વાર્તા રે વાર્તા-8-દર્શના વારિયા નાટકરણી

“બેઠક” ના વિષય પ્રમાણે નીચેની વાર્તા , suspense story રજુ કરું છું. શું ગમ્યું અને શું નહિ ગમ્યું તે જરૂર જણાવશો। તમારા comments અને likes બદલ ખુબ ખુબ આભાર.

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઈ ગયાં પછી નિશ્ચિંત થઈ ગયો, એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા પર કામ કરતો હતો. પગાર પણ સારો હતો, પણ નોકરી કરતાં પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતાં કહ્યું”હા ઉદય તું કૈંક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે, માટે ઘરની જિમ્મેદારી આપણાંથી ઝીલાશે. અને ઉદયે પોતાનીનોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું.

હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા પર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિઓમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઇકોનોમી ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જવા લાગી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દયો.

ઉદય વધારે ને વધારે નાસીપાસ થવા લાગ્યો। ઉદયને ડીપ્રેસન થવા લાગ્યું અને ઘર અને બાળકો તરફ તેનું ધ્યાન અને તેનો રસ ઓછો થવા લાગ્યો. પોતાના વિચાર વમળ માં ગોથા ખાતો ઉદય ઘરકામમાં વધારે મદદરૂપ થવાને બદલે ઓછો ધ્યાન આપવા લાગ્યો. ધીમે ધીમે ઉદય તરફ અનીતા ની કડવાશ પણ વધવા લાગી અને બંને વચ્ચે ખુબ વિખવાદ થવા લાગ્યો. એક બે વખત સારી તક પણ નજર સામે આવી. એક સબંધીએ કહેવડાવ્યું કે તેમની મોટેલ છે તેમાં ઉદય મેનેજર તરીકે કામ કરી શકે તો ઉદય અને અનીતાને પણ રાહત મળશે અને તેમની મોટેલ સચવાઈ જશે. અનિતાએ તે કામ લેવા માટે ઉદયને ખુબ પ્રોત્સાહન આપ્યું પણ ઉદય સાંભળવા પણ તૈયાર ન હતો.

ઉદયને ના મન ઉપર એકજ ભૂત સવાર હતું કે તે સ્ટાર્ટ અપ કંપની માં મોટો CEO થવાનો છે. તેમાં અનીતા તેને આવા નાના મોટા કામ લેવા માટે દબાણ કરતી હતી તે તેને ખુબ ખુચવા લાગ્યું. જેમ જેમ ઉદયને લાગ્યું કે તેની પત્ની નો તેના સ્વપ્નમાં સહકાર નથી તેમ તેમ ઉદય ને વારંવાર નાની મોટી બાબત ઉપર અનીતા ઉપર ગુસ્સો આવવા લાગ્યો. આ તરફ જેમ જેમ ઉદય નો ઘર ચલાવવામાં સહકાર ઓછો થતો ગયો તેમ તેમ અનીતા પણ ઉદય ઉપર નાની મોટી બાબત ઉપર નારાજી દર્શાવતી અને ગુસ્સો કરતી. ઉદય રાત્રે બે વાગ્યા સુધી ટીવી જોતો સોફા ઉપર પડ્યો રહેતો અને ત્યાજ સુઈ રહેતો। સવારે વહેલા ઉઠી છોકરાઓને તૈયાર કરતી અનીતા તેને જોઇને બુમાબુમ કરી ઉઠતી। આ રોજની કટકટ અને આર્થીક મુશ્કેલીની અસર બાળકો માં પણ વર્તવા લાગી. તેવામાં મદદરૂપ થવાને બહાને ઉદયના મમ્મી અને પપ્પા આવ્યા. તેઓ અનીતાને મદદ તો કરતા પણ તેમના દીકરા વહુની આ નવી જીવન શૈલી સમજી શક્યા નહિ. દીકરો ઘરે નાસીપાસ બેઠો રયે અને વહુ કામે જાય અને પછી વાસણ ન વિછાર્યા બદલ દીકરા ઉપર જેમ આવે તેમ બોલે તેમાં તેને અનીતાનો જ વાંક દેખાવા લાગ્યો. તેમને પણ લાગવા લાગ્યું કે જો અનીતા નો સાથ હોત તો તેમનો IIT માં ભણેલ દીકરો કોઈ ઊંચા હોદ્દા ઉપર હોત. અનીતાનો ગુસ્સાનો પણ પર ન રહેતો.

તેવામાં એક દિવસ અનિતાએ ઉદયને કૈક કામ ચીંધ્યું। ટીવી જોતા જોતા ઉદયે હોંકારો તો આપ્યો પણ કામ માટે ઉભો થયો નહિ અને બીજીજ મીનીટે અનિતાનું છટક્યું. તે કમરે હાથ મૂકી ઉદય પાસે આવી ને ચિલ્લાવા લાગી “ઉદય તું ઉભો થાય છે કે નહિ”. ઉદય “નહિ થાવ ઉભો, જા, શું કરી લઈશ તું”. અનીતા: “ઉદય હવે હું બિલકુલ આ ચલાવી નહિ લઉં હવે તો હદ આવી ગઈ છે”. ઉદય: હદ તો મારી પણ આવી ગઈ છે અને ઉદયે ત્યાજ પ્લેટફોર્મ ઉપર પડેલું ચાકુ હાથમાં લીધું અને અનીતા ઉપર છલાંગ મારી. અનીતા ખસી ગયી અને ઉદય પ્લેટફોર્મ સાથે અથડાણો, અને ચાકુ તેની છાતી માં ઘુસી ગયું. તેના મમ્મી પપ્પા ઉદય ઉદય કરીને દોડ્યા અને મીનીટોમાં ઉદયે છેલા સ્વાસ લીધા. ઉદયના માં બાપનું હૈયાફાટ રુદન થયું અને સાથે સાથે તેમણે અનીતાને કહ્યું “હત્યારી છેલ્લે અમારા છોકરાનો જીવ લઈને રહી. તુરંત અમ્બુલંસ અને પછી પોલીસ ની પધરામણી થયી. ઉદયના મમ્મી પપ્પાએ અંદરો અંદર કૈક તુરંત વાત કરી અને પછી પુછતાછ દરમ્યાન બધાયે પોતાનું બયાન આપ્યું.

થોડા સમયમાં પોલીસે કેસ જોડ્યો અને અનીતા ઉપર ઉદયની હત્યાનો આરોપ આવ્યો. તેના સાસુ સસરાએ બયાન આપ્યું કે રોજ ઉદય અને અનીતા ના ઝઘડા ચાલતા અને અનિતાની ટકોરનો પાર નતો અને તેના ગુસ્સા ઉપર તેને બિલકુલ કાબુ નતો. તેમણે કહ્યું કે તે દિવસે પણ તેઓ તેમના ઝઘડા સાંભળતા હતા પરંતુ રસોડાની દીલ્વાલની બીજી તરફ હોવાથી શું બન્યું તે તેમણે જોયું નતું। પરંતુ અનીતાને બોલતા સાંભળેલ કે “હવે તો હદ આવી ગયી છે અને હું આ ચલાવી લઇ નહિ લઉં”. અનિતાએ ખુબ આજીજી કરી કે તમે ત્યાજ ઉભા હતા અને શું બન્યું તે તમે જોયેલ છે પણ તેના સાસુ સસરાએ કઈ પણ જોયું હોવાની ઘસીને ના પાડી। કેસ આગળ ચાલે તે દરમ્યાન અનીતા ને કેદ ફરમાવામાં આવી. ઉદયના મમ્મી પપ્પા તૂટેલા હૃદયે ભારત પાછા ફરવાની તયારી કરવા લાગ્યા અને તેમણે બાળકોને તેઓની જોડે જવા માટે સમજાવ્યા। મમ્મી કેદમાં હોય ત્યારે ભારત પાછા જવાની બંને બાળકોએ ના પાડી અને દાદા દાદી ભારત પાછા ફર્યા. સત્તર અને અઢાર વર્ષના અમી અને આલોક એકલા રહેવા લાગ્યા.

તેવામાં એક દિવસ આલોક ટીવી ના વાયર ઠીક કરવા માટે ટીવી પાછળ ગયો અને તેને ત્યાં કૈક નવા મશીન જેવું દેખાયું. તે કાઢીને જોવા લાગ્યો. અમી બોલી “અરે અલોક આતો ટેપ જેવું લાગે છે, ચાલ આપણે જોઈએ શું છે. ઉદયને લાગેલું કે આલોક કોઈ ખરાબ સોબત માં પડ્યો હોય તો તેની ઉપર નજર રાખવા તેણે સીક્રેટ ટેપ મુકેલી. અમી અને આલોક જોવા લાગ્યા અને પછી તેમણે તુરંત તેમની મમ્મીના વકીલ ને ફોન લગાવ્યો. સીટીંગ રૂમમાં ચાલતું ટીવી રસોઈ કરતા કિચન માં પણ દેખાય તેમ મુકેલું અને અર્ચના અને ઉદય વચ્ચે બનેલી પૂરી ઘટના ટેપ થઇ ગયેલ. વકીલ ભાઈએ આવી ને ટેપ જોઈ અને તુરંત તેને કોર્ટ માં પુરાવા તરીકે રજુ કરી અને તેના આધારે અર્ચના ને કોર્ટે બેગુનાહ સાબિત કરીને તેને કેદ માં થી મુક્ત કરી.

અર્ચનાએ ઘરે આવતાજ બંને છોકરાઓને બથમાં લીધા અને બધા હર્ષના આંસુ સાથે ચોધાર રડ્યા. પછી અર્ચનાએ કહ્યું “હવે તમને મારે મુખ્ય વાત કહેવાની છે. મને કેદમાં વિચારવાનો ઘણો સમય મળ્યો છે અને હું તમને થોડી વાત કહેવા માંગું છું. પહેલી વાત તો એ કે ક્યારે પણ રોષ માં આવી ને જેને આપણે પ્યાર આપ્યો હોય તેને ક્યારેય અજુગતું કઈ કહેવાનું નહિ. એકવાર બોલેલા શબ્દો પાછા લઇ શકતા નથી અને ગુસ્સામાં બોલેલા શબ્દો એટલે સામા પક્ષને ગુસ્સો વ્યક્ત કરવાનું આમંત્રણ આપવા સમાન છે. આપણી ઝીન્દગીમાં જે કઈ બન્યું તેમાં તમારા ડેડી સાથે મારો પણ વાંક હતો. બીજું, તમે હમેશા યાદ રાખશો કે તમારા ડેડી તમારી બંને ઉપર ખુબ ખુબ પ્રેમ કરતા હતા અને તમે બંને અમારી વચ્ચે ના પ્રેમ નું પરિણામ છો. અને આખરે એ પણ ધ્યાન રાખશો કે ઝીન્દગીમાં સપના તો સેવવા જ જોઈએ. પણ સપના સેવતા પછી એ સપના સાકાર કરવાની લાલચમાં બીજું બધું અવગણી ને તમારી ફરજ નિભાવવાની હોય તે ભૂલવાની નહિ. એ ફરજ નિભાવતા ક્યારેક સપનાને બાજુ ઉપર મુકવા પડે તો તે માટે તુરંત ત્યાર રહેવું.” આટલી બધી વાતો સાંભળીને આલોક બોલ્યો “તો વ્હાલી મમ્મી, હવે તુજ બોલ, મારું સપનું છે કે હું એન્જીનીઅર બનું પણ હવે ઘર માટેની જવાદારી તો મારી જ ગણાય ને અને મારી ફરજ છે કે મારું સપનું મૂકી ને હું મારી જવાબદારી નિભાવું, તેમાં તારું શું કહેવું છે?” અર્ચના ક્યે, આલોક હવે તારી મમ્મી અહી છે અને મમ્મી ની તો માત્ર ફરજ જ નથી કે તે બાળકોના સપના પુરા કરે, પણ બાળકોના સપના સાકાર થાય તે તો મમ્મી નું મોટું સપનું પણ છે. તું એન્જીનીઅર બનીશ એ તો મારું મોટું સપનું છે. બેટા મારું સપનું સાકાર કરીશ ને?” અમી કહે, “કરશેજ ને? હવે તો તે આલોકની ફરજ છે અને અમારી બંને ની ફરજ છે કે મમ્મી, અમે તારા સપના સાકાર કરીએ”.

દર્શના વારિયા નાટકરણી

https://darshanavnadkarni.wordpress.com/2015/11/25/varta-re-varta/

“થેન્કસ ગીવીગ “-તરુલતા મહેતા

  મીશીગન સ્ટેટમાં નવેમ્બર મહિનો એટલે કાતિલ ઠંડી અને વરસાદનો મહોલ. પાનખરની પૂર્ણાહુતિમાં વુક્ષો ધરાશાયી પાંદડાઓને

નિર્વેદથી જોયા કરે છે,તેમ અમેરિકાના અર્થ તંત્રમાં આવેલી મંદીથી મહાકાય શોપીગ સેન્ટર અને મોલમાંની આકર્ષક વસ્તુઓને   લોકો  લાચારીથી જોયા કરે છે.બજારમાં અને લોકોમાં ‘થેક્સ ગીવીગ’નો કોઈ ઉત્સાહ જણાતો નથી.ઉદાસીનતાના ઘેરા વાદળો સર્વત્ર છવાઈ ગયાં હતાં.

ડેટ્રોયટ શહેરમાં અમેરિકાની બગડેલી આર્થિક વ્યવસ્થાની અસર વધુ પ્રમાણમાં દેખાય છે.મોટી મોટી કાર કંપનીઓના શેરના ભાવ ગગડી ગયા હતા.બેકારી વધી ગઈ હતી.રીયલ એસ્ટેટના ભાવ તળીયે પહોચ્યા હતા.એમાં પોતાની સ્ટાર્ટ અપ કંપનીનું સ્વપ્ન સેવતો ઉદય હતાશ થઈ ગયો હતો. આઈપીઓ થવાની રાહ જોતી પોતાની  કમ્પનીનું શું
થશે ?તેની ચિંતામાં તે અજંપ રાત્રિ  વિતાવતો હતો.
રાત્રે એની પત્ની અનિતાને હોસ્પિટલમાં  ડ્યૂટી રહેતી. રોજ તો એનાં બે બાળકો
પિન્કી અને પવન ઘરમાં હોય ,આજે રાત્રે તેઓને અનિતાના  ભાઈ પરિમલે  તેમને પોતાના દીકરાની બર્થ ડે પાર્ટીમાં સ્લીપ ઓવર માટે બોલાવ્યાં હતાં.ઉદયને ઇન્ડિયા ફોન જોડવાનું મન થયું,પણ કોને ફોન કરે?ધરડાં મમ્મી -પપ્પા વિરમગામમાં રહેતાં હતાં,એકનો એક દીકરો  દૂર હોય તે વાતથી દુઃખી રહેતાં,તેઓ ફોનમાં બે વાત કરતાં એક ‘તું અમને ક્યારે બોલાવીશ?બીજું ‘તું ક્યારે ગામ આવીશ?’છેલ્લાં પાંચ વર્ષથી ઉદય એટલો બીઝી રહેતો હતો કે મા-બાપ માટે તેની પાસે સમય નહોતો.પોતાનાં બાળકો કઈ ગેમ રમે છે?સ્કૂલમાં શું કરે છે? તે કાંઈ જાણતો નહોતો,એ પોતાની કંપનીના કામમાં ગળાબૂડ રહેતો.તેની પત્ની બધું સંભાળી લેતી હતી એની કદર કરવાનું પણ  તેનાથી ભૂલી જવાયું હતું.
હવે તો આ ‘અમેરિકન ડ્રીમ’ ના મૃગજલ પાછળની  દોડમાંથી તેનાથી પાછું વળી શકાય તેમ નહોતું.ક્યારેક તેને થતું
તે તેના મિત્રો ,સાળાઓ,અરે તેની પત્નીથી પણ તેના  ડ્રીમને  સાકાર કરવાની દોડમાં આગળ છે.કુદરતના ચક્રમાં
ઋતુ પલટો થાય,તેમ આર્થિકવ્યવસ્થાના ચક્રમાં તેજી -મંદી આવે તે ઉદય વિસરી ગયો હતો.મંદીનું મો કાળું,
જોતજોતામાં કામધંધામાં સૌને ખોટ દેખાવા લાગી.ઉદયની
આર્થિક સ્થિતિ કથળી ગઈ,જાણે તે દોડમાં હોવા છતાં અભાન હતો.જયારે પરિસ્થિતિથી સભાન થયો ત્યારે ઉદયને  થયું પોતે

વમળમાં  ફસાયો હતો,  ક્યારેક એને અમેરિકાના મોહને કારણે અનીતા સાથે લગ્ન કરીને આવ્યો તેનો રંજ થતો હતો.અનિતાની જોબ સારી હતી.એ મિશિગન હોસ્પિટલમાં નર્સ હતી.આખા કુટુંબનો હેલ્થ ઇન્સોરન્સ કવર થતો હતો.ઉદય બહારગામ ગયો હોય ત્યારે બાળકોને તે સાથે લઈ જતી,હોસ્પિટલમાં ડે અને નાઈટ માટેનું ચાઈલ્ડ કેર સેન્ટર હતું.તે અમેરિકામાં સારી રીતે ગોઠવાઈ ગઈ હતી, નર્સની જોબની  ખૂબ માંગ રહેતી,ગમે તેવી ઉથલપાથલ થાય,હોસ્પિટલમાં નર્સની જરૂર હમેશાં રહેવાની.એણે ઉદયને કોઈ ટેમ્પરરી જોબ સ્વીકારી લેવા સૂચન કર્યું હતું, પણ ઉદય એન્જિન્યર અને એમ.બી.એ.ગમે તેવી નોકરી કરવામાં એનો અહમ ઘવાતો હતો.
અનિતા અઢાર વર્ષની વયે એના પપ્પા સાથે ગ્રીન કાર્ડ પર આવી હતી.તેનાથી નાના બે ભાઈઓ અને એક નાની બહેનના ભવિષ્યની જવાબદારી તેના માથે આવી પડી હતી,

કારણ કે મમ્મી કેન્સરમાં ગુજરી ગયાં હતાં. તે સમજી કે અમેરિકામાં તકો હતી પણ બારણું ખખડાવતી નથી,એને યોગ્ય સમયે અર્જુનના તીરની જેમ પંખીની ડાબી આંખનું નિશાન તાકવું પડે, અમેરિકામાં એનું અને  એના કુટુંબનું જીવન સારી રીતે સેટ થાય એ જ એનું ધ્યેય હતું.ઉદયને એની સ્ટાર્ટ અપ કમ્પની માટે સાહસ લેતાં પહેલાં એણે સાવચેત કર્યો હતો,કે અમેરિકામાં મિલિયોનર થવાય પણ ઈકોનોમીના ક્રાઈસીસ વખતે ટકી રહેવું પડે,હાલ ઘર ચલાવવાની તકલીફ નહોતી ,પણ તેમની આવકનું ઘણું રોકાણ ઉદયે કમ્પનીના શેરમાં કર્યું હતું,મોટું ઘર બે વર્ષ પહેલાં લીધું હતું.એના મોરગેજનું ટેન્શન હતું.

અનિતાએ કાર ગરાજમાં પાર્ક કરી,ખરેલાં પાંદડા ડ્રાઈવ વેમાં છવાઈ ગયાં હતાં, બેઘર રેફ્યુજી જેવા પવનમાં આડાતેડા રખડતાં ખખડ્યાં કરતાં હતાં.આજે ‘થેંક્સગીવીગ’છે, બપોરે બધાં આવે તે પહેલાં સફાઈ થઈ જાય તેમ તે ઈચ્છતી હતી, એણે મેઈલ બોક્ષથી થોડે દૂર ઘરના સેલ માટેનું બોર્ડ જોયું,તેને થયું પડોશીની જોબ નથી તેથી ઘર વેચવા કાઢ્યું હશે,પણ પછી તેને સમજાયું કે એના જ ઘરનું છે,એણે ગુસ્સામાં હચમચાવીને બોર્ડ કાઢીને ખૂણામાં નાંખી દીધું.અમેરિકામાં કેટલી મહેનત પછી,એમ જ કહો ને વીસ વર્ષની મજૂરી પછી પોતાનું ઘર થયું હતું.એના પપ્પા કહેતા અમેરિકા ‘શ્રમજીવી’નો  દેશ છે.નાના -મોટા સોએ મજૂરી -શ્રમ કરવા  પડે.જો ઉદય ટેમ્પરરી કોઈ જોબ કરે તો ઘરના   મોર્ગેજનું ટેન્શન ઓછું થઈ જાય. એ

ચીઢમાં બબડતી હતી,’થેક્સ ગીવીગ’ની સવાર બગાડી,મંદીના  સમયે ઘર વેચીને ખોટ ખાવાનો શું અર્થ છે?

ઉદયે બેડરૂમની બારીમાંથી બધું જોયું,આખી રાતના ઉજાગરાથી થાકેલો ,બેચેન તે કીચનમાં આવ્યો.અનિતાને  ધણું બધું બોલી નાખવાનું મન થયું પણ ઉદયના ચહેરા પરની લાચારી અને અકળામણ જોઈ સમસમી ગઈ,અનિતાને લાગતું હતું ઉદય દસ વર્ષથી

અમેરિકામાં છે,પણ અહીંની જીવનસરણી અપનાવી શક્યો નથી.કોઇપણ પ્રકારની જોબ કરવામાં નાનમ નથી તે  તેને સ્વીકાર્ય   નથી.અહીના જીવનમાં આનંદ માણી શકતો નથી,પહેલાં સારા દિવસો હતા ત્યારે વેકેશનમાં ફરવાનો પ્લાન તેને ગમતો નહી,બે વર્ષથી ડીઝની લેન્ડ જોવા છોકરાં જીદ કરતા હતાં પણ ઉદયને કારણે શક્ય બન્યું નહોતું.અત્યારે આખા દેશની ઈકોનોમી ખરાબ છે,ત્યારે દુઃખનો ટોપલો ઉપાડીને થાકવાનો શું અર્થ ?ધીરજ રાખી આવા  સમયે ટકી રહીએ તેવી પ્રભુ તાકાત આપે.અમેરિકામાં આવી તેનું અને ભાઈઓનું કુટુંબ સુખી થયું તે માટે હંમેશા પ્રભુનો ઉપકાર માનતી,સારા નરસા દિવસો ભરતી ઓટ જેવા, એ આવે ને જાય.સૌ ભેગાં થઈ બે ઘડી આનંદમાં વીતાવીશું એમ વિચારી અનિતાએ   ઉદયની નામરજી છતાં ‘થેક્સ ગીવીંગ ‘દર વર્ષની જેમ પોતાને ઘેર રાખી હતી,જો કે હજી ઉદય જાણતો નથી કે અનિતાના  બે ભાઈઓ અને પપ્પા બપોરે આવવાના છે.એના ભાઈઓએ રાત્રે કહ્યું હતું ,’દીદી ,આ વર્ષે જીજાજીનો મૂડ નહિ હોય પણ આપણે  થેક્સગીવીગ દર વર્ષની જેમ તમારે ત્યાં જ કરીશું ,’પોટલક ‘ કરીશું ,તમે છોકરાઓ માટે કઈક બનાવજો ,બાકી બધું અમે કરીશું.’

અનિતા વિચારતી હતી ,ઉદય નાહીધોઈ તેયાર થાય પછી મૂડમાં આવે એટલે પાર્ટીની વાત કરું.
આમે અમેરીકાના તહેવારોમાં ઉદયને

ખાસ મઝા આવતી નહિ.બીજી બાજુ અનિતા અને  બાળકો ખૂબ આનંદ કરતાં.

ઉદયે  કીચનમાં આવી જોયું,સ્ટોવ ઉપર એક મોટા  પોટમાં પાણી ઊકળવા મૂક્યું હતું,પાસ્તાના બે પેકેટ તોડેલા પડ્યા હતા,પિન્કીના

રૂમના શાવરમાંથી અનિતાનો અવાજ સંભળાયો,’ ઉદય ગેસ જરા ઘીરો કરી દેજે ‘.ઉદય ગેસ ધીરો કરતા વિચારતો હતો ‘બે પેકેટ પાસ્તા કોને માટે?પરિમલ છોકરાઓને મૂકવા આવવાનો છે પણ …એની નજર પડી અનિતાએ ડીનર પ્લેટો,નેપકીન ,ચમચા ,કાંટા

બધું તેયાર કર્યું હતું.ઉદય મનમાં અકળાતો હતો,એ બધા સાથે હળીમળી પાર્ટી કરવાના મૂડમાં નહોતો.

ડોર બેલ સાંભળી એણે બારણું ખોલ્યું એટલે પીન્કી ‘ડેડી ડેડી ‘કરતી ઉદયને પરિમલની કાર પાસે લઈ ગઈ.તેઓ ‘થેક્સ ગીવીગ’ના

ડીનર માટે ઘણી બઘી વાનગીઓ લઈ આવ્યાં હતાં. ઉદયને આશ્ચર્ય થયું પણ આ બઘી ધમાલ તેને ગમી નહિ.
‘કેમ છો જીજાજી ‘હેપી થેક્સ ગીવીગ ‘ કહી પરિમલે હસીને ઉદય સાથે આત્મીયતાથી હાથ મિલાવ્યા.પરિમલની પત્ની અંજલિએ મઝાકમાં  કહ્યું ,’જીજાજી
અમે ‘માન ના માન મેં તેરા મહેમાન ‘જેવું કર્યું,બોલો હવે ઘરમાં જઈએ કે નહિ?  ઉદયે કહ્યું ,’આવો,અનિતા ડીનરની તેયારી કરી રહી છે.’

ત્રણે છોકરાંઓ સાઈકલ અને સ્કેટીગ બોર્ડ લઈ રમવા લાગ્યાં,પરિમલ અને અંજલિ બાળકોની રમત જોઈ ખુશ થતાં હતાં,એટલું જ નહિ તેમની પાછળ દોડાદોડી કરતાં હતા.ઉદયને મનમાં ડંખ લાગ્યો કે એ કદી બાળકો સાથે રમ્યો નહોતો,પરિમલ આટલો બિન્દાસ થઈ કેમ કરી રમી શકતો હશે!એને ય

લે ઓફ મળે એવું અનિતા કહેતી હતી.મંદીમાં એના  મોટેલના  ધંધામાં ખોટ જતી હશે,એને કોઈ ટેન્શન નહિ હોય?

અનિતાનો નાનો ભાઈ રમેશ તેના કુટુંબ સાથે આવી ગયો.તેમના પપ્પા રમેશની કારમાંથી બહાર આવી ઉદયને જોઈ બોલ્યા,’તમારી તબિયત ઠીક નથી ,મો થાકેલું દેખાય છે.’ઉદયને થયું પોતે રડી પડશે,બીજા બધાં આનંદ કરતાં હતાં,કોને પોતાના સ્ટ્રેસની વાત કરે?

અનિતાને અહીંના બધા તહેવારોમાં’ થેન્કસ ગીવીગ ‘ વધુ પ્રિય હતો.’શેરીગ ,કેરીગ ‘ અને પ્રભુએ આપેલા સર્વ કાઈ માટે આભારની અભિવ્યક્તિ.આપણે જીવનમાં નાની -મોટી સગવડ અને સુખ માટે થેંક્યું -શુક્રિયા -આભાર -પાડ માનવાનું ભૂલીએ છીએ.ક્યારેક એમ થાય કે એમાં ‘થેંક્યું ‘શું કહેવાનું ?આપણાં મા ,બાપ ,કુટુંબી

જનોનો અને ઈશ્વરનો આભાર હદયથી અને વાણીથી માનીએ એમાં નમ્રતા છે.પ્રિયજનોને ‘આભાર ‘ કહેવાની જરૂર નથી એમ માનવાથી કેટલીકવાર તેમનાં દિલ પણ દુભાય છે.
ઉદય બધા સાથે ડીનર માટે બેઠો ત્યારે તેને લાગ્યું બઘાની હસી મઝાક અને બાળકોની તોફાની હરકતોથી તેનો તનાવ ,ગમ ,ભવિષ્યની ચિતા ઓગળતું ગયું. ઘરનાં આનંદના વાતાવરણમાં અનિતાનો ઉત્સાહ અને પ્રેમ જાણે કે દીવામાં ઘી પૂરવાનું કામ કરતા હતા.ઉદયે સૌને ‘ડીનર ‘શરુ કરતાં પહેલાં હાથમાં ગ્લાસ લઈ ટોસ્ટ ‘ કરવા કહ્યું. અંજલિ તાળીઓ પાડી બોલી ,’વાહ ,જીજાજી હવે પાર્ટીના મૂડમાં આવ્યા આવ્યા ‘ અનિતા રાજીની રેડ થઈ બોલી ‘થેંક્યુ ,એવરી બડી,તમે સૌ આવ્યાં,આપણે પ્રભુનો પાડ માનીએ કે આર્થિક ભીસમાં ટકી ગયાં છીએ.’

અનિતાના પપ્પા ગળગળા સાદે બોલ્યા,’હું અને આપણું કુટુંબ તારો પાડ માનીએ છીએ,નાની ઉમરે તે હિમત અને મહેનતથી સૌને અહી ‘સેટ’ કર્યા.’ઉદય જાણે સંમત

થતો હોય તેમ હકારમાં માથું ધૂણાવી બોલ્યો ,’યસ ,પપ્પાની વાત સાચી છે.’અનિતા

આશ્ચર્યથી મનમાં મલકાતી ઉદયને જોતી હતી.

પરિમલે કહ્યું ,’દીદી ,અમે જાણીએ છીએ ,જીજાજીને કમ્પની માટે પેસાની જરૂર છે. પણ મારા  હાથ બન્ઘાયેલા છે,જોબમાંથી મને ‘સાઉદી એરેબીયા’ મોકલે છે,જો હું ના પાડું તો બેકાર બની જાઉં ,અંજલિને એકલીને મોટેલ ચલાવવામાં તકલીફ પડે ,હું ય મંદીના સાણસામાં ફસાયો છુ.’ બે કલાક પહેલાં બાળકો સાથે રમતાં અજલિ અને પરિમલ ‘સ્ટ્રેસ ‘માં હોય તેવી ઉદયને કલ્પના નહોતી.

અંજલિનો ખભો થાબડી અનિતાએ હિમત આપતા કહ્યું ,’પરિમલને જવા દે,અમે બધાં તારી સાથે છીએ,’પડશે એવા દેવાશે’.
અંજલિ અનિતાને ભેટી પડતાં બોલી ,’દીદી ,આપણે ‘રેતીમાં વહાણ ચલાવીશું.’

ઉદય કઈક બોલવાનો વિચાર કરતો હતો ત્યાં રમેશ બોલ્યો,’વાત એમ છે કે મને ય ઇકોનોમીની થપ્પડ વાગી છે,મારા  સ્ટોરની આવક ઓછી થઈ છે,રાધાને ગયા વીકે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું છે.દીદી અને જીજાજીને વિનંતી કરું કે મને બેઝમેન્ટમાં ટેમ્પરરી રહેવા દે,હું ભાડું ચૂકવીશ.મારું ઘર રેન્ટ પર આપી દઈશ’.સોએ રાધાને ‘સારું થઈ જશે’નું આશ્વાસન આપ્યું.અનિતા વિચારમાં પડી ગઈ,’રમેશને મદદની જરૂર છે,અને અમને મદદ કરવા માંગે છે.એ જાણે છે કે અમારે ધરના મોરગેજનું ટેન્શન છે.એટલામાં ઉદય ગળું ખોખરી પોતે કુટુંબનો વડીલ હોય તેમ વિશ્વાસથી બોલ્યો ,

‘ જુઓ રમેશભાઈ તમે નિરાંતે અમારા બેઝમેન્ટમાં રહો,એ બહાને વપરાશે,ભાડાની ચિતા તમારે કરવાની નથી.હું ગમે તે જોબ શોધી લઇશ,અમારી  મોરગેજની સમસ્યા તમારા ટેન્શન આગળ તણખલા જેવી છે.’અનિતાથી રહેવાયું નહિ ,તે ઊઠીને ઉદયને આલિંગનમાં લેતાં બોલી,’થેંક્યું ,મને માફ કરજે ,હું ગુસ્સામાં કઈ ખોટું બોલી હોઉં તો’.

ઉદયે તેને પ્રેમથી ખુરશીમાં બેસાડતાં કહ્યું,’હું સદભાગી તારા જેવી જીવનસાથી મળી,તેં  મને સાથ આપ્યો,તારો અને પ્રભુનો ઉપકાર’

બધાં બાળકો પોતાના પેરેન્ટને વહાલમાં ‘થેંક્યું ‘કહેતા હતા તેમાં પિન્કી બોલી,’અમને થેંક્યું નહિ કહેવાનું ?’

તરુલતા મહેતા 21મી નવેમ્બર 2015

‘હેપી થેંક્સગીવીગ’ મિત્રો ,તમારા સાથ અને સહકાર માટે શુક્રિયા,માતૃભાષાના સંવરધનની તક આપવા બદલ પ્રજ્ઞાબેન ,વિજયભાઈ અને સૌ લેખક મિત્રોની ઋણી છું.

 

વાર્તા રે વાર્તા(7)જયવંતી પટેલ

varta re varta

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિત થઇ ગયો. એમ તો ખૂબ સારું ભણેલો અને એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર

કામ કરતો હતો. પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું જે પૂરું કરવાનો સમય આવી ગયો,
પોતાની પત્ની અનીતા ને આ વાત કરી અને અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું,

” હા ઉદય, તું કંઈક નવું કર. આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે માટે ઘરની જીમેદારી આપણાથી જીલાશે.” અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અનેક પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.
તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગની તો વાત જ જવા દ્યો. ઉદય રોજ વિચાર કરતો – હવે શું ? અનીતા પણ મુંજાણી ,,,,,,,,,,,,,

એવામાં એક દિવસ ટેક્સાસથી રમેશભાઈનો ફોન આવ્યો. કહે હું કેલીફોર્નિયા આવવાનો છું મારે મારી મોટેલની દેખભાળ માટે આવવું પડશે. આ વખતે તમારે ત્યાં જ સીધો આવીશ. ગયે વખતે ન્હોતું અવાયું તો તમો બન્નેને ઓછું આવ્યું હતું એટલે આ વખતે નક્કી કર્યું છે કે તમારે ત્યાં જ રહીશ. અઠવાડિયા પછી રમેશભાઈ આવ્યા. આ વખતે તેમને ઉદય અને અનીતાનો ઉત્સાહ કંઈક મુંઝાયેલો લાગ્યો – બધું જ કરતાં હતા પણ તેમાં જાન ન્હોતો. આખરે તેમણે પૂછી જ નાખ્યું !! ઉદય અને અનિતાએ તેમને માંડીને વાત કરી.

થોડી વાર રમેશભાઈ કંઈ ન બોલ્યા પછી કહે આ સ્ટાર્ટ અપ કંપની વિશે હું બહુ ન જાણું પણ એટલું જરૂર કહીશ કે હિંમત કેમ હારી જાવ છો? કોઈ પણ નવો ધંધો શરૂ કરતી વેળા દરેકને આવીજ દ્વિગ્ધા થતી હશે.
એ સમજ પડે તેવી વાત છે પણ અર્જુનની જેમ લક્ષ કદી ચૂકવું નહિ. ગમે તેટલી મુસીબતો કેમ ન આવે !!
ઉદય તું હોંશિયાર છે તું કામચલાવ બીજી નોકરી શોધી લે. તેમાંથી હપ્તા ભરવાનાં ચાલુ કરો. અનીતા, તું જેમ હિંમતથી ઘર ચલાવે છે તેમ ચાલુ રાખ. ઉદયને તારા પૂરા સાથની જરૂરત છે તમે બન્ને સંપીને જો કંઈ કરશો તો એકબીજાના પૂરક બની રહેશો અને તેમાં ખૂબ બળ હોય છે. ઉદય, તને નોકરી જલદી તારા ક્ષેત્રમાં ન મળે તો બીજી ગમે તે નોકરી અપનાવી લે અને ક્યાંય મેળ ન પડે તો મારી મોટેલ તો છે જ. ત્યાં ચાલુ થઇ જા. મારે મોટેલના પગાર અને એકાઉનટ્સ કરવાના જ હોય છે ઉપરાંત ડેસ્ક ક્લાર્ક પણ હેરાન કરે છે તો તેની જવાબદારી તું માથે લઇ લે. તારો પગાર ચાલુ થઇ જશે અને તને વિચાર કરવાનો વખત પણ મળી જશે. એમ હિંમત હારી ન જવાય! ઉદય, તું તો મારા નાના ભાઈ જેવો છે અને તને તારા કામમાં પૂર્ણ વિશ્વાસ હોય તો લે ને પૈસા હું આપું ! તારે VC ની મદદ નહી લેવી પડે. તું તારે આગળ વધ.

ઉદય અને અનીતા તો એકબીજા સામે જોઈ જ રહયા એમને એમ લાગ્યું કે ભગવાને જ કોઈ ફરીસ્તાને સંદેશ લઇ મોકલ્યા છે. બન્ને રમેશભાઈ પાસે આવી બેઠા. અને પૂછ્યું, ” રમેશભાઈ, સાચે જ તમે ઉદયને તમારી મોટેલમાં કામ કરવા દેશો ?” રમેશભાઈએ હા પાડી અને તરત બધું સમજાવા બેસી ગયા. બીજે દિવસે તેઓ ઉદયને અને અનીતાને તેમની મોટલ ઉપર લઇ ગયા – મોટેલ ફ્રેન્ચાઈઝ હતી અને સારી કમાણી કરતી હતી. ઉદયે કરોળિયાની વૃતિ અપનાવી. તેને વિશ્વાસ હતો કે એ જે વિચારે છે તે એક દિવસ જરૂર ફળીભૂત થશે એટલે રમેશભાઈની મોટેલના એકાઉનટ્સ અને બીજી જવાબદારી માથે લઇ લીધી, એક મિત્રની મદદથી ડેસ્ક કલાર્કની જગ્યા પૂરી અને તેણે એકાઉનટ્સ નું કામ જારી રાખ્યું. સાઇડમાં તેના વેન્ચર એટલે કે સાહસને પણ ચાલુ રાખ્યું તેના સાહસને બે એક વર્ષ તો આપવા જ પડશે પછી જ કંઈક પરિણામ વરતાશે. પણ મનને ટેકો મળી ગયો.

જીવનમાં અનુકુળ સંજોગોમાં તો ગમે તે માનવી કામ કરી આગળ વધી શકે પણ કપરાં સંજોગોમાં હિંમત રાખી, ધ્યેયને સાર્થક બનાવવું એ એક તટસ્થપણાની નિશાની છે. ઈકોનોમી બગડી ગઈ તો શું થયું !!
તેનો ઉપયોગ બીજી રીતે કરીશ. અર્થ વ્યવસ્થા સુધરે નહી ત્યાં સુધી ખુબ ઝીણવટ પૂર્વક કામ કરવું પડશે પણ મને મારામાં વિશ્વાસ છે કે હું ફળીભૂત થઈશ જ. પહેલાં જે મોટા પાર્ટ્સ બનાવવા વિચારતો હતો તે માંડી વાળી નાના પાર્ટ્સ બનાવીશ અને કંપની સફળ બનશે ત્યારે મોટા પાર્ટ્સ નો વિચાર કરીશ.
ઉદયે મનોમન નિશ્ચય કરી લીધો – અને જયારે તમે વિશ્વાસપૂર્વક, હિંમતથી આગળ વધવા માંડો ત્યારે ઉપરવાળો પણ સાથે આવી ઉભો રહે છે – પેલી કહેવત છે ને,” હિંમતે મર્દા તો મદદે ખૂદા.”

જયવંતી પટેલ

વાર્તા રે વાર્તા-6-રોહીત કાપડિયા

પ્રેમ અને વિશ્વાસ

————————

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઈ ગયાં પછી નિશ્ચિંત થઈ ગયો, એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા પર કામ કરતો હતો. પગાર પણ સારો હતો, પણ નોકરી કરતાં પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતાં કહ્યું”હા ઉદય તું કૈંક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે, માટે ઘરની જિમ્મેદારી આપણાંથી ઝીલાશે. અને ઉદયે પોતાનીનોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા પર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિઓમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઇકોનોમી ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જવા લાગી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દયો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ?અને અનિતા પણ મુંઝાણી.

મંદીના દોરમાં નવી કંપનીનું ચાલવું તો મુશ્કિલ જ હતું, પણ નોકરી યે સહેલાઈથી મળી શકે એમ ન હતું. ઘણી જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કર્યા પછી પણ કંઈ જ પતો ન ખાધો. ઉદય મનોમન મુંઝાવા લાગ્યો. પોતાનું સ્ટેટસ ભૂલી જઈ જે મળે તે કામ સ્વીકારી લેવાનું નક્કી કર્યું. ખેર ! કુદરત જાણે સાથ ન આપતી હોય તેમ એમાં યે એને સફળતા ન મળી. અનિતાની કમાઈ પર જીવવું પડતું હોવાથી એ અકળાઈ જતો. તેની આ મૂંઝવણ, આ અકળામણ ક્યારેક અનિતા પર ગુસ્સા રૂપે બહાર નીકળતી. જો કે અનિતા તો ખામોશ જ રહેતી. અનિતાની ખામોશી, વગર વાંકે સજા સહી લેવાની એની રીત એને અંદરથી પારાવાર પસ્તાવો કરાવતી. અનિતા તો એ જ પ્રેમથી એનું ધ્યાન રાખતી, છોકરાઓને સંભાળતી, ઘરકામ અને રસોઈ કરતી ને સાથે સાથે નોકરી પણ કરતી. અનિતાને દિવસ ટૂંકો પડતો અને ઉદયને માટે એક એક પળ યુગ જેવી બની જતી. અનિતાને ઉદયની મનોસ્થિતિનો ખ્યાલ હતો ને એથી જ એ અપાર પ્રેમ દ્વારા એનામાં હિંમત ભરતી. અધુરામાં પૂરું, નાનકડી બીજલ બીમાર પડી. હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતાં સાજી તો થઈ ગઈ .બચાવેલી મૂડીને કારણે વાંધો તો નહીં આવ્યો, પણ છૂટથી પૈસા ખર્ચવાનું હવે મુશ્કિલ થતું. આપત્તિનો આ દોર લંબાતો જ ચાલ્યો. આવી વિકટ પરિસ્થિતિમાં પણ અનિતા જરાયે ડગી નહીં. દિવસભરની વ્યર્થ દોડભાગ, સતત માનસિક ચિંતા અને રાતનાં ઉજાગરાઓએ ઉદયની જિંદગી ઝેર જેવી બની ગઈ હતી. એ સહનશક્તિ ગુમાવી બેઠો.તેને આપઘાત કરવાનો નિશ્ચય કરી લીધો.અનિતા કામ પર ગઈ અને બાળકો શાળાએ ગયા પછી એણે જિંદગીથી કંટાળીને એ આપઘાત કરે છે ને એનાં મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી એવી ચિટ્ઠી પણ લખી નાખી. બીજી એક ચિટ્ઠીમાં અનિતાની માફી માંગી અને બાળકોને પ્યાર આપવાની વાત પણ લખી નાખી.બંને ચિટ્ઠી યોગ્ય જગ્યાએ મુકવા તે ઉભો થયો. અચાનક તેની નજર અનિતાની ડાયરી પર પડી. અનિતાને રોજની ડાયરી લખવાની ટેવ હતી. ચિઠ્ઠી મુકવા એણે ડાયરી ખોલી ને કોને ખબર કેમ પણ મરતાં પહેલાં અત્યારના હાલત વિષે અનિતા શું લખે છે તે જાણવાની ઈચ્છા થઈ.ડાયરી ખોલીને એણે વાંચવાનું ચાલુ કર્યું —–

સ્વર્ગનાં દેવતાને પણ ઈર્ષ્યા આવે એ રીતે અમારો સંસાર ચાલી રહ્યો હતો. ખેર ! કદાચ સુખની માત્રા હદથી વધી ગઈ હશે અને તેથી દુઃખ આવ્યું. મને દુખના આ સમયનો પણ વાંધો નથી. જો કે દુઃખનો દોર થોડો લાંબો ચાલ્યો છે, પણ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે.મારામાં વિશ્વાસ છે અને સહુથી વધારે તો ઉદયમાં વિશ્વાસ છે. જિંદગીમાં પ્રથમવાર આવી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તેથી તે થોડા ડગી ગયા છે, પણ મને વિશ્વાસ છે એ જરૂર કોઈ એવી એપ શોધી કાઢશે જેમાં પૈસાનું રોકાણ મામુલી હશે અને વળતર અનેક ઘણું હશે. આ તબક્કે એમને કોઈ સલાહ સૂચન નથી આપતી પણ એ જરૂરથી રસ્તામાં અવરોધ રૂપ બનેલાં પથ્થરને ઉપર ચઢવાની સીડી બનાવી દેશે. આપત્તિનાં આ કાળમીંઢ અંધકારને ચીરીને આકાશભર ઉજાસ લાવશે. ફરી એક વાર અમારી જિંદગીમાં બહાર આવશે. દુઃખ પછીનું સુખ વધારે મીઠું હોય છે. બસ આ મીઠાસભર્યા દિવસો જલ્દી આવે એ જ પ્રભુને પ્રાર્થના.

વાંચતા વાંચતા ઉદયની આંખો ભીની થઈ ગઈ. તેને પોતે કરેલા આપઘાતનાં વિચાર પર દુઃખ થયું. ઉદય થઈને એ અસ્તનો વિચાર કેવી રીતે કરી શકે ? દેવી સ્વરૂપ પત્ની હોવા છતાં એ કેમ ઢીલો પડી ગયો ? કેટલું સરસ સૂચન છે કે કોઈ એવી એપ બનાવું જેમાં રોકાણ અલ્પ હોય અને વળતર ઝાઝું હોય. બસ હવે તો એવી એપ બનાવીને જ જંપીશ. ડાયરી ઉંચે મૂકી દઈ એણે લખેલી ચિટ્ઠીનાં ટુકડેટુકડા કરી નાખ્યાં. ચાવીથી ઘર ખોલીને ઘરમાં પ્રવેશતા જ અનિતાએ હસતા હસતા કહ્યું “શું ફાડી નાખ્યું? આજે તો કંઈ બહુ ખુશ દેખાવ છો ? ” ઉદયે કહ્યું ” અનુ,નિરાશાનાં વાદળને ચીરી નાખ્યું છે.હવે તો ફરી પછી સુખની વર્ષા લાવીને જ જંપીશ. ” અને અનિતાનો હાથ, હાથમાં લઈ ગણગણવા લાગ્યો —

તેરા સાથ હે તો હે જિંદગી —-અનિતાને આ પરિવર્તન સમજાયું નહીં પણ એણે સાથ પુરાવતા કહ્યું ” તેરા પ્યાર હે તો હે બંદગી —–

રોહીત કાપડિયા

કાકાસાહેબ કાલેલકર-

મિત્રો

આપણા દાવડા સાહેબે એક સુંદર મજાનો માહિતી સભર લેખ અહી મોકલ્યો છે ,આપ માંથી કોઈને પણ આવું સુજે તો,અથવા વાંચો તો જરૂરથી મોકલશો “શબ્દોનુંસર્જન” કે “બેઠક” કે “સહિયારા સર્જનનો” ઉદેશ સવર્ધન સાથે સર્જકો પાસે વાંચન અને લખવાનો પણ છે તમે શું વાંચો છો તે કહેશો નહિ તો ખબર એમ પડશે અને આપણે બીજાને વ્હેચશું કઈ રીતે ?આપ સર્વે સર્જકોના વિકાસ દ્વારા માતૃભાષાનું કૌશલપણ વિકસે છે વાંચન સાથે ગદ્ય લખવાની પરંપરા ચાલુ રહેતો જ તેના દ્વારા માતૃભાષાનું ઉદગમ અને સવર્ધન થશે આ પ્રયત્ન નાનો પણ આપનું યોગદાન મોટું છે ફરીથી કહું છું કે વાંચેલું જાણેલું મને મોકલશો એને લોકો પાસે મોકલવાનું કામ હું કરીશ.
દાવડા સાહેબ અભિનંદન
આપે વાંચવાની નવી દ્રષ્ટિ આપી છે.

કાકાસાહેબ કાલેલકર

કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. મહારાષ્ટ્રીય હોવા છતાં ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યે તેમની આત્મીયતા અને અસાધારણ પ્રભુત્વ જોઈને ગાંધીજી તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવતા. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચાહક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે.

મારૂં નિરીક્ષણ છે કે કાકાસાહેબના નિબંધોમાં વિષયને અનુરૂપ શબ્દો, શૈલી અને વ્યાકરણ હોય છે. જો કાકાસાહેબ નદીની વાત કરતા હોય તો એમનું લખાણ પણ નદીની માફક વહેતું હોય છે, જો એ પર્વતની વાત કરતા હોય તો એમના લખાણમાં તમને ઉત્કર્ષતા દેખાયા વગર નહિં રહે. બાળકો વિષે કે બાળકો માટેનો નિબંધ હોય તો એમાં શબ્દો પણ બાલ સુલભ હશે, એક્પણ અઘરો શબ્દ નહિં મળે. ભાષાપણ સાક્ષરો જેવી નહિં હોય, બાળકો બોલે છે એ સ્તરની જ ભાષા હોવાની.

મારી આ વાત સમજાવવા અહીં કાકાસાહેબનો બાળકો માટેનો નિબંધ રજૂ કરૂં છું.

લુચ્ચો વરસાદ

હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઊઠ્યો ત્યારે બારણાં બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હું દોડતો-દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈસા’બ ધોધમાર રુએ છે !

પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે, એ જો સવારે વહેલો આવ્યો હોત તો એનું બહાનું કાઢીને નિશાળે તો ન જાત ! પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો જ હતો એટલે એ વહેલો શાનો જ આવે ? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ‘ચાલો રમવા.’ એ તે કેમ બને ? નિશાળે જતાં વાર થઈ તેથી મારની બીકે હું ધ્રૂજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રૂજતો હોઈશ.

વરસાદનો સ્વભાવ પણ કેટલો વિચિત્ર ! જ્યારે-જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે એ કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈયે વાગતું નથી, પણ મને તો વાગે છે. અને વળી મારાં કપડાં પણ બગડે છે તે વધારાનું. મારું દુઃખ જોઈને મોઢેથી તે હસે છે અને આંખેથી રુએ છે ! રાત્રે પણ એ નિરાંતે નથી સૂતો. મેં એને કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજે. તડકો બહુ પડે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. કોઈ દહાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતાં ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવવાનો. પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોકિયું કરે.

મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈ-જોઈને એને આખો દહાડો બોલાવ-બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોસથી એના પર હસતો-હસતો કૂદી પડે કે મોરનાં સુંદર આંખોવાળાં પીછાં ભીંજવી નાખે અને એની બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂકડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાય-બળદને પણ એ એમ જ હેરાન કરે છે. બકરાં તો એનાથી એટલાં ગભરાય છે કે વાત ના પૂછો. બસ, એક બતક અને ભેંસ એ બે એનાથી ખુશખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ. માટે હું તો હવે આજથી વરસાદ સાથે રમવાનો નથી.

પી.કે.દાવડા

‘તમને મળ્યા પછી ‘ કવિ પુરુરાજ જોશી -તરુલતા મહેતા

બદલાઈ બહુ ગયો છું હું ,તમને મળ્યા પછી

મારો મટી ગયો છું હું ,તમને મળ્યા પછી

પથ્થર હતો હું તેથી તો નિંદા થતી હતી

ઈશ્વર બની ગયો છું હું, તમને મળ્યા પછી

મારું હતું શું નામ મને કોઈ તો કહો –

એ પણ ભૂલી ગયો છું હું ,તમને મળ્યા પછી

તમને મળ્યા પછી મેં ,મુજ શ્વાસને સૂન્ધ્યા

સૌરભ બની ગયો છું હું ,તમને મળ્યા પછી

કવિ પુરુરાજ જોશીની આ સરળ બાનીમાં લખાયેલી સંવેદનશીલ ગઝલ હું કોલેજમાં ભણતી હતી ત્યારે કોઈ મેગેઝીનમાંથી વાંચેલી ,ગમી ગયેલી એટલે નોટબુકમાં ટપકાવી દીધેલી,કારણ કે પ્રેમની મોસમમાં પ્રિય વ્યક્તિને મળ્યા પછી નામ ,સાન વિસરાઈ જતું,ત્યારે પુરુરાજ સીન્યર ક્લાસમાં ભણતા હતા પણ લેખક તરીકે જાણીતા થઈ ગયેલા, તેમના કાવ્યો -ગઝલો ,વાર્તાઓ મેગેઝીનોમાં પ્રગટ થતી.’નક્ષત્ર ‘તેમનો પહેલો કાવ્યસંગ્રહ ત્યાર પછી બીજા બેએક કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો, નવલકથાઓ, વિવેચનસંગ્રહો તેમણે ગુજરાતી સાહિત્યને પ્રદાન કર્યા.નડિયાદ તેમનું વતન પણ વડોદરા નજીક આવેલું સાવલી ગામ તેમની કર્મભૂમિ,વર્ષો સુધી ત્યાંની કૉલેજમાં પ્રોફેસર હતા.હાલ સાવલીમાં તેમના પત્ની સાથે રહે છે,તેઓની પ્રતિભા અને પ્રકુતિ મહદઅંશે કવિની ,તેમનું ગદ્ય પણ કવિતાથી મહેકતું. કવિ પુરુરાજ જોશીની સાવલીના સંત સ્વામીજી વિષે સ્વાનુભવના આધારે લખાયેલી ‘જિજ્ઞાસુની ડાયરી ‘યાદગાર રચના છે.તેમના રસાળ ગદ્યને કારણે ખરેખર આપણે પોતે સ્વામીજીની

વાતો જાણવા જિજ્ઞાસુ બનીએ છીએ.તેમની ‘તમને મળ્યા પછી ‘ગઝલમાં પ્રિયા સાથેના મિલનનો આનંદ કહો કે અસરથી પ્રિયતમ જાણે નવું રૂપ ,નવો અવતાર ધારણ કરે છે.પ્રેમનો એ ચમત્કાર છે કે પ્રિયમય થયેલાં બે અલગ વ્યક્તિઓ પરસ્પર ભળી જાય છે.એટલે જ શિવમાં પાર્વતીનું અડધું અંગ સમાયું ને શિવ ‘અર્ધનારીનટેશ્વર ‘કહેવાયા. પત્ની,પુરુષની અર્ધા ર્ન્ગના છે,’બેટર હાફ ‘કવિની સરળ લાગતી રજૂઆતમાં ભરપૂર સંવેદનશીલતા છે,પ્રિયને મળ્યા એવું રૂપાંતર થયું કે ખુદપણુ -મારાપણુ મટી ગયું ,’હું -તું ‘નો ભેદ રહ્યો નહિ,પ્રેમની ચરમસીમા આ ભેદ ઓગળી જાય તેમાં છે.મીરાં કુષ્ણમય હતી,તેવું જ ગોપી,રાધા કુષ્ણનું મિલન હતું, પ્રેમના સ્પર્શથી પથ્થર જેવા માણસમાંથી ઈશ્વરમાં રૂપાંતર થાય છે.અહલ્યા શ્રાપથી પથ્થર બની હતી તે રામના ચરણ સ્પર્શથી જીવિત બને છે.કવિ હળવા કટાક્ષમાં કહે છે,’માણસની નિંદા થાય પણ ઈશ્વર નિંદાથી પર છે.

પ્રિયને મળ્યા પછી મારા તારાનો ભેદ ગયો એટલે પ્રિયતમથી પોતાનું નામ પણ ભૂલાયું, તમે કહેશો મોટી ઉપાધી થઈ,પ્રિયા નામ વગરના પ્રિયતમની સાથે કનેક્શન -ફોન ,પત્ર ,ઈમેઈલ,ફેસબુક -કેમ કરી કરશે?અરે રોડ ઉપરથી પસાર થતો હોય તો જે નામ ભૂલી ગયો છે તેને ‘એ’ કહેવાનું,પહેલાં પત્નીઓ પતિને ‘એ’ કહેતી (નામ બોલે તો પતિનું આયુષ્ય આછું થઈ જાય એમ

મનાતું )પ્રેમમાં દીવાનાપન ન હોય તો મઝા શું ?પ્રિયાના મિલનમાં તેના મોગરાના ગઝરાની,સેન્ટની સુગંધમાં મસ્તાન પ્રીતમ પછી પોતાને સૌરભ બની ગયેલો અનુભવે છે.

કવિની આ ગઝલ રવિન નાયક અને બીજા ગાયકોએ સુંદર ગાઈ છે,કવિ પોતે પણ સારા ગાયક છે.વિનોદ જોશી,ગની દહીંવાલા ,આદિલ મન્સુરી ,રાજેન્દ્ર શુક્લ ,જયદેવ શુક્લ અને બીજા અનેક કવિઓ પોતાની કૃતિ સરસ રીતે રજૂ કરી શકતા. છે,સુરેશ દલાલ મુશાયરામાં જાન આપતા. અંકિત ત્રિવેદી મુશાયરાને રસના હિલોળે ચઢાવે,પુરુરાજ જોશીની ભાવભરી ગઝલોની રજૂઆત પણ મુશાયરામાં શ્રોતાઓનું દિલ જીતી લે છે. ગુજરાતી કવિતાના ‘બહુરત્ના ‘ કવિઓને મારી સલામ.

તરુલતા મહેતા 15મી નવેમ્બર 2015

Share this:

નૂતન પ્રકાશ ‘ તરુલતા મહેતા

સાંજની ગુલાબી છાયામાં લપેટાતી જતી વુક્ષોની હારમાળાને મથાળે હજી સૂરજ લાલ રત્નોનો મુગટ ધારણ કરી ઝગમગી રહ્યો છે.દિવસો પછી મીના એના  બે માળના વિશાળ આલીશાન નિવાસની બાલ્કનીમાં ઊભી છે.એની દીકરી શિકાગોથી સાંજની ફ્લાઈટમાં સેન હોઝે આવી રહી છે,દિવાળી હતી પણ આ ઘરમાં એનો કોઈને હરખ નથી. પાંચ વર્ષ પહેલાં આ ઘર દિવાળીના દિવસોમાં લાઈટો અને દીવાઓથી  પ્રકાશી ઉઠતું,આજુબાજુના અમેરિકન પડોશને ઇન્ડીયન ન્યુ ઈયરની જાણ થઈ જતી.મઠિયા,મીઠાઈથી ડબ્બા ભરાઈ જતા.મીના ‘હેપી દિવાલી ‘ની  રંગોળી કરતી,એનો દીકરો કેવલ અને દીકરી રીટાની ધમાચકડી અને પાર્ટીથી ઘર ગાજી ઉઠતું. આજે તે દીકરી રીટાની રાહ  જોતી વિચારતી હતી,’રીટા એના ભાઈ વગરના સૂના ઘરમાં આવવાનું ટાળતી હતી.વચ્ચે એ અને એનો પતિ વીનેશ શિકાગો જઈ રીટાને મળી આવ્યાં હતાં,પણ હવે તો તેની  કોલેજ પૂરી થઈ ગઈ હતી.એટલે ઘરમાં રહેશે કે તેનો બીજો કોઈ પ્લાન હશે!’ મીનાએ એના સેલ ફોન ઉપર મેસેજ જોયો,’ફ્લાઈટ લેટ છે,વીનેશ એને પીક અપ કરી લેશે.’ મીનાએ મનને ખૂબ મનાવ્યું હતું કે રીટાની હાજરીમાં કોઇપણ રીતે કેવલને યાદ કરવાનો નથી,એક તો રીટા મનથી ભાઈ વગર સોરાતી હોય તેમાં કેવલનું નામ સાંભળી એના રૂમમાં જતી રહે
એક વાર તો ગુસ્સામાં બોલી ઉઠેલી, ‘ ગયો એને યાદ કરો છો,હું જીવતી હાજર છું,તેની પડી નથી’, તે વખતે મીના રોતી ફસડાઈ પડી હતી,એના માથામાં દીકરીની નારાજગીથી હથોડા વાગ્યા.એને થયું દીકરો ગયો,પણ હજી તેની દીકરી માને માટે તલસે છે,કેવલના મુત્યુથી એનામાંની માનો એક હિસ્સો મરી પરવાર્યો એમ તે માનતી હતી,પણ માના પ્રેમમાં ભાગલા કેવા?પ્રેમની ધારા અખંડ વહે,જીવન છે ત્યાં સુધી,અને તે પછી પણ પ્રેમ વહ્યા કરે છે,’દીકરાના શોકમાં હું ભાન ભૂલી

દીકરી પ્રત્યે માની ફરજ ,પ્રેમ ભૂલી,વીનેશ તરફ પણ લાપરવાહ થઈ,હવે તે રીટાને જરા ય ઓછું નહિ આવવા દે’

મીના બાલ્કનીમાંથી જુએ છે કોઈ કાર એના ડ્રાઈવ વેમાં આવી ખૂણામાં પાર્ક થતી હતી.જે વાતને ભૂલવા માટે એ મરણતોલ પ્રયત્ન કરતી હતી તે જીદ કરીને મનની ધારે આવી જતી હતી.એને થયું ,’આ કોણ? રીટા આવવાની હોય ત્યારે કેવલ અચૂક આવી જતો.આવી જ રીતે ખૂણામાં એની લાલ હોન્ડા પાર્ક કરતો.એક ઊચો યુવાન એક સાથે બબ્બે પગથીઆ ચઢતો હતો.મીનાને થયું  કે સાંજના સમયે ‘મને દીકરાની ભ્રમણા ભાન ભૂલાવી રહી છે,’ એ વિચારી રહી કોણ હશે ?’ કોઇએ ફોન દ્રારા  આવવાની જાણ  કરી નથી,ડોર બેલ વાગતા એ નીચે જાય તે પહેલાં બા બારણું ખોલવા લાગ્યાં એટલે મીનાએ કહ્યું ,’કોઇ અજાણ્યું છે,બારણું ખોલશો નહિ ‘,

બા કહે ,’બપોરે તું બાર ગઈ હતી ત્યારે કેવલના કોઈ ભાઈબંધનો મળવા આવવાનો છે,તેવો ફોન હતો.’ મીનાને ગમ્યું નહિ તે બોલી

‘બા તમે મને કહેવાનું ભૂલી ગયાં,હમણાં રીટા આવવાની છે,કોઈ અજાણ્યાને તમારે  ના પાડવી જોઈએ’ બાનો ચહેરો લેવાઇ ગયો,

ડોરબેલ ઉપરાઉપરી બે વાર વાગ્યા, કેવલ આવી જ અધીરતાથી બેલ વગાડતો,મીનાના શરીરમાં વેદનાનો કરંટ લાગ્યો, એણે નામરજીએ બારણું ખોલ્યું,એની સામે ઊભેલા  યુવાનનું મુખ,ચેહરો,આંખો બધું પરિચિત લાગતું  હતું .એ નમ્રતાથી ‘નમસ્તે ‘કરી ઊભો હતો,મીનાના  પુત્રવાત્સલ્યે  અનાયાસ તેને ઘરમાંઆવકાર્યો. બાને ‘હાશ’ થઈ,દૂર ખુરશીમાં જઈ બેઠાં.

ગોરા યુવાને અંદર આવી પોતાનું ઘર હોય તેવી કાળજીથી બારણું બંધ કર્યું.મીના હજી મૂઝવણ અનુભવતી ઊભી હતી, યુવાન ઉપર જવાના દાદરને અઢેલી પ્રસન્નતાથી ઊભો હતો,એક ક્ષણ મીનાને થયું હમણાં ઉપર જતા કહેશે ,’મમ્મી હું  મારા રૂમમાં  ફ્રેશ થઈ આવું છું,મઠિયા ડીશમાં કાઢી રાખજે ,’ એટલામાં બહારથી ચાવીથી બારણાની  કળ ખોલી રીટા અને વીનેશ ઘરમાં આવ્યાં,રીટા મમ્મીને વળગી પડતાં બોલી ,’આઈ મિસ યુ મોમ ‘.મીના આંસુને છુપાવતા બોલી ,’મને ય તારા વગર ધરમાં ગમતું નહોતું.’

એણે  બેવડા વહાલમાં  રીટાને જકડીને રાખી. વીનેશ બોલ્યો ,’હવે રીટા તને છોડીને દૂર જવાની નથી.’ એણે હસતા હસતા યુવાનને જોઈ કહ્યું ,’રીટા તું આવું તે પહેલાં તારા ફ્રેન્ડસ આવવા લાગ્યા,’ રીટા આશ્ચર્યથી આરામથી ઊભેલા યુવાનને જોઈ રહી.

બા ધીરે ધીરે રીટાની પાસે આવતા હતાં ,રીટા દોડીને ‘જે શ્રી કૃષ્ણ ‘કરી પગે લાગી,યુવાન પણ બાને પગે લાગ્યો,બાએ બન્નેને ‘સુખી રહેજો ‘ એવા આશીર્વાદ આપ્યા,મીનાની જેમ વીનેશને અને રીટાને પણ કેવલ હોવાની ભ્રમણા થઈ.બધા પ્રશ્નાર્થ નજરે એકબીજાને જોઈ રહ્યાં,બા બોલ્યા ,’આ કેવલનો ઓળખીતો છે.’

યુવાને વીનેશ અને મીનાની ભ્રમણા દૂર કરી ,તે આત્મીયતાથી બોલ્યો , ‘હું ક્રિસ્ટોફર,પાંચ વર્ષ પહેલાં મારી મોમ મેરી સાથે તમને  મળ્યો હતો,’ મીનાને સમજાયું એટલે જ એને જોયો ત્યારથી ઓળખાણનો અહેસાસ થતો હતો.વીનેશને યાદ આવ્યું કેવલના હાર્ટના  વાલ્વથી ક્રિસ્ટોફરને જીવંતદાન મળ્યું હતું.રીટાને  એની મમ્મીએ ક્રિસ્ટોફરની વાત કરી હતી પણ આજે એને જોયો.

ક્રિસ્ટોફર બોલ્યો,’હું સેનડિયાગો કોલેજમાં ભણવા જવાનો છું,આજે મને નવી કાર મળી,મારી મોમને ખબર નથી પણ હું તમને મળવા આવ્યો’ ક્રિસ્ટોફરનો ચહેરો આનંદથી છલકાતો હતો,પોતે કેવલના કુટુંબનો સભ્ય હોય તેવી આત્મીયતા તે અનુભવતો હતો,છેલ્લાં પાંચ વર્ષમાં એણે ઘણીવાર અહી આવવા માટે એની મોમને કહ્યું હતું પણ તે કહેતી ‘આપણાથી તેમને ડીસ્ટર્બ ન કરાય ‘.

મીનાએ ક્રિસ્ટોફરનો ખભો થાબડી તેને કહ્યું ,’વાહ ,તને સરસ કાર  મળી,સાચવીને ચલાવજે ,ખૂબ ભણજે.’ ક્રિસ્ટોફરને માની જેમ મીનાને ‘હગ ‘ કરવાનું મન થયું,નાનો કિશોર હતો ત્યારે મીનાએ એને ભેટી પડી કહ્યું હતું ,’તું ય મારા દીકરા જેવો છું’.દુનિયામાં એની  જેમ બીજાને પણ મુત વ્યક્તિના ઓર્ગન દાનમાં મળતાં હશે,હેપી થઈ ભૂલી જતા હશે,પણ ક્રિસ્ટોફર એના હદયના ધબકારામાં કેવલના વાલ્વને કારણે જાણે અજબ પ્રકારનું જોડાણ-આકર્ષણ  કેવલના કુટુંબ માટે અનુભવતો.એ મનોમન કેવલના માતાપિતાને  પોતાનાં માનતો એને થતું રીટા પણ એને સગી બહેન જેવી લાગે છે,વીનેશ અને મીના ક્રિસ્ટોફરના ચહેરા પર અંકાયેલી પ્રેમની આરતને ઓળખી ગયાં, તેઓએ હસીને તેને ‘હગ ‘ કર્યું,ક્રિસ્ટોફર ધીમેથી બોલ્યો ,’થેંક્યું યુ ફોર યોર લવ ‘.રીટા અને બા પણ ક્રિસ્ટોફરને વીટળાઈને ઉભાં રહ્યાં,કેટલાં વખત પછી વિખરાયેલા માળામાં સૌ એકબીજાની હૂંફમાં ભેગાં થયાં,સગપણમાં ગળપણ હોય  તેવી મીઠાશ એક અજાણ્યા  પ્રેમાળ યુવાનની હાજરીમાં હતી.

ક્રિસ્ટોફરે વિદાય લેતા પહેલાં પોતાના પાકીટમાંથી ઢગલો કેન્ડલ કાઢી,રીટા દોડીને બાના પૂજાના રૂમમાંથી કોડિયા લઈ આવી.વીનેશે લાઈટરથી કેન્ડલ પ્રગટાવી,મીનાએ બારણું ખોલી કેન્ડલના દીવાથી આગણું દિપાવ્યું ,ધેરા અંધારામાં અજવાળાના સાથિયા પૂરાયા.વિદાય લેતા ક્રિસ્ટોફરનો પડછાયો દીવાની જયોતની જેમ ખુશીમાં નાચતો હતો.મીના અને વીનેશે  ક્રિસ્ટોફરની કારની લાઈટે વળાંક લીધો ત્યાં સુધી જોયા કર્યું.કોઈકે દીકરાની જેમ દિવાળીના દીવાથી ઘરનું આગણું દિપાવ્યું તેનો હરખ ઘરમાં હતો.

તરુલતા મહેતા 11મી નવેમ્બર 2015