૩૦ નોવેમ્બેર ૨૦૧૫
“ફયુનરલ_હળવે હૈયે”
“ફયુનરલ” અને તે પણ હળવે હૈયે? એ કેવી રીતે બને? એના માટે સારા વિચારોનું મંથન અને નવા વિચારોનું જીવનમાં અપનાવવું એની તેયારી ને એના માટે મનને મનાવવું પડે છે, જો એ તેયારી તમે રાખી હશે તો કોઈ પણ ‘ફ્યુનરલ ’ હળવે હૈયે હકીકતમાં અનુભવશો.
હવે યુગ પરિવર્તન આવી રહ્યું છે.ને તે નવા વિચારોનું પરિવર્તન સમાજમાં જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આત્મા મરતો નથી,જુના વસ્ત્રનો ત્યાગ અને નવા વસ્ત્રનું પરિધાન, તો શોક શાને? જનાર વ્યક્તિને યાદ જરૂર કરો રડતા રડતા નહિ પણ સાથે સાથે વિતાવેલી આનંદની પળોને સ્મૃતીમાં રાખી. તમે રડશો, દુખી થશો તો એ આત્માને દુઃખ થશે.તમે દુખી થઈ એ આત્માને દુખી કરો છો
‘ફ્યુનરલ’ – હળવે હૈયે – એ કેવી રીતે થાય તે મારા નિકટની વ્યક્તિ અને મારા મિત્રોના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ.
જીવન સાથી નો મારો પોતાનો અનુભવ
જીવન કેમ વિતાવ્યું કે કેમ વીત્યું તેની લાંબી કથા ન કરતા અંતિમ વિદાયની વિતાવેલી અંતિમ ક્ષણો મારા જીવનસાથી સાથેની. એક દિવસ સવારે તો પેટ ખખડીને સાફ થઈ ગયું છે ને કફ પણ એક જાર ભરીને નીકળ્યો એટલે શ્વાસમાં જે ખરખર અવાજ આવતો હતો તે પણ બંધ થઇ ગયો એટલે લાગ્યું કે એમને થોડી શાંતિ લાગે છે એનો પણ મને ઉચાટ થવા લાગ્યો આ કદાચ છેલ્લા શ્વાસ તો નહિ હોય?
છેલ્લા શ્વાસ સદા ત્રણ ઘડીનો ,સાડાત્રણ દિવસનો હોઈ શકે એવું આટલા વર્ષોમાં થયેલા પરિવારના ને અન્ય મરણથી એટલું મને જ્ઞાન હતું.મારા દીકરાને વાત કરી. ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોકટરે રાત સુધીનો સમય છે એમ કહ્યું.બીજા દીકરાને ઓહાયો જાણ કરી. તેને થયું કે તમે હોસ્પીટલમાં કેમ દાખલ નથી કરતા? અમારા મનમાં હતું કે ઘરમાં હોય તો પરિવાર જનો બધાય સાથે હોય. હોસ્પીટલમાં એક જ જણ દર્દી પાસે રહી શકે ને બીજા બધાનો સમય દોડાદોડીમાં જાય. ઘરમાં બધા પરિવાર જનોના સાથમાં, ”શ્રી કૃષ્ણમ્ શરણમ્ મમ” નો મંત્ર ગુંજી રહ્યો હોય ને એજ પવિત્ર વાતાવરણમાં એ સ્વજનની વિદાય થવી એનાથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે?આ ઘડી આ પલ સહુના જીવનમાં આવવાની છે તો મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી એ જીવનું પણ કલ્યાણ થાય શું એટલું આપણે ના કરી શકીએ? મેં નક્કી કર્યું હતું તેમની પાછળ હું એક પણ આંસુ નહિ વહાવું.કારણ કે આપણું જીવન એ અનેક જન્મોના કર્મોનો સાર છે. એમાં આપણે કઈ જ ફેરફાર નથી કરી શકતા,વળી એમ સાંભળ્યું પણ છે જેની અંતિમ ઘડી સુધરી તેનું જીવન સુધરી ગયુંને સાથેસાથે મૃત્યુ પણ.ગળાસુધી ડૂમો ભરાઈ આવતો એ ડૂમાને ગળે ઉતારવા હું બધી શક્તિને ભેગી કરી સાથે સાથે પ્રાર્થના કરતી હતી તેમને મનમાં વિનવણી કરતી હતી બસ થોડી ક્ષણ થોભી જાવ ઓહાયોથી નીતિન નાનો દીકરો અને સ્મિતા આવી રહ્યા છે. મોટા દીકરા અતુલને ખબર હતી કે રાતે દસ વાગ્યા સુધીનો જ સથવારો છે પણ મને નોતું કીધું.પણ પણ સમય સુચકતા વાપરીને અતુલે વેબકેમ સેટ કરી દીધું જેથી ભારતમાં મારી દીકરી મેધા અને અન્ય પરિવાર જનોને સંતોષ થયો તેમની અંતિમ ઘડી બધા જોઈ શક્યા તેનો સંતોષ હતો.
એજ સંતોષનો પડઘો એ મૃતાત્માના ચહેરા પર વર્તાતો હતો. જીવતા હતા ત્યારે મંદવાડની છાયામુખ પર વર્તાતી હતી પણ અંતિમ વિદાય પછી દર્શન કરવા આવનાર બધાના મુખમાં એક જ શબ્દ સાંભળવા મળતો કે મુખ પર કેટલું તેજ છે? ને “ફ્યુનરલ”? – હળવે હૈયે.
મારી સખી ભાનુ
મારી સખી ભાનુની વાત કરુ તો અમેરિકામાં એ હતી ત્યારે અવાર નવાર અમારે વાત થતી હતી. ઇન્ડિયા ગયે માંડ મહિનો થયો હશે ને સમાચાર મળ્યા કે તેમને મગજનું કેન્સર 5×5 ઈંચનું હતું .ને ઓપરેશન કરવું પડશે. અમેરિકાથી તેમની ડોક્ટર પોત્રી અને દીકરો નૈમિષ અને પુત્રવધુ સાધના દાદીને જોવા ઇન્ડિયા પહોચી ગયા. ભાનુનો વર સુધાકર અને પરિવાર વિચારી રહ્યા હતા કે ઓપેરશન કરાવવું કે કેમ?
આટલું મગજ કાપી નાખો તો બાકી શું રહે? તેમના બધા રીપોર્ટ જોતા ભાનુ ત્રણ મહિનાની મહેમાન છે એતો સૌને ખબર હતી. ભાનુ કહે “શાની ચિંતા કરો છો?” તેણે ઓપેરેશન કરાવવાની મના કરી અને કહ્યું જેટલું આયુષ્ય છે તેટલું બધા સાથે રહીને આનંદ કરીએ. સૌ ડો.મનુભાઈ કોઠારીને મળ્યા. એમની સ્લાહ – “બેનને શાંતીથી જવા દ્યો.” ને બસ તે જ દિવસે નક્કી કર્યું ને ઘર બંધ કરી તેમને હોસ્પીટલમાં જ એક બધી જ સગવડ વાળો રહેવાને જૂદો ફ્લેટ મળી ગયો.સાથે વિતાવેલા છેલ્લા દિવસોએ બધાના મન પહેલે થી જ હળવા કરી દીધા હતા. ઓપરેશન પણ ન કર્યું અને રોજની પંદર દવાને બદલે રોજને માત્ર બે-ત્રણ ગોળી લીધેલી.
૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ ની તારીખે સૌને ખબર છે કે જવાની તારીખ ૮ ડિસેમ્બર૨૦૦૭ ની છે – આ જાણવા છતાં સૌ સાથે રહ્યા, કેસેટનાં ગીતો સાંભળ્યાં અને આખરે ભાનુએ પાંચ દિવસ વહેલી ૩ ડિસેમ્બરે ૨૦૦૭ ની તારીખે વિદાય લીધી.
સામાન્ય રીતે તો આપણામાં સ્ત્રીઓ સ્મશાને નથી જતી હોતી.પણ ભાનુની દસ બાર સખીઓ તો તેની વિદાયના સમાચાર સાંભળતા જ સ્મશાને પહોચી ગઈ. ભજન પછી હળવે હૈયે ફ્યુનરલ થઈ.
મારા ફોઈબાનો દીકરો જીતેન્દ્ર
હજી એક તાજો દાખલો. જીતુ એટલે મારો ફઈબાનો દીકરો.અમે સાથે ભણતા.જીવન સંગ્રામમાં લડતા લડતા ખુબ સારી પ્રગતી કરી.તેના પ્રમાણમાં મંજુ થોડું ઓછુ ભણેલી ને વધુ ગણેલી. બીઝનેસ બહુમોટો તેથી જીતુને વારવાર દેશ વિદેશ જાવુંપડતું. જ્યાં જાય ત્યાં હંમેશા મંજૂને સાથે લઈને જ જાય. એમનો સહચાર અવનવો અને બેનમૂન.
ઓચિંતો એક દિવસ આવી ગયો. ન્યુમોનિયાની સાથે જીતુ વેન્ટીલેટર પર આવી ગયો ને અંતિમ દિવસ આવી ગયો. ખડે પગે મંજુ અને પરિવાર સાથે જ હતાં. હકીકત સમજવા મંજૂનું મન માનતું નોતું. થોડા દિવસ પછી આ મિત્ર સુધાકર ત્યાં પહોચી ગયા.તેમની સાથે બધી જીતુની વાતોને યાદ કરીને મંજુ સાથે સહુ પરિવારને હળવા કરી દીધા
ડો. મનુભાઈની પોતાની પ્રાર્થન સભા
હજી એક છેલ્લી વાત ડો. મનુભાઈ કોઠારીની પોતાની છે. ઘરમાં પત્ની સાથે ચાર ડોક્ટર. એક દિવસ સવારે ત્રણ વાગે ઊઠીને કહે “મને બરાબર લાગતું નથી.” ઘરના કોઈ માને ? મનુભાઈ કહે “અંત આવી ગયો છે.” પણ પરિવારે ડોક્ટરોને ફોન કરી દીધા. એ કોઈ આઅવે તે પહેલાં મનુભાઈએ વિદાય લીધી.
એમની પ્રાર્થના સભામાં ગીત, સંગીત અને નૃત્ય, હાસ્ય અને રમૂજનો જલસો હતો.સરવાળે, મેં અનુભવ્યું છે, જોયું છે અને જાણ્યું છે – મૃત્યુ પણ જોઈ , જાણી, અનુભવી શાંતીથી સ્વીકારી શકાય છે. અને વ્હાલાં સ્વજનને વિદાય આપી શકાય છે. – હળવે હૈયે.
પદ્મા કાન્ત