માઇક્રોફીક્ષન (૮૪) અલ્ઝાઈમર -નિરંજન મહેતા

સુરેખા અને સુકેતુ સંસાર એટલે અમે બે અમારા બે. દીકરી પરણાવી તે મુંબઈ બહાર અને દીકરો રસેશ અમેરિકામાં ભણ્યો અને ત્યાં જ સ્થાયી થયો.

છેલ્લા પાંચ વર્ષથી કોઇને કોઈ બહાને તે મુંબઈ આવવાનું ટાળતો. અરે છેલ્લા બે વર્ષથી પોતાની માને અલ્ઝાઈમરની બીમારી લાગુ પડી હતી પણ તે માટે પણ તેને ફુરસદ ન હતી. એ તો સુકેતુ શાંત અને ધીરજ સ્વભાવવાળા એટલે બધું સંભાળી લેતા અને સુરેખાની ચાકરીમાં કોઈ કમી ન આવે તેનું ખાસ ધ્યાન રાખતા.

જ્યારે પણ ઘરની ડોરબેલ વાગે ત્યારે સુરેખા બોલી ઉઠે કે મારો રસેશ આવ્યો. પણ અંતે તેને નિરાશ થવું પડતું.

અને એક દિવસ ડોરબેલ વાગી અને સુકેતુએ દરવાજો ખોલ્યો તો ખરેખર સામે રસેશને ઉભેલો જોયો. ‘સુરૂ, તારો રસેશ આવી ગયો’ કહેતા સુકેતુએ સુરેખાને બૂમ મારી.

સુરેખા તો ભાવવિભોર થઇ ગઈ અને બોલી, ‘વિના ખબરે મોડો મોડો પણ તું આવ્યો ખરો. કૃતિ ક્યાં છે?’

‘મા, કૃતિ તેની મા પાસે છે. તેમને અલ્ઝાઈમર છે અને તેની પાસે કોઈ ન હોવાથી અમે તેને કાલે અમારી સાથે અમેરિકા લઇ જશું. તેની તૈયારીને કારણે કૃતિ આવી શકે એમ નથી એટલે હું એકલો જ તમને મળવા આવ્યો છું.’

નિરંજન મહેતા

1 thought on “માઇક્રોફીક્ષન (૮૪) અલ્ઝાઈમર -નિરંજન મહેતા

  1. ખુબ સરસ.

    ભાવવિભોર કરી મૂકે એવી સુંદર વાર્તા. લગ્ન કર્યા બાદ પત્નીનો આજ્ઞાંકિત બની જતાં પુત્રનો મા પ્રત્યે તિરસ્કાર અને ઉપેક્ષાનો ભાવ હચમચાવી મૂકે છે.

    આ વાર્તા હું અમારા શ્રીશબ્દ સામયિકમાં લેવા માગું છું. જો આપની ઇચ્છા હોય તો.

    અમારા સામયિક વિશે આપ વધુ અહીંથી જાણી શકશો http://www.facebook.com/shreeshabda

    અથવા આપ મને વ્હોટ્સઅપ કરી શકો છો. 9712961775

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.