મારી માવલડી-રશ્મિ હરીશ

   12592778_10153487609357893_6464449022975040803_n

  મંગુભાઈ ઈનામદાર અને અંબાબેન ઈનામદાર ને ત્યાં  એક કન્યા રત્ન જન્મ્યું ! જમાનો તો એ હતો, જયારે નવજાત બાળકીને  “દૂધપીતી ” કરવાનો રીવાજ 

હજી અસ્ત નહોતો થયો , જો કે હા , આ પ્રથા અસ્ત તો આજે પણ ક્યાં થઇ છે ? ફર્ક હોય તો એટલો  જ  કે, ત્યારે દીકરી ઓ ને જન્મ લેવાનું સૌભાગ્ય (!) તો 

સાંપડતું મારી માવલડીજ, આજકાલ તો જન્મ પહેલાં જ …!આ ઈનામદાર કુટુંબમાં જે કન્યા રત્ન પ્રગટ્યું, તે એક તો ઊંચા ખાનદાન, મોભાદાર ઘર અને પુણ્યશાળી માબાપનું પ્રથમ સંતાન હતું . વળી રત્ન  શબ્દ પણ તેણે માટે અતિ યોગ્ય હતો, કારણ કે મોતી રંગ નો વર્ણ ,રૂબી ની ઝાંય પથરાઈ  હોય, તેવો આછેરો રક્ત રંગી ચહેરો, અને સોલીટેર હીરા મઢ્યા હોય તેવી સ્વચ્છ પાણીદાર આંખો ! સાચે જ રત્ન નો ભંડાર લઇ ને જન્મેલી આ કન્યા નું નામ  “કંચન” સિવાય બીજું શું રાખી શકાય? કંચન તો સાચે જ પેલી પરી કથા ની કુંવરી ની જેમ દિવસે ના વધે તેટલી રાતે વધતી ગઈ, અને આ કંકુ પગલી કન્યાના શુભ પગલે માબાપ ને ત્યાં ત્રણ પુત્ર રત્નો પણ જનમ્યાં.એને  એક નાની બેન પણ હતી. સૌ ભાંડુડા  કંચન ને “મોટાં બેન” કહેતાં.

 એકવાર ગામ માં એક જ્યોતિષી આવ્યા , સૌ એ એમને ઈનામદાર ના ડહેલે  બેસવા કહ્યું , અને ગામ ના લોકો પણ પોતાનું ને ખાસ તો પોતાની દીકરીઓનું ભવિષ્ય જાણવા ત્યાં એકત્રિત થયા . સૌથી પહેલો નંબર કંચનનો આવ્યો કરણ કે તેણે ૧૧મુ વર્ષ પૂરું થઇ ને ૧૨ મુ વર્ષ બેઠું હતું અને કન્યા ને ૧૨-૧૩ વર્ષે પરણાવી દેવાનો વણકથ્યો નિયમ હતો તે જમાનામાં. જ્યોતિષીએ કંચનના બંને હાથમાં માછલીનું ચિન્હ જોઈ ને ભવિષ્ય  ભાખ્યું કે, આ કન્યા તો કોઈ રાજવી કે ગામધણીનું ઘર ઉજાળશે! અને સાચે જ જ્યોતિષી ની આગાહી સત્ય ઠરી, જયારે કંચન ના વિવાહ કમ્બોલા ને એવાં ત્રણ ગામ ના ધણી શિવરામ ઈનામદાર ના સુપુત્ર ઠાકોરલાલ ઈનામદાર સાથે થયા. કંચન ને એકવાતની ખુશી જીવનભર રહી કે, લગ્ન પછી પણ તેની અટક ઈનામદાર જ રહી!  આવું ભાગ્ય દરેક દીકરીને ક્યાં મળે છે?!

લગ્ન એટલે શું તેની પણ ઝાઝી જાણ વગર  ગણેશ આગળ બેઠેલી કંચનના મન નાં ભાવ કેવા હશે? થોડો ઉત્સાહ, થોડી અમૂંઝણ, થોડી અનિશ્ચિતતા ને અનેક ગણી આશા..!જાણે, ભીંતે ચીતરેલા ગણેશને તે પૂછે છે “ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો , આ મીંઢળ હું બાંધું ? આખા તે આયખાની મઘમઘતા કંચવાને, પારકી તે ગાંઠ થી હું ગાંઠું…?”પાંચીકા રમવાની ઉમરે સાસરે જવું, ને તેમાય એ જમાનામાં તો ઘૂંઘટ ઓઢી ને કામ કરવું કેટલું દોહ્યલું! પણ કંચન તો જેમ પિતા ને ત્યાં નોકર ચાકરો માં ઉછરેલી તેમ જ સાસરે પણ હતું . અસીમ સુંદરતા સાથે અપ્રતિમ બુદ્ધિમત્તાવાન કંચને સાસરે આવતાં જ પોતાનું સ્થાન અને કામ સમજી લીધા. જાણે લગ્ન ની ભેટ સ્વરૂપે મળ્યો હોય તેમ, પતિની આગલી મૃત પત્ની નો પુત્ર તેને, લગ્ન વખતે જ  પ્રાપ્ત થયો હતો. તેના ઉછેર અને સંસ્કાર સિંચન નું કાર્ય તેણે એવી રીતે ઉપાડી લીધું કે, પાછળથી તે દીકરા  ને સરકાર  તરફ થી પ્રમાણિકતા નું પ્રમાણપત્ર પણ મળેલું! રાજકારણ માં સહજ હોય છે, તેમ સસરા- પથીચંદ ઈનામદારના મૃત્યુ પછી તરત કોઈ એ ગાયકવાડ સરકારમાં લખાણ મોકલ્યું કે, “મરનાર ગામ ધણી ને કોઈ વારસદાર નથી તો ધણીપણું ખાલસા કરવું!” આમાં કેટલાક અભણ ગામ લોકો અને કેટલાક વિરોધીઓ એ સહી પણ કરેલી, એટલે ગામો ખાલસા થયાં ને સાલિયાણું બંધ થયું! આવા કપરા સંજોગોમાં કોઈ પણ તૂટી જાય પણ પતિ પત્ની બંને હિંમતવાળા, બાહોશ અને સાહસિક હતા. કંચને પતિ ને હિંમત આપીને તેઓ એ સરકાર માં હાજર થઇને જણાવ્યું કે,  “હું પોતે વારસદાર છું” પણ કમાનમાંથી નીકળેલા તીરની જેમ ખાલસા થયેલા ગામનો હુકમ પણ પાછો ન વળ્યો તે ન જ વળ્યો … પણ આવા  બનાવો થી ડરી જાય કે ભાંગી પડે તેમાંનું આ દંપતી નહોતું, તેમનું ઘરબાર, પિતાએ બંધાવેલી શાળા, સ્વામીનારાયણનું મંદિર અને મંદિર ખાતે આપેલી ૨૦ વીઘા જમીન અને આખે આખું ગામ મૂકી ને ભાગ્ય અજમાવવા નીકળી પડ્યું આ અજોડ દંપતિ.

ઈનામદાર દંપતિ પોતાના એકમાત્ર પુત્રને લઇ ધરમ પુર રાજ્ય માં પહોચીને રાજા ને વાત કરી, અહીં પણ ત્રણ ગામો ની જવાબદારી સ્વીકારી,  ગામમાં ત્યારે આદિવાસી ઓના છુટા છવાયા ઝુંપડા સિવાય કાંઈ નહોતું. ધીમે ધીમે મહેનત થી જમીન ને ખેતી લાયક બનાવી, જુદા જુદા અનાજ, કઠોળ,  તેલીબીયા અને કેરી તેમજ બીજા ફાળોની ખેતી ચાલુ કરી . ગામના લોકોનું પણ ધ્યાન રાખ્યું . ત્રણે ગામ માં પાણી માટે કુવા, કરીયાણાની દુકાન અને શાળા બંધાવી.કંચન બેન, પોતાના પરિવાર સાથે એમાં ના જ એક ગામ “ધોધડ કુવા” માં રહેવા લાગ્યા . એ જ ઘર માં તેમનું કુટુંબ વિસ્તર્યું , તેમને બીજા બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જન્મ્યા જેનાથી તેમનું ઘર ભર્યું ભાદર્યું અને આનંદપૂર્ણ બની રહ્યું.તેઓ પોતાના ખેતર માં ડાંગર નો પાક સૌથી વધુ કરતાં કારણકે વરસાદ વધારે પડતો અને આબોહવા પણ અનુકુળ રહેતી. આ ઉપરાંત તમામ કઠોળ અને તેલીબીયા તેમજ  શાકભાજી પણ ઉગાડતાં, જેથી વર્ષ ભર ની ખાદ્ય સામગ્રી ઘર ની જ મળી રહેતી. આ સિવાય પણ ઘણી જમીન બાકી રહેતી જેમાં ઘાસ ની ખેતી કરવામાં આવતી હતી આ ઘાસ ની ઘાસડી ઓ પ્રેસ માં તૈયાર થતી ને  રેલ્વે દ્વારા મુંબઈ મોકલાવાતી. ઈનામદાર શેઠ પોતે આ બધા બહારના કામો માં, તેમજ ખાલસા થયેલા ગામધણીપણાના ગાયકવાડ સરકારમાં ચાલતા કેસ માટે એમ બહારના કામો માં વધુ વ્યસ્ત રહેતા એટલે ખેતી નું બધું કામ કાજ કંચન બેન ની દેખરેખ હેઠળ ચાલતું. આમ તેમનું જીવન સરસ રીતે વહેતું હતું.

       આવા નાનકડા ગામોમાં પાણી, વીજળી કે વાહન ની કોઈ જ સગવડ નહોતી તો પછી ગામ માં ડોક્ટર, દવાખાના કે સારવાર તો હોય જ ક્યાંથી? પરિણામે દર વર્ષે અનેક લોકો સારવાર ના અભાવે જીવ ગુમાવતા, આવા માં કંચન બેન ના બે નાના દીકરાઓ પણ હોમાયા એકની ઉમર પાંચ અને બીજાની અઢી વર્ષ. પોતે ઘોડાગાડી રાખતા પણ ચીલ ઝડપે  વધતી  માંદગી ની સામે ઘોડા ગાડી ની ઝડપ ઘણી ઓછી પડતી!  ખરેખર તો સામાન્ય લાગતી માંદગી, ડોક્ટર, દવા, અને સારવાર ના અભાવે તો ક્યારેક સમયસર વાહન ન મળવાથી શહેર ની હોસ્પિટલ માં સમય સર ના પહોચવાને કારણે માંદગી ઘાતક બનતી. પોતાના બબ્બે પુત્ર ને એક-દોઢ વર્ષ ના ગાળા માં ગુમાવનાર માબાપની દશા કલ્પનાતીત હતી . બંને ભારે સમજુ હતા, તેઓ એકબીજાને આશ્વાસન આપવા પ્રયત્ન કરતાં અને કારમાં ઘાને કાળજે સમાવી સ્થિતિ સામાન્ય કરવા મથતા, ક્યારેક પતિ તો ક્યારેક પત્ની સાવ ભાંગી પડતા,  પણ સમજદારી થી એકબીજા ને સંભાળી લેતા. અંતે બંને એ નિર્ણય કર્યો કે આપણે દીકરીઓ ને દીકરાથી સવાઈ ગણીને ઉછેરીશું અને ભણાવીશું અને સાચે જ જયારે છોકરા ઓ પણ માંડ  વર્નાક્યુલર ફાઈનલ ની ડીગ્રી લેતા, ત્યારે આ માબાપે ત્રણે દીકરીઓ ને કોલેજ ભણવા મોકલી. એટલું જ નહિ પોતે, વલસાડ જીલ્લાના પોતાના ત્રણે ગામોમાં  શાળા  બંધાવી ને કેળવણી ને ઉત્તેજન આપ્યું અને આ કારણથી ૧૯૬૨ ની સાલ માં તેમના સંતાનો અને માબાપને ખંભાત અત્રાપી મંડળ ના ઉપક્રમે , ત્યારના શિક્ષણ પ્રધાન શ્રી મગનભાઈ બારોટ તરફથીબિરદાવવામાં આવ્યા. 

પોતાના ગામોમાં પાણી માટે કુવા, જીવન જરૂરિયાત ની ચીજો માટે કરીયાણા ની દુકાનો અને ગામ ના બાળકોની કેળવણી  માટે, શાળાઓ ની વ્યવસ્થા તો કરી પણ, હજી લોકોને માંદગી થી રક્ષણ મળે તે માટે, કૈક કરી છૂટવાના વિચાર ને અમલ માં મુકે તે પહેલાં જ , ૧૯૫૫ ની સાલમા “સમાજવાદ ઝીન્દાબાદ” ના સૂત્ર સાથે લાલ ટોપીધારી સમજ વાદ દ્વારા મોટા જમીન માલિકો સામે આંદોલન ચલાવ્યું.  દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું ગયું.  ગામના આદિવાસી લોકોને માલિકો ને ત્યાં મજુરી ના કરે  તે માટે સમજાવ્યા. ખેતી નું કામ ઠપ્પ થઇ ગયું! આવામાં કંચનબેન અને શેઠે પોતાના પંચમહાલ જીલ્લામાંથી મજુરો લાવી ને ખેતી નું કામ ચાલુ રાખવાના મરણીયા પ્રયાસો આદર્યા.

આ બાજુ સમાજવાદનું આંદોલન પણ પુરજોશથી ચાલુ હતું. તેમના આગેવાનો, જ્યાં આવી રીતે ખેતી નું કામ ચાલુ હતું ત્યાં ૫૦૦૦ થી ૬૦૦૦ મજૂરો ના ટોળાઓ લઇ ને ઉભા પાકમાં,આગ લગાડવાનું ચાલુ કર્યું. સતત સાત વર્ષો સુધી આંદોલન ચાલતું રહ્યું ને ઉભા પાકો ખેતર માં બળતા રહ્યા. આવી કટોકટી માં કંચન બેને , પોતાની બે- બે દીકરીઓના એક સાથે લગ્ન લીધા, તેજ વખતે મોરાર જી દેસાઈ નો “ગોલ્ડ એક્ટ” પણ લાગુ હતો !!! બબ્બે દીકરી ઓ ના કરિયાવર કરતા આ ઈનામદાર દંપતી કેવું હેરાન થયું હશે?પણ આવા બાહોશ, સાહસિક, હિંમતવાન અને ધિરજવાન દંપતી, હંમેશ ની જેમ આ કસોટી માંથી પણ પાર ઉતર્યાં .

 જીવન સંઘર્ષ સામે લડતા લડતા થાક તો લાગેજ, પણ થાક ખાવાનો સમય તો ભગવાન જ આપી શકે, એ ન્યાયે  વધુ સમય મળે તે પહેલાં જ કંચન બેન ના પતિ ને ઉપર જણાવેલા બધા કારણો અને ટેન્શનો ને લીધે , લકવા નો એટેક આવ્યો. અને તે સમયે પણ ડોક્ટર, દવાખાના અને સારવાર ના અભાવે, અને ખાસ તોઝડપી વાહનો ના અભાવે  મોડું તો થયું જ પરંતુ બોમ્બે માં મરીન લાઈન્સ આવેલી “બોમ્બે હોસ્પિટલ” માં દાખલ કર્યા, ત્યાં ત્રણેક મહિના રાખીને સેવા અને સારવાર કરીને કંચનબેન પોતાના પતિ ને સાજાસમા લઇ ને ઘરે આવ્યા, જોકે માંદગી એ પોતાની અસર તો છોડી જ હતી!  પરિણામે હવે જીવન ના દરેક ક્ષેત્રે બધી જ જવાબદારી કંચન બેન પોતે ઉઠાવવી પડતી. તેઓ ની આસપાસ ની જમીન ના માલિકો  તો સમાજ વાદ ના આંદોલન થી થાકી ને ખેતી કામ બંધ કરી,ક્યાર ના શહેર જતા રહ્યા હતા. પણ કંચનબેને એકલે હાથે સંઘર્ષ કરી ને ખેતી ચાલુ રાખી . એમના આ બહાદુરી ભર્યા કામો ને લીધે આજુબાજુ ના સૌ જમીનદારો તેમને “ઝાંસીની રાણી” કહી ને બિરદાવતા!

      આ “કંચનબેન” તે જ મારી માવલડી! આ તેજસ્વી મહિલા વિષે એક નવલકથા પણ લખી શકાય, પણ શબ્દોની મર્યાદા જાળવીને કહું તો, તેમણે તેમને ભાગે આવેલું,દરેક કાર્ય અને જવાબદારી, પુરી નિષ્ઠાથી અને સફળતા પૂર્વક નિભાવી હતી .પોતાના બધા બાળકો ને ભણાવ્યા જ નહિ ગણાવ્યા પણ ખરા. પોતે આચરણથી સદગુણો સીંચ્યા. સૌને સારા ઠેકાણે પરણાવ્યા, બધાજ રીવાજો નિભાવ્યા, એટલે સુધી કે બધા પૌત્ર-પુત્રીઓ અને દોહિત્ર-દોહીત્રીઓ ના પ્રસંગો પણ રૂડી પેરે ઉજવ્યા .આ બધી ખૂબીઓ ઉપરાંત પોતાના માયાળુ, દયાળુ અને ઉદાર સ્વભાવ તેમાં જ હંમેશા હસતી રહેતી, પાણીદાર આંખો, અને ઉંચી બુદ્ધિમત્તા,એ તેમની આગવી ઓળખ હતી. તેમના સંપર્ક માં આવનાર સૌ કોઈ ક્યારેય ભૂલી નહી  શકે. તેમના જીવન નો આ પ્રસંગ ના કહું તો  તેમનામાં રહેલા અખૂટ આત્મવિશ્વાસ  માટે અન્યાય ગણાશે – તેમના એક દોહિત્ર નો મિત્ર જયારે આવે ત્યારે તેમને પગે લાગતો, વાતો માં તેમણે,  જાણી  લીધું કે. તે ઘણો ગરીબ છે ને આગળ ભણવું પણ શક્ય નથી .

 એક વાર બેસતા વર્ષ ના દિવસે તે આવી ને “બા” ને પગે લાગ્યો તેમણે  ૧૦ રૂપિયા ની નોટ કાઢીને કહ્યું,–” લે બેટા, આ સાચવી ને  રાખજે. જો મારા બંને હાથ માં  માછલી ઓ છે એટલે મારા આશીર્વાદ ફળે જ છે, તું પાંચ  વર્ષ માં જ તારી પોતાની ગાડી લઇ ને મને પગે લાગવા આવજે, જા દીકરા તને મારા આશિષ છે”  અને તમે નહિ માનો, ખરે ખર તે છોકરો બા ની હયાતી માં જ પાંચ વર્ષ પુરા થાય તે પહેલાં જ, પોતાની ગાડી આવ્યો અને કહ્યું ,” જુઓ બા તમારી ગાડી!” ફરજંદ કોઈ નું પણ હોય તે ના ભણે તે ન  ચલાવે, તેની બધી જરૂરિયાત પૂરી પાડે ને, કહે “લે હવે ભણ!”

 મારા અનુભવે મને સમજાયું છે કે, દીકરી ને માતાના ગુણો જ દેખાય , દોષ તો શોધ્યા ના જડે, હા, દીકરાને કદાચ જડી આવે તે પણ લગ્ન કરે પછી જ!મારી માવલડી નો એક દોષ (ખરેખર તો ગુણ જ!) મને જડ્યો બહુ જ સંશોધન કર્યાં પછી! તેઓ અત્યંત શિસ્ત પ્રિય અને સમયના પાબંદ હતાં, અને અમને બાળકોને કડક રીતે આ બધું પળાવતાં તેમાં અમારી ચૂક થાય તો ખૂબ ગુસ્સે થતાં! અને એ ગુસ્સે થાય ત્યારે એમની બહું બીક લાગતી! અત્યારે પણ એવું કઈ થઇ જાય તો તરત મન માં થાય કે “હમણા બા બોલશે!” 

બા નું માતૃત્વ એના પોતાના બાળકો ઉપરાંત તેના સંપર્ક માં આવતી તમામ વ્યક્તિઓ માટે એક હૂંફાળી છાયા સમું બની રહેતું. અમે નાના હતા ત્યારે અમારી પરીક્ષા કે નોકરી ના ઇન્ટરવ્યુ કે હરીફાઈ વખતે અમે બા ને કહેતા કે તું પ્રાર્થના કરજે તારા ભગવાન ને! વર્ષો પછી અમારા બાળકો ના તમામ અગત્યના અને સારા કામ વખતે અમે સૌ બાને આ જ વાક્ય વારંવાર કહેતા રહેતા. 

 એક વાર બા ને કહીએ પછી અમને જરાય શંકા નહોતી રહેતી. જેટલી શ્રધ્ધા અને વિશ્વાસ અમને બાની પ્રાર્થના માં હતાં, એથીએ વધુ શ્રદ્ધા અને વિશ્વાસ બાને એના ભગવાન માં હતો.

        

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in રશ્મિબેન જાગીરદાર and tagged , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s