નરસિંહ મહેતા-પી, કે, દાવડા

નરસિંહ મહેતા-૧

વિશ્વના બધા ધર્મગ્રંથો, એ સ્થળ અને એ કાળની સંસ્કૃતિ, સમાજ,રીતરિવાજ અને માન્યતા ઉપર રચાયા છે. પરિવર્તનશીલ જગતમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન આવે છે, સમાજ બદલાય છે, અને સમાજના નિતીનિયમો પણ બદલાય છે. તેમછતાં જૂના ધર્મગ્રંથોને આગળ કરી આને વિશ્વભરમાં વિવાદો અને વિખવાદો ચાલે છે. આ વિવાદોને હવા આપવાવાળા વર્ગને આપણે ધર્મગુરૂઓ કહીયે છીયે. હિન્દુ ધર્મની જ વાત કરૂં તો જગદગુરૂ શંકરાચાર્યો, આચાર્યો, સંતો, બાબાઓ અને બાપુઓ અને આવા બીજા અનેક નામધારી લોકો ધર્મગ્રંથો સમજાવવાના બહાને, સમાજમાં અથડામણો ઊભી કરે છે. આવા અતિવિશાળ અનુયાયી ધરાવતા અનેક સંતો છેલ્લા દશ-બાર વરસમાં ઉઘાડા પડી ગયા છે. એક શંકરાચાર્ય ખૂનના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે, તો બીજા શંકરાચાર્યની નજર શીરડીના સાંઈબાબા ટ્રસ્ટની આવક ઉપર બગડી છે. એક બાપુ બળાત્કારના આરોપસર જેલમાં છે.ગણત્રી કરવા બેસું તો પાનું ભરાઈ જશે.

આ બધા ધર્માચાર્યો આપણને આપણા ધર્મગ્રંથો સમજાવવા બેઠા છે.કેટલાકે એનું અધ્યતનનામ Art of Living રાખી, કરોડો રૂપિયાની વાર્ષિક ફીની આવક ઊભી કરી છે, તો કેટલાક યોગ શીખવી અને આયુર્વેદિક દવાઓ વેંચી કરોડો રૂપિયાની આવક ઊભી કરી છે. કોઈ વિમાનમાં કે સબમરીનમાં લાખ લાખ રૂપિયા ફી લઈ રામકથા સંભળાવે છે, તો કોઈ ચમત્કારો બતાવી કરોડૉ રૂપિયા કમાય છે. બધા પોતપોતાની સમજ પ્રમાણે ધર્મગ્રંથોનો સાર સમજાવે છે. હવે તો આવા સંતો રાજકારણીઓના હાથા બની, ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોને ફાયદો પહોંચડાનું કામ પણ કરે છે. આવા સમયે મને યાદ આવે છેનરસિંહ મહેતા.

આજથી ૬૦૦ વર્ષ પહેલા, એક અભણ, ગરીબ, નાગર બ્રાહ્મણે,પ્રભુભક્તિમાં રચેલા પદો અને કાવ્યોમાં, સામાન્ય માણસને સમજાય એવા શબ્દોમાં બધા ધર્મગ્રંથોનો સાર આપી દીધો છે. આજે જે વાત હું લખવા બેઠો છું, એ વાત તો એણે બે પંક્તિઓમાં ૫૦૦ વર્ષ પહેલા જ કહી દીધી છે.

“ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;

મનકર્મ વચનથી આપ માહી લહે, સત્ય છે એ જ મને એમ સૂઝે.”

આ ધર્મગ્રંથોમાં કહેલી વાતો ને એના સાચા સવરૂપે સમજાવવાના બદલે, પોતાના મતલબનો અર્થ કરનારાઓએ ગડબડ કરી છે. જેને જે ગમ્યું, તેને જ આગળ કરવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં વિવાદ અને વિખવાદ પેદા કર્યા. આનો સરળ ઉપાય બતાવતાં નરસિંહ કહે છે,ખરાદિલથી પોતે જ વિચારે તો એને પોતાને જ સાચું શું છે એ સમજાઈ જશે, કોઈપણ ગુરૂની મદદ વગર.

રામાયણે ભારતમાં રામ જેવા રાજા, લક્ષમણ અને ભરત જેવા ભાઈ,સીતા જેવી પત્ની અને હનુમાન જેવા સેવક કેટલા પેદા કર્યા, એ તો હું નથી જાણતો, પણ રામસેતુનો વિવાદ ઊભો કરી, ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનો ટુંકો જલમાર્ગ રોકી રાખ્યો છે, અને અયોધ્યામાં રામમંદિર બાંધવાની જીદ લઈ, દેશને વિભાજીત કરી દીધો છે. આ ગ્રંથે દેશમાં ગડબડ તો કરી છે.

-પી, કે, દાવડા

*************************************************************

નરસિંહ મહેતા-૨

“જેહના ભાગ્યમાં, જે સમે જે લખ્યું,

તેહને તે સમે, તે જ મળશે.”

નરસિંહ મહેતાની આ વાત અને શ્રી કૃષ્ણે ભગવદગીતામાં કહેલી વાત,

“કર્મણેવ અધિકારસ્તે, મા ફલેષુ કદાચ ન” માં કેટલું સામ્ય છે?મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાતનો સાચો અર્થ કરતા નથી. આવાલોકો એમ માને છે કે ભગવાને કહ્યું છે કે માત્ર તને કામ કરવાનોઅધિકાર છે, કામનું વળતર મેળવવાનો નહિં. હકીકત આવી નથી. એકદાખલો આપીને સમજાવું. એક ખેડૂત હળ ચલાવે છે, વાવણી કરે છે,કારણ કે આ બન્ને એના હાથની વાત છે. હવે સમયસર વરસાદ નઆવે તો? બિલકુલ જ વરસાદ ન આવે તો? અતિવૃષ્ટીથી પાક ધોવાઈજાય તો? પૂર આવે તો? આમાનું કંઈપણ એના હાથમાં નથી. તો શુંએણે વાવણી ન કરવી?

બસ કૃષ્ણ આ જ વાત કહે છે, તું તારૂં કામ તો કર, અમુક ચીજો તારાહાથમાં નથી, તારો એ ચીજો ઉપર અધિકાર નથી, જે થવાનું હશે એથશે. તું તારૂં કામ કર. નરસિંહ પણ આ જ વાત કહે છે, જેના નશીબમાંજે લખ્યું હશે તે જ એને મળશે. એ તો એક ડગલું આગળ વધીને કહેછે કે જે સમયે મળવાનું હશે ત્યારે જ મળશે. ભગનાવે સમજાવેલીવાતમાં પણ એણે એક વધારે વાત ઉમેરી છે.

અહીં નરસિંહે ભાગ્ય ચમકે એની રાહ જોઈને બેસી રહેવાની વાત નથીકરી, એણે માત્ર એટલું જ કહ્યું છે કે તમે તમારૂં કામ કરો, બદલો થોડોવધારે-ઓછો મળશે, અદાચ વહેલો-મોડો મળશે. કૃષ્ણે તો નરસિંહકરતાં વધારે કડક ભાષામાં કહ્યું છે, તું તારૂં કામ કર, બદલો આપવો કેનહિં એ મારા અધિકારની વાત છે. ભગવાન કરતાં ભક્ત વધારે દયાળુછે.

-પી, કે, દાવડા

*****************************************************************88

નરસિંહ મહેતા-૩

“આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

તે  તણો  ખરખરો  ફોક  કરવો”

નરસિંહ મહેતાની આ વાત બહુ બારિકાઈથી સમજવા જેવી છે. જ્યારે આપણે જાણતા હોઈએ કે અમુક ઘટના અટળ છે, એને આપણે રોકી શકીયે એમ નથી, એ ઘટના અંગેનો નિર્ણય આપણો નથી, અને એ નિર્ણય આપણે ફેરવી શકીયે એમ નથી, તો પછી એનો અફસોસ કરવાથી શું વળશે?

પ્રત્યેક માણસ એક Expiry Date લઈને આ જગતમાં આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે “નામ છે, એનો નાશ છે.” તો પછી એ ઘટના બન્યા પછી તેને યાદ કરી લાંબા સમય સુધી વિલાપ કરવો એ કેટલી હદે યોગ્ય છે? તમારામાં જીવ છે ત્યાં સુધી જીવન ચાલતું રહેવાનું છે,તેને કેમ ચલાવવું એની આ વાત છે, બાકીનું જીવન અફસોસ કરવામાં પસાર કરી દેવું, કે કંઇક રચનાત્મક કામ કરવું?

આ જ અર્થવાળી વાત એક ભજનમા પણ નરસિંહ મહેતાએ કહેલી છેઃ

“સુખ દુખ મનમા ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,

ટાળ્યા  તે કોઈના નવ  ટળે, રધુનાથના  જડીયા”

બીજા ઘણાં કવિયોએ આ જ વાત અલગ અલગ રીતે કહી છે,

“સંસારની આ ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી” અને

“ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સહેજે.”

પણ નરસિંહ મહેતાએ આપણી રોજની બોલીમાં એ સરસ રીતે કહી છે.

-પી. કે. દાવડા

 ***********************************************************************************************

નરસિંહ મહેતા-૪

“હું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા

શકટનો ભાર જેમ શ્વાન તાણે”

આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે કે જે લોકો બીજાએમહેનત કરીને મેળવેલી સફળતાનો યશ લઈ લેવાની કોશીશ કરે.

“મેં એને એમ કરવાની સલાહ આપેલી, એટલે એને સફળતા મળી.”

અરે ભાઈ તેં એને સલાહ આપવાને બદલે પોતે કેમ પ્રયત્ન ન કર્યો? અનેતેં કેટલાય લોકોને કેટલીયે સલાહ આપી હશે, પણ બીજા કોઈને આવીસફળતા કેમ ન મળી?

શકટ એટલે ગાડું. જેમ ગાડાં નીચે, ગાડાંના છાંયામા ચાલતો કુતરો એમમાને કે આ ગાડાંનો ભાર એના માથે જ છે. હકીકતમાં તો એ ગાડાંનાછાંયડાનો લાભ મેળવતો હોય છે. બળદની મહેનતનો મનોમન યશ લઇલેવાની કોશીશ કરતા કુતરા જેવી વ્યક્તિઓ આપણી આસપાસ પણ મળીઆવસે. સામાન્ય દાખલા આપું તો હાથ નીચેના સ્ટાફની મહેનત અનેઅક્કલ હોશીયારીનો યશ લઈ લેતા અમલદારો, નિષ્ણાતોની સલાહથીકારોબાર ચલાવતા પ્રધાનો અને લોકોના ફંડફાળાથી સંસ્થા ચલાવતાટ્રસ્ટીઓ આ વ્યાખ્યામાં આવી જાય છે.

આજે નરસિંહની વાત કોણ સાંભળે છે? અને સાંભળ્યા સમજ્યા છતાં કોણમાને છે?

-પી. કે. દાવડા

***************************************************************************

નરસિંહ મહેતા-૫

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે.

અહીં નરસિંહ મહેતા એ એક Matter of fact વાત કહી છે. બધી વાતમાં માણસનું જ ધાર્યું થાય તો જગતમાં કોઈ માણસ દુઃખી જ ન હોય. બધા પોતાની આસપાસના શત્રુઓનો સંહાર કરી અને માત્ર મિત્રો જ પોતાની આસપાસ રાખે. એવી જ રીતે શહેરમાં કૉઈ ગરીબ જ ન હોય, બધાના ઘર રાજમહેલ જેવા હોય.

અફસોસ, હકીકતમાં આવું હોતું નથી. સંસારમાં મિત્રો હોય તો દુશ્મનો પણ હોય, કોઈ ગરીબ હોય તો કોઈ શ્રીમંત હોય. ટુંકમાં આ દુનિયામાં માણસના મનનું ધાર્યું જ થાય એવું નથી. સારા કામોમાં પણ વિઘ્ન આવે.સફળતા શબ્દની સાથે નિષ્ફળતા શબ્દ જોડાયલો હોય છે.

કુદરતી શક્તિઓ ઉપર માણસનું કંઈપણ નિયંત્રણ નથી. વાવાજોડું,વરસાદ, ધરતીકંપ અને આવા અન્ય વિનાશકારી તત્વો સામે માણસ તદ્દ્ન લાચાર છે. અકસ્માત, બિમારી વગેરે સામે સવચેતી રાખી શકાય પણ સદંતર ટાળી ન શકાય.

આમ નરસિંહએ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષામાં ઘણી મહત્વની વાતો કહી છે, અને તે પણ બિલકુલ મફત.

-પી. કે. દાવડા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s