ચાંદીના ચમકીલા વાળ (૫) પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

દ્રશ્ય – ૧:

રીના:આવી ગયો રીતેષ, કામ પતી ગયુ ને?

રીતેષ: હા, પતી ગયું.

રીના: રીતેષ, મોં કેમ ઉતરેલું છે? શું વાત છે?

રીતેષ: કંઈ વાત નથી.

રીના: કંઈ વાત નથી તો આજે બેંકથી આવ્યો છે, ત્યારથી તારો મૂડ કેમ ઓફ છે?

રીતેષ: યાર, આજે બેંકમાં એક યંગ છોકરીએ મને ‘અંકલ’ કહીને બોલાવ્યો, અજબ જ કહેવાય ને?

રીના:અચ્છા, છોકરી કેવડી હતી?

રીતેષ: લગભગ આપણી સોહા જેવડી હશે.

રીના: જનાબ, સોહાની બધી ફ્રેંડ્સ મને ‘આન્ટી’ અને તને ‘અંકલ’ કહીને બોલાવે જ છે ને? તો પછી એના જેવડી છોકરીએ તને ‘અંકલ’ કહ્યું  એમાં અજબ  જેવું શું લાગ્યું?

રીતેષ: એ તને ન સમજાય. સોહાની ફ્રેંડ્સ ‘અંકલ’ કહે તો સ્વાભાવિક લાગે છે, પણ કોક અજાણી – યંગ છોકરી મને ‘અંકલ’ કહીને બોલાવે એ મને ન ગમે. અભી તો મૈં જવાન હું, યાર.

રીના: યેસ ડીયર. અભી તો તુ જવાન હૈ, પણ આ તારા વાળમાં હવે જરા જરા ‘સફેદી’ આવવા માંડી છે, એનું શું?

રીતેષ: આ એની જ તો – એટલે કે સફેદ વાળની જ તો રામાયણ છે. એનું કંઈ કરવું પડશે.લાગે છે હવે  સફેદ બાલોને કલર કરીને કાળા કરવા પડશે.

આમ ‘સફેદ વાળ’ અંકલ’ કે ‘આન્ટી’  બનવા તરફની મંઝીલનું પહેલું પગથીયું છે, જે કોઈને ગમતું નથી.

દ્રશ્ય – ૨:

-હલ્લો, મી. પારસ શાહ બોલો છો?

-હા, બોલું છું.

-હું રીઝર્વ બેંકમાંથી બોલું છું. એચડીએફસી બેંકમાં તમારું કેવાયસી (Know Your Client)  કંપ્લીટ નથી, તો મને જરા તમારી ડીટેલ લખાવશો?

-હા, બોલો, શું ડીટેલ જોઈએ છે?

-તમારા ક્રેડિટ કાર્ડ ના નંબરના છેલ્લા ચાર આંકડા —- છે, બરાબર?

-હા, બરાબર છે.

-તો મને ક્રેડિટ કાર્ડ નો પૂરો નંબર અને પીન નંબર જણાવો.

-સોરી મેડમ, એ મારી માહિતી પર્સનલ અને કોન્ફિડેન્શિયલ મેટર છે, અને તે કોઈની સાથે શેર ન કરવાની મને બેંકમાંથી સૂચના મળી છે.

-તો પછી તમારું કેવાયસી થશે નહીં. તમારું ખાતું બંધ થઈ જશે. તમે એમાંથી કોઈ ટ્રાંઝેક્શન નહીં કરી શકો.

-મેડમ, ક્રેડિટ કાર્ડ નો નંબર અને પીન નંબર આપવાથી શું ફ્રોડ થઈ શકે તે મને ખબર છે.  તમારી ખોટી ધમકી મને સમજમાં આવે છે. હું કોઈ બેવકૂફ  નથી પણ જાગૃત નાગરિક છું. મારા માથાના આ વાળ કંઈ મેં તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા, સમજ્યા?

ખરેખર જેમના વાળ સફેદ થઈ ચૂક્યા છે, એવા પ્રૌઢ વડીલોને કોઈ વ્યક્તિ ‘ઉલ્લુ’ બનાવવાની ટ્રાય કરે ત્યારે મુરબ્બી વડીલ કહે છે, ‘આ વાળને તડકામાં સૂકાવીને સફેદ નથી કર્યા.’ મતલબ કે ‘સારા એવા વર્ષોનો અનુભવ લીધો છે, ત્યારે આ વાળ સફેદ થયા છે.’  આમ આવી વખતે ’સફેદ વાળ’ ‘અનુભવ’ નું અને ‘ડહાપણ’ નું પ્રતિક મનાય છે. ‘સીનિયર સીટીઝન’ નું માનદ બિરૂદ પામવામાં પણ વયની સાથે સાથે આ સફેદ વાળનું ઘણું મહત્વ હોય છે.

મશહુર ગાયક પંકજ ઉદાસજીના મુલાયમ સ્વરો માં નીચેની પંક્તિ તો આપ સહુએ સાંભળી જ હશે:

‘ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ,

એક તુ હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલ.’

એમાં શરીરનો રંગ ચાંદી જેવો સફેદ – ઉજળો અને વાળનો રંગ સોના જેવો સોનેરી – ચમકીલો  હોય એવી ગોરી એટલે કે છોકરીની વાત આવે છે. આ પંક્તિમાં આવી છોકરી જ ‘ધનવાન’ અને બાકી બધા ‘કંગાલ’ એટલે કે ગરીબ એવી વાત કહી છે. આ હિસાબે જોવા જઈએ તો ભારતમાં આવી કંગાળ છોકરીઓ અધિક અને આફ્રિકામાં તો ૯૦% થી વધારે આવી કંગાળ છોકરીઓ મળી આવે.

મારા ખ્યાલ મુજબ આ પંક્તિમાં કોઈ ‘ગોરી મેડમ’ એટલે કે ‘યુરોપિયન યંગ ગર્લ’ વિશે ની વાત હોવી જોઈએ. એ લોકોની ત્વચા ચાંદી જેવી સફેદ અને વાળ સોના જેવા સોનેરી જોવા મળે છે. પણ આપણા ભારતમાં તો ખુબ રૂપાળી છોકરી ની ત્વચા પણ ચાંદી જેવી ઉજળી હોવાની શક્યતા બહુ  ઓછી છે. હા, આજકાલ ‘ફેર એન્ડ લવ્લી’ ની જાહેરાતમાં માં ટ્યુબનો મલમ ઘસી ઘસીને ‘ઘંઉવર્ણી’  ત્વચાને ‘ઉજળી’ બતાવાય છે ખરી. અને હવે તો યુવતિઓ ની સાથે સાથે યુવાનો માટેના બ્યુટી ક્રીમ પણ બજારમાં મળવા માંડ્યા છે. (લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે) એટલે ‘ગોરી’ઓ ની સાથે ‘ગોરા’ઓની ક્રીમની જાહેરાતો પણ આવવા માંડી છે.

પણ અહીં ચર્ચા માત્ર ગોરી ત્વચાની જ નથી, સોનેરી વાળની પણ આવે છે. આપણા ભારતમાં સામાન્ય પણે ‘યુવાન’  વયે ‘કાળા ભમ્મર’ વાળ અને ઉતરતી ઉંમરે એટલે કે ‘પ્રૌઢ’ વયે ભૂખરા – ગ્રે કલરના(કાળા ધોળા મીક્સ)  વાળ અને ઘરડા લોકોના ‘સફેદ’ ચાંદી જેવા વાળ જોવા મળે છે. આ તો કુદરતની રચનાની વાત છે. પણ માણસને ક્યાં કશું ’કુદરતી’ મેળવીને સંતોષ થાય જ છે? એટલે એ વાળને રંગીને લાલ, પીળા, લીલા, જાંબલી અને એના મનને જે ગમે તે ચિત્ર વિચિત્ર રંગ કરીને આનંદ મેળવે છે. ‘હું બીજાથી અલગ લાગવો/ લાગવી જોઈએ’, ‘લોકોનું ધ્યાન મારા તરફ જ જવું જોઈએ.’  એટલે – ‘More, Better and Different’ એને આકર્ષિત કરે છે. પરિણામની કોને પરવા છે?

મશહૂર અભિનેતા સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની વર્ષગાંઠ હમણાં જ ગઈ. એટલે એમનું એક ફિલ્મી ગીત યાદ આવ્યું, ‘ગોરે રંગ પે ન ઇતના ગુમાન કર, ગોરા રંગ દો દિનમેં ઢલ જાયેગા.’ મતલબ કે ‘ગોરો રંગ સારો છે, પણ શાશ્વત નથી એટલે એનું અભિમાન કરવું જરૂરી નથી’ એવો મતલબ એ ગીતનો છે. છતાં શરીરનો રંગ તો બધાંને ‘શ્વેત’ જ ગમે છે. પણ વાળનો રંગ કોઈને ‘શ્વેત’ નથી ગમતો. એટલે જેવા સફેદ વાળ માથામાં દેખાવા માંડે કે માણસ તરત એને કલર કરીને છુપાવવાની કોશિશ કરવા માંડે છે.

બીજા એક ગીતમાં, ‘રંગ પે કીસ ને પહેરે ડાલે, રૂપ કો કીસ ને બાંધા, કાહે સો જતન કરે…મન રે તુ કાહે ન ધીર ધરે.’ એવું ગીતકારે કહ્યું છે. એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ‘રંગ પર કોઈનો પહેરો નથી, રૂપને કોઈ બાંધી નથી શક્યું, પછી શા માટે એનું આટલું બધું જતન કરે છે?’ અને છતાં આપણે જે કાયમ છે એવા ‘ગુણ’ નું જતન કરવાને બદલે જે ક્ષણભંગુર છે એવા ‘રંગ અને રૂપ’ નું જ જતન કર્યા કરીએ છીએ અને પરિણામે દુ:ખી થઈએ છીએ.

સફેદ વાળની પોતાની એક અલગ જ આભા હોય છે. અને આ જગતમાં એવા જાજ્વલ્યમાન વ્યક્તિઓ મેં જોયા છે કે જે પોતાના સફેદ વાળને લીધે ખુબ દીપી ઊઠે છે. સ્વ. ડૉ. અબ્દુલ કલામ એવા જ વ્યક્તિ હતા, નખશિખ મહાન! એમની તો હેરસ્ટાઈલ જ સફેદ વાળ હોવા છતાં ‘યુનિક’ હતી. અને આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતિ ઈંદિરા ગાંધીના વાળની એ સફેદ લટ કેવી આભાવાન હતી, મને એ બહુ જ ગમતી. મેં તો નક્કી જ કર્યું છે કે હું વડાપ્રધાન બનીશ ત્યારે એમના જેવી જ સફેદ લટ વાળી હેરસ્ટાઈલ રાખીશ.

આજની જોક:

મુન્નો: પપ્પા, તમારા થોડા વાળ કાળા અને થોડા વાળ સફેદ કેમ છે?

પપ્પા: તું બહુ તોફાન કરે છે, તેથી મને સ્ટ્રેસ થાય છે, અને એનાથી મારા કાળા વાળ સફેદ થવા માંડ્યા છે.

મુન્નો: હં, હવે સમજ્યો.

પપ્પા: શું સમજ્યો?

મુન્નો: એ જ કે મારા દાદાજીના બધા વાળ સફેદ કેમ છે.

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ચાંદીનાં ચમકીલા વાળ, પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s