‘વર્તમાન પરિસ્થિતિમાં મહિલાનું કર્તવ્ય ‘ તરુલતા મહેતા

એકવીસમી સદી મહિલાના અસ્તિત્વ અને કર્તવ્યના પૂર્ણપણે વિકાસની છે,એવી મારી શ્રધ્ધા છે અને વિચારપૂર્વકનું માનવું છે.આ સદી ટેકનોલોજી,ગુગલ,ફેસબુકની અને અવકાશની નવી સિધ્ધિઓની છે,તો કલ્પના ચોહાણ ,નીરજા અને મલાલાની બહાદુરીની છે,જે આપણને ઝાંસીની રાણી અને સરોજીની નાયડુના વારસાને ગર્વપ્ર્ર્વક ઝીલવા પ્રેરણા આપે છે.વર્તમાન પરિસ્થિતિમાં મહિલાનું સૌ પ્રથમ કર્તવ્ય પોતાના સ્વતંત્ર  અસ્તિત્વનો સ્વીકાર પ્રથમ તેણે આપે કરી, તેનો અહેસાસ સમાજને કરાવવાનો છે.આત્મવિશ્વાસ ‘હું જેવી છુ તેવી હોવાનું મને ગોરવ છે.’ મહિલા હોવાને નાતે શરીરનો રંગ,કદ વગેરેથી જાતને બીજાની નજરથી પોતાને જોવાની,મૂલવવાની અને એ મુજબ રજૂ કરવાની જૂની આદત ત્યાગવાનો સમય આવી ગયો છે.એનો મતલબ એવો નથી કે નારી પોતાના સોંદર્ય,કલાસૂઝની ઉપેક્ષા કરે.સોંદર્ય,પ્રેમ અને આનંદ સ્ત્રીની હદયગુફાના અવિરત ઝરણાં છે.ઘરની કે બહારની ફરજો બજાવતી સ્ત્રી સંજોગ આવે કઠોરતા બતાવે પણ પ્રેમની નજરથી,નમ્રતાથી પોતાની કુશળતાથી ઘણી સિધ્ધિઓ હાંસલ કરી શકે છે.

આપણા  પોરાણિક અને ધાર્મિક ઇતિહાસની ગળથૂથીમાંથી આપણને પૂરતું પોષણ મળી ચૂક્યું છે,’નારી તું નારાયણી’ કહી તેની અગ્નિપરીક્ષા કરી,ભરસભામાં ચીર પણ ખેચાયા જેનું પુનરાવર્તન થયા કર્યું ,હજીએ થતું રહે છે.સદીઓ વીતે છે,રાજાશાહી ગઈ,પરદેશી રાજ્ય ગયું,સ્વતન્ત્રતાને નવાજતી લોકશાહી આવી પણ મહિલા સ્વતંત્ર જગતમાં સાંકળ સાથે જન્મે છે,અરે જન્મે તે પહેલાં માતા સમાજને રાજી કરવા એના જન્મના અધિકારને છીનવી લે છે.આદમ અને ઇવ આદિયુગલ,સર્જનનો તંતુ ફૂલેફાલે વિકસે એ સહજ અને આનન્દમય પ્રક્રિયાને  નીતિનિયમ અને સમાજની સુરક્ષાનું સાધન ગણી નારીના જન્મને જ રુંધી રાખવાનું સમાજે સ્વીકાર્યું.દીકરી ઘરની થાપણ છે,બીજાનું ઘર મહેકાવે તોય પોતાના ઘરને ભૂલતી નથી.દીકરી માં-બાપનો આશરો છે,અને અગ્નિદાહનું કર્તવ્ય પણ બજાવી જાણે છે.આ બધું ક્યારે શક્ય બને?જયારે જન્મદેનારી મા કન્યાને,પુત્ર સમાન પ્રેમ કરે, ઉછેરે અને આત્મસન્માન  આપે.એના જ્ન્મને હકારાત્મક દિશા ચીધવાનું કામ એક મહિલા માતાનું કર્તવ્ય છે,જયારે મેં

ગાંધીનગર જેવા શિક્ષિત શહેરમાં છોકરીઓના જન્મનો દર ઘટ્યો હોવાના સમાચાર વાંચ્યા ત્યારે અંદરથી ટૂકડા ટૂકડા થયાનો અનુભવ કર્યો. મજબૂરી હશે એમ માની સાંત્વના મળતી નથી.આ મજબૂરીને દૂર કરવાનું કર્તવ્ય પ્રત્યેક મહિલાનુ છે.મારા મનની ભૂમિકામાં એક ન વિસરાતો દાહક પ્રસંગ આ ક્ષણે મને દઝાડી રહ્યો છે,મારું કર્તવ્ય ચુક્યાની પળનો ડંખ સતાવે છે.મારી દીકરી અને મારા કુટુંબની દીકરીઓ કે કૉલેજની મારી વિદ્યાર્થીનીઓને મેં હમેશાં સ્વાલંબી અને આત્મવિશ્વાસુ બનાવવા પ્રયત્ન કર્યો છે,પણ હું વતનમાં જાઉં ત્યારે અમદાવાદના મારા ઘરમાં મને મદદ કરતી,મારી હાથલાકડી જેવી વીરુ ,જે ભણવાની ઉત્સુક,હસમુખી અને મસ્ત છોકરી પરણીને સાસરે ગઈ તે ગઈ.બે વર્ષ પછી મને જાણવા મળ્યું કે એની દીકરીના ગર્ભ સાથે તેના અણસમજુ પતિ અને સાસરાવાળાએ  તેનેઅગ્નિમાં હોમી દીધી.પાછળથી કાયદેસર ધણું થયું હશે.એક રથનાં બે પેંડા જેવાં સ્ત્રી -પુરૂષમાથી એક વિના કુટુંબની,સમાજની ધરી ખોટવાઈ તે સમજવાની ફરજ સૌની છે.અહી સંવાદી ગતિ એટલે કે પૂરપાટ ગાડી દોડે તે માટે  સારા વ્હિલ અને સારા રોડની પણ જરૂર છે.સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેના  ગર્વ અને સન્માનભર્યા વાતાવરણથી આવનાર પેઢી પ્રત્યેનું કર્તવ્ય બજાવ્યાનો અહેસાસ થશે.

 વર્તમાન પરિસ્થિતિમાં મહિલાનું તાકીદનું કર્તવ્ય સ્વને શક્તિશાળી,જાગ્રત અને સુશિક્ષિત કરવાનું છે.કોઇપણ દેશમાં હો,ગમે તે પરિસ્થિતિમાં હો.ગમે તે વયની હો ,દીકરી હો,પત્ની -માતા હો,તમારા શિરને ગર્વપૂર્વક  ટટ્ટાર રાખો,હાથને હથિયાર જેટલાં

 કેળવાયેલા,કદમને મજબૂત પણ  ધ્યેયની  દિશામાં  ગતિ કરતા રાખો. વિવેકાનંદ કહે છે,જે ધર્મ નીડર બનાવે તે જ પ્રભુનાં દર્શન કરાવે છે,મીરાંબાઈ કૃષ્ણપ્રેમી સાચાં,જગતની કસોટીમાંથી નિર્ભયતાથી પસાર થાય છે,’જો હોના સો હોય’ કહી પોતાના આરાધ્યને હાંસલ કરવામાં પ્રાણ રેડી દે છે.વર્તમાન સમયમાં મહિલાએ પત્ની ,માતાની કે સી.ઈ. ઓ.ની પ્રેસીડન્ટની,શિક્ષકની કે એરહોસ્ટેસની કે ફાયરફાઈટરની કે પોલીસની જે કોઈ ફરજ બજાવવાની છે,તેમાં નિર્ભયતા અને આવડતને રેડવાની છે.સમાજ સ્પર્ધાનું મેદાન નથી,સમાજ નવજાત શિશુથી આરંભી દાદાદાદી સૌને માટે સુખદાયી જીવવાનું પુથ્વી પરનું સ્વર્ગ છે.

ટેકનોલોજી,સાધનો,શિક્ષણ આપણા જીવનને અસર કરે છે,બહારથી બદલાવ દેખાય છે,પણ મારું માનવું છે કે  જ્યાં સુઘી મોલિક વિચારશક્તિ કેળવાતી નથી ત્યાં સુઘી જૂનું છોડાતું નથી,નવામાંથી  શું અપનાવી શકાય તેની દ્વિધા રહ્યા કરે છે,મહિલાને ડગલે અને પગલે બાળઉછેરમાં,ગૃહિણી તરીકે ઘર ચલાવવામાં નોકરીમાં અને સમાજના કાર્યોમાં આવી દ્વિધા વર્તમાન સમયમાં સતાવે છે.આવા વર્તમાન સંજોગોમાં સ્ત્રીએ કયું કર્તવ્ય બજાવવું ? નારી શિક્ષિત હોય,નવું વિચારતી હોય પણ તેણે લીધેલાં પગલાં એના સગાવહાલાને,પતિને પસંદ પડતાં નથી.નારીની સ્વતંત્રતા સૌ પહેલાં તો બીજી નારીએ જ નવાજવાની છે.મહિલાઓ આપણું

આજનું કર્તવ્ય આપણા નારીદેહમાં રહેલા નારાયણ તત્વના સ્વીકાર કરવાનો છે.પુરુષસમોવડી મહિલાને જોઈ બીજી મહિલાએ ખુશ થવાનું છે.શેક્સપિયરે નારીનું બીજું નામ અદેખાઈ ભલે કહ્યું હોય આપણે એકબીજાના હાથમાં હાથ મેળવી એક નયા દૌર શરુ

 કરીશું.મા તેની પુત્રીના જન્મને હરખથી વધાવશે,સાસુ એની પુત્રવધુને દીકરીનો દરજ્જો આપશે,નોકરી કે બીઝ્નેસમાં બીજી મહિલાને મદદરૂપ થશે.નારી વિશેની માન્યતાઓ અને ભ્રમણાઓનું બલુન કહો કે હવાનું આવરણ યુગોથી મહિલાની આસપાસ ધેરાયેલું રહ્યું છે,વર્તમાન સમયમાં રણમાં ગુલાબ ઉગે ,સ્નોમાં ઘાસ ઉગે કે સુનામીમાં વુક્ષ ટકી રહે તેમ મહિલાએ પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનું છે,’હું મહિલા માનવ થાઉં’એટલું જ નહિ ઉમાંશકર જોશી કહે છે તેમ

 ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ આ સદી તકો અને શક્યતાઓના આકાશમાં ઉડવા મહિલાને લલકારે છે.આપણું કર્તવ્ય છે કે આપણામાં સૂતેલી શક્તિઓને જાગ્રત કરીએ,જન્મદાત્રી નારી હવે એનામાં રહેલી શક્તિઓને જન્મ આપશે.અહી થોડીક અંગત વાતનો ઉલ્લેખ કરું તો શિક્ષિત કુટુંબના વાતાવરણમાં ચાર ભાઈઓ વચ્ચે એક બહેન તરીકે મને એકદમ સુરક્ષિત રાખવામાં આવેલી,બચપન અને કિશોરવયમાં માની આંગળી ઝાલી રાખી પણ પછી મન બહારની દુનિયા માટે તડપવા લાગ્યું ,

 ‘ નહીં અંદર,નહીં બહાર ,પગને જકડે ઉંબર,ઘરનો ઉંબર ‘(ચિનુ મોદી) કૉલેજમાં ભણવાની છુટ પણ ઈતરપ્રવુત્તિની મના,નાટક -સિનેમાનું નામ લેવાનું નહિ,કૉલેજનાના બેડમિન્ટન રમવાના,સ્વીમિગના,નાટકોમાં પાત્ર ભજવવાના એવા શોખ અધૂરા રહ્યા.પરિણામે પુસ્તક ચાહના વધી અને લખવાની તલપ જાગી.વીસ વર્ષે માતાપિતાની નારાજગી વહોરી પ્રેમ લગ્ન કર્યા.મારા અસ્તિત્વના સ્વતંત્ર સ્વીકાર માટે  માં-બાપની કેદમાંથી છૂટી,બીજા પાંજરામાં જવું એ બરોબર નહોતું,પણ મારામાંની ભીરુતા અને અસલામતીની લાગણીએ કોઈનો પણ વિરોધ કરવાની તાકાત ગુમાવી હતી.જે પછીનાં વર્ષોમાં અમેરિકાનિવાસથી ઓગળતી ગઈ અને નહિ કરેલા કર્તવ્યો અને પ્રવુત્તિ માટે પાંખ પ્રસરી.મારામાં સૂતેલી ‘ હું ‘નો જન્મ થયાની પ્રસુતિની પીડા ભોગવી જગતને મારી અલગ નજરથી જોવાનો આનંદ માણ્યો. બહેનો આ પ્રક્રિયા પીડાદાયક જરૂર છે,’કોમ્ફોર્ટ ઝોન’ માંથી બમ્પી રાઈડનો  રસ્તો તમારાંમાં રહેલી સર્જકતાને,સમાજમાં સફળ થવાની તરકીબોને અભિવ્યક્ત કરવાની તાકાત આપશે.

વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણ લેવું અને બીજી નારી માટે તેવું વાતાવરણ ઉભું કરવું મોટું કર્તવ્ય છે,શિક્ષિતનારીને ધણા મોરચે ટકી રહેવાનું છે,અન્યાય,શોષણ,માનહાનિ,બળાત્કાર એવી કેટલીયે વિકટ,કટોકટીભરી અને જીવનને વેરવિખેર કરી નાંખતી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે,તે વખતે શરમ કે બેઆબરૂ થવાના ભયે સમસમી બેસી રહેવું યોગ્ય નથી.મહિલાનું પોતાનું કર્તવ્ય છે કે યોગ્ય મદદ અને માર્ગદર્શન લેવું. હવે સરકાર તરફથી મહિલાના માર્ગદર્શન અને મદદ માટે ઘણો સહકાર મળે છે,જેનો  વિના સંકોચે લાભ લઈ ખરાબ સંજોગોમાંથી બહાર આવવું જરૂરી છે. આવનાર પેઢી માટે એક સલામત,મુક્ત,સંવાદી -પ્રેમસભર સમાજ ઉભો કરવો ,તેના પાયા મજબુત કરવા એ ઉત્તમ કર્તવ્ય છે.

સ્ત્રીની વર્તમાનમાં હરણફાળ પ્રગતિ જોઈ જૂની પેઢીએ માથે હાથ દઈ કઈક અશુભ થઈ રહ્યું છે,એમ માનવાની જરૂર નથી.તેમ યુવાન પેઢીએ વડીલો પ્રત્યે  અવગણનાનું વલણ રાખવું ઉચિત નથી.વુક્ષની ઉચાઇ વધે તેમ તેના મૂળિયાં જમીનમાં વધારે વિસ્તરે અને પકડ મજબૂત કરે છે.પ્રગતિશીલ સ્ત્રીના કર્તવ્યને ઘરની   લક્ષ્મણરેખામાં બાંધી શકાય નહિ.એનો અને એના પતિ -બોયફેન્ડ કે લીવીગ પાર્ટનરનો હોદ્દો સમાનપણે મૂલ્યવાન હોય ત્યારે બાળઉછેર અને ઘરની બધીજ જવાબદારીમાં સરખો સમય અને શક્તિ આપવાનું કર્તવ્ય બન્નેનું છે.હુંસાતુંસી અને એકબીજાની હરીફાઈમાં કુટુંબ ટકાવી રાખવાનું લોઢાના ચણા ચાવવાનું કામ કોણ કરે? મહિલા જે woman છે,જેનામાં બેવડી તાકાત છે તેનું કર્તવ્ય બની જાય છે.વર્તમાન સમયમાં મુક્તિની ઝંખનામાં એક યુવતી મારી સામે પહેલી મૂકે છે, હું બંધન ઉભું  ન કરું તો ચાલે કે નહિ ? તે વખતે મારુ  કર્તવ્ય માની મેં કહ્યું ‘તારી મમ્મીએ પણ એવું જ વિચાર્યું હોત તો આ સુંદર જગતમાં આવવાનો,પ્રેમ,આનંદ,હર્ષ ,શોકને અનુભવવાનો તને ક્યાંથી લાભ મળત? મો ફેરવી લેવાથી કે ભાગેડુવુતિ પ્રશ્નોનો ઉકેલ નથી,મહિલા જીવનમાં પ્રેમના રસાયણથી કર્તવ્યો નભાવે.બાળનું પારણું ઝૂલાવતો હાથ,ગાડીનું સ્ટીયરીગ ફેરવે,કાગળો પર સહી કરે,કુટુંબની ખભે ખભા મિલાવી જવાબદારી ઉપાડે એમાં એના અસ્તિત્વનો નિખાર છે.એક સખી બીજી સખીના કાનમાં કહે તેવી વાત કહું, બધા જ કર્તવ્યોની જાળ   વચ્ચે એક શાંત ખૂણામાં તમે હળવાશથી મધુરું ગીત ગાજો,પંખીનો કલરવ સાંભળજો અને સાત રંગના સપના ગૂથતા સોનેરી કિરણોને મનભરી જોજો.તમારામાંની કલા ,સર્જકતાને વ્યક્ત કરવાનું કર્તવ્ય ગાંઠે બાંધી રાખજો. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે આપણામાંની કલાને વ્યક્ત કરવામાં જીવન રમણીય બને છે.એકવીસમી સદીની મહિલાને  સોળે કળાએ ખીલવાનું વરદાન મળ્યું છે.હું મહિલા એ જ વાતથી હું હરખાઉં,મારા કર્તવ્ય હરખે ઉપાડું.

તરુલતા મહેતા 27મી ફે.2016

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા and tagged , , , , , , , . Bookmark the permalink.

One Response to ‘વર્તમાન પરિસ્થિતિમાં મહિલાનું કર્તવ્ય ‘ તરુલતા મહેતા

  1. સુંદર વિચાર છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s