હેપી બર્થ ડે-પ્રજ્ઞા દાદભાવાળા

આજ કાલ કોકીલાબેનને ખાસ ખવાનું મન ન થતું,વારંવાર ઝાડે જવું પડતું નબળાઈ પણ આવી ગઈ હતી. ઘરમાં એકલા હતા તેમના પતિ કનુભાઈ કામ માટે બે દિવસ ફ્લોરીડા ગયા હતા,આમ પણ છેલ્લા એક મહિનાથી કોકીલાબેન ની તબિયત ક્યાં સારી હતી પેટમાં કેન્સર છે એ ખબર જ હતી, દવા અને થેરાપી ચાલુ હતા,નબળાઈ ખુબ જણાતી હતી,ઘરમાં બે જ જણ એકલા, કનુભાઈને પણ ડાયાબીટીસ હતું ધ્યાન રાખવાવાળા કોઈ નહિ.

અચાનક ફોનની ઘંટી વાગી

હલો કોણ ? દીકરા કેમ છો ?

મમ્મી તારી તબિયત કેમ છે ?

છે, ચાલ્યા રાખે છે.

તમારે હવે નર્સિંગ ફેસીલીટી માં મુવ થવું જોઈએ ,મેં પપ્પાને કાગળ મોકલ્યા હતા ને !

મને  નથી ખબર બેટા, તારા પપ્પા તો ફ્લોરીડા ગયા છે કામ માટે.

અચ્છા તો સારું મેં એમની ખાસ મુલાકાત માટે સમય લીધો હતો ,કે જોઈ આવો તો ત્યાં સિફ્ટ થવાય

પણ બેટા આ ઘર મને છોડવું નથી ગમતું! આ ઘર સાથે તારી આપણી ઘણી યાદો જોડાયેલી છે.

હમણાં મેં તારી રૂમમાં તારો કબાટ ખોલ્યો હતો ,તારા બધા એવોર્ડ જોયા  ફોટા જોયા,

એ રહેવા દેજે તમે જશો ત્યારે લઇ જઈશ, પણ તું બીજું બધું બધાને આપી દે,નર્સિંગ હોમ ખુબ સરસ છે ફર્નીચર સાથે અને ટીવી પણ,હવે તમે ત્યાં એકલા ન રહો  તો સારું.

તું ક્યારે આવે છે ?

હું તો રત્નાને મુકીને કેવી રીતે આવું! એ એકલી કેવી રીતે બધું સંભાળે ? પણ તમારું જવાનું નક્કી થાય તો કહેજે હું આવી જઈશ,એ પહેલા તું બધું કાઢી નાખ, પપ્પા આવે એટલે ફોન કરજે અને તબિયતનું ધ્યાન રાખજે, મારે ફોન મુકવો પડશે રત્ના હમણાં આવશે, જમવાનું બનાવું છું,હા સમયસર જમી લેજે અને ફોન કટ થઇ ગયો.

કોકીલાબેન કહે કોની સાથે જમું ? આજે કનુભાઈ પર ગુસ્સો પણ આવ્યો, મને કહ્યું કે કામે જાવ છું પણ ફ્લોરીડા નામ લખવા ગયા છે,આવે એટલે વાત છે!મેં કહ્યું હતું હું આ ઘર મરીશ પછી જ છોડીશ, તો ત્યાં જવાની શું જરૂર હતી? એકલા એકલા બબડતા પલંગમાં આડા પડ્યા,નબળાઈને લીધે આંખો ઘેરવા લાગી  અને મન જૂની યાદોના સપનાં જોવા માંડ્યું…32 વર્ષ થશે આ ઘરમાં, છોકરાવ અહી જન્મ્યા અને પરણ્યા અને એક દિવસ બધા પોત પોતાના ઘરે ગોઠવાઈ ગયા.

લગભગ 7 વાગે ફોનનો અલાર્મ વાગતા ઉઠ્યા, ઓ.. ચાલો દવાનો સમય થઇ ગયો કોકીલાબેન એકલા એકલા બોલ્યા,આમ પણ જ્યારથી એકલા થયા ત્યારથી એકલા વાત કરવાની ટેવ પડી ગઈ હતી, ઘરમાં પોતે જ પોતાને ઉઠાડે અને જમાડે.

શું જમશું કોકીલાબેન ? તમે જે જમાડશો તે ! એકલા સવાલ પુછતા અને એકલા જ જવાબ આપતા અને પછી પોતે રસોડામાં જઈ કૈક બનવાની પરોજણ કરતા,કનુભાઈ હોય તો એને ભાવતું બનાવતા,પણ આજે શું જમવું? મનમાં વિચાર આવ્યો કનુભાઈને ફોન કરું,પણ ગુસ્સો કરતા કહે જાવ તમારી સાથે વાત નથી કરવી,કાલે સવારે આવો એટલીવાર છે,પછી ફોન ઉપાડી વાત કરી,  કેમ ફોન પણ નથી કરતા? તમે મને કહ્યું પણ નહિ તમે શે કામ ગયા છો ?

તને કહેતે તો તું થોડું જવા દેવાની હતી?

આ મારો માળો છે એમ હું ખાલી કરવાની નથી.

જો કોકી સંભાળ આ નવો માળો હવે આપણે યાદોના તણખલા ભેગા કરી બનાવશું અને એક બીજાની હુંફથી આ માળાને હુંફાળો રાખશું,કનુભાઈ આ વાત કદાચ પ્રત્યક્ષ ન કહી શક્યા હોત,આંખના આંસુ ફોનમાં સહેલાઇ થી છુપાવી શકાય ને ! એટલે જે કહેવું હતું તે કહી ગયા.એમને પણ કોકીની ભાવના સ્પર્શતી હતી અને સાંભળ હજી તો આપણો નંબર લાગે ત્યારે વાત! આ તો માત્ર એપ્લીકેશન આપી છે.કોકીએ ફોન મૂકી દીધો.તે દિવસે કોકીબેન ખુબ રડ્યા.

બીજે દિવસે કાંતિભાઈ આવી ગયા, બે દિવસના રિસામણા પછી કોકિલા વાતને ભૂલી ગઈ એટલે ધીરેથી કનુભાઈએ કહ્યું ચાલો આ બધું જુનું કોઈકને આપીએ અને તમારા જન્મદિવસ પહેલા ઘરને ફરી શણગારીએ એમ કહી કાંતિભાઈએ વાત માંડી,ન જોઈતી વપરાતી વસ્તુઓ આપી દઈએ, ચાલો થોડો ઉત્સાહ ભરીએ તો મજા પડશે.

હા પણ ઘર ખાલી કરવાની વાત નહિ કરતા નહીંતો તમારી સાથે અબોલા લઈશ.અને બંને થોડું થોડું કરી બધાને આપી દીધું,કોકીલાબેન બોલ્યા જોઓં તમે કહું એટલે મારી ઘણી સાડી બધાને આપી દીધી,હવે નવી લઇ દેવી પડશે, ફરી જશો એ નહિ ચાલે!અને જન્મ દિવસ નજીક આવી ગયો  નવી સાડી લઈને છુટકો કર્યો અને અચાનક એમનો દીકરો અને નાનકો પૌત્ર આવી ચડ્યા, કોકીલાબેન તો રાજીના રેડ થઇ ગયા, આમ અચાનક ? સરપ્રાઈસ !

પણ રત્ના કેમ ન આવી ?  

મમ્મી એને કામેથી રજા ન મળી.

પણ આમ અચાનક આવી તે મને ખુશ કરી દીધી અને માં દીકરો રસોડામાં વાતો કરતા બેઠા,ચા પીધી. બીજી રૂમમાં કાંતિભાઈએ ભારે હૈયે ટપાલ ખોલી,આમ તો વાંચી હતી, પણ ફરી વાંચી congratulation આપ બંને માટે નર્સિંગ હોમમાં જગ્યા થઇ ગઈ છે. આ મહિનાની 30 તારીખ પહેલા આપ આવી જજો,એટલે દીકરાને બોલાવ્યો હતો, પોતાની પાસે કોકિલાને કહેવાની હિંમત ક્યાં હતી ?

આખી રાત બધા ખુબ હસ્યા, દીકરાનો કબાટ ખોલી બધું વસ્તુ કાનાને આપતા કોકિલાબેન હરખાતા હતા,બધું જોતા 3 વાગ્યા. આજે તો કોકિલાબેનને થાક પણ વર્તાતો ન હતો. સવારે કોકી ઉઠે તે પહેલા દીકરા સાથે વાત કરતા કનુભાઈએ પોતાના ઘરના બધા કાગળ એમને સોંપી દીધા,અમે પરમ દિવસે સાંજે અહી થી નીકળશું અમને મૂકી પછી તું અહી આવી આ બધી વસ્તુ અને ઘરમાં જે કંઈ છે તે તને યોગ્ય લાગે તેમ કરજે,એટલામાં કાનો આવ્યો અને કહે ચાલો કેક ખાવા, કનુભાઈ આંખનો ખૂણો લુછતા બોલ્યા હા હા ચાલો…અને કાનો કેમેરામાં બધાને ઝડપવા ખુરશી પર ચડી ગયો.

બધા હશો આજે મમ્મીજીનો જન્મદિવસ છે.

ઓ ઓ દાદાજી હશો ને!

 કનુભાઈએ પરાણે મોઢું હસતું રાખ્યું,કોકીબેન પણ સ્મિત આપી બોલ્યા આજે હેપી બર્થ ડે છે અને જન્મદિવસ હંમેશા હેપી જ હોય માટે બધાએ હેપી રહેવાનું અને નજીક જઈ બોલ્યા મેં કાગળ વાંચ્યો છે હવે છોકરાવ આવ્યા છે તો હશો.કાંતિભાઈ એને જોઈ રહ્યા,અને મનમાં બોલ્યા ભગવાન સ્ત્રીને કઈ માટીમાંથી બનાવતા હશે ?

   -પ્રજ્ઞા દાદભાવાળા –       

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , , , , . Bookmark the permalink.

4 Responses to હેપી બર્થ ડે-પ્રજ્ઞા દાદભાવાળા

 1. Vimala Gohil says:

  “ભગવાન સ્ત્રીને કઈ માટીમાંથી બનાવતા હશે ?”
  સનાતન સવાલ ….જેનો ઉકેલ કોઈ પાસે હશે?!!

  Like

 2. જો કોકી સંભાળ આ નવો માળો હવે આપણે યાદોના તણખલા ભેગા કરી બનાવશું અને એક બીજાની હુંફથી આ માળાને હુંફાળો રાખશું.
  Most of us has to be ready for that.

  Like

 3. PK Davda says:

  કોની વાત છે એ ખબર નથી, પણ વર્ણવી બહુ સરસ રીતે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s