એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.
તે દિવસે…
આજે પણ ગાડી બગડી, ને પાછી આ જ રસ્તા પર.. આમ તો કુદરતી સૌદર્યથી ભરેલો આ રસ્તો તમને ખૂબ પસંદ છે મૌલેશ પણ…
શહેરોમાં તો ખુલ્લું આકાશ જોવા જ ક્યાં મળે છે, ને અહી ? દૂર દૂર સુધી કોઈ મકાન નહિ – મકાનનો પડછાયો નહિ. રસ્તાની બંને બાજુ હરિયાળા વૃક્ષો નજરને ઠંડક આપે છે. તેના વૃક્ષો પર વિવિધ પંખીઓના મધુર ગીતો વાતાવરણને સંગીતમય બનાવે છે, તો રસ્તાની સામસામે આવેલા બે બગીચાઓ, બગીચાના સુગંધીદાર ફૂલો પણ મનને પ્રફુલ્લિત રાખે છે.
ઘણીવાર તમે અમસ્તી ય કારને બાજુમાં મૂકી આ રસ્તા પર ટહેલવા નીકળો છો. આ બગીચાઓમાં રમતા બાળકોનાં ચહેરા પરની નચિંત ખુશીઓને અનેક વાર તમારા કેમેરામાં કેદ કરી છે. તે દિવસે ય…. તે દિવસે ય તમારી ગાડી આમ જ, આ જ રસ્તા પર બગડેલી ને તમે મિકેનીકની રાહ જોતા જોતા આ રસ્તા પર ટહેલવા નીકળ્યા હતા, પણ … પણ એ દિવસે મન પ્રફુલ્લિત કરે એવું દ્રશ્ય તમને જોવા મળ્યું નહોતું. જે જોયું હતું એ યાદ કરતા આજે ય તમને કમકમાં આવી જાય છે, અને એ બાળકને યાદ કરતા .. તો તમારી આંખમાંથી આંસુઓનો ધોધ પડે..
બપોરનો સમય હતો. એવા સમયે આ રસ્તો થોડો સૂમસામ રહેતો. ચાલતા ચાલતા એક વુક્ષ નીચે તમારી નજર ગઈ. એક ૧૨ વર્ષનું દેખાતું બાળક લોહી લુહાણ હાલતમાં પડ્યું હતું, અને બાજુમાં પડ્યો હતો, લોહીથી ખરડાયેલો એક મોટો વજનદાર પથ્થર. આ બાળક આ પથ્થર પર પડ્યો હશે ? તમારા મનમાં શંકા ઊભી થઈ કે કોઈકે… ના, ના.. આટલી બધી ક્રૂરતા તો કોનામાં હોય?. વિચારતા તમે બાળકના નાક પાસે આંગળી મૂકી. તમારી ધારણા સાચી પડી હતી. તે બાળકનાં શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા. તમે તરત જ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. બધા સાથે જ તમારે વ્યાવસાયિક સંબંધો હતા, એટલે બહુ જલ્દી એ બધા આવી ગયાં હતાં. એમના અનુભવના આધારે તેઓએ તમારી શંકાને સમર્થન આપ્યું કે, એ બાળકની હત્યા જ થઈ હતી.
આજે તો એ વાતને મહિનો થઈ ગયો છે, પણ… હજુ એ ક્રૂર કાતિલનો પત્તો મળ્યો નથી. આ જ, આ જ વ્રુક્ષ હતું જ્યાં.. થોડે આગળ જતાં આપ એક વૃક્ષ પાસે અટક્યા. નજર સામે ફરી પેલું બાળક આવી ગયું.
‘અપને જહાં કે, હમ બાદશાહ હૈ..’ મોબાઈલ રણક્યો. ‘હાશ .. બહુ જલ્દી મિકેનીક આવી ગયો? આસપાસ જ ક્યાંક હશે..’ વિચારતા તમે મોબાઈલ બહાર કાઢ્યો, ને સ્ક્રીન પર તમારા મિત્ર ઇન્સ્પેકટર ઝાલાનો ચહેરો જોયો.
“ અરે, આમ અચાનક? મારું શું કામ પડ્યું?” તમને નવાઈ લાગી. મોટેભાગે તમે જ કોઈ સ્ટોરી માટે ઝાલાનો સંપર્ક કરતા હોવ છો.
“મૌલેશ, અત્યારે અહી આવી શકશે ?” ઝાલાએ પૂછ્યું.
“ક્યાં? પોલીસ સ્ટેશને? હમણાં?”
“હા.”
“અરે, મારી ગાડી બગડી છે, પાછી એ જ રસ્તા પર, જ્યાં…”
“હા.. હા, મારે એ જ કેસ બાબતમાં વાત કરવી છે.” ઝાલાએ તમારી વાત વચ્ચેથી કાપતા કહ્યું.
“પણ એ વાતને તો મહિનો થઈ ગયો છે ને ? મેં તને બધું તો..”
“એ બાળકનો હત્યારો મારી સામે બેઠો છે. તું જલ્દી આવ.” ઝાલાએ ફરી તમને અટકાવ્યા.
પેલો મિકેનીક હજુ આવ્યો નથી ને.. તમે સ્વગત બબડ્યા.
“તું એને જોઈશ ને તો ..”
“કોણ છે એ ?” તમે લાગલું જ બોલ્યાં.
“બસ તું અહી આવ, તને મસ્ત સ્ટોરી મળશે.”
“ઝાલા, એ બાળક મારે માટે સ્ટોરી નહોતું. એ માનવતાનું ખૂન હતું. પણ એ હત્યારાને જોવાનું – મળવાનું મન જરૂર થાય છે. આટલી ક્રૂરતા તેનામાં ક્યાંથી આવી એ જાણવાનું મન પણ અવશ્ય થાય છે.. થોભ હું મિકેનીકને ફોન કરી ટેક્ષીમાં આવ્યો..” તમે ફોન કટ કરતા કહ્યું.
“ક્યાં છે એ હત્યારો ?” પોલીસ સ્ટેશને પહોચી સેલ તરફ જતાં તમે ઇન્સ્પેકટર ઝાલાને પૂછ્યું.
“અરે ઓ મૌલેશ અહી. આમ આવ. આ હત્યારો મારી સામે છે.” ઝાલાએ પોતાની સામે બેઠેલા એક ૧૫ વર્ષના બાળક સામે આંગળી ચીંધતા કહ્યું.
તમે ઝાલા પાસે જતાં જતાં એ બાળકની સામે જોયું.
“ના હોય ઝાલા, તારી કોઈક ભૂલ થાય છે.” તમારા માન્યામાં નહોતું આવતું કે આટલો માસૂમ બાળક આવો ક્રૂર હોઈ શકે છે.
તમે તેની પાસેની ખુરશીમાં બેસતા, તેના ચહેરાનું અવલોકન કર્યું. ન તો એના હોઠો પર સ્મિત હતું, ન તો એની આંખોમાં નિર્દોષતા. એના ચહેરા પર માસુમિયત નહોતી, વિષાદ હતો? હતાશા હતી? તમે એ ચહેરા પરના ભાવો વાંચવાની નિષ્ફળ કોશિશ કરી. તમને હજુ વિશ્વાસ નહોતો આવતો કે, આટલો નાનો બાળક આવો ક્રૂર બની શકે ! ચહેરો ઓળખી ના શકાય, એટલી હદે કોઈ બીજા બાળકનો ચહેરો શી રીતે છૂંદી શકે ! તમે એ બાળક સામે સ્મિત કર્યું. સામે કોઈ જ પ્રતિભાવ ના મળ્યો.
“ના હોય ઝાલા, તારી કોઈ ભૂલ થાય છે.” તમારા મિત્ર તરફ જોતા તમે અકારણ જ વાત દોહરાવી.
“એણે જાતે આવીને કબૂલ કર્યું છે, મૌલેશ.”
“કોઈના દબાવમાં આવી આમ કહ્યું હશે.” તમે એ બાળકની નજીક તમારી ખુરશી લઈ જતાં કહ્યું, અને પેલા બાળકને વહાલથી સ્પર્શ કર્યો. એ સ્પર્શે જાણે તેને દઝાડ્યો હોય તેમ તરત જ એણે પોતાનું શરીર સંકોરી લીધું, અને ગુસ્સાથી તમારી સામે જોયું. એ નજરમાં રહેલો તિરસ્કાર જોઈ તમે તો ડઘાઈ જ ગયા.
“બેટા, આટલો ગુસ્સો સારો નહી. તને ખૂન કબૂલ કરવા કોઈએ મજબૂર કર્યો છે બેટા?”
“ના, મેં જ એ કાયરની હત્યા કરી છે.” બાળકે અવકાશમાં જોતા તમારી વાત કાપી.
“પણ એ તો તારો ખાસ મિત્ર હતો ને ?” ઝાલાએ બાળકને પોતાની તરફ જોવા મજબૂર કર્યો. આ સાંભળી તમે પ્રશ્નાર્થ નજરે ઝાલા સામે જોયું.
“હા મૌલેશ, આ દીપ અને મીત બંને ખૂબ સારા મિત્રો હતા.”
“હા, પણ એ મારી વાત માનતો નહોતો.” દીપે ઝાલા તરફ એક નજર કરી, ફરી અવકાશમાં જોયું.
“કઈ વાત? અને બેટા, કોઈ આપની વાત ના માને તો તેને આમ..” તમે પૂછી બેઠા. એવી કઈ વાત હોઈ શકે જેનાથી આ બાળક ક્રૂર થઈ શકે એ જાણવા તમે પણ ઝાલા જેટલા જ ઉત્સુક હતા.
“હા..મારી જ શકાય. વાત ના માને તો મારવો જ જોઈએ.” દીપે ફરી ગુસ્સાથી તમારી સામે જોયું. ૧૫ વર્ષના બાળકમાં આટલો ગુસ્સો કેવી રીતે હોઈ શકે ?
“તું ક્યાં રહે છે ?” તમે દીપના ગુસ્સાને બીજી તરફ વાળવાની વ્યર્થ કોશિષ કરી.
“કેમ ? કેમ જાણવું છે તમારે હું ક્યા રહું છું તે ? તમારે મારા મમ્મી-પપ્પાને મારી ફરિયાદ કરવી છે ? એ તો નહી બને.” તમે પ્રેમભરી નજરે એની સામે જોતા હતા પણ એ તો અવકાશમાં…
“એ બંને હવે આ દુનિયામાં નથી. એક ને મેં મારી નાખ્યો ને… ને મારી માને…” તેનો અવાજ થોડો ભીનો થયો. થોડી ક્ષણો માટે તેના ચહેરા પર નરમાશ આવી. પછી તરત જ,
“મેં જ મારા બાપનું પણ ખૂન કર્યું છે.” તેનો ચહેરો પાછો સખત થઈ ગયો. આ સાંભળી ત્યાં હાજર બધા જ ચમકી ગયા.
“શું ?” ઝાલા અને તમારા બંનેના મોમાંથી એક સાથે ઉદ્દગાર નીકળ્યો.
“હા, આજે મારા બાપના પેટમાં છરો ઘુસાડીને હું અહી આવી ગયો.” થોડી વાર માટે જાણે સન્નાટો છવાઈ ગયો.
“એણે મારી માને મારી નાખી હતી. મારી માને… મારી મા મને ખૂબ પ્રેમ કરતી હતી. મને વહાલ કરતી, કોળીયા કરીને ખવડાવતી..” દીપ ગળગળા સ્વરે બોલતો હતો. તમે દીપનો એની મા પ્રત્યેનો પ્રેમ અનુભવી રહ્યા હતા.
“હું સ્કૂલેથી આવું તો મને ગરમ ગરમ નાસ્તો બનાવી આપતી. પરીક્ષા વખતે મારી સાથે એ જાગતી રહેતી, અને થોડી થોડી વારે ગરમ દૂધ આપી જતી. અને.. અને તે મારા બાપના મારથી મને બચાવતી હતી.” દીપનાં ચહેરા પર ફરી ગુસ્સો આવી ગયો.
“મને બચાવતા ઘણી વાર એ પણ માર ખાતી. રોજ દારૂ પીને આવતા મારા બાપની બધી વાત મારી માએ માનવી પડતી. નહી તો મારો બાપ એને ઢોરમાર મારતો. મારી પાસે પણ તે માર મારીને પોતાની બધી જ વાત મનાવતો.” દીપના શબ્દોમાં તેના પિતા તરફનો તુચ્છકાર તમને સ્પષ્ટપણે સમજાતો હતો.
દીપ બોલતો તેમ તેમ તમારી નજર સમક્ષ ફિલ્મની રીલની જેમ દ્રશ્યો ભજવાતા જતાં જાણે તમે જ ત્યાં હાજર હતા, ‘ બે વર્ષના બાળક દીપને તેની માતા પાસેથી અળગો કરી પલંગની નીચે ફેંકી દેતા પુરુષ ઘાંટા પાડતો, “તું નહિ આપશે તો બીજું કોણ આપશે? મારે તેને માટે બહાર જવાનું છે? તને ને તારા આ પિલ્લાને પાળું છું તે ઓછું છે?”, કહેતા બાળકને લાત પડે છે. પેલા બાળકને ભલે સમાજ નહિ પડે કે પુરુષ તેની માતા પાસે શું માગે છે, પણ તમે તો સમજી રહ્યા છો. પેલી માતા માર ખાય છે ને બાળકને છાતી સરસો ચાંપીને બેઠી છે.’ આવા અનેક દ્રશ્યો તમારી નજર સમક્ષ રચાવા લાગ્યા.
સમજણો થયો ત્યારથી પિતાને બીજાને માર મારીને પોતાની વાત મનાવતા દીપે જોયા હતા, અને એ જ વાત તે પણ શીખ્યો હતો, તેવું તેની વાતો પરથી તમારી સામે ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યું હતું. દીપનાં શબ્દો તમારા કાનમાં પડતા જતાં હતાં….
“અને એક દિવસ.. એક દિવસ મારી માની સહનશક્તિ ખલાસ થઈ, ને તેણે આત્મહત્યા કરી તેવું પોલીસ કહે છે, પણ હું જાણું છું તેને મારા બાપે મારી નાખી હતી. મારે મારા બાપ સામે બદલો લેવો હતો.” દીપની આંખોમાં ખુન્નસ જોયું તમે.
“મેં મીતને કહ્યું.. કહ્યું મેં મીતને કે મારી મદદ કરે મારા બાપને મારવામાં. તો એ દોઢ ડાહ્યો.. મને કહે કે આમ કરવામાં મારી જિંદગી રોળાઈ જશે. હું પકડાઈ જઈશ તો મારે જેલમાં જવું પડશે. બહુ સમજાવ્યો હતો તેને મેં. પણ તેણે મને ભાષણ આપવાનું શરૂ કર્યું. મારાથી નાનો થઈ ને મને સલાહ આપતો હતો. મારી માના ખૂનીને મારવામાં મને સાથ આપવાની ના કહેતો હતો. તો મેં એને જ મારી મા પાસે મોકલી દીધો.”
“ અને પછી મેં એકલાએ જ મારા બાપને પતાવી દેવાનું નક્કી કર્યું. એક મહિનાથી મોકો શોધતો હતો અને આજે મળી ગયો. એ દારૂના નશામાં ઘરે આવી ઊન્ઘી ગયો. ગાઈ કાલે એના જ પર્સમાંથી રૂપિયા ચોરી હું છરો લઈ આવ્યો હતો, ને આજે ઊંઘમાંજ એના પેટમાં…” પછી
“હવે મને પણ જલ્દી મારી મા પાસે મોકલી આપો.” તેણે ઝાલા સામે જોઈએ કહ્યું.
આ ૧૫ વર્ષના નાના બાળકને.. જે હત્યારો ગણવો કે તેના બાપને તે તમે કે ઈન્સ્પેક્ટર ઝાલા નક્કી કરી શકતા નહોતાં.
“જીગરનીઅમી”
Reblogged this on મેઘધનુષ .
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike