વસંતની વધાઈ -તરુલતા મહેતા 13મી ફે.2016

વાસન્તી ગઝલ ‘

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,

સુગન્ધની સલૂણી ટપાલ  ગમે.

આજકાલ ગુલાલ ગુલાલ  ગમે,

સવિશેષ તમારો ખયાલ  ગમે.

ફૂલનો વિપુલ બહુ  ફાલ  ગમે,

વગડે છંટાતો રંગ  લાલ  ગમે.

કેસૂડાએ  ક સુંબલ ક્રાન્તિ  કરી,

ખાખરાનો મિજાજ  જહાલ  ગમે.

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,

વસંતનો  પૂરો  મુદ્દામાલ  ગમે!

ફૂલની  સવારી પાલખીએ  ચઢી,

કેસૂડાની કેસરી મશાલ ગમે.

‘કોઈ  અહીં આવ્યું -ગયું  વરણાગી ?

પવનને પૂછવો સવાલ  ગમે.

પર્ણે પર્ણે ભ્રમરનો   ગુંજારવ ,

ઝાંઝરની  ઝીણી  બોલચાલ ગમે.

ભગવતીકુમાર શર્મા

‘વાસન્તી ગઝલ’થી આપ સૌને વસંતની વધાઈ આપું છું,કેસૂડાંનાં ફૂલ એટલે વસંતની પધરામણી.વસંત એટલે કામદેવનું બાણ.’મને ફાગણનું એક ફૂલ આપોજી લાલ મોરા,કેસૂડો કામણગારો રે લોલ’ કામદેવના બાણ પણ કામણગારા,તેથી જ વન વગડે કુદરતમાં જયારે વસંત ઋતુ ખીલે ત્યારે એની માદક અસરનો ગુલાલ અને સુગંધ સર્વત્ર  ફેલાય છે.

પ્રાણીમાત્રમાં અદ્રશ્યરૂપે વિરાજિત કામ વસંતમાં પ્રદીપ્ત થાય છે.તમે જ કહો આ કામદેવની વસંત એટલે કે યૌવન અને કુદરતની વસંત ભેગી થાય પછી માઝા મૂકે તો અચરજ કહેવાય?

ભગવતીકુમાર શર્મા સૂરતના સર્જક,આપણા આદ્ય સાહિત્યકાર નર્મદ પણ સૂરતના અને બીજા અનેક સાહિત્યકારોની જન્મભૂમિ સૂરત છે.આજે પણ ભગવતીકુમાર શર્મા અવિરતપણે સર્જન કરી રહ્યા છે,તે ગુજરાતી વાચકોનું સદભાગ્ય છે.

કલા -સાહિત્યરસિક સુરત શહેર અનેક કવિઓ ,સંગીતકારો ,નૃત્ય,નાટયકારોથી ધમધમતું સંસ્કારધામ જેવું છે.ત્યાંનું જમણ વખણાય,મને દસ વર્ષ સુરતમાં કોલેજના પ્રોફેસર તરીકે રહેવાનો મોકો મળ્યો હતો.ભગવતીકુમાર શર્મા,મુકુલ ચોકસી ,નયન દેસાઈ ,રવીન્દ્ર પારેખ જેવા સર્જકો સાથે બેઠકની સંગત મેં ખૂબ માણી હતી.

ભગવતીકુમાર શર્મા બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે.શરીરે નાજુક,એકવડા બાધાના,પાતળા અને અવાજ પણ હદયમાંથી ધુટાઈને આવતો હોય તેવો.પણ એમણે સાહિત્યના લગભગ બધા સ્વરૂપોને કુશળતાથી ખેડ્યા છે.તેઓ ઊચ્ચ કોટિના કવિ ,વાર્તાકાર,નવલકથાકાર,નિબંધકાર ઉપરાંત ‘ગુજરાત મિત્રના’ પત્રકાર.આજે પણ એમના લેખો નિયમિતપણે ‘ગુજરાત મિત્ર’માં આવે  છે.જેને કારણે મારી અને એમની વચ્ચે શબ્દ સેતુ જારી રહે છે.

આજની વાસન્તી ગઝલ હળવા મિજાજમાં લખાય છે.એમણે  ગઝલસ્વરૂપ પર એવું વર્ચસ્વ જમાવ્યું છે કે    ‘તેઓ ડાબે હાથે લખે તોપણ ગઝલ આપોઆપ નીકળી આવે.'(સુરેશ દલાલ ) મને કવિના શબ્દોની પસંદગી ગમે છે.રદીફ કાફિયા  એકદમ સહજ રીતે ગુથાયા છે.પ્રકૃતિમાં ચારેકોર ખીલેલી લુમ્બઝુમ્બ વસંતનું   વહાલ જાણે સુગંધની સલૂણી ટપાલ,વાહ કેવું સરસ! આખા ય કાવ્યમાં વસંતની ભૂમિકામાં પ્રેમનો રંગ મંદપણે ટપક્યા કરે છે.પ્રેમ અને વસંત પરસ્પર અનાદિકાળથી જોડાયેલા છે. કવિ ગઝલના બીજા
શેરમાં વસંતના  ગુલાબી વાતાવરણમાં દિલમાં આવતી પ્રિયની  રંગીન યાદની વાત કરે છે.વસંતનો ગુલાલ ગમે પણ ‘સવિશેષ’

 પ્રિયનો ખયાલ ગમે છે.આ ગઝલમાં ‘સવિશેષ ‘,’ક્રાંતિ ‘ જેવા શબ્દો ‘વહાલ ”ટપાલની ‘સંગતમાં ‘જહાલ ‘અને ‘મુદ્દામાલ ‘ બોલચાલ’ જેવા કાફિયા  ભગવતીકુમાર જેવા કસબી કવિ જ પ્રયોજી શકે.વસંતમાં વિવિધ રંગી ફૂલોનો ફાલ ધરતી પર રંગોળી પૂરે પણ નજરને અને મનને બહેકાવે કેસૂડાનો ‘લાગ્યો કસુંબી ‘ રંગ જે  કુદરતમાં ક્રાંતિ કરે અને આશકના દિલમાં પણ હલચલ મચાવે.

વસંતનો નજારો પતંગિયાની  રંગીન ઉડાઉડ અને પંખીઓના ટહુકાથી જીવંત બને છે.એટલે કવિ મોકળા દિલે આવકારતા કહે છે વસંતનો બધો મુદ્દામાલ ગમે.ભગવતીકુમારના  ગઝલ,ગીતો હોય કે વાર્તા,નવલકથા એમના સર્જનનો પૂરો મુદ્દામાલ વાચકને અનેરો આનંદ આપે તેવો છે,જે મેં વર્ષો સુધી માણ્યો છે.મારા સર્જન માટે પ્રેરણા પણ મળી છે.એમની ગઝલનો રસાસ્વાદ આપની સમક્ષ મૂકી,એ નિમિત્તે યાદ કરી મારી ઋણભાવનાને એમના પ્રત્યે પ્રગટ કરું છું.

ગઝલના અંતિમ શેરોમાં વસંતના માદક મહોલમાં જાણે કોઈ વરણાગીની પ્રતીક્ષા હોય તેમ પવનને પૂછે છે ‘અહી કોઈ આવ્યું-ગયું

હતું?’ ભ્રમરની ગુંજારવ સાથે કોઈના ઝાંઝરની ઝીણી બોલચાલ સાંભળવી કવિને ગમે છે.પવન ,પાણી અને પ્રેમ સુષ્ટિના અને

માનવ પ્રકૃતિના જીવનતત્વો -આધારભૂત પાયા. ત્રણે ચંચલ કેમ બાંધી શકાય?ગમે તેટલી પાળ બાંધો પણ સમાય નહી.પવનની

ભાષા ,જળની લીપિ અને પ્રેમના વાયદા –વણ ઉકલ્યા કોયડા!!!

ભગવતીકુમારના વિપુલ સર્જનમાં ‘સંભવ’,અઢી અક્ષરનું ચોમાસું’,’ઉજાગરો’ જેવા સાતેક કાવ્યસન્ગ્રહો,’ઊર્ધ્વમૂલ’અને ‘અસૂર્યોલોક’

જેવી ઇનામપાત્ર નવલકથાઓ અનેક વાર્તા અને નિબંધસંગ્રહો ગુજરાતી સાહિત્યમાં મહામૂલું પ્રદાન છે.એમના સર્જનમાં ઊંડી સંવેદનશીલતા,ઝૂરાપો અને વિષાદની સાથે સંસ્કૃતિચિતન,આજુબાજુના સમાજનું આબેહુબ ચિત્રણ,વ્યક્તિગત વિચારોનું મંથન વણાયેલું દેખાય છે,ભારતીય સાહિત્ય અકાદમી તરફથી અને બીજા અનેક પારિતોષકો તેમને મળી ચૂક્યા છે.આવા ઊચા ગજાના સર્જકને વંદન હો.

આપ સૌને ‘વેલેનટાઈ-ડે’ની પ્રેમપૂર્વક શુભેચ્છા. વસંતમાં કેસૂડાનાં કસુંબી રંગની બોલબાલા તો વેલેનટાઈમાં લાલ ગુલાબની

વાહવાહ! મને ફૂલોના બધા રંગ અને પ્રેમના બધા રૂપો ગમે છે.પ્રેમને રંગ નથી,રૂપ નથી,ભાષા નથી તો પ્રેમ શું છે? અનુભવ છે,

‘પ્રેમ બાણ વાગ્યા હોય તે જાણે’

તરુલતા મહેતા 13મી ફે.2016

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા, વસંત, વસંતોત્સવ and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s