બે બળદની જોડી
ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .
પણ નોકરી કરતાપોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે પૂરું કરવાનો સમય આવી ગયો, પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યુંહા ઉદય તું,
કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું. હવે ઘર ચલાવવાનો
બધોજ ભાર અનિતા ઉપર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.
અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે
જુદો વળાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.
ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી
બંને જણને કામ નું ભારણ વધુ પડતું હતું , અનિતા ને જોબ નો સમય , બાળકો ની સ્કુલ નોસમય, તેમજ કેટલીક ઈતર પ્રવૃત્તિ માં લેવા મુકવા જવાનું રહેતું તેમનો સમય , આ બધું ,સાચવવામાં
દિવસ જાણે પૂરો થઇ જતો ઉપરાંત તેની જોબ પણ ચેલેન્જીંગ હતી ! વહેલી ઉઠી કામ ચાલુ કરે , પણ કામ નો અંત ના આવે, તેમના બંને બાળકો પણ નાના જ હતા તેથી તેમને સવારે ઉઠાડવાથી માંડી ને , સ્કુલ માટે તૈયાર કરવાના
બ્રેકફાસ્ટ બનાવવો ને ખવડાવવો. લંચ ની વ્યવસ્થા કરવી , અને આ બધુ પતાવી ને પોણા આઠે તો મોડામાં મોડું નીકળી જવું પડે . એટલું સારું હતું કે બંને એકજ શાળા માં હતાં— રવિ અને કેયા,
બંને ભાઈ બહેન એટલાં તો મીઠડાં હતા કે , સવાર થી ઘાંચી ની ઘાણી એ જોતરાયેલા બળદ ની જેમ ફરતી રહેલી અનિતા, તેમને લઇ ને જવા માટે ગાડી માં બેસે ત્યારે ,તેનો બધો થાક હવા થઇ જતો.
અને તે હળવી થઇ ને બાળકોની મસ્તી માં જોડાઈ જતી ! અને આ સમય જ તેને માટે બુસ્ટર બની રહેતો, તે જોબ પર ની ચેલેંગ માટે જાણે શક્તિ પ્રાપ્ત કરી લેતી .
ઉદય ની સ્થિતિ તો કદાચ વધારે ગંભીર હતી . જોબ કરતો હોત તો વાત જુદી હતી , જે કામ ની ફાવટ હતી તે જ કરવાનું રહેત પણ અહીં તો નવો બીઝનેસ !નવી ગીલ્લી — નવો દાવ !
એમાં પાછી, અમેરિકા ની વણસતી જતી ઈકોનોમી,ટીમ ના બધા મેમ્બરો ને એક સુત્રે કેમ બાંધવા ? તે સમસ્યા ! અને સૌ થી મોટો પ્રોબ્લેમ–” ફંડિંગ ની વ્યવસ્થા માટે લાગતા વળગતા લોકો સાથે ની મીટીંગ
અને તેમાં મળતી નિષ્ફળતા !!!”– આટલું ઓછું હોય તેમ એક દિવસ રાત્રે લગભગ , બે વાગે ફોન રણક્યો, રીંગ પર થી જ ઉદય ને લાગ્યું કે ફોન ઇન્ડિયા થી છે ! અને તેમજ હતું સામે થી તેના પપ્પા બોલતાં હતા .
ઉદય ના પપ્પા ખુદ્દાર હતા પોતાનું ઘર પેન્શન માંથી જ ચલાવતા , ક્યારેય ઉદય પાસે પૈસા ની આશા નહોતા રાખતા . આવા એના પપ્પા એ આજે ફોન માં પૂછ્યું , ” ભાઈ તમારી જોબ તો બરાબર છે ને ?”
ઉદય : -” હા પપ્પા કેમ પૂછ્યું? બધાની તબીયત તો સારી છે ને ?”
પપ્પા : – ” હા બધા મઝા માં છીએ પણ ત્યાં બધાની જોબ જાય છે , એટલે …………”
ઉદય : -” પપ્પા મેં તો હમણાં જ બીઝનેસ શરુ કર્યો છે, ને અનિતા ની જોબ તો સરસ છે , ચિંતા ના કરો .”( ઉદયે પોતાના પ્રોબ્લેમ પપ્પાથી છુપાવવા પ્રયત્ન કર્યો. )
પપ્પા : – ” હાશ , તો તો સારું , હવે સાંભળ ,એક પ્રોબ્લેમ થયો છે, આપણી દીપા ખરી ને ?”
અધવચ્ચે અટકાવી ને ઉદય કહે ,: – ” શું થયું દીદી ને ?”
પપ્પા : – ” દીદી ને કઈ નથી થયું પણ અનિલ કુમાર ના બીઝનેસ ને કમનસીબી નો એરુ આભડી ગયો હોય તેમ બે ત્રણ વર્ષ થી , ખોટ પર ખોટ જાય છે , હવે એના ટેન્સન માં ઘર માં ઝગડા થતા રહે છે .
હવે એવામાં , તેના ભાણા નીલ ને મેડીકલ માં એડમીશન મળ્યું છે, પણ તગડી ફી ના પૈસા ક્યાંથી લાવે ? ”
ઉદય : – ” તો ? દીદી ના સસરા તો સધ્ધર છે, તે મદદ ના કરે ? ”
પપ્પા : -” ના તેમ નહિ થાય તું કહે, તું પાંચ લાખ રૂપિયા બે-ત્રણ દિવસ માં મોકલીશ શકીશ ? નહિ તો, નીલ ને ભણવા નું છોડવું પડશે.”
ઉદય : – “પપ્પા, તમે ચિંતા ના કરો, દીદી ને અને મમ્મી ને પણ કહો ચિંતા ના કરે હું પૈસા ટ્રાન્સફર કરી દઉ છું ”
પપ્પા : – ” હા બેટા, તું હોય પછી અમારે શાની ચિંતા ?”
અને આટલી મુશ્કેલી માં પાંચ લાખ મોકલવા પડ્યા .અનિતા એ વાત જાણી તો તેણે પણ કહ્યું નીલ નું ભણવાનું ના રોકાય તે જોવું જ પડે ! પછી તો દરેક ટર્મ વખતે નીલ ની ફી ના પૈસા મોકલવા પડતાં, ઘર માં
ઘણી મુશ્કેલી પડતી , ઉદય ની સ્ટાર્ટ અપ માટે ફાઈનાન્સ નું ઠેકાણું પડતું નહતું , અનિતા ને માથે પણ લે- -ઓફ ની તલવાર લટકતી હતી, આટલું ઓછું હોય તેમ ઉદય ની દીદી – દીપા ને ઘર માં ઝઘડા
થતા રહેતા, તે, પોતાના ઉમર લાયક માબાપ ને પોતાની મુશ્કેલી જણાવવાનું યોગ્ય નથી, એમ માની ને પોતાના ભાઈ-ભાભી ને મન ની મુજવણ કહેતી . એ પોતે ભાઈ -ભાભી ના પ્રોબ્લેમ થી અજાણ હતી .
આવા માં જે એક વધારાની મુશ્કેલી ઉદભવતી જતી હતી, તે , એ હતી કે , દીપા પોતાના દિવસ ના સમયે જયારે તે એકલી હોય ત્યારે ભાઈ ને ફોન કરતી ને ઉદય ની ત્યારે રાત હોય , તેના ઘરમાં પરિસ્થિતિ એવી વણસતી હતી
કે રોજ ભાઈને ફોન કરી ને પરિસ્થિતિ થી વાકેફ કરતી .પરિણામે ઉદય ને રોજ મોડી રાત સુધી ઉજાગરા થતા. આવું સળંગ મહિનાઓ થી ચાલતું હતું . એક બાજુ ધંધા ના પ્રોબ્લેમ , દિવસે વધુ પડતી દોડધામ,
કામ નું ટેન્શન, અનિતાની જોબ જવાનું ટેન્શનઅને એમાં રોજ ના રાત ના ઉજાગરા !!! આ બધું ભેગું થઇ ને ઉદય ને જાણે તોડી નાખ્યો ! તે હવે ખુબ ગુસ્સા માં રહેતો , વાત વાત માં ઘર માં તો ઠીક બહાર પણ
ઝઘડા કરતો , પરિણામે વાત બનવાને બદલે બગડતી જતી હતી . કદાચ પુરુષ ના પ્રમાણ માં સ્ત્રી ની સહન શક્તિ ઘણી વધારે હોય છે, તે વાત અહી સાબિત થતી હોય તેમ,– જેમ જેમ ઉદય વધુ ને વધુ તુટતો ગયો
તેમ અનિતા વધુને વધુ મજબુત બનીને, તેઓ ના સંસાર ના દરેક ક્ષેત્રે ઢાલ બની ને મુશ્કેલી ઓ નો સામનો કરતી રહી . તેણે જોયું કે ઉદય હવે સ્ટાર્ટ અપ માં કામ કરી શકે તેવી હાલત નથી , સાવ ભાંગી પડ્યો છે !
આવા માં જ , એક દિવસ અનિતાની ઓફીસ માં પણ “લે ઓફ” નો કોરડો વિઝાયો. તેની ટીમ માં થી બે જણ ને લે ઓફ મળ્યો, બીજી ટીમ માં પણ આ સિલસિલો ચાલુ રહ્યો !!!હવે અનીતા ને તલવાર માથે લટકતી
નહિ, પણ ઉપર થી માથા પર પડતી દેખાવા લાગી !!! પોતાનું ટેન્શન કોઈને કહી શકે તેવું પણ શક્ય ન હતું , ઉદયની સ્થિતિ તો એવી હતી કે તેને, કોઈ પણ નેગેટીવ વાત કરવી પણ વ્યાજબી ના લાગી ,
હવે અનિતાની પણ રાતો ની નીંદ હરામ થઇ ગઈ .
ઉદયને ડોક્ટરની ટ્રીટ મેન્ટ ચાલુ કરવી પડી હતી , રાત ના ઉજાગરા ને દિવસ ની દોડધામને લીધે તે જાણે બિલકુલ પોતાની જાત માં જ નહોતો !!! અનિતા ડોક્ટરની સલાહ મુજબ , રાત્રે તેને
ઊંઘ ની ગોળી આપી ને સુવાડી દેતી અને રાત્રે જયારે દીપા નો ફોન આવે ત્યારે, તેની સાથે હવે અનિતા જ વાત કરતી અને ઉજાગરા પણ કરતી .તે દીપા ને સમજાવતી કે ,પુરુષ જયારે આવા મોટા સંકટ માં હોય
ત્યારે જલ્દી તૂટી જાય છે . આવા સંજોગો માં , જીવન સાથી તરીકે આપણે ધિરજ અને શાંતિ રાખી ને તેણે સાથ અને સધિયારો આપવો પડે , ખરે ખર તેમને આપણી સાથે ઝગડવા માં કોઈ રસ નથી હોતો.
તે તો બિચારો ! પોતાનું ફ્રસ્ત્રેશન કાઢવાની જગ્યા આપણા માં શોધે છે!!! અને આપણે સમજ્યા વિના ઝગડતા રહીએ છીએ ! હમણા ૩ -૪ દિવસ થી દીપા નો ફોન નહોતો આવતો , રીંગ ના અવાજ થી ઉદય
જાગી ન જાય, તે માટે દીપા જાગતી હતી. આમ પણ જોબ જવાના ભય થી ઊંઘ તો વેરણ હતી જ ! આવો “સા…વ ” ફ્રી સમય ભાગ્યેજ મળતો!!! આવા માં સ્વાભાવિક જ તેનું મગજ વધુ સક્રિય બન્યું ,
તેણે વિચાર્યું , આવી રીતે “લેઓફ ” ની રાહ જોઈ બેસી રહવું અને પછી ભાંગી પડવું તેના કરતાં મારે જ બીજો રસ્તો શોધી લેવો જોઈએ .
તેણે હવે ઉદય ના સ્ટાર્ટ અપ ની વિગત તપાસવા માંડી, રોજ રાત્રે જાગી ને તમામ પાસા વિચારી ને સમજી લીધાં . અને તેને લાગ્યું, ઉદય ચારે બાજુ મુસીબત થી ઘેરાયો છે એટલે પરિસ્થિતિ છે,
એનાથી વધુ વિકરાળ સ્વરૂપે નિહાળે છે. – “એક્ચ્યુલી એવરીથીંગ ઇસ અંડર કંટ્રોલ!!! “-સંપૂર્ણ પણે પરિસ્થિતિ નો તાગ લીધા પછી તેણે ઉદય ને વિશ્વાસ માં લેવા વિચાર્યું .
આજે કેયા ની વર્ષગાંઠ હતી, કેયા ઉદય ની લાડલી હતી તેને માટે ઉદય ગમે તે કરવા તૈયાર રહેતો . એટલે આજે સવાર થી ખુશ હતો તે કહે : – ” અનિતા, મારી દીકરી ને શું ભેટ આપીશું ?”
અનિતા : – ” જો ઉદય મને કાલે ઘરે આવતાં યાદ આવ્યું તો હું ગીફ્ટ લઇ ને જ આવી છું ,એટલે ઘરે આવી ને પાછા જવાનું ના રહે .”
ઉદય : – ” ઓહ ! થેંક યુ સો મચ ડીયર! અને કેયા કઈ ગીફ્ટ થી ખુશ થશે તે તારા થી વધારે કોણ જાણી શકે ?” ઉદય ને થોડો મૂડ માં જોઈ ને અચાનક જ અનિતા એ પૂછ્યું ,
અનિતા : – ” ઉદય એક વાત કહું ? તારી સ્ટાર્ટ અપ કંપની ની બધી ફાઈલ્સ મેં જોઈ, મને લાગે છે કે તું એકલો બધે પહોચી નથી વળતો, વળી આપણે જાણીએ છીએ કે મારે માથે લે ઓફની
તલવાર તો લટકે જ છે, તો હું તારી સાથે થોડું સમજી ને કામ કરું તો એટલીસ્ટ નોકરી જાય તો હું કૈક તો તારી મદદ કરી શકું, અને હા, હું પોતે જોબ છોડીશ નહિ બાકી ના સમય માં આપણે સાથે કામ કરીશું ”
ઉદય : – ” વોવ , તો તો કેટલું સારું ! પણ ડાર્લિંગ , તું થાકી નહિ જાય ?”
અનિતા : – “અરે, તારી સાથે રહી ને કામ કરવું એતો મારે માટે ગમતી વસ્તુ છે! તું પણ જાણે છે કે આપણે એકબીજા સાથે કેટલા ખુશ રહીએ છીએ , અને કેટલાય સમય થી આપણે પોતપોતાની
પળોજણ માં જ ડુબેલા રહ્યા છીએ એટલે, એકબીજા નો સાથ અને સહકાર,- સ્નેહ અને સહવાસ, કોઈ મિરેકલ સર્જી શકે તેવું પણ બને ને !”
આટલી ચોખવટ અને વાતચીત થી બંને થોડા હળવા બન્યા અને કેયા ની વર્ષગાંઠ સરસ રીતે, ખુશાલી ભર્યા માહોલ માં ઉજવાઈ ! અને તે સાથે જ મિરેકલ ના સર્જન ની શરૂઆત પણ થઇ ચુકી !
બંને પોતાની કંપની માટે રાત દિવસ એક કરી ને પુરુસાર્થ કરતાં રહ્યા , નકારાત્મકતા ની નાગચૂડમાં અને પ્રતિકુળ સંજોગો ની ભીંસમાં , સપડાયેલો ઉદય, જેમ કામ કરતો ગયો તેમ આગળ નો રસ્તો પણ
ખૂલતો ગયો . ખરે ખર અનિતા નો સાથ તેને માટે, સ્ફૂર્તિ દાયક , શક્તિ દાયક અને પ્રેરણા દાયક બની રહ્યો જ્યાં તે થોડો પણ નિરાશ થતો કે અનીતા પોતાની રીતે તેનામાં ઉત્સાહ જગાડતી અને બંને હાથ માં હાથ
નાખી ને સફળતા ના શિખર તરફ, “સ્લોલી બટ સ્ટેડી લી” ડગ માંડતાજ ગયાં- – માંડતા જ ગયાં . એક બાજુ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયો, પ્રોડકટ ની ચકાસણી કરી ને પરફેક્ટ કરી શકે તે માટે ની ટીમ અદ્ભુત હતી , ફાઈનાન્સનું તો
બધું અનિતાએ જ સંભાળી લીધું!! આખરે M.B.A.ની ડિગ્રીધારક હતી અનિતા! અને તેમાય પોતાના ઘર ના ધંધામાં, પોતાના પતિ ના સ્વપ્ન ને સાકાર કરવામાં સંપૂર્ણ પણે સમર્પિત થઇ ચુકેલી અનિતા ,
તેની કંપની માટે માત્ર ફાયદા કારક જ નહિ , આશીર્વાદ રૂપ પણ બની રહી! જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ આગળ વધવાનો ઉત્સાહ બેવડાતો ગયો, કામ ચાર ગણું થવા લાગ્યું અને પરિણામ આઠ ગણું!!! .
કંપની ના ગળાડૂબ કામ માં ગરકાવ થઇ ગયેલા ઉદય – અનિતા, એક દિવસ રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કરતાં બેઠા હતાં ,
અચાનક અનિતા કહે : – ” ઉદય, દીદી ના કઈ સમાચાર નથી , તારે કઈ વાત થઇ ?”
ઉદય : – ” ના કેટલાંક વખત થી તો તું જ દીદી સાથે વાત કરતી હતી ને ? પ્લીઝ જોડ તો ફોન .”
અનિતાએ દીદી ને ફોન કર્યો કહે : – ” દીદી , કેમ હમણા થી ફોન નથી કરતાં ? સોરી, અમે પણ અમારી નવી કંપની શરુ કરવા ની દોડ દોડ માં ફોન ના કરી શક્યા , શું ચાલે છે ?”
દીદી : – ” સેઈમ હિયર ! અમે પણ અમારી કંપની ને બેઠી કરવામાં પડ્યા હતા. નીલ ના પપ્પા, ઉપરા ઉપરી ગયેલી ખોટ ને લીધે હતાશ થઇ ગયેલા , તેમને સાથની– સહકાર ની જરૂર હતી.
અનિતા, તારી સાથે ફોન પર વાતો કરતી હતી એ દિવસો માં જ મને સમજાઈ ગયું, કે આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે , મારે જ મારા પતિને હૈયા ધારણ આપવી પડશે,
મેં બીઝનેસ માં રસ લેવા માંડ્યો. શરુ માં થોડો ગુસ્સો વેઠી ને પણ કામ ચાલુ રાખ્યું અને જ્યાં, થોડી ક જ સફળતા મળી કે અમારો જુસ્સો બમણો થઇ જતો! અને કલાકો ના કલાકો કામ
કરવાનું અમને ગમવા લાગતું , અને પછી તો કામ વધે ને સફળતા પણ વધે એ સિલસિલો ચાલતો રહ્યો ! અને હવે, વેપારી ની ભાષા માં કહીએ તો, “અમે બેઠા થઇ ગયા છીએ,” એ ખુશ ખબર
પણ આપવાની નવરાશ ક્યાં હતી જુઓ ને !”
અનિતા : – ” ઓહ વાઉ , વન્ડર ફુલ !,કોન્ગ્રેટ્સ દીદી ! લો ઉદય સાથે વાત કરો .જયારે ઉદયે વાત સાંભળી તો ખુશી સમાતી ન હતી ,
તે કહે : “વાહ દીદી, તેં તો કમાલ કરી દીધી ! હવે તું પણ સાંભળ અમારી દાસ્તાન !અહીં હું પણ હતાશા ના ઘેરામાં એવો સપડાયેલો કે, ક્યાંય ડગ ભરવાની જગ્યા પણ દેખાતી નહતી,
અહીં લે ઓફ ચાલુ થઇ ગયેલા , મેં જોબ છોડી ને સ્ટાર્ટ અપ કંપની શરુ કરવાનું વિચાર્યું એવાં માં જ અમેરિકામાં — ઈકોનોમી ક્રાઈસીસે –ભરડો લીધો , તેમાં વળી તમારા બીસનેસ માં
ખોટ , નીલ ની ફી ના ભરાય તો ભણવાનું બંધ —- આ બધા માં હું તો ખરે ખર તૂટી જ ગયેલો પણ અનીતા એ જોબ ચાલુ રાખીને, મારી સાથે કંપની ના કામ માં પણ મદદ કરવા માંડી,
તું કહે છે તેવું જ અમને પણ લાગ્યું કામ દુર થી જેટલું ટફ લાગે તેટલું , કામ ને કરવા લાગીએ પછી સરળ લાગે છે , અને જેમ સફળતા મળે,તેમ કામ કરવાનો ઉત્સાહ બેવડાતો જાય.
અનિતા મારી પડખે રહીને, જ્યાં થોડો પણ પાછો પડું ત્યાંથી સંભાળી ને આગળ વધવા પ્રોત્સાહિત કરતી તેની MBA ની જાણકારી પણ એટલી જ કામ લાગી !!!”
દીદી : – ” તો ભાઈ, તમે પુરુષો હાર જલ્દી માની લો નહિ ? અનીતા એ ધિરજ રાખી ને બધું હાથ માં લીધું ત્યારે આજે આ ખુશી મળી ખરું કે નહિ ?”
ઉદય : – ” હા દીદી, તમે નણંદ -ભોજાઇ એ બંને ઘર ને ઉગારી લીધા એમ કહું તો જરાય ખોટું નથી બલ્કે , એ જ માત્ર સત્ય છે ”
દીદી: – : હા ભાઈ , તું તો જાણે છે ને અમે બાળપણ ની સખી ઓ છીએ અમારી જોડી શું ન કરી શકે ?”
ઉદય: – ” હા દીદી તમારી દોસ્તી માટે પપ્પા શું કહેતા ? યાદ છે ?”
દીદી : – ” ઓફ કોર્સ યાદ છે , પપ્પા કહેતા — બે બળદ ની જોડી , કોઈ શકે ના તોડી” !!! અને બધા ખડખડાટ હસી પડ્યાં !!!