” મારી માવલડી “-જયવંતી પટેલ

 

માં, તું મારી મીઠી મધૂરી માવડી

ભરદરિયે ડૂબું ત્યારે બને મારી નાવડી

શું શું સોણલા સજ્યા તેં મમ કાજે

ઉડાડે તું ગગનમાં મને, બની પવનપાવડી

“માં,” શબ્દ જ એટલો વહાલસોયો છે કે ભાવનાના વમળમાં ડૂબવા માંડું છું.  માનું અસ્તિત્વ કંઈક અનોખું જ હોય છે.

કંઈ પણ બદલાની આશા ન રાખે તે માં.  માં એક જ એવી વ્યક્તિ છે જે વિના સ્વાર્થ ખુલ્લા દિલે તમને એની સોડ્યમાં લઇ લેશે.  માને બાળકની ભૂલ કદી દેખાતી નથી.  એના હુંફાળા આચલમાં પ્રેમ અને સ્નેહનો મહિમા છુપાયેલો છે. એનું એક સ્મિત કંઈક દુઃખોને હળવું બનાવી ધ્યે છે.રાત રાતના ઉજાગરા એ હસતે મોએ સહન કરી શકે છે. માં, બાળકના દુઃખો જોઈ મધર ટેરેસા બની જાય છે.  કોઈ પીડાથી કે બીજા કારણથી તેને સ્તનમાં દૂધ ન આવે તો બાળકને માટે બેબાકળી બની જાય છે.  કેટલાયે ઉપચારો કરવા તૈયાર થઇ જાય છે – મારી બાને મારી નાની બહેનનાં જન્મ વખતે કાન અને માથાનો સખત દુઃખાવો રહેતો અને એની અસર તેનાં શરીર પર પડી.  તેનાં સ્તનમાંથી દૂધ ઉડી ગયું.  નાની બહેન ભૂખી રહેવા લાગી એટલે બહું રડતી.  લગભગ એક મહિનો ઉપરથી દૂધ, પાતળું કરી પાવું પડયું હતું.  અમે બે મોટી બહેનો ત્યારે ખૂબ મદદ કરતાં અને નાની બહેનને સાચવતા.  એ પછી ધીમે ધીમે એમને દૂધ આવતું થયું.  

હવે મારી વાત કરું.  નાનપણથી અનુભવેલી એ અમીભરી આંખો, એમની લાગણી અને વહાલથી સોડમાં લઇ લેતી બા ક્યારેય ભૂલાતી નથી.  બા માંડ બે ચોપડી ભણેલા પણ સ્વપ્ન મોટા રાખતાં.  વારે વારે કહેતા કે હું નથી ભણી પણ મારી દીકરીઓને તો ભણાવીશ જ – ગમે તેટલું દુઃખ પડશે પણ મારી ત્રણેય દીકરીઓ ને શાળા અને કોલેજ કરાવીશ.  પછી બા રાત્રે મોડે સુધી બેસી સિલાઈ કરતા અને એ પૈસામાંથી અમારા પૂસ્તકો આવતાં અને શાળાની ફી ભરાતી.  સાથે બેસી સહુ વાતો કરતાં, ન સમજાય તે બા ધીમે રહી સમજાવતા.  કહેતા બેટા, દુનિયાદારી હજુ તને ન સમજાય, વખત જતાં સમજાશે.  એ વખતે અમારે અંગ્રેજી પણ શીખવાનું હતું –  અંગ્રેજી શબ્દ જલ્દી ન પકડાઈ તો બા બીજા પાસે ખૂબ મહેનત કરી શીખતા અને પછી અમને શીખડાવતા.

એવી અનેક માતાઓ હશે જે પોતાના બાળકો માટે આખી જીંદગી ન્યોછાવર કરી દેવા તૈયાર હોય છે.  અમારા જ કુટુંબમાં બે દાખલા એવા છે કે જે બહુ યુવાન વયે વિધવા થયા છે પણ બાળકો ખાતર બીજા લગ્ન નથી કર્યા અને બાળકોને પાંખમાં લઇ બેસી ગયા છે. બીજી તરફ માં જ એવી એક  વ્યક્તિ છે જે મોટું મન કરી બધું તેના પેટમાં સમાવી ધ્યે છે  નાના હોય ત્યારે નાની ભૂલો અને મોટા થયાં પછી મોટી ભૂલો — કરતાં તો હોઈએ જ છીએ.  ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ કે અમૂક રીતે બોલશું કે વર્તશું તો માને કેટલું દુઃખ થશે!  બાળપણમાં અજ્ઞાત રીતે અને યુવાનીમાં – જુવાનીના જોશમાં, કંઈક એવા દાખલાઓ હશે કે માને દુઃખ પહોચ્યું હશે. એ જનનીનું ઋણ  કઈ રીતે ચૂકવાય ?

ભણતા ભણતા બીજી બધી વાતો પણ શીખવાની આવતી.  ઘરનું કામકાજ શીખવાનું, થોડું સીવણકામ શીખવાનું,  ખાસ તો પત્ર કેમ લખવા એ ખાસ શીખવું પડતું કારણકે એ વખતે ટેલિફોન તો ભાગ્યે જ કરતા.  આજના જેવી સેલ ફોનની સુવિધા થોડી હતી!!  પત્ર લખવા એ પણ એક કળા હતી.  પોતાની ઉમર વાળાને પત્ર કેમ લખાય -કેવું સંબોધન વાપરવું અને ખાસ કરીને વડીલોને લખતા હોયએ ત્યારે માન વાચક સંબોધન ક્યા શબ્દોમાં કરવું એ બા ધીરજથી શીખડાવતા.  રસોઈ શીખવાનું અને ખાસ તો શીખડાવવાનું જરાપણ સહેલું નહોતું.  કેટલીયે વાર મીઠુ વધારે પડતું અથવા નાંખવાનું જ ભૂલી જતાં,  તો કોઈક વાર રોટલી બળી જતી.  રોટલી વણતા શીખ્યા ત્યારે કેટલાયે નકશા બની જતા.  આ બધું હસતા હસતા અપનાવી લેતી બા અને પ્રેમથી એજ ખાય લેતા તે હજુ પણ સ્મૃતિપટ પર વણાયેલું છે.  અને હૈયું ભાવવિભોર બની જાય છે.

શ્રી દામોદર બોટાદકર તેમની રચનામાં તો એમ કહયું છે કે ગંગાના નીર વધે ઘટે છે પણ માનો પ્રેમ અવિરત વહે છે તેમાં વટઘટ નથી થતો એ તદન સત્ય હકીકત છે – માના પ્રેમની ચાંદની કાયમ ઉજાશ આપતી રહે છે વળી બીજી સરખામણી મેઘની સાથે કરે છે વ્યોમ વાદળથી ભરાયેલું હોય ત્યારે વર્ષા વરસે છે પણ માવડીનો પ્રેમ તો બારે માસ વરસે છે.  તેમાં કોઈ ત્રુતિ નથી હોતી.  મારી માં એટલી જ મીઠી હતી – જેવી કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ – એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ. 
વાત નીકળી જ છે તો અહીં કૃષ્ણને પણ યાદ કરી લઉં –  તો કૃષ્ણએ માતા યશોદાને ઓછા સતાવ્યા હતા ?  ગોપીઓના ઘરોમાં જઈ માખણ ચોરી લેતા અને માં પાસે કબુલ ન કરતાં.  ભલેને પછી મોઢા પર માખણ ચોટ્યું હોય.  અને માં યશોદા પણ કાનાની વાતમાં કેવા  તણાઈ જતા અને ગોપીઓને વઢતાં.  મોટા થયા ત્યારે રાધાની સાથે વિવાહ કરવા માને કેવા સમજાવે છે!!  કેટલાયે કારણો આપે છે રાધા સાથે લગ્ન કરવા માટે.  માં, એ ગોરી છે આપણા બાજુના ગામ બિરજની છોરી છે માં, તારે કામ નહિ કરવું પડે, બધુ જ કામ રાધા ઉપાડી લેશે.  માં,  તારી સામે ઘુમટો નહિ ખોલે.  કેટકેટલી શિફારીશ કરવી પડી – અને છેલ્લે એ પણ કહી દીધું કે જો મારા વિવાહ રાધિકા સાથે નહિ કરો તો કાલથી સીમમાં ધેનુ ચરાવવા નહિ જાંવ.  આ સાંભળ્યા પછી માં યશોદા કેવી રીતે મમતાને બાંધી રાખે!!  પ્રેમ, મમતા છલકાઈ ગઈ.  માં ગાંડી બની ગઈ, બેઉ હાથે બલૈયા લઇ કાનાને છાતીએ લગાડ્યો.  આને માતૃ પ્રેમ કહેવાય.

આપણે બધા જ માતૃ તેમજ પિતૃ પ્રેમના ભૂખ્યા છીએ પણ દરેકના જીવનમાં એ સુખ નથી લખાયેલું હોતું.
કેટકેટલા બાળકો માં વિહોણાં મોટા થાય છે એવા બાળકોને થોડો પણ પ્રેમ આપી શકો તો જરૂર આપજો.  ઉપરથી ભગવાન પણ આશિર્વાદ અને ફૂલો વરસાવશે.  પોતાને બાળક ન થતાં હોય તો કોઈ અનાથ થયેલા બાળકને ગોદ લેજો.  જેથી તમને બાળક મળે અને એ અનાથ બાળકને માંનો પ્રેમ મળે.  એના જેવું પુણ્યનું બીજું કોઈ કામ નથી.  માતા દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો.  પિતા વાસુદેવ એમને ટોપલામાં મૂકી પાસેના ગોકુળ ગામમાં નંદલાલા અને યશોદાને ઘરે મૂકવા ગયા ત્યારે નદીએ પણ માર્ગ કરી આપ્યો, શેષ નાગે છત્ર આપ્યું.  માં દેવકીએ કેટલો મહાન ત્યાગ કર્યો હતો પોતાના બાળકને જીવનદાન આપવા અને માં યશોદાએ કેટલા પ્રેમથી કાનાને અપનાવ્યો હતો.  આજે ઘરે ઘરે એનું ગુંજન થાય છે અને એ પવિત્ર પ્રેમ ને સૌથી ઊચું સ્થાન અપાયું છે.

માં, વહાલનો દરિયો.  દીકરીને માં બાપ ની ઓથ અને માં બાપને દીકરીની ઓથ.  જેટલું માબાપ દીકરીને સમજે અને સંભાળે તેટલું જ દીકરી ઘડપણમાં તેમને સંભાળે.  એક વખત એવો હતો કે દીકરીની કંઈજ કદર ન્હોતી થતી.  માન્યતા એવી હતી કે દીકરી તો પરણીને પારકે ઘરે જતી રહે છે એટલે ઘડપણમાં દીકરો જ કામ આવે અને માબાપની દેખભાળ રાખે.  એક કહેવત એવી પણ છે કે ” દીકરીની માં રાણી અને ઘડપણમાં ભરે પાણી ,”  જેને દીકરો ન હોય તેમને પહેલાનાં વખતમાં આવું કહેતા.  આજે જમાનો એટલો બદલાય ગયો છે કે આજે દીકરાઓ કરતાં દીકરીઓ જ માબાપનું વધારે ધ્યાન રાખે છે અને તે પણ પ્રેમ અને આદરથી.  એનો અર્થ એવો નથી કે દીકરાઓ સમજુ નથી હોતા, અપવાદ બધે જ જોવા મળે છે

દીકરીઓ ઉપર અત્યાચાર વધારે ગુજારાય છે એ સત્ય છે.  ભારતમાં આજે પણ ભ્રુણ હત્યા મોજુદ છે. જે સામાન્ય માનવીના માનસમાં ઘૂસી ગયું છે તે નાબુદ કરતાં ખબર નહી હજુ કેટલાં વર્ષો જશે પણ કાળા કાળા વાદળોની પાછળ એક સુર્યનું કિરણ છુપાયેલું છે તેમ અનેક નિરાશામાં એક સોનાનું કિરણ, એક આશા રહે છે કે એ માન્યતા જરૂર બદલાશે.  હવે લોકો જાગૃત્ત થયા છે અને લોક જાગૃતિ એ દેશનું બળ છે
નવી સોચ – નવલ ભારત” માં” – જે દયાનો પુરવઠો.
જયવંતી પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s