વાર્તા રે વાર્તા-9-કલ્પના રઘુ

સોનાનો સૂરજ

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો,પણ નોકરી કરતા પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય, તું,કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમ્મેદારી આપણાથી ઝીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંઝાણી … તે ભૂતકાળની યાદોમાં સરી પડી … સ્ટુડન્ટ વીસા પર આવેલ અમદાવાદની અનિતા અને વડોદરાના ઉદય વચ્ચે અમેરીકા આવીને યુનિવર્સીટી કેમ્પસમાં દોસ્તી થઇ. દોસ્તીમાંથી પ્રેમ કયારે થઇ ગયો તેની તેઓને ખબર ના રહી. ઉદય, અનિતાને ખૂબજ ચાહતો, અને અનિતા પણ … બન્ને એક બીજાની હૂંફમાં ભણી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ પાંગરતો જતો હતો. ઉદય અનિતામાં બીજી છોકરીઓ કરતાં કંઇક વિશેષ જોતો અને અનિતા તેની કેરીયરમાં આગળ વધે તે માટે સપોર્ટ પણ કરતો. આજે અનિતા જે પણ કંઇક છે તે ઉદયની મહેનતનું પરિણામ છે તે, તે ખૂબજ સારી રીતે સમજતી. ઉદયનાં માતા-પિતા તેને વહુ તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં કારણકે તે બીજી નાતની હતી. જયારે અનિતાનાં મા-બાપ ખુશ હતાં અને તેમનો સપોર્ટ પણ રહેતો. ઉદયને બન્ને પક્ષે ૧૦૦% મંજૂરી મળે ત્યારેજ લગ્ન કરવા હતા. છેવટે એકના એક પુત્ર ઉદયની જીદ આગળ તેનાં મા-બાપે નમતું જોખ્યુ. બન્ને ઇન્ડીયા આવીને ધામધૂમથી લગ્ન કરીને પાછા અમેરીકા આવી ગયા. બન્નેને H-1B, પછી ગ્રીનકાર્ડ મળી ગયું. સીટીઝન પણ થઇ ગયા. તેમના બન્ને બાળકો પણ મોટા થતા ગયાં.

ઉદયનાં પિતાને વડોદરામાં કેમિકલનો મોટો બીઝનેસ હતો. અનિતાનાં પિતા અમદાવાદમાં સારી પ્રતિષ્ઠા ધરાવતાં. તેઓ વારાફરતી અવારનવાર અમેરીકાની વીઝીટ કરતાં. લગ્ન પહેલાંનો ઉદયનાં મા-બાપનો વિરોધ અનિતા ભૂલી શકી નહતી. અનિતા તેમને નફરત કરતી. ઉદયનાં પ્રેમને કારણે તેનાં સાસુ-સસરાં અને એમના પરિવાર સાથે તે ઉપર છલ્લો સંબંધ રાખતી. આ વાત ઉદયથી છાની ન હતી. તેથી તે કયારેક ઉદાસ થઇ જતો. અને પોતાના મા-બાપ સાથે થોડી દૂરી પણ રાખતો. આ વાતથી ઉદયનાં મા-બાપ વાકેફ હતાં.પરંતુ આમને આમ ચાલ્યા કરતુ. આ વાતને અનિતાના મા-બાપ આડકતરી રીતે સમર્થન આપતાં જેથી તેમની દિકરી અનિતા ઉદયની પત્નિ તો બની પરંતુ શાહ પરિવારની વહુ સારી રીતે બની ના શકી. તેણે તેની મહેતા અટક પણ ચાલુ રાખી હતી. આ બાબતે ઉદય મૌન રહેતો કારણકે આજકાલ આ એક ફેશન થઇ ગઇ હતી.

આજ ઉદયની જોબ છૂટે છ મહિના થઇ ગયાં હતાં અને નવી કંપનીમાં ફંડ વગર કંઇજ થઇ શકે તેમ ન હતું. ઉદયે નાની નાની જોબ કરવા પ્રયત્ન પણ કર્યા જેથી ઘરમાં સપોર્ટ થાય. પણ તેથી શું? ઇકોનોમી સુધરે તેવી કોઇજ શક્યતા દેખાતી ન હતી. બાળકોનું ભણતર, ઘર-કામ એ ઉદય કરે અને અનિતા જોબ કરે તે પણ ક્યાં સુધી ચાલે? ઉદય કે અનિતાને એ મંજૂર નહોતું. આ નિરાશામાં ઉદય ડૂબવા માંડયો. એ તેના મા-બાપને પણ કહી શકે તેમ ન હતો. તેને કોઇ સપોર્ટ નહોતો. ઘરમાં ચિંતા, મૌન, ઉદાસીને પરિણામે કયારેક ઉદયનો ગુસ્સો બેકાબૂ બનતો. ઘરમાં ના બોલવાનું બોલાતું. બાળકો પર તેની અસર થવા લાગી. અનિતાને પણ નોકરીની સાથે આ બધુ સંભાળવાનું અઘરૂ પડવા લાગ્યું.

છેવટે તેને તેનાં પિયર વાત કરીને મમ્મીને બોલાવવા માટે ઉદયની જાણ બહાર ફોન કર્યો. ત્યાંથી જવાબ મળ્યો  કે,  ‘એકાદ મહિના માટે તેની મમ્મી આવીને મદદ કરવા તૈયાર છે. પરંતુ લાંબા સમય માટે શક્ય નથી. કારણકે અનીતાનાં ભાઇ-ભાભી જોબ કરતાં હોય અને તેનાં બે બાળકોને સંભાળવાનું કામ તેની મમ્મીએ કરવાનું હોય. તેથી તેની મમ્મીએ ત્યાં રહેવું પડે. ત્યાં તેમની જરૂર છે. માટે અનિતાએ પિયરની આશા નહીં રાખવી. હા, જરૂર પડે ઉદયકુમાર અને તમે બધાં અમદાવાદ આવી જાઓ. અહીં તમને અમે ગમે ત્યાં સેટ કરી દઇશું.’

અનિતાને જોરદાર ધક્કો લાગ્યો કે અમે આટલા વર્ષો અહી સેટલ થવા માટે કાઢયાં. તો શું ઇન્ડીયા પાછા જવા માટે? અને મમ્મીને પહેલાં ભાઇ પછી હું … ? અને તે પણ નિરાશ રહેવા લાગી. ઉદયથી આ વાત છાની ના રહી. અને બન્ને એકબીજાને આશ્વાસન આપીને નવી કંપનીનાં સેટપ માટે પ્રયત્નો મન મૂકીને કરવા લાગ્યા. પરંતુ ફંડીંગના પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો?

ત્યાંજ … એક સાંજે ઉદયનાં મિત્ર જયનો ફોન આવ્યો. ઉદય દરવાજો ખોલ. અને … બારણું ખોલે છે તો શું જુએ છે? જયની સાથે મમ્મી-પપ્પા, સામાન સાથે આવીને ઉભા છે. જય તેમને એરપોર્ટથી લાવ્યો હતો. આશ્ચર્ય સાથે ઉદયની આંખમાંથી અશ્રુની ધારા વહેતી ચાલી. તે મા-બાપનાં ચરણસ્પર્શ કરીને ભેટી પડયો. બાળકો અને અનિતા પણ .. સૌએ હાશકારો લીધા પછી, ઉદયે ઓચિંતા આવવાનુ કારણ પૂછતાં, જયે કહ્યું, ‘તારી તમામ પરિસ્થિતિ, મેં અંકલને પાંચ મહિના પહેલા કહી હતી. લગભગ રોજ એ મને ફોન કરીને તમારાં બધાની ખબર પૂછતાં હતાં.

ઉદયના પપ્પા રાજનભાઇએ વાતનુ અનુસંધાન સાધતાં કહ્યું, ‘બેટા, મારો આટલો મોટો બીઝનેસ કોના માટે હું કરી રહ્યો હતો? મારી અને તારી મમ્મીની જીન્દગી જીવવા જેટલો પૈસો તો ઘણો છે મારી પાસે. દિકરા, તમે બધાં અહીં આટલા દુઃખમાં હોવ તો મને કે તારી મમ્મીને તમારાંથી આટલે દૂર ઉંઘ કેમ આવે? અમે નિર્ણય લીધો અને વડોદરા અને અમદાવાદની ઓફીસનું બધુ સમેટી, વેચીને પૈસા સાથે અમે અહીં આવી ગયા. હા, વડોદરામાં ઘર રાખ્યું છે. બાકી આ કરોડોને કરવાનું શું? અમારા ગયા પછી તને આપુ કે અત્યારે. તને કામમાં આવે તે મહત્વનુ છે. આ પૈસાથી તારી કંપની સારી રીતે તુ શરૂ કરી શકીશ. તારી મમ્મી બાળકોને સંભાળવામાં મદદ કરશે. અનિતાને ટેકો રહેશે. હું પણ તને મદદમાં આવીશ. આપણે ઘરના સાથે હોઇએ પછી મૂંઝાવાની શી જરૂર? જાગ્યા ત્યારથી સવાર … નવેસરથી ધંધો શરૂ કર. અમારાં આશિર્વાદ છે. ભગવાનની કૃપાથી સૌ સારાં વાના થશે … ’

ઉદય અને અનિતા, મમ્મી પપ્પાને ભેટી પડયા. અનિતા ડૂસકે ને ડૂસકે રડવા માંડી. અને મમ્મી … કહીને વળગી પડી. આજે માને દિકરાની સાથે દિકરી મળ્યાંનો પણ ઉરે આનંદ સમાતો ના હતો. બન્ને બાળકો પણ ખુશીના માર્યા, બા-દાદાની સોડમાં લપાઇ ગયાં. મોડી રાત સુધી સૌએ ખૂબ વાતો કરી.

રાત્રે અનિતાએ ઉદય સાથે સૂતાં કહ્યું, ‘મને માફ કરો ઉદય. હું મમ્મી-પપ્પાને સમજી ન’તી શકી. તમે પણ મને ખુશ રાખવા તમારા મા-બાપથી દૂર રહેતાં. તેમણે કેટલો બધો ભોગ આપ્યો છે, આપણાં માટે. જ્યારે મારાં મા-બાપ પહેલા તેમના દિકરાંનું જુએ છે. જો મમ્મી-પપ્પા ના હોત તો આપણુ શું થાત? મારી આંખો ખૂલી ગઇ છે. આજે મારો નવો જન્મ થયો છે. કાલે મારા માટે, આપણા કુટુંબ માટે સોનાનો સૂરજ ઉગશે. નવી ગણતરી, નવી વિચારસરણી સાથે આપણે નવો ધંધો શરૂ કરશુ. આજે, ઉદય હું હળવી થઇ ગઇ છું. તમને તમારી અનિતા પાછી મળી ગઇ છે.’ ઉદય વિચારમાં પડી ગયો! ‘કેમ? એટલે તુ શું કહેવા માંગે છે? અનુ, તુ કાંઇ સમજાય તેવું બોલ!’ અનિતાએ વળતા જવાબમાં કહ્યુ, ‘મને પ્રોમીસ આપો કે તમે કાલે મારૂ નામ બદલવાની વિધિ કરો છો. અનિતા મહેતા નહીં પણ અનિતા શાહ મારૂં નામ છે.’ ઉદયની છાતીમાં મો સંતાડી અનિતા હળવી થઇને અને ઉદય અનિતાના વાળમાં હાથ ફેરવતાં દામ્પત્યનુ ઐક્ય અનુભવી રહ્યા હતાં.

કાલે સોનાના સૂરજના આગમનની રાહ જોતાં નવા જીવનના સપના સાથે રાતની રાણીની આગોશમાં બન્ને સૂતાં … મંદમંદ વાયુની લહેરો સાથે બગીચામાંથી રાતરાણીના પુષ્પોની માદક સુવાસ આવી રહી હતી.

કલ્પના રઘુ

1 thought on “વાર્તા રે વાર્તા-9-કલ્પના રઘુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.