‘સદભાગ્ય શું હોય મનુષ્ય હોવું?’ નિરંજન ભગતના કાવ્યનો આસ્વાદ તરુલતા મહેતા

‘ સદભાગ્ય શું હોય મનુષ્ય હોવું?

 ક્ષણેક આનંદ, સદા ય રોવું

 ક્ષણેક  યૌવન, વુદ્ધ થઈ જવું

 ક્ષણેકનો  પ્રેમ , સદા ય  ઝૂરવું

 ક્ષણેક  જે પ્રાપ્ત, સદા ય ખોવું

 સદભાગ્ય શું ન  હોય મનુષ્ય હોવું?

  સોંદર્ય  જ્યાં નીતનવીન જોવું ?

  જ્યાં કાવ્યમાં પ્રેમ ન મુત્યુયુક્ત

  ને  શિલ્પમાં યૌવન  કાલમુક્ત

 ધરા અહો ધન્ય,ન સ્વર્ગ મ્હોવું

સદભાગ્ય  શું ન હોય મનુષ્ય હોવું?

 નિરંજન  ભગત

ગુજરાતી કવિતાના ઝળહળતા ઇતિહાસમાં નિરંજન ભગતનું પ્રદાન સીમાચિન્હરૂપ છે.આજે પણ તેમનાં કાવ્યો મોલિકતાના દર્શન કરાવે છે.ગુજરાતી કવિતાનું સદ્ભભાગ્ય છે કે વડીલ ,આદરણીય કવિની કવિતા હજી  મળતી રહે છે.મારા મનમાં તેમનું ‘હું તો બસ ફરવા આવ્યો છું,’ કાવ્ય એવું દિલમાં વસી ગયું છે કે રોજ વોક કરતાં મનમાં ગુંજે છે.જીવનની કેવી સરસ આનંદમય
ફિલોસોફી ! ‘આ કરું અને તે મેળવું’ ના અભરખામાં અને દોડાદોડીમાં આપણે આજુબાજુની કુદરતના સોન્દર્યને માણવાનું વિસરી જઈએ છીએ.પ્રેમ કરવાનું પણ ‘પોસ્ટપોન ‘ કરીએ છીએ.કવિ ઈચ્છે છે કે તેઓ પ્રેમના ગીત પુથ્વીના કર્ણપટે ધરી શકે,એમાં જીવનની સાર્થકતા છે.આજે તેમનું ‘સદભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?’ કાવ્ય રસાસ્વદ માટે પસંદ કર્યું છે.કાવ્ય સરળ અને સોંસરવું મનમાં ઉતરી જાય છે.નિરંજન ભગત આપણા વિદ્વાન,ચિતનશીલ,સંવેદનશીલ કવિ છે,તેમના કાવ્યોમાં જે ઊંડી ઊર્મિનું ઝરણું છે તે ચિતન અને મન્થનની સરાણે વહીને આવે છે.એટલે જ તેમનાં કાવ્યો મને હમેશા તરોતાજા લાગે છે.

કાવ્ય બે પ્રશ્નોના જવાબરૂપે સર્જાયું છે.રસિક વાચક કવિના પ્રશ્નનો જવાબ પોતાની રીતે મનોમન કલ્પી શકે.પ્રશ્નના જવાબ આપવાની પરીક્ષા જીવનમાં પણ ક્યારેક આકરી લાગે ,સાચું  ય ન બોલાય ને જૂઠું નહિ ત્યારે યુધિષ્ઠીરની જેમ ‘નરો વા કુંજરો વા ‘

કહેવું પડે.નિરંજન ભગતની કાવ્યરીતિ અવળવાણી જેવી છે.’સદ્ભભાગ્ય શું હોય મનુષ્ય હોવું ?’ પ્રશ્નનો ઉત્તર મનુષ્યની લધુતા કહો કે નાશવંત હોવાની વાતને ખૂલ્લી પાડે છે.માણસનું જીવન તે ઈચ્છે તેવું સદાય સુખી ,યોવનથી થનગનતું અને પ્રેમના રંગીન સપનાથી ભરપૂર રહેતું નથી.પ્રેમ ,આનંદ ,જુવાની ક્ષણેક માણસને મ્હાલવાની મળે છે.લાંબા જીવનમાં આધી વ્યાધિ મનુષ્યને
વધારે પીડે છે.’ચાર દિવસનું ચાદરણું,બાકી અંધારી રાત ‘ તમે કહેશો કવિ આવી નિરાશા કેમ પ્રગટ કરે છે? ના,એવું નથી. તમને જીવનની ઉત્તમ વાત કહેવા  માટે પહેલાં વાસ્તવિક ચિત્ર આપે છે.કાળા કેનવાસ ઉપર સફેદ,ગુલાબી રંગોની ભાત આકર્ષક બની રહે તેમ કવિ કાવ્યમાં  બીજા પ્રશ્નના જવાબરૂપે જીવન કેવું મહામૂલું અને ધન્ય છે,તે જણાવે છે.

‘સદ્ભભાગ્ય શું ન હોય મનુષ્ય હોવું?’ મનુષ્ય અને ઈતર સૃસ્ટીમાં શો ભેદ છે?માણસ પાસે તેનો કલાવારસો છે.કલા એ
‘અમૃતામ આત્મન: કલા’. આત્માની અમરતામાં માનતા હોઈએ તો જેમાં આત્માનો અંશ છે,તેવી કલાઓ -સાહિત્ય ,સંગીત,નુત્ય ,સ્થાપત્ય અને ચિત્રકલા પણ અમર રહેવા સર્જાયેલી છે.તમે કહેશો એવું કેમ શક્ય બને?’નામ તેનો નાશ ‘ એવું કહેવામાં આવે છે.કલા યુગે યુગે એક સ્વરૂપમાંથી રૂપાંતર થઈ બીજામાં જીવતી રહે છે.આદિ મનુષ્યથી શરુ થયેલી કલા જુદા જુદા સ્વરૂપે આધુનિક માનવી સમાજમાં સતત જીવે છે.કવિતા ઉપનીષદના મંત્રોમાં,રામાયણ ,મહાભારતના શ્લોકોમાં,ભજનો ,આખ્યાનો ,લોકવાર્તાઓ ,ગીતો અને આજની ગઝલો,અછાદસ  કાવ્યોમાં નિરંતર વહેતી રહી છે.એટલે કવિ કહે છે,આપણું સદભાગ્ય છે કે માણસનો મનખો મળ્યો છે.નિતનવું સોંદર્ય જોવાનું ,માણવાનું અને કવિતામાં ગાવાનું. મનુષ્ય પ્રેમના  કાવ્ય લખે તે અમર રહે,કાવ્યમાં સર્જાયેલો પ્રેમ મુત્યુથી પર રહે.કવિનું  શરીર નાશ પામે પણ એનું સર્જન જીવિત રહેછે.શિલ્પકાર મૂર્તિમાં યૌવન કંડારે તે કાળની સીમાથી પાર થઈ જાય છે.હજારો વર્ષો પછી ખજૂરાહના શિલ્પો ,જેનોના દેરાસરો,અજન્ટા-ઈલોરાની ગુફાઓ ,તાજમહેલ ,ઇટાલીના,રોમના,પેરિસના શીલ્પો અને સ્થાપત્ય સૌને જોવા આકર્ષે છે.આપણે મનુષ્ય સદ્ભભાગી અને ધન્ય કે આવી સુંદર
ધરામાં વસીએ છીએ,સ્વર્ગનો મોહ રહેતો નથી.મનુષ્ય હોવાના સદભાગ્યનું કેવું ઉમદા આલેખન છે! ગમેતેવી નિરાશાની પળોમાં

કવિની આ વાત યાદ આવે તો સૂર્ય ઉગતા ધુમ્મસ ઓગળી જાય તેમ નિરાશ  મન પુલકિત થઈ જાય.આત્મા આનંદમય,સત્યમય

અને ચેતન્યમય છે,તેમ કવિતા જીવનમાં આનંદ ,ઉત્સાહ અને સત્યને પ્રેરે છે.કાવ્યોના આસ્વાદ કરવામાં અને રસિક વાચકને સહભાગી કરવામાં મને આનંદ અને પ્રેમ મળે છે.મારી માતૃભાષાનું કરજ ચૂકવવાની તક મળે તેથી ધન્યતા અનુભવું છું.
નરસિહ,મીરાં પછીના અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નર્મદયુગ ,સાક્ષરયુગ અને ગાંધીયુગ આવ્યો.

ગાંધી યુગના પ્રમુખ કવિઓ ઉમાશંકર જોશી અને સુંદરમ પછીના કવિઓમાં ત્રણ પ્રધાન કવિઓના નામ સ્મરે છે.પ્રહલાદ પારેખ ,રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. ત્રણેનું પ્રદાન ગુજરાતી કવિતાને નવો મોડ આપે છે.નિરંજન ભગતના સમગ્ર કાવ્ય સર્જનને ‘છંદોલય  બુહ્ત ‘ સંગ્રહમાં સમાવવામાં આવ્યું છે.વિષય અને નિરૂપણરીતિનું વૈવિધ્ય નિરંજન ભગતના કાવ્યોમાં ઘ્યાન ખેચે છે.
છાદ્સ ,અછાદ્સ ,ગીતો એમ બઘા જ પ્રકારો તેમણે અજમાવ્યા છે.તેઓ અંગ્રેજીભાષાના પ્રોફેસર હતા,એમનું ધડતર અંગ્રેજીસાહિત્યથી થયું હતું. એઓ સાથે બે એરિયામાં  માત્રાબેન મજબુદારને ત્યાં કાવ્યગોષ્ઠી થઈ હતી.મારા જીવનનો પણ એ ધન્ય

પ્રસંગ હતો.ગુજરીગિરાનો પલ્લુ આવા ઉમદા કવિઓથી તેજસ્વી છે,તેમને મારા વંદન.

તરુલતા મહેતા 19મી ડીસેમ્બર 2015

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.