ગીત અમે ગઝલોમાં ગાશું

 

ગીત અમે ગઝલોમાં ગાશું,

મત્લાથી મક્તામાં જાશું,

ગાલગાના છંદ ફંદમાં

રદીફ-કાફીયામાં અટવાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું

“દુબારા”  એ શબ્દ ગમે છે

ઇર્શાદોમાં  ચિત્ત  ભમે  છે,

તાળીયોના એદી થઈ જાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

માશુકાનું થાય મિલન જ્યાં,

સ્વપ્નોમાં વહી જાય જીવન જ્યાં,

એવી ગલીઓમાં અટવાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

ગની, ઘાયલ ને આબુવાલા,

ગઝલોના એ શેર નિરાલા,

એમના ખેડેલા પથપર જાશું,

ગીત અમે ગઝલોમાં ગાશું.

-પી. કે. દાવડા

મિત્રો “બેઠક”નો આ મહિનાનો વિષય છે “જીવનની જીવંત વાત “

હા કોઈ એવી વાત  જે તમને  તમારા જીવનમાં અનોખી વાત લાગી હોય અને સદા માટે અંકિત થઇ ગઈ હોય તે આપના શબ્દોમાં લખી મોકલશો.  

  1. તમારા જીવનનો કોઈ પ્રસંગ રોજે રોજ બનતા બનાવોથી અલગ હોવા જોઈયે.
  2. તમારા જીવનની આસપાસ ઘટતી ખાસ ઘટનાને મુલવવી  સુક્ષ્મ દ્રષ્ટિ કેળવવી લેખવી
  3. જીવનમાં કોઈ ખાસ ક્ષણ ને માણી  હોય જાણી હોય એને શબ્દસ્વરૂપ આપવું,
  4. પ્રસંગ કે વાતમાં  માં કશુક ઘટ્યું હોય તેવું  જોઈએ.
  5. અને જે ઘટે એમાં નાટ્ય/ સંઘર્ષ હોવો જોઈએ.(અનોખું) ટર્નિગ પોઈન્ટ   
  6. મૂળભૂત તત્વ છે : નાવીન્ય, અનપેક્ષિત પણું, જીવંતતા , વાસ્તવ, પ્રસ્તુતિમાં નોખાપણું, પાત્ર /પાત્રો નું સજીવ, વાસ્તવિક અને રસપૂર્ણ પાત્ર લેખન.
  7. પ્રસ્તુતકર્તા તરીકે ની પ્રમાણિકતા હોવી જોઈએ..
  8. એ પ્રસંગ વાંચી લોકોને જાણકારી, જ્ઞાન કે આનંદ મળવો જોઈયે.
  9. અંધ શ્રધ્ધા કે વહેમ વધે એવી વાતો ન રજૂ થાય તો સારૂં.
  10. તમે કાંઈ સારૂં કામ કર્યું હોય તો પણ એનો શ્રેય લેવા આ વાત કહો છો એવું ન લાગવું જોઈએ.
  11. તમે કોઈ ગુન્હાની લાગણી અનુભવતા હો તો એની કબુલાત કરવા આ માધ્યમનો ઉપયોગ ન કરી શકાય.
  12. પ્રસંગ એક વાર્તા સ્વરૂપે રજુ કરવાનો છે એક વૃતાંત નહિ

ઉદાહરણ-

લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાની વાર્તા ‘તલપ’ માં નાયક ટ્રેનમાં પ્રવાસ કરતો હોય છે. એ બારણાં પાસે ઉભો હોય છે. એને બીડી પીવાની તલપ લાગે છે. પણ ટ્રેનમાં જાહેરમાં બીડી પીવી એ નૈતિકતાની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પણ તલપ અસહ્ય થઈ જતાં એ આખરે બીડી સળગાવી લે છે અને કશ લે છે. પ્રથમ કશ લેતાંની સાથે જ વિચારે છે કે નક્કામી આટલી રાહ જોઇ.. પહેલાં જ સળગાવી લીધી હોત તો! કોણ જોવાનું હતું. તીવ્ર તલપ લાગેલી તોય આટ્લો સમય સહી.. દરેક કશ સાથે વિચાર વમળ.. બીડી અડધી પડધી પિવાઈ ત્યાં તો સામેથી હવાલદાર આવતાં દેખાયો. નાયકનાં મનમાં ફરી વિચાર વમળ ઉમટ્યાં..શા માટે સળગાવી! તલપને જરાવાર દબાવી રાખતા પણ નથી આવડતું.. હવે આ હવાલદાર ગાળો આપશે, ધમકાવશે અને બસ્સો-પાંચસો ખંખેરશે એ અલગ..!

ત્યાં જ હવાલદાર નાયકની નજદીક પહોંચી આવ્યો અને પોતાની સિગારેટ કાઢી બોલ્યો,

“લાઈટ મળશે?”

 

અહેવાલ-બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર

IMG_3413 (2)

દિવાળીના તહેવારો પછીની પહેલી બેઠક શુક્રવાર તા. ૨૭ નવેમ્બર, ૨૦૧૫ ના મિલપીટાસના ICC માં સાંજે ૬-૦૦ થી ૯-૦૦ સુધી યોજાઈ હતી. પોતાના જન્મદિવસ નિમીત્તે રાત્રી ભોજનની વ્યવસ્થા બેઠકના નિયમીત સભ્ય શ્રી ભીખુભાઈ પટેલે એમના પત્ની શ્રીમતિ જયવંતીબેન પટેલ સાથે મળીને કરી હતી. ભોજનની શરૂઆતમાં બેઠકના સભ્યોએ પીનાકીન ભાઈ નો જન્મદિવસની વધાઈ આપી હતી.

ભોજનબાદ હંમેશ મુજબ બેઠકની શરૂઆત બેઠકના સહસંચાલક કલ્પનાબહેને પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ બેઠકના સહસંચાલક અને પત્રકાર શ્રી રાજેશ શાહે, આ મહિનાના બેઠકના વાર્તાલેખન વિષયને મળેલા પ્રતિસાદની માહિતી આપી હતી. શ્રી રાજેશભાઈએ બેઠકની ફોર્મેટમાં ધીરે ધીરે થતા ફેરફારોની વિગત પણ સમજાવી હતી. બેઠકના સભ્ય શ્રી પી. કે. દાવડાએ “સાહિત્ય અને કલાના આસ્વાદ માટેના બે મુખ્ય પાસાં, Objective અને Subjective” ની સંક્ષિપ્ત માહિતી બેઠકના સભ્યોને આપી હતી. ત્યાર બાદ જાણીતા ગઝલ લેખક શ્રી મહેશ રાવલે પોતાની ત્રણ નવી ગઝલોથી સભ્યોને ખુશ કરી દીધા હતા.અને ગઝલની સમજણ પણ આપી.

પ્રજ્ઞાબહેન અને અન્ય સભ્યોએ પોતે વાર્તાને કઈ રીતે આગળ વધારી તે કહી સંભળાવ્યું હતું. આ બેઠકથી લાગુ કરાયલા બે ફેરફાર અનુસાર પહેલા જેમને સ્વરચિત કૃતિ રજૂ કરવી હોય એમને મોકો આપવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ જે સભ્યોએ પોતે વાંચ્યું હોય અને એમને ગમ્યું હોય એવું સાહિત્ય રજૂ કર્યું હતું.

બેઠકના અંતમાં શ્રી પી. કે. દાવડાએ સૂચવ્યું હતું કે કોઈવાર બેઠકના સભ્યો પોતાના જીવન દરમ્યાન બનેલા ખાસ બનાવ  બેઠકના અન્ય સભ્યોને  લખી કહી સંભળાવે તો કેમ ?, અને સૌએ  આ વાત વધાવી લેતા આવતા મહિનાનો વિષય “જીવનની જીવંત વાત”આપ્યો,ત્યાર બાદ જાણીતા RJ જાગૃતિબહેને અને પ્રજ્ઞાબહેને જીવનના જીવંત વાત કહી સંભળાવી હતી,ત્યાર બાદ બેઠકના સભ્યો ખુશ થઈ છૂટા પડ્યા હતા.આમ બેઠક જ્ઞાન સભર રહી અને સૌ હસતા રમતા પાઠશાળા સમી બેઠકમાં પોતાની માતૃભાષાને માણી  અને  જીવંત કરી

 

સમગ્ર બેઠકનું ઓડિયો સંચાલન શ્રી દિલીપભાઈએ સંભાળ્યું હતું, જ્યારે ફોટોગ્રાફી ડો. રઘુભાઈએ સંભાળી હતી.આમ બેઠક હસતા રમતા પાઠશાળા