ચાંદી ચમકીલા વાળ -જયવંતી પટેલ

કેશ – કુદરતની સુંદર રચનાનું એક ઉદાહરણ, અનુપમ સ્વરૂપ.  સૌન્દર્ય માં પુષ્ટિ પણ કરે અને વિકરાર સ્વરૂપ પણ આપે.  કેશ, સીમા ઓળંગી તમને એટલું સ્વરૂપ આપવા સમર્થ છે કે ભલભલાની બુદ્ધિ કામ કરતી અટકી જાય.  દ્રોપદીના કેશ તેના  સૌન્દર્યનુ એક મહાન પાસુ હતું.  કેશની સાથોસાથ તેની આંખો પણ એટલી જ સુંદર અને  મોહક

હતી જેથી તેને કમલનયની પણ કહેતા.  વિવિધતાથી ભરપૂર વાળની કેશકળા અને ગોઠવણી મનને  પુલકિત કરે છે અને આંખોને ભાવે છે. નારીનો અંબોડો ખૂબ વખણાયેલો છે.  તેના ઉપર અનેક કવિતા, ગઝલો, ગરબા અને પ્રેમગીતો લખાયેલા છે.   જાણીતું લોક ગીત ”  મારી વેણીમાં ચાર ચાર ફૂલ,  અંબોડલે સોહે સોહામણી એ ઝૂલ ”  ખૂબ જ લોકપ્રિય ગીત છે.

 

આ બધી વાતો તો જયારે જુવાની હોય અને કેશ સુંદર કાળા કાળા હોય ત્યારે બને છે.  આપણે તો વાતો કરવી છે ચાંદીના ચમકીલા વાળની.  ચાંદીના વાળ તો જેમ ઉમ્મર વધે એમ ધીમે ધીમે બદલવા માંડે.  ઘણી વાર તો ખ્યાલ પણ ન રહે કે ક્યારે આ બદલાવ આવી ગયો.  એક દિવસ અરિસામાં જુઓ તો કાળા વાળમાં ચાંદીનો રંગ દેખાવા માંડે છે.  જેને અહીંના લોકો “સોલ્ટ અને પેપર ”  કહે છે.  એટલે “મીઠું અને મરી ”  જેવા રંગના વાળ.  પછી બધા જ વાળ ચાંદી જેવા થઇ જાય છે.તમારી આંખો એ જોવા ટેવાયેલી નથી હોતી જેથી થોડું ખોટું લાગે છે કે આવું કેમ બન્યું ?  શું અમે પ્રોઢ બની ગયા!!  મારું મોઢું પહેલા જેવું નથી લાગતું,  શું કરું !  અરે ભાઈ !  પહેલા જેવું કેવી રીતે રહે ?  તમે હવે વીસ પચીસ વર્ષના થોડા છો ! હવે સાઈઠ વર્ષ થયાં.  વીસ ને બીજા ચાલીશ ઉમેર્યા ત્યારે સાઈઠ થયા.   આટલા બધા વર્ષ તો સારું કામ આપ્યું છે હવે ફરિયાદ શાને કરો છો ?  અને પાછું ફેશનમાં રહેવા માથામાં તેલ પણ નથી નાખવું.  દેશમાં હોઇએ તો દરરોજ થોડું તેલ પચાવીએ.  માથું ધોયેલું હોય તો તો બરાબર તેલ નાખીને જ ચોટલો વાળીએ.  હવે એ જમાનો થોડો રહયો છે?  પહેલાં તો અઠવાડીએ એક વાર માથું ધોતાં અને પછી વાળ સુકાઇ એટલે તેલ પચાવીને વાળ ઓળતાં.  વાળ લાંબો સમય તેની ચમક જારી રાખતા.  હવે આજકાલના યુવાન-યુવતીઓને વાળ લગભગ દરરોજ ધોવા પડે છે.

 

સફેદ વાળનો પણ અમુક જગ્યાએ ખૂબ ફાયદો છે ક્યાંય પણ જાંવ અને સીનીયર ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો સફેદ વાળ સારું કામ કરી જાય છે પછી આઈ ડી બતાવવાની પણ જરૂર નથી પડતી.  ગયા સપ્ટેમ્બરમાં અમો અમારી દીકરીને મળવા લંડન ગયા હતા.  ત્યારે અંડર ગ્રાઉન્ડ ટ્રેનમાં અને બસમાં ઘણીવાર મુસાફરી કરી હતી.  જેવા સફેદ વાળ જુવે કે વિનયથી સીટ ખાલી કરી આપે.  ટ્રેનને માટે પાસ લેવા જઈએ ત્યારે પણ વગર માંગ્યે ડિસ્કાઉન્ટ આપી દેતા હતા.  અહીં અમેરિકામાં પણ મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ માં સિનિયરોને અમૂક ટકા ઘટાડીને આપે છે.  સફેદ વાળ હોય ત્યારે સીડીઓ ચઢતી વખતે જો તમારી પાસે મોટી બેગ હોય તો તરત કોઈ મદદ કરવા તૈયાર થઇ જાય છે સિનેમા જોવા જવું હોય તો ત્યાં પણ સિનિયરોને ઓછા ભાવમાં ટીકીટ મળે છે.  તો ચાંદીના ચમકીલા વાળનો પ્રભાવ તો પડે જ છે.  હમણાં અમો એક  ઓળખાણ વાળા બહેનની ખબર લેવા નર્સિંગ હોમમાં ગયાં.  અમે ગયાં ત્યારે બીજું એક જુવાન દંપતિ ત્યાં આવેલું.  તેઓ ઊભા રહી ખબર પૂછતા હતા.  અમે પણ તેમની બાજુમાં ઊભા રહયા.  તેવામાં ત્યાં કામ કરતી નર્સ આવી.  મારાં પતિને જોઈ કહે કે હું તમારે માટે ખુરશી મંગાવું છું અને એણે બીજી કામ કરવાવાળી ને ખુરશી લાવવા કહયું.  મારો ભાવ ન પૂછયો.  એમના સફેદ વાળ કામ કરી ગયા.  બલકે બેસવાની મારે વધારે જરૂર હતી, મારો ડાબો પગ દુઃખતો હતો.  પણ કારણકે હું વાળ કલર કરું છું એટલે એ માન મને ન મળ્યું !! જોયુંને – ચાંદીના વાળની કરામત!!

 

સફેદ વાળ તમને ગમે છે કે નહીં એ નક્કી થાય તે પહેલાં તમારા પાર્ટનરને ગમે છે કે નહીં એ બહું અગત્યનું છે – જેટલી વખત મેં વાળ કલર કરવાનું માંડી વાળવા વિચાર્યું તેટલી વાર મારા પતિએ મને પ્રોત્સાહન આપવાને બદલે જુઓ શું શું કહયું છે ,” સાંભળ, તું કલર કરવાનું બંધ ન કરતી.  તમારે બહેનોએ” વીથ ઈટ ” રહેવું પડે.  અમારે પુરુષોને એવું કાંઇ  નહિ, બધું ચાલે ”  મેં કહયું,” અમોને પણ ચાલે.”  ” ધીમે ધીમે બધા અપનાવવા માંડે અને આપણી પોતાની આંખ પણ ટેવાય જાય.”  તો કહે “પણ જરૂર શું છે ?  મને તું કાળા વાળમાં જ સારી લાગે છે ” હવે મારે  વિચાર એ કરવાનો છે કે સફેદ વાળમાં સારી કેવી રીતે લાગું ?

 

અહીં એક વાત યાદ આવે છે.  અમારે દૂરના સગામાં એક માસી હતા.  માસી ખૂબ શોખીન હતા.  ઘણા વર્ષ સૂરતમાં રહેલા.  ધોબી કપડાં ધોઇ, ઈસ્ત્રી કરી ઘરે આપી જાય.  એકદમ બધુ મેચિંગ જ પહેરે.  જે સાડી પહેરે તેને મેચિંગ નખ રંગે, તેને મેચિંગ જૂતા અને પર્સ હોય.  વર્ષો પછી અમેરિકા આવ્યા.  દીકરીઓ હતી.  દીકરો અને વહુ પણ હતા.  હવે માસીનો શોખ  પહેલા જેવો જળવાતો ન્હોતો છતાં બધા પ્રયત્ન કરતાં કે તેઓ ખૂશ રહે.  સવારે તૈયાર થાય ત્યારે બધું મેચિંગ પહેરે : વાળ કલર કરે અને પછી ક્લબ કે સેન્ટર માં જાય.  ધીમે ધીમે ઉમ્મરના વધવા સાથે શારીરિક કમજોરી પણ વધવા માંડી.  છેલ્લે વીલ લખવાનું નક્કી થયું.  તો વીલમાં માસીએ લખાવ્યું કે હું મરું ત્યારે મારા વાળ કલર કરેલા હોવા જોઈએ.  મને સફેદ વાળ સાથે મરવું નથી – અને નેવું વર્ષે તેમણે વિદાય લીધી ત્યારે તેમનાં ઘરનાએ તેમનું માન રાખી તેમનાં વાળને કલર કરાવ્યો હતો અને સુંદર સાડી પહેરાવી, વિદાય આપી હતી.  તો માણસો આવા વિચારો પણ ધરાવે છે અને ઘણાને તેમાં કંઈજ અયોગ્ય નથી લાગતું.

 

સફેદ વાળ ડરામણા ક્યારે લાગે?  જયારે તેમાં નિર્દયતા ભારોભાર સમાણી હોય.  લાંબા સફેદ વાળ અને દાઢી રાખી કંઈક ધૂતારાઓ, બાળકો અને અબળા નારીઓને સતાવે છે અને ડરાવીને પૈસા બનાવે છે, ધાર્યું કામ કરાવે છે.  ત્યારે એ સફેદ વાળ માટે નફરત પેદા થાય છે કે જે સમાજમાં ખોટી છાપ પાડે છે.  બાકી કુદરતની તો માનવને એક મોટી દેન છે – માથા પર વાળ હોવા – આજકાલના ઘણાં જુવાનિયાને 35/40 ની ઉમ્મરમાં જ ટાલ પડી જાય છે એટલે પછી તેઓ બધા જ વાળ કઢાવી નાંખે છે.  એ પણ એક ફેશનમાં ગણાય છે.  કામનું સ્ટ્રેસ, તેલ ન વાપરવું, તડકામાં ન બેસવું – આ બધું વાળને ન ટકાવી રાખવામાં મદદ કરે છે અને લાંબે ગાળે તેનો પ્રભાવ દેખાડે છે.

 

ગામડાં ગામમાં કોઈ સફેદ વાળ વાળા વડીલ હોય તો લગભગ બધા જ જુવાનો, બાળકો અને વડીલો એમને માન આપે છે. પહેલાનાં જમાનામાં વડીલોના આશીર્વાદ લઇ ભણવા જતા અથવા નવું કોઇ કાર્ય શરૂ કરતા.  ચાંદીના ચમકીલા વાળ જુવાનીયાઓને કદાચ ન ગમે પણ તેનો પણ વટ હોય છે.  માટે સફેદ રંગથી જરાયે ગભરાવું નહીં – બલકે ચાંદીના ચમકતા વાળ સાથે મગરૂરીથી જીવો !

 

જયવંતી પટેલ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જયવંતીબેન પટેલ, સહિયારુંસર્જન and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s