જીવનની જીવંત વાત …….(9).વિનોદ પટેલ

બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

વિનોદ પટેલના શબ્દોમાં…

એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …

અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.

આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ અમેરિકામાં વસવાટના ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ વખતની આ વાત છે.એ વખતે હું અમદાવાદ શહેરના નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી શંકર સોસાયટીમાં શિવકૃપા બંગલામાં સપરિવાર સુખેથી રહેતો હતો.દરરોજ સવારે ૧૦ વાગે જમીને રોડ પર આવી રીક્ષા પકડીને આશ્રમ રોડ પર નાનાલાલ ચેમ્બર્સમાં આવેલી મારી કંપનીની ઓફિસે જોબ પર જતો હતો.રીક્ષામાં બેસી ૧૦ કે સાડા દસ વાગે જોબ પર જવાનો અને સાંજે ૬ કે ૭ વાગે જોબ પરથી ઘેર પરત આવવાનો નિત્ય ક્રમ રહ્યો હતો.

રીક્ષામાં જતી-આવતી વખતે રસ્તા ઉપર રોજ સવાર થી સાંજ સુધી શહેરના માણસોની જીવાતી જિંદગીનાં દ્રશ્યો પર મારી નજર ફરતી રહેતી.ઘેરથી નીકળું એટલે થોડે આગળ રોડ પર જાઉં ત્યારે રસ્તાની જમણી બાજુ નવરંગ હાઈસ્કુલ આવતી હતી. આ હાઈસ્કુલની બરાબર સામે રસ્તાની ડાબી બાજુએ એક ખુલ્લું ઉજ્જડ મેદાન હતું. આ મેદાનમાં ગરીબ શ્રમજીવી વર્ગના માણસો કામ ચલાઉ ઝુંપડાં બનાવીને રહેતાં  હતાં.આખો દિવસ જ્યાં મળે ત્યાં મહેનત-મજુરી કરી રાત્રે પાછા આવીને આકાશની છત નીચે એ ખુલ્લા મેદાનમાં તૂટેલ ખાટલી કે નીચે પથારી કરી નિંદ્રા દેવીને આધીન થઇ રોજનો થાક ઉતારતાં હતાં.

એક દિવસ રીક્ષામાંથી મેં જોયું તો આ મજુર વર્ગ જ્યાં વસતો હતો એ ખુલ્લા મેદાનમાં ઓફિસો માટે બહુમાળી મકાન બાંધવા માટે કોન્ટ્રાકટરના માણસો પાયા ખોદી રહ્યા હતા.એ મેદાનમાં જે મજૂર કુટુંબો રહેતાં હતાં એ રસ્તાની સામે બાજુ નવરંગ હાઈસ્કુલના કંપાઉંડની તારની વાડ અને ડામરના રોડ વચ્ચે જે સાંકડી જગાની પટ્ટી રહેતી હતી ત્યાં પોત પોતાની ઘર વખરીનો સામાન લઇ આવી ગયાં હતાં . એટલી નાની સાંકડી જગામાં ગોઠવાઈ જઈ, કપડું ઢાંકીને કામચલાઉ છાપરા જેવું બનાવી દીધું હતું. આ ગરીબ લોકો બદલાયેલી પરિસ્થિતિમાં એડજસ્ટ થઈને જે રીતે જીવી રહ્યાં હતાં એ રોજ નજરે જોઇને મારા દિલમાં અનુકંપા જાગતી હતી.

થોડા સમય પછી ખુલ્લા મેદાનની જગામાં જ્યાં પહેલાં આ મજુરો સુખેથી રહતાં હતાં ત્યાં એક ભવ્ય ઉંચી ઓફિસો માટેની બહુમાળી ઈમારત ઉભી થઇ ગઈ હતી અને એની બિલકુલ સામેની બાજુ બિચારો આ ગરીબ વર્ગ કપડાંથી કે અન્ય રીતે બનાવેલ આડશો અને કામચલાઉ છાપરીઓમાં સાંકડ માંકડ એમની રોજની જિંદગી બસર કરી રહ્યાં હતાં.

દરરોજ રીક્ષામાંથી ઓફિસે જતાં આવતાં મારી નજર આ ગરીબ વસ્તીના જીવાતા દૈનિક જીવનનાં દ્રશ્યો પર અચૂક જતી હતી ત્યારે હું કદાચિત આવાં દ્રશ્યો જોતો હતો.

ઇંટોથી બનાવેલા ચુલા ઉપર શ્રમજીવી મહિલાઓ રોટલા શેકી રહી છે અને એમને અડીને કે એમને પકડીને એમનાં નગ્ન કે અર્ધ નગ્ન નાનાં બાળકો ઉભાં રહ્યાં છે. શેકાઈ રહેલા રોટલા તરફ આ બાળકો એકી નજરે જોઈ રહ્યાં છે.બિચારાં કદાચ ભૂખ્યાં થયાં હશે ! સવારના સમયે કેટલાક માણસો નજીક આવેલા જાહેર નળમાંથી બાલદીમાં પાણી ભરી લાવીને શરમને નેવે મુકીને ખુલ્લામાં બિન્દાસ સ્નાન કરી રહ્યા છે, તો કોઈ મહિલા શરમ ઢાંકવા માટે ખાટલો આડો કરી એના પર કપડું ઢાંકી એની આડશે કામચલાઉ બાથરૂમ બનાવી સ્નાન કરી રહી છે !સવારના સમયે પથારીઓ રાતના અંધારામાં આકાશની છત હેઠળના ખુલ્લા શયન ગૃહની ગાભાઓની બનાવેલી ગંદી પથારીઓના લબાચા થપ્પીબંધ ગોઠવાઈ ગયા છે. સાંકડી જગા છે એટલે એનો બને એટલો વધુ સારો ઉપયોગ કરવાની એ લોકોની નેમ દેખાઈ આવે છે.

બાજુમાં એક ચુલા ઉપર એલ્યુમીનીયમની તપેલીમાં એક મહિલા ચા ઉકાળી રહી છે અને એની આજુબાજુ સવારની ચાના જે ભાગે આવે એટલા ઘૂંટ ભરી લેવા પુરુષ મજૂર વર્ગ આતુરતાથી ચૂલાની નજીક ગોઠવાઈ ગયો છે.એમનાં કેટલાંક ભુલકાંઓ નજીકના ડામરના રોડની પહોળાઈનો લાભ લઇ એની પર દોડા દોડી કરી રહ્યાં છે. મારી રીક્ષા જ્યારે ત્યાંથી પસાર થાય એટલે દોડીને રોડની એક બાજુ દોડી જાય છે.મને લાગ્યું કે આ અર્ધનગ્ન નિર્દોષ બાળકોની સલામતીની જરૂર ભગવાન દેખરેખ રાખતો હશે નહિતર એ રોડ ઉપર રોજ કેટલાં બધાં વાહનોની અવર જવર રહેતી હતી અને આ બાળકોની એની ક્યાં કદી પરવા હતી !

વૃદ્ધ ડોશીઓ નાનાં બાળકોને કુખ કે કાખમાં લઈને રમાડી એમને ભાગે આવેલી ફરજ નિભાવી રહી છે જ્યારે હાડકાંના માળા શા ઉઘાડા શરીરે ટૂંકી ફાટેલી પોતડી સંકોરતા એક ડગુ મગુ ખાટલીમાં બેસીને બીડી કે ચલમનો દમ મારી રહ્યા છે .એ જોઇને મને એમ લાગે કે પોતાનાં બધાં દુખોના ધુમાડાને ગળે ઉતારીને અને બહાર હવામાં ફેંકીને આ ડોહા જાણે કે હળવા થઇ રહ્યા ન હોય !

દરરોજ ઓફિસે જતાં આવતાં મારી રીક્ષામાંથી આવાં તો કેટલાંએ  દ્રશ્યો હું જ્યારે જોતો ત્યારે મને થતું કે એક બહુમાળી ઈમારતની નજીકમાં જ એની ઓથે જીવતી કે જીવવા કોશિશ કરતી એક ગરીબ વસાહતનું આવું જીવન એ તો કઈ જીવન કહેવાય !


વિનોદ પટેલ , સાન ડિયેગો, કેલીફોર્નીયા.                

5 thoughts on “જીવનની જીવંત વાત …….(9).વિનોદ પટેલ

 1. વિનોદભાઈ, તમારા આ માર્ગપરથી રોજ કેટલાયે માનુભાવો પસાર થયા હશે અને હજુ પણ થતા હશે! કચિત કોઈને આ દ્રશ્ય તમારી જેમ નયન વાટે થઈ દિલ સુધી પહોંચી દિલને આમ હલાવી દીધું નહીં હોય! કદાચ કોઈ હોય તો એને શબ્દોમાં મૂકવાનો સમય ન પણ હોય! કદાચ સમય હોય તો સગવડ ન હોય! સગવડ હોય તો બીજી કોઈ અગવડ હોય. જૂઓને તમે ત્યારે ન લખી શક્યા, પણ એ તમારા મનમાં મઢાઈ ગયું હતું એટલે આ વેબસાઈટની સગવડે અને અત્યારના સમયે એને બહાર લાવી, શબ્દદેહ આપી, અમારા જેવાના દિલસ્પર્થી વાત બની ગઈ! આપણે બંને શહેરની(રંગુનની) સાયબી જોઈ છે અને ગામડાની ગરીબી પણ. એટલે જ આવી વાતો આપણને છોડતી નથી! ગમેતેમ, સુંદર લેખ થયો અને પ્રજ્ઞાબેનની વેબસાઈટપર મૂકાયો. બંનેને મારા ધન્યવાદ. -ચમન

  Like

 2. Pingback: જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ | વિનોદ વિહાર

 3. આ ગરીબ મજુર વર્ગની વાત વાંચી. દિલ દ્રવી જાય. પણ સીક્કાની બીજી બાજું પણ છે…..આ લોકો તો ગરીબ છે, તેમના માબાપ પણ ગરીબ હશે, માની લીધું, પણ તેમના જે બાળકો અર્ધનગ્ન છે, ભણતાં પણ નહીં હોય, એ પણ આ ગરીબીમાં જ રહેશે, પરણશે અને પાછા આવાજ અર્ધનગ્ન-અભણ બાળકોનો સિલસિલો ચાલુ રાખશે, એમાં કોઈ ફેરફાર ન થઈ શકે..??? આવા લોકો માટે કોઈ આર્થિક સહાનુભુતિ ન બતાવતાં, એમને કુટુંબ નિયોજન વિષે જબરદસ્તી ન કરી શકાય…???વર્ષો પહેલાં સંજય ગાંધીએ જબરદસ્તી કરવાનું જે પગલું લીધું હતું, એવું આવા લોકોને સમજાવીને કે લાલચ આપીને ન કરી શકાય…??? આજે નહીં તો પણ, આવતાં ૧૫-૨૦ વરસ પછી તો આવા દ્રશ્યો તો જોવા ન મળે.! અને્ આ બધું તો એમના લાભમાં પણ છેને…..અને નહીં થાય તો આવા દ્રશ્યોનું તો multiplication જ થશે….

  સરકારી રાહે કરવા જતાં તો પૈસા ખવાઈ જાય અને કાંઈ થાય નહીં, પણ, કરવુંજ હોય તો માત્ર બહુ બધી સામાજીક સેવા સંસ્થાઓજ આ કાર્ય કરી શકે.

  Like

 4. Pingback: (820 ) જીવનની જીવંત વાત …( એક સ્મૃતિ ચિત્ર )… વિનોદ પટેલ | વિનોદ વિહાર

 5. Pingback: ( 821 ) ઘર એટલે ઘર ……. લેખિકા- પ્રજ્ઞા દાદભાવાળા | વિનોદ વિહાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.