી હતી. આ તો પટેલકાકા, અને આ સુરેશ અંકલ પપ્પાના ખાસ મિત્ર, આ … અરે આ તો મિ. પંડ્યા, બાજુની સોસાયટીના પ્રેસિડેન્ટ…. આ બધા સાથે મમ્મીના આવા ફોટા ? જેમ જેમ ફોટા જોતી ગઈ, તેમ તેમ એ બધા ઓળખાવા લાગ્યા. મમ્મી જબરદસ્તી પપ્પા પાસે પાર્ટીઓ કરાવતી અને તેમાં આ બધા જ આવતા. મમ્મી હસી હસીને તેમની સાથે વાતો કરતી. શારીરિક છેડછાડો ત્યારે તેની સમજમાં નહોતી આવતી પણ આજે તેને સમજાય છે.

એટલે જ….  એટલે જ, પપ્પાને નહોતું ગમતું આવું પાર્ટી આપવું.. અને તેના પૈસા પણ ક્યાં હતા એમની પાસે ! એ ના પાડતા તો…..

“તમારી પાસે પૈસાની અપેક્ષા મેં રાખી જ ક્યાં છે ? તમે શું આપી શકવાના હતા મને ? લો, આ પાર્ટીના પૈસા.. હું આપીશ તો તમારો પૌરૂષી ઘમંડ ઘવાશે..” કહી મમ્મી પૈસાનું બંડલ પપ્પા પર ફેંકતી, તે મોનાને યાદ આવ્યું. ત્યારે એ સમજી નહોતી શકતી કે, મમ્મી પૈસા આપે છે, તો પપ્પા શા માટે ના કહે છે. મોનાને પણ એવી પાર્ટીઓ ગમતી. દર પાર્ટી વખતે મમ્મી તેને માટે નવા કપડાં લાવતી. બધા જ તેને પણ કેટલું વહાલ કરતાં. એ વહાલ – એ સ્પર્શનો મતલબ મોના આજે સમજી શકતી હતી. આ બધું કદાચ પપ્પા સમજી ચૂક્યા હતાં અને પોતાને લાચાર અનુભવતા, તેથી જ .. તેથી જ.. એક સવારે ડ્રોઈન્ગ રૂમના પંખા પર…

“તારા પપ્પાના ગયા પછી તો તારી માને છુટ્ટો દોર મળી ગયો જાણે.”. પાર્થના અવાજે મોના વર્તમાનમાં આવી.

“પણ પણ.. તને આ બધી વાત કઈ રીતે ?..”

“હું તને મારા શેઠ અનિલ કોહલી માટે ખરીદવા આવ્યો હતો. પાંચ લાખ રૂપિયા લઈને. ત્યારે મને ખબર નહોતી કે એ તું હશે. તને જોતાં જ મને તારી મા પર બહુ ગુસ્સો આવ્યો હતો.. તને પણ તે આ જ રીતે એના ધંધામાં પલોટવા માગતી હતી, એ મેં તારે ત્યાં આવીને જાણ્યું.” પાર્થ બોલતો રહ્યો ને મોનાને આઘાત આપતો રહ્યો..

“પણ મેં ધીરજથી કામ લીધું અને એને ડબલ રૂપિયા એટલે કે દસ લાખ ઓફર કર્યા. પૈસાની ભૂખી તારી માએ મારી સાથે તારો સોદો કરી નાખ્યો.. “

મોના એ વાત માની નહોતી શકતી, પણ ધીરે ધીરે એણે જોયેલી/સાંભળેલી વાતો, એણે અનુભવેલા બધાના સ્પર્શ, એ પરથી તેણે તાળો મેળવવા માંડ્યો, ને એની આંખો આગળથી પોતાની માના સજ્જનતાના પડળ હટતા ગયા. તેણે એક નજર પાર્થ સામે નાખી. આ નજરમાં તિરસ્કાર નહોતો પણ આજીજી હતી.

“મારી એક વાત માનશો પ્લીઝ ?” તે ‘તું’ પરથી ‘તમે’ પર આવી ગઈ.

“જો મોના, હું તને પ્રેમ કરું છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. તેં જ્યારે મને તમાચો માર્યો હતો, ત્યારે મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું પણ હવે… અને એટલે જ તને કાયમ માટે મેં તારી મા પાસે ખરીદી લીધી છે. એ તારી પાસે ધંધો કરાવવા માગે છે, તે મને મંજુર નથી ..”

“તો તને તારા એ પ્રેમના સોગંદ. મને એક વાર મારી માને મળવા દે.” પાર્થે થોડું વિચારી તેની વાત માની લીધી..

“જા મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. તું ભાગી નહિ જાય..” પાર્થે મોનાને છોડતા કહ્યું અને તેના હાથમાં થોડા રૂપિયા આપ્યા. “ટેક્ષીમાં જજે. અહીથી તને કોઈ વાહન નહિ મળે, ઘરે જવા…”

ઘરે જતી વખતે રસ્તામાં એક મોલ આવ્યો. તે તેમાં ગઈ. તેમાં એક સેક્શન એન્ટીક પીસનું હતું ત્યાં પહોચી. ત્યાં તલવાર, ઢાલ, ખંજર, વગેરે સજાવેલા હતાં. એક સુંદર કલાત્મક ખંજર જોઈ, “ ભૈયા, એ ખંજર પેક કર દેના.” તેણે ભાવ પૂછ્યા વિના જ…

**

મોનાએ ઘરનો બેલ માર્યો. ‘ડીંગડોંગ’ શિલ્પાએ બારણું ખોલ્યું સામે મોનાને જોઈ થોડી ચમકી, પણ તરત જ સ્વસ્થ થઈ…

“અરે મારી દીકરી, ક્યાં જતી રહી હતી તું ? મેં તો તારી બધી બહેનપણીઓને ફોન પણ કરી નાખ્યા. ક્યાંય તારો પત્તો નહોતો. પછી પોલીસ ચોકીમાં ફરિયાદ પણ નોધાવી દીધી.”

“મોમ. પોલીસ પણ ૨૪ કલાક પછી ફરિયાદ નોંધે, અને મને તો હજુ ૧૫ કલાક જ થયા છે..” મોનાએ તીક્ષ્ણતાથી કહ્યું.

“અરે બેટા, વધારે સમય તને દૂર કઈ રીતે રાખું ?..” શિલ્પાએ મોનાને ગળે લગાડી…

“દસ લાખ લઈને..” કહી મોનાએ શિલ્પાને ધક્કો માર્યો.  

થોડે દૂર ફંગોળાયેલી શિલ્પાને એમ જ સોફા પર પડી રહેવા દઈ, કઈ રીતે આ સ્ત્રીને મોતને ઘાટ ઉતારવી તે વિચારતા તેણે પર્સ ખોલ્યું, અને ખંજર પર હાથ દાબ્યો.

આપની આભારી 

નિમિષા દલાલ 

૯૯૨૫૬ ૨૪૪૬૦ 

1 thought on “તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(૪)નિમિષા દલાલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.