‘રખડુને નેસે ‘ કવિ મકરંદ દવેના કાવ્યનો આસ્વાદ તરુલતા મહેતા

‘રખડુને નેસે ‘

‘રખડુને નેસે પીડા તો આવીને બેસી છે પંડ

એના મો સામે જોઈ કોણ બેસે?

સામેની ડાળીએ નિહાળું તો ચળકે છે

પીળ(ડ)કની તડકામાં આંખ,
પીડાએ ઘરને ધુમાડે ભર્યું તો મારી

આંગણામાં રમતી થઈ આંખ

કોઈ ખેરખટટા નો સૂર સંભળાતો કે

સરી જાઉં સૂરને હલેસે

પીડાને કીધું કે
આવી તો આવ,ભાઈ

રહેજે ખુશીથી રાતવાસો,

કૃતિકાના ઝુમ્મરથી નજરું  વળી તો વળી

જોશું તારો ય તમાસો

તારા બંધાયા અહી બંધાશે કોણ?

તું  તો આવી છે રખડુને નેસે.

કવિ મકરંદ દવે

‘ગમતાનો કરીએ ગુલાલ ‘ ગુજરાતી કાવ્યરસિક જનોને હોઠે ગુંજતી પંક્તિના સર્જક લાડીલા કવિ મકરંદ દવેને કોણ ન પહેચાને?આજે મેં મને ગમતા એક અલગારી ,મસ્ત ગીતના ગુલાલથી તમને રંગવા ધાર્યું છે.જેમાં જીવનના સહજ આનંદની વાત છે.સર્જક અને ભાવકનું જોડાણ બે માનવ પ્રકુતિનો યોગ છે.સાહિત્યના વિવિધ રસ વાચક તેની પ્રકુતિ મુજબ માણે છે.જેમ ભોજનમાં  કોઈને ગળ્યું તો કોઈને તીખું ભાવતું હોય છે,તેવું સર્વ કલામાંથી  માનવ પોતાની મરજી પ્રમાણે આનંદ મેળવે છે.એટલે જ સર્જક પોતાની રચનાને પબ્લીશ કરે પછી તે વાચકની બનેછે.મારું માનવું છે કે બ્રહ્માએ સૃષ્ટીનું સર્જન આનંદ અર્થે કર્યું છે,સાહિત્ય અને કલાનું સર્જન આનંદ માટે થાય છે,વાચક આનંદથી વાંચે છે અને એમાંથી સંદેશ  ગ્રહણ કરે છે તેથી એનાથી સમાજમાં જાગૃતિ આવે છે.જેમાંથી  આનંદ નથી મળતો તેને કોણ વાંચે?

ગુજરાતી કવિતામાં કવિ મકરંદ દવે  એટલે આંતરિક જાગૃતિના કવિ,સાત વર્ષની ઉમરે બીજા બાળકો માંડ કેળવણીમાં પા પા પગલી ભરતાં શીખતાં  હોય ત્યારે બાળક મકરંદ દવે આંતરિક રીતે જાગૃત થઈ ગયા હતા.દસ વર્ષની વયે  સહજ સ્ફૂરણાથી કાવ્ય લખવાની શરૂઆત કરી હતી.આપણા મધ્યકાલીન કવિઓના આચમનને તેમણે ગ્રહણ કર્યું છે.નરસિહ,મીરાં કે દયારામ પ્રભુભક્તિમાં લીન પણ તેમની સહજ કવિતા ઊંચા શિખરે વિરાજે છે,લોકહેયામાં વસેલી છે અને સદાય જીવંત રહેવા સર્જાયેલી છે.એ ભજનો કર્ણપ્રિય છે,અને જીવનના સત્યને અને આત્માની ઓળખને પ્રકાશમાન કરે છે.મકરંદ દવેની આધ્યાત્મિક,પ્રભુભક્તિની કવિતામાં પણ આવા અંશો જોવા મળે છે. તેમના   ગીતો લોકોના દિલમાં વસી ગયાં છે,સરળ,લોકબોલીની રંગતથી મીઠ્ઠી લાગતી વાણી લોકોને હેયે અને હોઠે ગુંજ્યા કરે છે.

કવિના ‘રખડુને નેસે’ ગીતમાં જીવનમાં આવી પડતી પીડાને હળવી રીતે સ્વીકારી જે મહામૂલું જીવન કુદરતની -પ્રભુની સોગાતરૂપે માનવને ઉપલબ્ધ થયું છે,તેને શરીર ,મન આત્માથી સાંગોપાંગ માણવાનું છે.આપણી પાંચે ઇન્દ્રિયો દ્રારા જગતના વિવિધ રસોને ઉલ્લાસથી એન્જોય કરીએ  અને જીવનના ઉત્સવમાં સૌને સામેલ કરીએ તો જગત નન્દનવન સમું લાગે.આપણા આ નન્દનવનમાં પીડા આવે તો એની સામે જોઇને કોણ  બેસી રહે? આ ગીતમાં ભરવાડો જેવું બેફિકરું જીવન જીવતા માણસની મનોવૃત્તિનું દર્શન છે.શહેરની ધમાલ,પોલ્યુસન,કોલાહલ અને સમયની કેદમાંથી છૂટી જંગલમાં મઝેથી અલગારી જીવવાનું સ્વપ્ન કોને ના ગમે?

ધનવાનને ત્યાં દુઃખ ,રોગ કે બીજી પીડા આવે તો આખું ઘર ઉપચારો કરવા ઉપરતળે થઈ જાય.પણ ગરીબ ,રખડપટ્ટી કરતો માણસ પીડાની સામે જોતો નથી.’નેસે’ એટલે  ભરવાડનું ઝુપડું જે  જંગલમાં હોય,ચારે બાજુ વુક્ષો દેખાતા હોય,પંખીઓ ઝાડની ડાળીએ ઝૂલતા હોય, રાત્રે ખૂલ્લા આકાશમાં તારા,કૃતિકાના ઝુમ્મર હોય,તમે  કલ્પના કરો તો કાવ્ય મઝાનું લાગે.પીડા કોઈને ગમતી નથી,એ માથે પડ્યા મહેમાન જેવી વણનોતરી પંડે (જાતે)આવે છે.એની દરકાર રાખવાની જરૂર નથી.સુખના પ્રસંગો,તહેવારો આપણે આમન્ત્રણો આપી ગોઠવીએ છીએ,મહેમાનોની આગતાસ્વાગતા કરીએ તેમાં આપણી શોભા છે.એટલે કવિ પીડાને કહે છે,”હું તારા મો સામે જોઇને બેસી રહેવાનો નથી.’ કવિ પોતાની નજરને ડાળીએ બેઠેલા પીડ(ળ)કની આંખ જે તડકામાં ચમકે છે,તે તરફ વાળે છે.સરળ લાગતી આ વાત જીવનના આનન્દના રહસ્યને બતાવે છે.જયારે કસોટી આવે ત્યારે આપણી આંખ ફોકસ કરે અને અર્જુનની જેમ ધાર્યું નિશાન તાકે એ ઉચિત છે.પણ આવે ને જાય તેવાં દુઃખો -પીડા તરફથી નજર બીજે વાળી મનને પુલકિત રાખવાનું.  એક જમાનામાં ઘેર ઘેર ચૂલા હતા,ચૂલામાં લાકડાનો ધૂમાડો થાય ત્યારે ઘડીક બહાર આગણામાં જવાનું,કવિ એવા રસિક છે કે પીડાના ધૂમાડાને  અવગણી મનરૂપી ઘરની બહાર ઝાડ પરના ખેરખટાના(એક પંખી) મધુર સૂરને હલેસે મોજ કરવા ઉપડી જાય છે.તમને પાગલ જેવી વાત લાગે,પણ જનકરાજાની નિર્લેપતા,સંસારમાં છતાં ત્યાગી રહેવાનો ભાવ અષ્ટાવક્રગીતાનો સંદેશ આપણે જાણીએ છીએ.મકરંદ દવે સંસારી સંત હતા.તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે તેઓ નન્દીગ્રામ આશ્રમમાં રહી સમાજના ગરીબ વર્ગની સેવા કરતા હતા.તેઓ ઓલિયા -અલગારી કવિ સુખ-દુઃખમાં મોજથી રહે.નરસિહ-મીરાંનો વારસો તેમના જીવનમાં અને કવનમાં હતો.

ગીતના અંતમાં પીડા સાથે સમાધાન કરી લે છે કે ભાઈ આવી છે તો રાતવાસો ખુશીથી કરજે ,હું રાત્રે આકાશમાં તારાના ઝુમ્મરો જોતો રહીશ.મારી નજર તારા તરફ વળશે તો તારો તમાસો જોઇશ.કવિ મસ્ત ,બિન્દાસ સુખ કે દુઃખ કોઇનું  બંધન ગમે નહિ.’આ મારો પગ દુઃખે કે પેટ દુઃખે હું નહિ ચાલી શકું’ એ વાત જીવનમાં અલગારી માનવને સ્વીકાર્ય નથી.એને જીવનની હરેક પળ મહેકતી રાખવી છે.જેમ છોડને ઉછેરવામાં કાળજી રાખીએ  તો ફૂલફળ આવે છે,તેમ આપણે સોએ મનને પોઝીટીવ રીતે ઉછેરવાનું છે. મનને કુદરતના સોંદર્ય તરફ વાળી પીડામાંથી મુક્ત કરી આનંદને માણવાની કલા જીવન છે.જીવનમાં જવાબદારી નિભાવીએ સાથે થોડા અલગારી પણ થઈએ તો જીવન ‘સુહાના સફર ઔર યે મોસમ હસી’ બને.

મકરંદ દવેનો જન્મ 1922માં ગોડ્લમાં થયો હતો.2005માં ચિરયાત્રા કરી.તેમના ઘડતરમાં ગાંધીજી,રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિદની છાયા છે.તેમના વિપુલ સર્જનને ‘મકરંદ મુદ્રા ‘પુસ્તકમાં સંગ્રહિત કરાયું છે.છેલ્લે હું એમની જ પંક્તિઓથી  સલામ કરીશ.

‘અમે રે સૂકું રૂનું પૂમડું ,

તમે અત્તર રંગીલા રસદાર.’

તરુલતા મહેતા 1-62016

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા, સહિયારુંસર્જન and tagged , , , . Bookmark the permalink.

One Response to ‘રખડુને નેસે ‘ કવિ મકરંદ દવેના કાવ્યનો આસ્વાદ તરુલતા મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s