એકમેક સાથે -પન્ના નાયક- કાવ્યાસ્વાદ -તરુલતાબહેન મહેતા

એકમેક  સાથે
ફોન  પર
અગણિત  કલાકો
અલકમલકની  વાતો કરતાં કરતાં

આપણે

શીખી   ગયાં સહજ  જ

એકમેકમાં   જીવી  જવાનું

 એકમેક   વિના…

                પન્ના  નાયક

2008ના જૂન -જુલાઈના ‘કવિતા’ દ્વેમાસીકમાં પન્ના નાયકનું આ કાવ્ય વાંચતા મને હજારો માઈલ દૂર રહેતાં પ્રિયજનોનું ‘ફોન મિલન’ કેવી એકલતાનો અહેસાસ કરાવે છે તેનો સ્વાનુભવ  થયેલો,એ જ અરસામાં મેં મારી ‘પારદેશે ‘ નવલકથા લખી હતી.દુનિયાના નકશામાં બે દેશો  વચ્ચે માઈલોનું  અંતર છે,પણ આ સંવેદનશીલ માનવના મનનો નકશો બે દેશોના અંતરને  પલકારામાં લોપી દે છે.એક મેકને  ફોન પર મળતાં,વાતો કરતાં પણ સદાય વિરહમાં ઝૂરતાંની વેદના એટલે પન્ના નાયકનું આ અછાન્દસ કાવ્ય.

ભારતનું  મુંબઈ શહેર  જેમની   જન્મભૂમિ અને અમેરિકાના પેન્સીવેલીયા સ્ટેટનું ફિલાડેલ્ફિયા જેમની કર્મભૂમિ તેવા પન્ના નાયકના મહદઅંશે અછાન્દસ કાવ્યો સમકાલીન ગુજરાતી કવિતામાં નોખી ભાત ઉપસાવે છે,’પ્રવેશ ‘ કાવ્યસંગ્રહથી તેમણે સોનું ધ્યાન ખેચ્યું હતું. નારીની નાજુક સંવેદના તેમની કવિતાઓમાં એવી સહજ રીતે ઝીલાઈ છે કે વાચકને સ્પર્શી જાય એટલું જ નહિ યાદ રહી જાય,

 મેં વર્ષો પહેલાં વાંચેલું પણ મારાં પ્રિય કાવ્યોની ‘ડાયરીમાં ‘લખેલું અને  હદયમાં કોતરાયેલું. હું મારાં ગમતાં કાવ્યોનાં આસ્વાદો  લખું છુ. સરળ ભાષામાં,એમ જ કહો ને રોજની વાતચીતની ભાષામાં લખાયેલું આ કાવ્ય ‘ગાગરમાં સાગર ‘ સમાવે છે,લાઘવમાં કહેવાની કળા એવી છે કે કાવ્યની શરૂઆત એક દેશમાંથી થાય અને અંત બીજા દેશમાં આવે.’એકમેક  સાથે ……એકમેક  વિના ‘ આ બે કાવ્ય પંક્તિઓ ફોનના  મિલનમાં છુપાયેલા સદાય વિરહી બે દિલોની વ્યથાનો મેપ છે.મને ચક્ર્વાક પંખીના જોડાની વાત સ્મરે છે.દિવસ દરમ્યાન સહવાસમાં મીઠાં ગીતો ગાતાં આ પંખીઓને રાતના વિરહનો શ્રાપ છે,કાન્ત કવિએ સુંદર ખંડકાવ્ય આ વિષયને કેન્દ્રમાં રાખી લખ્યું છે.

કવિયત્રી સાંપ્રત જીવનની સંવેદનાને વાચા આપે છે,તેમનાં કાવ્યો ભોતિક -સુખ સમુદ્ધિ વચ્ચે જીવતા માણસની એકલતા અને ખાલીપણાના વિષાદને વ્યક્ત કરે છે.ટેકનોલોજી માણસના બહારના લેવલમાં તરવરાટ લાવે છે ,પણ અં દરના ચેતન્યને હણી નાંખે છે.અગણિત કલાકોની અક્લમલકની વાતો ફોનના માધ્યમથી થાય ,હવે ફોન પર તો પિક્ચર દેખાય પણ  સ્પર્શ અને એકબીજાનાં શ્વાસોની મ્હેંક માટે તો તડપવાનું રહે.પછી તીખા કટાક્ષમાં કહે છે,ફોન પર વાતો કરતાં બે જણ સહજ રીતે શીખી ગયાં એકમેકમા ફોનનાં વાયરોની અલગ અલગ કેદમાં જીવવાનું.એટલે કે એકમેક વિના તડપવાનું, આંસુ વિનાની કોરી આંખો પણ દિલમાં સતત વહેતી વિરહની અશ્રુ ધારા,બહાર અગ્નિની જ્વાલા દેખાતી નથી પણ ભારેલો અગ્નિ ,સમુદ્રના પેટાળમાંથી ફાટી નીકળતા  લાવા જેવું આજના માણસનું મન છે. કેટકેટલી અપ્રગટ  લાગણીઓના તાપને તે હસતા ચહેરાની પાછળ છુપાવી રાખે છે.માણસ ઝડપી વિમાનો, ટ્રેનો, કારમાં પોતાના સ્થળે જાય છે,પણ એકબીજાનાં મન સુધી પહોંચી શકતો નથી.આ નાનકડું અછાદસ કાવ્ય સાંપ્રત જીવનનું પ્રતિબિબ છે.અછાન્દસમાં  કાવ્ય સર્જવું એ પડકારરૂપ છે.સામન્ય ગદ્યના સ્તરેથી ઉપર જઈ કવિતા નીપજાવવી એ કળા છે.

પન્ના નાયકે ‘પ્રવેશ ‘ ‘ફિલાલડેફિઆ ‘ નિસ્બત ‘ જેવા  કાવ્ય સંગ્રહો પ્રદાન કર્યા છે, ઉપરાંત બીજા અનેક કાવ્યો ,વાર્તાઓ, અને બીજું સર્જનાત્મક સાહિત્ય સતત  તેઓ લખતાં રહે છે.તેમની સાહિત્ય સેવાને તાજેતરમાં ડાયાસ્પોરા પારિતોષકથી નવાજવામાં આવી હતી.

જયશ્રીબેન મર્ચન્ટ સખીપ્રેમથી પન્નાબહેનને થોડા વર્ષો પહેલાં બે-એરિયામાં લઈ આવ્યાં હતાં.એ યાદગાર સન્ધ્યા હજી પણ મારા મનમાં તાજી છે.પન્નાબેનના કાવ્યોની સંગત એટલે મધુરી આત્મીયગોષ્ઠી ,હદયના પડોમાં ધરબાયેલી વાતોનો ઉધાડ. તેમના કવયિત્રી કર્મને મારી ઝાઝેરી સલામ .

તરુલતા મહેતા 24મી નવે.2015

1 thought on “એકમેક સાથે -પન્ના નાયક- કાવ્યાસ્વાદ -તરુલતાબહેન મહેતા

  1. તરુલતાબેન પન્ના નાયકના અછંદાસ કાવ્યનો કાવ્યાસ્વાદ સહજ અને સરળ શૈલીમા કરાવ્યો છે. પન્ના નાયક ચાર પંક્તિમા પણ જીવનની ગહેરાઈ રજુ કરી શકે એવા માતબર સંવેદનશીલ કવિયત્રી છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.