ફિલ્મ – ધ જોય ઓફ ગીવીંગ-https://youtu.be/O8EnJU2lFGE
અનુરાગ કશ્યપની આ નાનકડી ફિલ્મનું કથાનક તો બહુ જ પાતળું છે. પણ ખૂબ જ નાજુકાઈથી એ કથાનકની માવજત કરાઈ છે. થોડોક અંધકાર, થોડોક પ્રકાશ અને ચાલુ ન થયેલાં સિગ્નલની ઝબૂક ઝબૂક લાઈટ દ્વારા દિગ્દર્શક વહેલી સવારનો નિર્દેશ કરી ફિલ્મની શરૂઆત કરે છે. એક આઘેડ વયનો વ્યક્તિ પેટની આગ બુઝાવવા ધીમે પગલે એક હાથમાં સામાનનો થેલો એટલેકે જવાબદારીનો બોજ અને બીજા હાથમાં છત્રી એટલેકે પરિવારનું છત્ર ઊંચકી હોટલમાં કામ કરવા જઈ રહ્યો છે. ઈમાનદારીના પ્રતિક સમી હોટલની ચાવી વડે એ બંધ શટરને ખોલી, લાઈટ અને પંખાની સ્વીચ ચાલુ કરી એ રાતના થંભી ગયેલા જીવનને પાછું ગતિમાન કરે છે. ને પછી તો નવ નંબરના ટેબલનો ઓર્ડર, તેર નંબરના ટેબલનો ઓર્ડર અને પાણીની માંગણી એમ જાત જાતના ઓર્ડરથી જિંદગી ધબકતી થઇ જતી બતાવવામાં દિગ્દર્શક એમની કલાસૂઝ દાખવે છે. સુપરમેનનું ટી-શર્ટ પહેરી એક છોકરો ખાવાનું ચોરી કરે છે. ચોરી કરતા પહેલાં એ જે રીતે આજુ બાજુ જુએ છે ને પછી શિફતથી ખાવાનું શેરવી લે છે તે દૃશ્ય જોતાં જ ખ્યાલ આવી જાય છે કે તે છોકરો પણ જાણે છે કે ચોરી કરવી ખોટું છે. છતાં પણ પાપ-પુણ્યની પરિભાષાથી અજાણ એ કહેવાતો સુપરમેન એનાં જેટલાં જ મિત્રોનું પેટ ભરવા ચોરી કરે છે. પેલો આઘેડ વયનો નોકર એને ચોરી કરતા જોઈ જાય છે ને એને પકડવા વ્યર્થ ફાંફા મારે છે. એ એની જ હોટલના બીજા નોકર મુરારીને એ છોકરાને પકડવા બૂમ પાડે છે. મુરારી – માખણચોર કૃષ્ણની જ જાણે રાસ લીલા ચાલતી હોય તેમ પકડા પકડીને અંતે છોકરો ભાગી જાય છે.
બીજા એક દૃશ્યમાં પેલો નોકર ખાવાનો ડબ્બો ખોલી હજુ ખાવાની શરૂઆત કરતો હોય છે ત્યાં જ પકડો, પકડોની બૂમ સાંભળી એ ઉભો થઇ બહાર જુએ છે અને પેલા છોકરાને નાસી જવામાં સફળતા મળી છે એ જાણી પાછો જમવા બેસે છે પણ એનું મન નથી માનતું. ભીતરમાં સરતાં આંસુઓ ખાધા વગર પણ જાણે તેની પેટની આગ ઠારી દે છે. રોઝા પછી આવતાં રમઝાનના તહેવાર નિમિતે ઠેર ઠેર ખજૂર-ખારેક અને મીઠાઈની દુકાનો બતાવી દિગ્દર્શક ભૂખને જાગૃત રાખે છે. ફરી એક વાર પેલો છોકરો ચોરી કરે છે ને પેલો નોકર એની પાછળ જાય છે ને જ્યારે એ છોકરાને એનાં મિત્રોમાં ખાવાનું વહેંચતા જુએ છે, એનું મન ભરાઈ આવે છે. ખાવાનું મળતા છોકરાઓનાં ચહેરા પર જે આનંદ બતાવાયો છે તે અવર્ણનીય છે.
આખરે એક વાર પેલો નોકર એ ચોર છોકરાને પકડે છે પણ સજાને બદલે બિસ્કુટનું પડીકું આપે છે ત્યારે એ બાળક શરમ અનુભવે છે. દિગ્દર્શકે એ બાળકને નતમસ્તક બતાવી જે ભાવ ઉપસાવ્યા છે તે દાદ માંગી લે છે. પેલો નોકર પણ શેઠને વાતમાં રાખી છોકરાને બિસ્કુટ આપવાનું કામ કરે છે તે પણ ખોટું જ છે છતાં યે ભૂખના દુખની તેને ખબર છે એટલે જ કોઈના રોઝા ખોલવામાં એ નિમિત બન્યો એનો સંતોષ એનાં મુખ પર બતાવ્યો છે.બિસ્કુટ આપતાં એ કશું જ નથી બોલતો અને તો યે ઘણું બધું કહી જાય છે. આખરી દૃશ્યમાં તો પેલા નોકરના થેલાને જ આંચકી જતા બાળકને બતાવી દિગ્દર્શક આંચકો આપે છે. પણ જયારે એ છોકરો એ થેલાને હોટલ પાસે મૂકી નોકરના ભારને ઓછો કરવામાં મદદરૂપ બન્યો હોય છે તેની પ્રતીતિ થતાં વહેંચીને ખાવાનાં આનંદની જાણે છોળો ઉછળતી હોય તેવું લાગે છે. થેલો લઈને ભાગતાં એ બાળકને જોઈ દૂર રહેલો એક કૂતરો ભસે છે જ્યારે બાજુમાં રહેલો કૂતરો પૂંછડી પટપટાવે છે. દિગ્દર્શક જાણે સંદેશ આપે છે કે ઘણી વાર ખોટું કરવા પાછળનો આશય પણ સારો હોય છે.
રોહીત કાપડિયા