“વાચકની કલમે” (6) પ્રજ્ઞા દાદભાવાળા

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?-શ્રી ચિનુભાઈ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,

મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,

પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,

એક ઢેફું આ ધરાનું જોઈએ.

…..ચિનુ મોદી

અહી એક વાત સૌ પ્રથમ  સ્પસ્ટ કરીશ કે શ્રી ચિનુભાઈ ની ગઝલ અર્થઘટની મહોતાજ નથી.બીજી ખાસ વાત કહીશ કે શ્રી ચિનુભાઈ મોદી ની ગઝલને સમજવા માટે અથવા ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે  સંવેદના હોવી જરૂરી છે આ ગઝલ દરેક વાંચનારને સ્પર્શશે એમાં કોઈ શક નથી.મને સ્પર્શી છે માટે આસ્વાદ લખવા પ્રેરાઈ છું.

       સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બ્હૌ થયું,

મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

શરૂઆત જ કેટલી સુંદર છે.સપનાં અને સંબંધ એ માનવીના જીવતા જીવનના હિસ્સા છે.માટે દરેક ઈચ્છે છે.દરેક ને પોતાના સપના જોઈએ છે ગઝલમાં  “જોઈએ છે” શબ્દને લઈને એક એવી માંગણી છે કે મને મારા ભાગનું આકાશ આપો.માગણી ખરી પણ સંતોષપૂર્વક ,વિવેકપૂર્વક અને આડકતરો અણસાર પણ આપે છે કે જે મારું નથી એ નહિ આપતા પણ મારું છે એ તો આપો. કવિ ક્યાંય ગજા બહારની વાત નથી કરતા કે માંગણી નથી કરતા, માનવીની સીમામાં રહીને માગવાની વાત છે કવિ જયારે કહે છે કે જીવવા માટે બહાનું જોઈએ છે ત્યાં આડકતરો સંબંધોનો ઘા દેખાય છે.સપનાં અને સંબંધો માનવીને જીવાડે છે પણ અહી  અવાજ જુદો,પ્રવાહ જુદો, જુદું વહન છે. હા,એથી વિશેષ લખી હશે ત્યાર નો  ગઝલનો અને કવિનો પોતાનો મિજાજ પણ જુદો  દેખાય છે.પણ લોકો એમાં પોતાનો પડઘો સાંભળી વાહ ની દાદ આપી દે છે.કારણ  પોતીકાપણાનો અહેસાસ છે.જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો માનવી અને કયારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં એવો અટવાય છે કે ખબરજ પડતી નથી કે હું સાચો કે સંબધો?,કવિ જાણે છે માનવી ની હસ્તી પાછળથી વીસરાઈ જતી હોય છે માટે કહે છે એક વ્યક્તિ પણ મને યાદ કરી રડે તો બહુ થયું.મને એક વ્યક્તિ બસ મારી પોતાની જોઈએ છે.   

દરેક માનવી સહજ સંબધો હંમેશા શોધતો હોય છે અહી કવિ સામન્ય વ્યક્તિનું માનસ ઉભું કરે છે.બીજા શેરમાં કવિના જીવનમાં સંબંધને લીધે પરિણમતી એ ઘટનાનો પડઘો વર્તાય છે.સાદગી છે માટે બધાને પોતીકી લાગે છે. સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે અને તેની પરખ સમય સાથે થાય છે અમુક પાસે હોય છે ત્યારે કુદરત તેને સાથ નથી અપતી હોતી ત્યારે કવિ ની જેમ કહે છે મને મારા હિસ્સાનું તો આપો દરેક ક્ષણે દરેક અંતરા માં સંબંધનો આપણને અહેસાસ કરાવે છે. અમને ગઝલમાં સંબંધ નામનું તત્ત્વ સતત રેલાતું-છલકાતું જ દેખાય છે.ગઝલની ખૂબી એ છે કે દરેક વ્યક્તિ ને આ ગઝલની અસર અલગ થાય છે. કોઈ છે જેના દિલમાં તમારું સ્થાન છે. કોઈ તમારા વિશે વિચારે છે, કોઈ તમારી ચિંતા કરે છે, કોઈ તમારું ભલું ઇચ્છે છે,  એક તરફ જીવવવાનું બહાનું આવું જ  સ્વપ્ન  અથવા સંબંધ છે તો બીજી તરફ આખી સભાના  મૌનની માગણી  પણ નથી કવિ ને ટોળું નથી જોઈતું પણ કોઈ એક તમારા માટે રડે છે અને તમારા માટે પ્રાર્થના કરે છે એટલું બસ છે.

   એક પરપોટો ઘણો સુંદર હતો,

  પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ

પરપોટા સુંદર હોય છે સંબંધમાં કોઈ પરપોટાની જેમ આવે છે. જીવન અને હવાની પ્રકૃતિ ચાલવાની  છે..અને આવા પરપોટા હવા સામે ટકી શકતા નથી અહી હવા ને સમાજ તરીકે પણ લઇ શકાય કે અમુક સંબંધો સમાજ સામે ટકી શકતા નથી.. કવિ એકલા છે સાંજ પડેને હવે એકલા ઘરે જવું પણ ગમતું નથી બસ એક પંખી જોઈએ છે.માળાની એકલતા ગમતી નથી એકલતા જીરવાતી નથી અને કહે છે ક્યારેક વાટ વચ્ચે કોઈ  દિલ લુટી લે છે ત્યારે થાય છે એક ચોરખાનું હોત તો સારું હતું, આવી એકલતા ભોગવી ન પડતે,આગલા બંને  શેરથી આ શેરનો ભાવ જરા અલગ છે.દરેક શેરમાં છેડેલી વાત એ જ શેરમાં સંપૂર્ણ અર્થ દેખાડે છે એ કવિની અનુભવી કલમનો પ્રતાપ છે એ રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતા એકમ પણ છે .”જીવ” શબ્દ પોતા માટે વાપરી ટકોર પોતાને જ કરે છે કે તે કોઈને લૂટવા દીધા પણ તને ચોરખાના ની જરૂર છે.અહી પ્રેમમાં લુટાઈ જવાની વાત છે યાદો ને સાચવવા માટે ચોરખાનું છે.. કવિ ભાંગી ગયા છે વાસ્તવિક્તાને સહજ રીતે સ્વીકારી આગળ વધે છે.ગઝલમા ક્યાંય પ્રેમ નો કે સંબધ નો નિર્દેશ સીધો નથી પણ છતાં મહેસુસ થાય છે.એકલતાનો ભાવ નીચેની ગઝલમાં કેવો અસરકારક રીતે વ્યકત થયો છે, તે જુઓ :

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,

એક ઢેફું આ ધરાનું જોઈએ.

કોઈ સાથ અને એકાદ હાથ આપણને હૂંફ આપતો હોય પણ અચાનક એ હાથ સરકી જતા પછીનો આ દિલનો આવાજ આ ગઝલ છે.ઘણા સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતા હોય, કોઈ ફરીથી આવી જાય તો કેવું સારું એવું આપણે વિચારીએ છીએ,મન બોલે છે તું કહીશ ત્યાં આવીશ બસ. અને આપણે  એ જે કહે તે કરવા તૈયાર થઇ જઈએ છીએ પણ બસ એકવાર એ પાછું વાળીને જોવે એવું મન ઈચ્છે છે પણ એ પાછા નથી આવતા,આપણે તેની યાદોને પંપાળતા રહીને આપણામાં જીવતા રાખતા હોઈએ છીએ.સંબંધો ભુલાતા તો નથી જ,  કોઈ વાતે, કોઈ સ્થળે, કોઈ પ્રસંગે અને કોઈ ક્ષણે એ ચમકારો કરે છે અને થોડા સમય માટે આંખોમાં એ ફરીથી ઝળકી ઊઠે છે. એક વાત જરૂર કહીશ આ ગઝલમાં  કોઈ એવા સંબંધ ની વાત છે...કવિ નો અડકત્રો ઉલ્લેખ છે.આ આખી ગઝલમાં પંખી ,ચોરખાનું,
સાંભરણ શબ્દપ્રયોગો એકલતા અટુલાપણું, ​નિરાધારપણું વગેરે ભાવના ધોતક.તેમની રચનાઓમાં સાદગી છે, એટલે જ શેઅર સમજવા માટે આયાસ કરવો પડતો નથી.

થોડાક સમય માટે તો થોડાક સમય માટે મારું દિલ તારા માટે ધબક્યું છે, તારા માટે તરસ્યું છે, તારી રાહ જોઈ છે તારી સાથે જીવ્યો છું જિવાયું છે.જ્યાં  કોઈ અફસોસ નહીં, કોઈ ફરિયાદ નહીં અને કોઈ ઉદાસી પણ નહીં.જીવું છું ત્યાં સુધી એ સાચવીને રાખીશ અહી ફરી પહેલી પંક્તિ તરફ કવિ લઇ જતા કહે છે તારા સ્વપ્નો મારા જીવવાનું બહાનું છે જે મને જોઈએ છે. બસ કઈ નહિ તો યાદો કે  “સંભારણા” તો આપો, એ મારી પોતીકી જગ્યા તો આપો જ્યાં હું તમારી યાદો ને વાગોળી શકું અને છેલ્લે  તો કહી દે છે, મારા ભાગની “જમીન નહિ તો બસ ઢેફું આપો”

આખી ગઝલમાં પ્રેમ શબ્દ નો પ્રયોગ કયાંય નથી છતાં પ્રેમથી છલોછલ આ ગઝલ આપણને સ્પર્શી જતા વાહ નીકળી જાય છે.

પ્રજ્ઞા દાદભાવાળા

“વાચકની કલમે” (5)તરુલતા મહેતા

ચિનુ મોદીના સર્જનાત્મક વેભવમાંથી એકાદ બે મોતીને પરખ કરી હદયથી માણ્યા છે.મારા આનંદમાં  સહ્દય ભાવકને સામેલ કરું છું. મુક્ત કલમે લખાયેલો આ લેખ છે.

‘ઈર્શાદ ‘ચિનુ મોદીનું નામ સાંભળી મારા મનમાં 22મી એપ્રીલ 2015ની મારા વતન નડીયાદની સવાર સાંભરી,ઉનાળાની સવાર એટલે તડકો માથે ચઢે તે પહેલાં વહેલી  પરવારી બહાર મંદિર તરફ જવાના વિચારમાં મોબાઈલ  ફોન લીધો,એટલામાં ફોન રણક્યો,ચિનુ મોદીનો હતો.’તરુલતાબેન તમારા વાર્તાસગ્રહ ‘પીગળતો સૂરજ ‘માટે અભિનન્દન,સારી વાર્તાઓ વાંચ્યાનો આનંદ થયો,’ મેં કહ્યું ,’ આભાર,ફોન પર તમારી સાથે વાત કરી આનંદ થયો’ચિનુ મોદી કહે ,’કેટલીક વાર્તાઓ મને વિશેષ ગમી ‘પિતૃ દેવો ભવ ‘,ડી.એન.એ.,’પીગળતો સૂરજ ‘

મેં કહ્યું ,’તમને ગમી તો વાર્તા લખવાનો ઉત્સાહ રહેશે.’ ચિનુ મોદી કહે ‘ ખૂબ લખો,અમદાવાદ આવો તો મળજો.’મેં કહ્યું’,

‘બે દિવસ પછી અમેરિકા જાઉં છુ’ ચિનુ મોદીએ કહ્યું ,’ગૂડ લક ‘.

ચિનુ મોદીની કવિતાની હું ચાહક છું,જીવન અને કવનમાં ક્રાંતિકારી તેઓ  અમદાવાદના ‘રે મઠ’ના કવિ.લાભશંકર ઠાકર, મનહર મોદી,સુરૂપ ધ્રુવ અને બીજા ઘણા કવિઓ સાથે તેમની બેઠક,તેઓ મારા સમકાલીન પણ ત્રણેક વર્ષ સીન્યર,’રે મઠ’ના નવા ચીલાઓ,પ્રયોગોને આશ્ચર્યથી આવકારીએ અને માણીએ,કવિતા ,નાટક ,વાર્તા ,આત્મકથા બધાજ ક્ષેત્રે એઓએ હલચલ મચાવેલી,કોલેજમાં પ્રાધ્યાપક થયા પછી વિદ્ય્રાથી દ્વારા તેમના નાટકો ભજવાતા જોયેલાં,પરિષદોમાં તેમની ગઝલો માણેલી,અમદાવાદ ,સૂરતના મુશાયરાઓમાં તેમની ગઝલો સાંભળેલી,તમે જ કહો,’ઈર્શાદ’ને દાદ આપ્યા વગર કેમ ચાલે? પ્રજ્ઞાબેનની મહેનતથી આપણને સૌને ‘બેઠક’માં ગુજરાતી ગઝલ,ગીતો વગેરેનું ભાથું મળી જાય છે.એમને પણ મારી દાદ છે.

આજે ચિનુ મોદીના ‘મેમરી લેન’ નાટકનું ગીત આસ્વાદ માટે પસંદ કર્યું છે.આપણા સૌના હદયને સોંસરવું સ્પર્શે તેવું છે.તેમને અમેરિકાની મુલાકાત દરમ્યાન  અનુભવ થયેલો।સર્જકને  પોતાના જીવનમાંથી અને આજુબાજુના સમાજના જીવનમાંથી લેખનની  સામગ્રી મળે છે.વિજાપુર,વતન કડીથી આરમ્ભાયેલી એમની જીવનયાત્રા અમદાવાદને કર્મભૂમિ બનાવે છે.જીવનમાં ધર્મપરિવર્તન જેવા તોફાનનો સામનો પણ તેમણે કર્યો છે.તોફાન અને વિધ્ન વગરનું જીવન સર્જક માટે શક્ય નથી.તેમણે એમના અનેક સંગ્રહોમાં ગઝલ ,ગીત કવિતાનો ધોધ વરસાવ્યો. છે.એમાં કોરા રહેવું શક્ય નથી.

‘મેમરી લેન ‘ ‘ઈર્શાદ ‘

આંખોનો વરસાદ નથી કેં મોન્સુનનો રેઇન

                              રેગ્યુલર રેઇન

ટપક ટપક આંસુ ટપકે તે જૂનાં દૂઝે પેઈન

                             આ છે મેમરી લેન.

રસ્તે રસ્તે પડેલ પગલાં ,પગલાં નથી ભૂસાતા

વીતી ગયેલી સૌ વેળાના ચિત્ર ફરી દોરાતાં

કેંક વ ખત ગાંડા લાગે તો કેંક વખત બહુ સ્ત્રેઇન

                            આ છે મેમરી લેન.

જૂનું જૂનું સઘળું જૂનું,સૂનાં સૂનાં સ્થાન

આજ સજીવન પાછો બનતાં પહેલાંનો સંધાન

કાટમાળ આ ખસેડવાને :લાવો,લાવો ક્રેઇન

        આ છે મેમરી લેન.

કોઈ પણ સંવેદનશીલ માનવની આંખમાં વીતેલા જીવનની ગલીકુંચીમાં ફરતા પાણી આવી જાય તે સહજ છે.ચિનુ મોદી તેમની એક ગઝલમાં કહે છે,’આ ગઝલ લખવાનું કારણ એ જ છે કે ,આંખને ખૂણે હજી ભેજ છે.’આંખોના વરસાદ અને ચોમાસાના રેગ્યુલર રેઈનમાં ફર્ક એટલો કે આકાશમાં વાદળો ઘેરાય ,વીજળીના કડાકા થાય મેઘ ગાજે ને વરસાદ પડે,સૂકી ધરતીની પ્યાસ બૂઝાય,લીલોતરી ખીલી ઉઠે.તે મોન્સુનનો વરસાદ.હદયની  ઊડી લાગણીભીની ભોંયમાંથી વેદના આંખોમાં ખારા,ઉષ્ણ આંસુરૂપે ટપકે  તે આંખોનો વરસાદ.પાણીનો સ્વભાવ ઉપરથી નીચે પડવાનો છે.જયારે અસલી આંસુ હદયમાંથી ઉપર આંખમાં આવી ટપકે છે.વીતેલી પળોના પેઈન જ્યાં ફરી જાગે તે મેમરી લેન દુનિયાના કોઈ પણ શહેર કે ગામની સ્ટ્રીટ હોઈ શકે ,ન્યુ જર્સીની હોય,મીલપીટાસની હોય ,મુંબઈની હોય ,સૂરતની કે અમદાવાદની હોય અથવા મનોમન માત્ર વીતેલા જીવનની હોઈ શકે ,ગુમાવેલા સ્વજનો ,મિત્રોની મેમરી પણ હોય જે ભૂલાતું નથી.હું માનું છું કે યાદ કરવું સહજ છે,ભૂલવા માટે આખી જીદગી ઓછી પડે.જાણે અજાણ્યે ભગવાન દિવસમાં અનેકવાર યાદ આવે છે.સ્વજનો,મિત્રો પણ મોન્સુન વગર યાદ આવે છે.

મેમરી લેન જો કોઈ શહેરનો રોડ હોય તો માણસોની અવરજવરમાં અને વાહનોની પૂરપાટ દોડમાં ભૂતકાળમાં પડેલ પગલાંની છાપ ભુંસાઈ જાય પણ સ્મૃતિની કેડીએ પડેલાં પગલાં નથી ભૂસાતા,બાળપણના ગોઠિયા સાથે કરેલી ધીંગામસ્તી ,ભાઈ -બહેનની ફરિયાદો ,પપ્પા -મમ્મીના લાડ ,દાદીમાનો લાડુનો પ્રસાદ સૌની મીઠાશ બોખા કે ચોખઠાવાળા મોમાં રહી હોય છે.યુવાનીના રંગીન દિવસો ,કોઈને ગુલાબનું ફૂલ આપવું તો કોઈ વાર ગુસ્સામાં ચોટલો ઉછાળી ચાલી ગયેલીને જોઈ ‘ફૂલ ‘ બનવું ,મોડી રાતની મહેફિલ અને છાના છપના સપના કેંક વખત ગાંડા લાગે તો કયારેક નવાઈ પમાડે. આ છે મેમરી લેન.

મેમરી લેન પર ઘડીક લટાર મારી અવાય,પણ એમ ભૂતકાળની યાદોમાં વર્તમાન જીવનને કેમ વીસરી જવાય?

મેધલતાબેનનું કાવ્ય છે,’જીદગીને નોટબુકની જેમ નહિ સ્લેટની જેમ  વાપરવાની છે,લખો -ભૂસો ,જૂનું ભૂસો નવું લખો ‘ ચિનુ મોદી મેમરી લેન ગીતના અંતિમ અંતરામાં એ જ વાત રજૂ કરે છે,જૂની યાદો અને સૂના સ્થાનોમાં વીતેલું બધું સંજીવન થાય છે,પણ એ તો બધાં ભુંસાયેલા ચિત્રો છે,માત્ર પડછાયા છે,મન પરનો નકામો બોજ છે.જે રોજ ના જીવનને રુંધે છે.આકાશમાં સૂરજ ઉગે ,નીતનવીન ફૂલો ખીલે ,પવન અડપલાં કરે,પંખી ટહૂકે કોઈને ગઈકાલની મેમરી નથી. જીવન બોજ ઉપાડવા માટે નથી,હળવાશથી આનંદ માણવા માટે છે.આપણા જાણીતા કવિ નિરંજન ભગત કહે છે.’હું તો બસ ફરવા આવ્યો છુ,ક્યાં મારું તમારું કોઈનું કામ કરવા આવ્યો છું.’

મને ગીતની અંતિમ કડીમાં ચિનુ મોદીનો આગવો મિજાજ દેખાય છે,તેઓ આધુનિક કવિ 1963માં ‘ક્ષણોના મહેલ’ના કાવ્યોમાં હતા અને ‘પર્વત નામે પથ્થર ‘કાવ્યસંગ્રહના કાવ્યોમાં છે.
એટલું જ નહિ આજે પણ  એમનો એવો જ ખંડનાત્મક મિજાજ છે.ભૂતકાળની ધૂળને ખંખેરી કહે છે,’

‘કાટમાળ આ ખસેડવાને : લાવો ,લાવો ક્રેઇન
  આ છે મેમરી લેન.

આપણે કામને ઝડપથી સમેટી લેવા ઉતાવળ કરીએ તેમ કવિ ‘લાવો ,લાવો ‘કહે છે,જલદી કરો ,આ યાદોનો કાટમાળ ખસેડો,મોટી મોટી ક્રેઇન લાવો જેથી બોજ હટી જાય ,વર્તમાન જીવનને પંખીની જેમ માણીએ,‘રેઇન’,’પેઈન ‘,’ક્રેઇન ‘ બધાંને મેમરી લેન સાથેના પ્રાસમાં સરસ ગૂંથ્યા છે.જૂની વાતો સાથે નાતો તોડવાનો એમનો મિજાજ ‘છુટાછેડા ‘નામના અચ્છાદસ કાવ્યમાં પણ દેખાય છે.તેઓ કહે છે,’

આ શહેર,આ શેરી,આ ધર,

આ ડાયરી,આ ચશ્માં,તારું આ ડેન્ચર,

છોકરમત ન કર,છુટાછેડા લઈ લે.’ વાચક મિત્રો આ કવિ જીવનને હકારાત્મક દિશામાં જુએ છે.જીવનના ઉમંગને વધાવે છે,

ચિનુ મોદીના રંગીન મિજાજનું કાવ્ય પણ જુઓ ,

”સોળ વરસની ઉમર,એ તે કેવી ઉમર?

નહી અંદર,નહી બ્હાર,  પગને જકડે ઉબર ,ધરનો ઉબર’

ચિનુ મોદી પ્રયોગશીલ કવિ છે.વિચારોનું સ્વાતંત્ર્ય દાદ માગી લે તેવું છે.અંધશ્રધ્ધા અને જડતાને એમની ગઝલોમાં કટાક્ષમાં ખૂલ્લી પાડે છે.’નામ જવા દે ઈશ્વરનું ગામ આખાનો ઉતાર છે.’ તેમના જીવનમાં સામાજિક ઝંઝાવાતોનો સામનો એમણે હિમતપૂર્વક કર્યો છે.ખમતીધર ચિનુ મોદી ‘ઈર્શાદ’ને એક ગુજરાતી કવિતા પ્રેમીની ઝાઝેરી સલામ.

તરુલતા મહેતા 15મી સપ્ટેમ્બર 2015

“વાચકની કલમે” (4) જયવંતી પટેલ

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ. સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ ઉપર વાચકની કલમે આસ્વાદ.

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

શ્રી ચિનુભાઈ મોદીની રચના ઉપર આસ્વાદ લખવો એટલે જળ જળ બમ્બાકાર થતો હોય ત્યાં દળીયામાં પાણી ભરી છંટકારવુ છતાં નમ્ર પ્રયાસ કરું છું.
શ્રી ચિનુભાઈ મોદીનાં લખાણમાં ખૂબ ઊંડાણ હોય છે.  તેમજ દ્વિઅર્થી પણ ખરું.  સચોટ લખાણ ખૂબ ઊંડું જઈ શકે છે. અને હદયને સ્પર્શી જાય છે.  જીવનમાં ઘણું બધું બની જાય છે.  કંઈક ગમતું, કંઈક ન ગમતું.  પણ તેમાંથી પાર થઇ, પાછા ઊઠી બેઠા થઇ સાચી રાહ પકડવી એ કંઈ જેવાતેવાનું કામ નથી.  મુસીબતો કોના જીવનમાં નથિ આવતી ?  પણ મુસીબતોનો સામનો કરવો અને તેમાંથી સાચું દ્રષ્ટી બિંદુ પકડવું એજ શૂરાની પહેચાન છે.

સરસ વાત કરવાનો મોકો મળ્યો

તને પુષ્પ ધરવાનો મોકો મળીયો

આ પંક્તિ કોને સંબોધીને લખાય છે?  કહી શકશો?  હું એમ માનું છું કે તે ભગવાનને અનુસંધીને લખાય છે.  જયારે તમે તમારામાં ખૂબ ઊંડા જઈ શકો ત્યારે ભગવાન સાથે પણ સરસ રીતે વાત કરી શકો છો.  અને એવો મોકો વારંવાર નથી મળતો.  તેને માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે.  અંતરની ખાનદાની રાખવી પડે છે.  અત્યારે પર્યુષણ મહાપર્વ ચાલી રહયા છે આ પર્વમાં જૈન ધર્મ અનુસાર આત્મ શુધ્ધી થાય છે.  આપણે દરરોજ સ્નાન કરી બાહય શુધ્ધી તો કરીએ છીએ પણ આત્મ શુધ્ધીની પણ એટલીજ જરૂરિયાત હોય છે.  એ માટે સ્વ ને ઓળખવાની જરૂર હોય છે. માનવ, ભગવાન અને આત્મા એ ત્રણેય નું મિલન એટલે પરમ આત્મા –  પરમાત્મા.  સ્વ ની ઓળખ આ પર્વ દરમિયાન કરવાનો મોકો મળે છે.

જ્યાં સરળતા, પ્રેમ અને સમજ હોય ત્યાં તમે નિખાલસતા લાવી વાત કરી શકો છો.  તમે કહેશો – પ્રેમિકાને પણ આ બધી વસ્તુ લાગુ પડી શકે છે.  હા,  જરૂર પડી શકે છે.  પણ અહી એ નિખાલસ વાતો પછી પુષ્પ અર્પણ થાય છે.  ખૂબ પવિત્રતા વર્તાય છે.  આટલી વિનમ્રતા અને પ્રેમ સહિત પુષ્પો તો પ્રભુનાં પાદ ચરણમાં જ અર્પણ થાય.  પ્રેમિકા આ સ્થાન ન લઈ શકે.  અને જયારે પ્રભુ સાથે વાર્તાલાપ થતો હોય ત્યારે અંતરમન વિકસિત થાય છે.  અંતરની વાતો કરવાનો મોકો મળે છે.  એમાં સમર્પણનો ભાવ આવે છે. અને ત્યારેજ પુષ્પો ધરવાનો મોકો મળી જાય છે.

મને ક્યાં ખબર હું છું વહેતો પવન

બધા ઘર ફરવાનો મોકો મળ્યો

જીવનમાં સ્થિરતા લાવવી કે હોવી જરૂરી છે.  એવું આપણે માનીએ છીએ.  પણ કંઈક કિસ્સાઓ એવા હોય છે  કે લાખ પ્રયત્ન કરવા છતાં એ સ્થિરતા ન આવે.  જીવન ડામાડોળ થયા જ રાખે.  ચઢતી પડતી આવે તે સાથે સુખ અને દુઃખની ભાવના પણ આવે.  તેમાંથી પણ આશ્વાશન લેતાં આવડવું જોઈએ  ચિનુભાઇ એ ખૂબજ સરસ રીતે વાતને વાળી લેતાં કહયું  હું વહેતાં પવન જેવો – ભલે સ્થિર ન હોવ પણ એ રીતે બધા ઘરો એટલે કે માનવોને મળવાનો અને ઓળખવાનો અવસર મળીયો.  જુદાં જુદાં માનવીના સંપર્કમાં આવવું, તેમની મનોદશાનો ખ્યાલ લાવવો અને વળતાં તેમને કઈ મદદરૂપ થવું એ માનવતાની ઉચ્ચ કક્ષાની સિદ્ધિ છે.  મધર ટેરેસા એ પોતાનું આખું જીવન ભારતનાં ગરીબોને મદદ કરવામાં અને સમજવામાં કાઢી નાખ્યું.  કેટલી દયા હશે એ હૃદયમાં ત્યારે ક્ષય અને કોઢ જેવાં ચેપી રોગવાળાઓ ની સેવા થઈ શકે.  અને આવા હૃદયને ઉપરવાળા સાથે સાચું કનેક્શન યાને કે સેતુ બંધાયેલો હોય છે.  એટલે પેલી કહેવત પ્રમાણે ” ક્સુતરે લાભ ” થયો.

થયું : હાશ સારૂ કે છે તો ખરો

ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો

જીવનને ઉપર છલ્લી રીતે જીવતાં ઘણાં માનવીઓ મુખ ઉપર હાસ્ય રાખી એમ બતાવે કે તેઓ જે કરે છે તેમાં કંઈજ ખોટું નથી.  નજીવી વાત માટે પણ ખોટું બોલી શકાય છે. પણ જયારે એને જ પછડાટ પડે ત્યારે જ બોધ મળે અને ભગવાનનો ડર રાખતાં શીખે  – એ પણ એક મોકો મળેલો જ કહેવાય.

બચતમાં હતા અશ્રુઓ એટલે

નયન બન્ને ભરવાનો મોકો મળ્યો

જયારે બધુંજ લુંટાઈ જાય છે ત્યારે આવી ભાવના ઉત્કર્શે છે.  કાળની ગતિ સામે કોઈનું ચાલતું નથી.  આપણા ખૂબ વ્હાલા સ્વજન ચાલ્યા જાય – રાયમાંથી રંક બની જવાય, સમગ્ર સ્વપ્નની દુનિયા બનાવી હોય તે ભાંગી જાય , બધું વેરણ છેરણ થઈ જાય – શા માટે આવું બન્યું એ પણ ન સમજાય પણ તેનો પડઘો જીવનની દરેક ક્ષણમાં વરતાય.  મન એટલું દુઃખી થઈ જાય કે ન સમજાય કે કોની પાસે આ હૈયા વરાળ કાઢું.  બની ગયું તેને ન બન્યું કેવી રીતે થાય. ભૂલો કરી તેની આટલી કપરી સજા.  હવે નથિ સહેવાતું કારણકે સમય કોઈને માટે ઠહેરતો નથિ અને નાસીપાસ થતાં એજ ભાવના આવે કે મારી પાસે હવે શું બચ્યું છે?  નયનોમાં અશ્રુઓ ભરી ખૂલ્લા દિલે રડી લેવાનો જાણે મોકો મળી ગયો.  ચિનુભાઇ ની  વ્યક્ત કરવાની શૈલી કંઈ અનોખી જ છે.

મુસીબત પડી એ તો સારું થયું

સ્વજનને સરવાનો મોકો મળ્યો

પરિસ્થિતિ સારી હોય ત્યારે સગાવાહલા ખૂબ પ્રેમ બતાવે છે.  મિત્રો પણ અવારનવાર ફોન કરે છે.  ખબર અંતર પૂછે છે.  પણ જયારે ચંચળ લક્ષ્મીદેવી પલાયન થઈ જાય ત્યારે અને એવી બીજી ઘણી મુસીબતો જીવનમાં આવે છે ત્યારે સાચા મિત્રો જ સાથ આપશે.  જે આપણા સ્વજન હોય પણ જરૂરિયાત વખતે કામ ન લાગતાં હોય, એવા સ્વજનને  મોકો મળતાં સરી જતાં વાર નથી લાગતી.  જાણે મોકાની રાહ ન જોતાં હોય !  અહી ચિનુભાઇ એ ખૂબ જ સરસ રીતે વ્યંગમાં આ વાત કહી દીધી છે.  જયારે બધા સાથ છોડી જાય ત્યારે તે એકલો તમારી પાસે ઊભો રહે એ સાચો મિત્ર, સાચો સ્વજન – સરવાનો મોકો મળે અને સરી જાય તે સ્વજન કેવો !!!

ગઝલને થયું છે  આ “ઈર્શાદ ” તો

ઠરીઠામ  ઠરવાનો મોકો મળ્યો

ચિનુભાઇ ની ગઝલોમાં ખૂબ મર્મ રહેલો હોય છે.  મગજમાં વિચારો આવવા અને તેને રસપૂર્વક પ્રદર્શિત કરવાં એ પણ એક કળા છે.  તેમની લાક્ષણિકતા અને ભાવો એમની કવિતા અને ગઝલમાં ખૂબ જોવા અને માણવા મળે છે.  આ કંઈ નાની સૂની વાત નથી.  ગઝલને પણ કોઈ માનવી એની નિરાળી ભાષામાં પ્રદર્શિત કરે તો તેનું માન વધી જાય છે.  ગઝલને પણ ઠરીઠામ થવાનો મોકો મળે છે. અને “ઈર્શાદએ ” આ કામ કર્યું છે.

જયવંતી  પટેલ


“વાચકની કલમે” (3)રશ્મિબેન જાગીરદાર

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ  રશ્મિબેન જાગીરદારની કલમે  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની  રચના ઉપર આસ્વાદ. 

“ઈર્શાદ ” એમ કોઈ કહે કે ના કહે એ શબ્દ ને જ પોતાની ઓળખ બનાવી લીધી , આમ પણ કોઈ ના નિમંત્રણ કે રજામંદી ના તેઓ શ્રી કયાં મોહતાજ હોય છે? નવો રસ્તો ને નવો ચિલો ચાતરવા સદા ઉત્સુક એવા શ્રી ચિનુ મોદીના લખાણ ને સમજવું પણ જ્યાં સહેલું નથી,ત્યાં   હવે હું તે સમજાવવા બેસીશ !!! 

                                             પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?

ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

            ખરેખર, જયારે કવિ કોઈ કવિતા કે ગઝલ લખે, ત્યારે તેમના મન માં ઉદ્ભવેલા ભાવો અને એ ભાવો ને રજુ કરવા વપરાયેલા ચોક્કસ શબ્દો ને સમજવા કે રસાસ્વાદ કરાવવા સંપુર્ણ પણે શક્ય નથી. 

                                               પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

                                                ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

                એક સામાન્ય માણસ ઘણી વાર પોતાની તુલના પોતેજ કરવા બેસે ત્યારે  કહેતો હોય છે, આપણી  પાસે તો મિલકત ના નામે બસ આ એક ખોરડું છે, અથવા ભણતર ના નામે ગણો તો વાંચી- લખી જાણીએ તે જ છે! આવી બધી તુલનામાં વ્યક્તિ ખાસ કરી ને પોતાને અકિંચન દર્શાવવા માંગે છે અથવા તે  એ વાત કાબુલ કરે છે.    આખે આખો પર્વત તો પત્થર નો જ બનેલો હોય છે પર્વત તો પત્થર નો ભંડાર છે, પણ આપણી  પાસે તો બસ પર્વત ના નામે એક પત્થર જ છે ! તો વળી જળ નો ભંડાર એવો દરિયો , પાણી માટે  દરિયાથી  ધનાઢ્ય બીજું કોઈ હોય ખરું ? પણ અહીં તો  દરિયા ને નામે માત્ર પાણી જ છે ! આગળ વધી ને કવિ શ્રી કહે છે, ઈશ્વર છે કે નથી ? અને જો છે તો ક્યાં છે ? કેવો છે ? ખબર નથી , એટલે મારી પાસે  તો મારા શબ્દો — મારી વાણી જ માત્ર છે, ઈશ્વર ના નામે !!!   “ઈર્શાદ, આપણે  તો ઈશ્વર ના નામે વાણી ” 

               આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?

               ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

    સ્નેહી જન નો વિયોગ તો  વસમો  જ હોય, એ વિદાય ને સહન નકરી શકાય ને ત્યારે આંખો અશ્રુ સભર બને છે , મન માં  ઊંડે   એક પ્રબળ ઈચ્છા પ્રગટતી હોય છે , –કાશ આપણા એ આંસુ ઓ ને લુછવા એ પ્રિયજન ખુદ પ્રગટે !!! ત્યારે  કવિ કહે છે કે એ હાથ ના નખ ની  નિશાની આંસુ ઉપર થઇ , ખરે ખર થઇ ! અને તો નક્કી ઈચ્છા ને પણ હાથ પગ હોવા જોઈએ ! પણ એ વાત મેં તો આજે જ જાણી.

                                      આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ

                                        મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી

    શ્વાસ હોય ત્યાં સુધીજ જીવ છે , દુનિયા છે. કોના નસીબ માં કેટલા શ્વાસ છે , એ  તો એવો કોયડો છે જેનો ઉકેલ હજી સુધી તો શોધાયો નથી. પ્રિય અને પ્રિયતમ   કે પતિ અને પત્ની સાથે જ જીવતા હોય એમાં થી પત્ની વિદાય લે ત્યારે પતિને કેવી લાગણી થાય? તેને લાગે કે, શ્વાસ ની રમત માં – જીવતર ની રમત માં તેની હાર થઇ છે !અને તે ઝાંખી રહે છે -કે જીવન રૂપી ગંજીફા ને છોડશો નહિ હે રાણી,  તમે મારા ઘરે પાછા આવો.

                         ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

                            થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી

                  કાચ – અરીસો — એનો તો એક જ ધર્મ , જે સામે આવે તેને તેનું અસલી રૂપ બતાવે, જીવન ના ઝંઝાવાત સામે ઝૂઝવા, હમેશા લડવા માટે તૈયાર રહેવું પડે . ક્યારેક એ લડાઈ ખુદ ની સાથે હોય તો ક્યારેક સત્યની જાળવણી માટે હોય . દિવસ ઉગે ને એક અનોખી લડાઈ માટે નું ક્ષેત્ર તમારી સામે આવી જ જાય , એટલે તમારે તલવાર તાણી  ને  તૈયાર જ  રહેવાનું એનો થાક લાગે.

                      થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

                       ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. 

 જીવન ને જીવ્યા કરતાં,  ઝૂઝવું વધારે પડે અને રોજ ની દરેક ક્ષેત્રે આવતી આફતો ને આંબતા- આંબતા , લડતાં- લડતાં જાણે જીવવાનો પણ થાક લાગે.

આ બધી મુશ્કેલીઓ, ઈશ્વર ની કૃપા થી પાર કરી પણ લેવાય, જયારે કોઈ નો સાથ કે સહારો ના સાંપડે ત્યારે ઈશ્વર નો જ સાથ મળી રહે ને આપણી  નૈયા પાર પડે.   પણ જો ઈશ્વર જ નથી એમ તમે માનો તો? ઈશ્વર ના નામે માત્ર વાણી જ હોય તો ? તો પછી , વાણી ને જ ઈશ્વર નો અંશ સમજી ને એની પર પરમ શ્રદ્ધા રાખવી જોઈએ, તો જ જેમ જાણવા મળ્યું ને, કે ઈચ્છા ને પણ હાથ પગ હોય છે, તેમ બીજું એક સત્ય લાધે પણ ખરું કે , વાણી માં પણ ઈશ્વર હોય,   કદાચ !!! તમે નાસ્તિક હો કે પુરા આસ્તિક ના હો , તો  અસમંજસ તો રહેશે જ  ને ?      અસ્તુ.  

રશ્મિબેન જાગીરદાર

“વાચકની કલમે” (2)હેમંત ઉપાધ્યાય

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ  હેમંતભાઈ ની કલમે  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની  રચના ઉપર આસ્વાદ 

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.

– ચિનુ મોદી

ચીનુભાઈ  મોદી  સાહેબ જેવા  તત્વજ્ઞ, વિચારક , શબ્દો ના  સ્વામી , અનુભવી  સર્જક ની રચના પર  આસ્વાદ  લખવો  એટલો જ અઘરો  છે   જેમ કે   ….  એક  દીપક ને કહો કે સૂર્ય  નો આસ્વાદ લખ,  એક   પહેલા  ધોરણ  ના બાળક  ને  કહો કે  નાસા   ની સિદ્ધિ  ઓ  લખ  

  હૃદય ના ઊંડાણ માં થી  આવતી ભાવના ઓ ને , શબ્દ ના સાથીયા  માં  અનેક રંગો દ્વારા  સમાજ  સામે  લાક્ષણિક ઢબે રજૂઆત  કરવાની કળા માં  નિષ્ણાત  શ્રી  ચીનુભાઈ  સાહેબ ના  આ કાવ્ય ને  સમજવા નો  અલ્પ  પ્રયાસ  કર્યો છે

વ્રુક્ષ  અને માનવી નું જીવન  સમાંતર  વેદના , સંવેદના નું સામ્ય ધરાવે  છે ,નાનકડા  બાળક ની અત્યંત  કાળજી રાખતી  ” માં ” આવી સ્નેહભરી  સંભાળ  માં જ માતૃત્વ  નો આનંદ માણે છે  એમ  બીજ  ને  રોપ્યા  પછી સતત કાળજી  ,પાણી  ખાતર   આપી ને  એના વિકાસ ને નિહાળી ને  મનોમન , પ્રફુલ્લિત થતો  માળી કે ખેડૂત  બસ , આવો જ આનંદ  માણે છે ,  વ્રુક્ષ મોટું  થતા  માળી દ્વારા  લેવાયેલી સંભાળ  ઓછી  થતી જાય  છે  અને ફળ  ની અપેક્ષા વધતી  જાય છે ,  દીકરો  મોટો થાય  એટલે   માં  બાપ ને  થાય  કે હવે  મારો આધાર  , મારો  સથવારો  , મારી કાળજી  કરનાર  મળી  ગયો  છે,

‘ હોય  મારો એક હિસ્સો  ને મને મારે નહીં ?

    એ કુહાડી છે  અલ્યા !  એ વ્રુક્ષ  ને  કા પે  નહીં  ?

દરેક  સંતાન સરખું હોતું નથી  , દરેક  સંતાન   માં  બાપ ની  થાય અપેક્ષા  ઓ કે ઈચ્છા ઓ ને  માન -આદર  આપે  એવું  ના પણ બને , સંતાન  જયારે  કુહાડી  નું સ્વરૂપ  લે ત્યારે  માં બાપ ની  આશા ઓ  , અપેક્ષા ઓ અને  સ્વપ્નો ને  કાપી નાખી  , માં  બાપ  ના જીવન ને  લાચાર  બનાવી દે છે , આવા  કુહાડી  જેવા  સંતાનો ને કારણે  જ  આજે  વૃદ્ધાશ્રમો  સ્થપાયા છે અને વિકસતા  જાય છે ,સમાજ ની આ ભીષણ  કરુણતા  , અને  સંવેદના  ને કવિ એ  ખુબ  માર્મિક  રીતે  રજુ  કરી છે , સંતાન ના સંસ્કાર  ,હૃદય  ની  લાગણી પર  આ  કુઠારાઘાત   છે  , પોતાના  અસ્તિત્વ  ની ભેટ  આપનાર અને  તેના   વ્યક્તિત્વ   ને  વિકસાવનાર માં  બાપ ને જ જયારે  સંતાનો તરફ થી  , ધિક્કાર  , અવગણ ના કે  તિરસ્કાર  સહન કરવો પડે છે ત્યારે  ,  થાય છે કે  મને  મારા  જ  મારવા  બેઠા છે , અદભુત  રીતે  કહેવાયેલી  સમાજ ની  આ  વાસ્તવિકતા  ને  પ્રણામ કરવા  ઘટે ,

‘ખુબ  તરસ્યું  વ્રુક્ષ  ,જુનું અને જરઠ, પાછું  બરડ

     છો નમેલું  હોય  પણ  ઉખડી જવા  માંગે  નહીં  “

દરેક  મનુષ્ય  ની જીવવા  માટે ની લાલસા  , અભીપ્સા , અને  મહેચ્છા  ને ખુબ સરસ  રીતે  વર્ણવી છે , મૃત્યુ  કોઈ ના હાથ  માં  નથી , માંગેલું  મૃત્યુ  મળતું  નથી  પણ ,જીવન ની અંતિમ  ક્ષ ણો માં પણ વ્યક્તિ  સંસાર ની  મોહ માયા , માં થી  નિવૃત્ત  થવા  ઈચ્છતો  નથી,  પોતાનું કોઈ સાંભળે, પોતાને કોઈ  પૂછે  અને પોતે  કહે  એમ કરે , એવી  જીજીવિષા  ઓછી થતી  નથી , સંસાર માં થી  ઉખડી  જવું  કે  ઉપડી  જવું એમ નહિ  પણ  વૃદ્ધાવસ્થા માં દરેક  વ્યક્તિ એ  પોતાના  આચાર , વિચાર  , આચરણ , અપેક્ષા ઓ ને પોતાના  પુરતી  સીમિત  કરી દેવી જોઈએ , બાળકો ને પોતાનું જીવન એમની રીતે  માણવા  માટે  મુક્ત  રાખવા  જોઈએ , આયુ  ની ગતિ  સાથે  સંસારિક  જવાબદારી કે  પળોજણ  માં થી  મુક્ત  થવાની રહેવાની , માનસિકતા  ના કેળવાય  તો , બાળકો ના હૃદય  માં થી  , લાગણી ઓ માં થી  એમની , સ્નેહાળ સંવેદના ઓ  માં થી તમે  ઉખડી  જવાના  છો , તમારે  જો , તમારા અસ્તિત્વ  ને ટકાવી રાખવું  હોય, સુગંધિત રાખવું હોય  તો , ક્યારે  ક્યાંથી  ખસી જવું  એ  નક્કી  કરતા  આવડવું   જોઈએ

”  એ   બધા  અડબંગ, માણસ  ની  જવા  દે  વાત  તું

ઈચ્છતા    જે  છાયંડો ,પણ વ્રુક્ષ   ને  વાવે   નહીં  “

માનવ  જીવન ના  સ્વાર્થી   સ્વભાવ  ને  , કવિ એ  વ્યંગાત્મક   રીતે  રજુ  કર્યો છે ,મોટી  મોટી વાતો  કરનારા , આચરણ  થી દુર  રહે છે , સમાજ માં રહી ને  દમ્ભિક  મોટાઈ, પ્રમાણિકતા , અને  સંસ્કારિતતા  નો    દેખાડો  કરનારા ઓ નું  સ્વરૂપ  સાચા  સમયે  પરખાઈ   જાય છે , તો બીજી બાજુ જેઓ   પોતાના  બાળકો  પાસેથી  વૃદ્ધત્વ માં  અપેક્ષાઓ રાખી ને  બેઠા  છે   તેઓ એ પોતાની યુવાની માં પોતાના  માં બાપ   પ્રત્યે  જવાબદારીઓ   અદા  કરી નથી  એમને સંસ્કાર   વાવ્યા જ નથી ,અને ફળ  ની  અપેક્ષા ઓ રાખે છે , એક  અર્થ એવો પણ થાય કે દરેક વ્યક્તિ પોતાની  વૃદ્ધા  અવસ્થા  માં સહારો ઈચ્છતી  હોય , કેટલાક  નિસંતાન  દંપતી ઓ  આવી  ઈચ્છા  રાખવા  છતાં   કોઈ અનાથ  બાળક  ને દત્તક લેવાનું વિચારતા  નથી , “સાથ  આપવો  નહિ  અને  સંગાથ  શોધવો  ”   એવી વૃત્તિ  થઇ ગઈ   છે  , અનાથ  ને બાથ  માં લેવો  નહિ  ને  વૃદ્ધત્વ  માં હાથ  શોધવો,  વ્યક્તિ  ની મનોવૃત્તિ  પર  સુંદર શબ્દો  માં  કરાયેલો  આ વજ્રઘાત   છે ,

 ”  આ   ભવે એ  વૃક્ષ  નો અવતાર  પામેલો હતો  

મુર્ખ  છે  કે  પાંદડા  ના પ્રેમ ને   જાણે   નહીં  “

વેદના  અને સંવેદના  સાથે  હાસ્ય  ની ભેટ માત્ર  મનુષ્ય  ને જ મળેલી  છે, મનુષ્ય નો  અવતાર મળ્યો છે તો માત્ર  પોતે હસતા રહે   એવી કલ્પના , વિચાર ,અને  પ્રયત્ન મનુષ્ય  ના સ્વાર્થી  ગુણ  ને  દ્રશ્યમાન  કરે છે ,પ્રભુ એ  મનુષ્ય  નો  અવતાર આપ્યો છે  તો અન્ય  ના દુખ , દર્દ , લાચારી , પરિસ્થિતિ , અને ઉણપ  ને  સમજવાનો  પ્રયત્ન  ન  કરી એ તો   મનુષ્ય  અવતાર  વ્યર્થ  છે ,માત્ર   હસો  એટલું જ નહિ  પણ કોઈ ને  હસાવો જાણો,અને કોઈ  ની ભૂલ , અપકાર ,કે  અપમાન  ને હસી કાઢો એવું મનોબળ પણ કેળવવું  જોઈએ ,આપણ ને  પરમાત્મા  એ જે  આપ્યું  છે એનો ઉપયોગ  માનવતા  માટે ન કરીએ , તો આપણે  માનવ  થવા  ને લાયક નથી ,” પ્રેમ પામતા  પહેલા  પ્રેમ આપવો  પડે ” માં બાપ પોતાના  બાળકો  ને જન્મ થી લઇ ને  યુવાની સુધી  , તે  સદ્ધરતા  પ્રાપ્ત  ના કરે  ત્યાં સુધી  અઢળક  પ્રેમ  આપે છે , તો જ  વૃદ્ધત્વ  માં પ્રેમ પામે છે , જે પ્રેમ ને , સત્ય ને , અને  કરુણતાને , સમજ્યો નથી  એ માનવ  કહેવડાવવાને  લાયક નથી ,તમે  આપો એનાથી અનેક  ઘણું  ઈશ્વર  આપે છે , અને તમે જે મેળવો છો એટલું જયારે આપી ના શકો  તો  આપનાર  ભગવાન  કહેવાય છે , માં  ના  સ્નેહ ,સંભાળ , અને  પ્રેમ નો બદલો  વાળી  શકતો નથી માટે જ  ” માં ” ને ઈશ્વર  નું  સ્વરૂપ કહેવાય છે ,બાળકો જયારે  માં બાપ ના  ઋણ  ને  અવગણે  છે  ત્યરે તેઓ મુર્ખ છે તેમ કહેવું ઉચિત છે ,

”    જીવવાનો અર્થ   સમજાયો હતો  ઈર્શાદ ને

       વ્રુક્ષ   પંખી થાય  ત્યારે એ જીવ બાળે  નહિ “

 

મનુષ્ય  ના જીવન નું અસ્તિત્વ , જીવન નો મર્મ ,જીવન નો અર્થ ,જીવન નો ઉપયોગ , અને જીવન નું મહત્વ  સમજવું  એ દરેક માટે જરૂરી છે ,પંખી હમેશા  ઉડી જવા  માટે  સર્જાયું  છે , દરેક  માનવ  પંખી બની  ઉડી જાય  એટલે કે મૃત્યુ  પામે ત્યારે  સમજુ માણસ  જીવ બાળે  નહીં ,કવિ કહે છે  કે વૃદ્ધ વ્યક્તિ અથવા  તમારા  સ્નેહીજન ,સ્વજન નો આત્મા જયારે  પંખી બની  ઉડી જાય ત્યારે જીવ બાળશો  નહીં ,એના  વ્યક્તિત્વ ને તમારા   વિકાસ માટે  નો માર્ગદર્શક , દિશાદર્શક , ને સલાહકાર માનજો ,એમના   અનુભવ ના  જ્ઞાન  ને તમારા વિકાસ ના  પથદર્શક માનજો ,,જીવ બાળી  ને  દુખી થઇ ને તેમની યાદો ને  , સ્મરણો  માં સમય  વ્યતીત  કરવાને  બદલે  એમના  વ્યક્તિત્વ  માં થી  કૈંક  મેળવવાનો  પ્રયત્ન કરજો,મનુષ્ય  ના જીવન ની યાત્રા ના એક એક  ચરણ  ને  વ્રુક્ષ ના  માધ્યમ થી  સચોટ  દર્શન કરાવનારા  આ શબ્દ  ગ્રંથ  ને  પ્રણામ કરું   છું  ,

હેમંત   ઉપાધ્યાય

408 945 1717

તરુલતાબેન મહેતા- “શબ્દોનાં સર્જન” નીગુજરાતી લેખીકા

5

three

મીલીપીટાસ ( સાન ફ્રાંસીસ્કો) થી પ્રજ્ઞા બેન નઓ સંદેશો હતો તરુલતાબહેને ભારતથી તમને યાદ કર્યા છે અને તેમના લઘુકથા સંગ્રહ “પીગળતો સુરજ”આપણ ને સૌને ( સહિયારા સર્જનનાં મિત્રોને) અર્પણ કર્યો છે.

આનંદમાં હું ઝુમી રહ્યો. મને ખબર છે તેઓ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપિકા રહ્યા છે અને તેમની વાર્તા મેગેઝીન માર્ગીમાં મેં મોકલાવી હતી ત્યારે તરતજ સ્વિકૃત પણ થઇ હતી આપણા જાણીતા સર્જકોની કોઇ પંણ કૃતિ

ક્યાં ય પણ પ્રસિધ્ધથાય ત્યારે આનંદ તો થાય જ પણ આ આનંદ બમણો હતો

તેમની વાર્તાઓને તેઓ ગુજરિકન વાર્તાઓ કહે છે કારણ કે બે દેશ, બે સંસ્કૃતિ, બે ભાષા અને બે પેઢીઓ વચ્ચે જીવતા પાત્રોની વેદના, સંવેદનો અને સ્પંદનોની વાત છે.આમેય અમેરિકા એ સૌથી મોટૂં મેલ્ટીંગ પોટ છે.

કંઇ કેટલાય દેશનાં કેટલીય જાતનાં લોકોને અને તેમની ભાષા, સંસ્કાર ને ઓગાળી નવો જે માહોલ પેદાથાય છે તેમાં એક ઉન્માદ છે અને ઘણી પીડા પણ. આ બધી વાતો ને તેઓ લખે છે કે

મારી વાચા મારા મનમાં વસેલી છે

મારું મન મારી વાચામાં વસેલુ છે

તેઓનાં પ્રકાશનોમાં “પીગળતો સુરજ” એ હાલમાં લખાયેલી વાર્તાઓનો સંગ્રહ છે. વિયોગે ૧૯૮૬માં કવિશ્રી ઉમાશંકર જોશી પારિતોશીક થી પુરસ્કૃત વાર્તા સંગ્રહ છે.

લઘુ નવલ ભીંસ (૧૯૮૬), શલ્ય ( ૧૯૮૯) અને પાર.. દેશે (૨૦૦૪)માં પ્રસિધ્ધ્દ થયા.  પ્રવાસ કથા સફર નીલરંગી (૨૦૦૮)માં પ્રસિધ્ધથઇ. શોધ પ્રબંધ ૧૯૮૩ની સાલમાં

અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરુપણ પ્રસિધ્ધ થયો

પિગળતો સુરજ ની ભારતમાં નવસર્જન પબ્લીકેશન ફોન (૦૭૯)૨૬૫૮૦૩૬૫ ઉપર પ્રાપ્ય છે

( કિંમત ૧૦૦ રુપિયા)

તરુલતા બહેને જિંદગીને બહુ નજીકથી જોઇ છે અને ્તે સંવેદનો તેમના વાર્તા સંગ્રહ્માં જોવા મળે છે. પિગળતા સુરજ્માં ૧૩ વાર્તાઓ છે અને ૮૦ પાના નું પુસ્તક આમતો એક કલાકમાં એકી બેઠકે વાંચી જવાય તેવું છે.હું તેમને સાચા મનથી આવકારુ છું અને ત્રણ ચાર વર્ષે એક પુસ્તક્ને બદલે વરસે બે પુસ્તક આપે તેવી પ્રાર્થના કરું છું

વિજય શાહ

ભગવાન …રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
   કુશળ હશો. આ સાથે વિદેશમાં સ્થાયી થનારની મનોદશા દર્શાવતી એક વાર્તા મોકલું છું.યોગ્ય લાગે તો સ્વીકારશોજી.
                              

                           ભગવાન
                         ————-
      કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી મેળવ્યાં બાદ વધુ અભ્યાસાર્થે ગૌતમ અમેરિકા આવ્યો હતો.  ભણીને  ભારત પાછા ફરવાનો પાકો નિર્ધાર હતો. ખેર! માસ્ટરની પદવી મેળવ્યા બાદ ઊંચા પગારની નોકરીની ઓફર મળતાં એણે પોતાનો નિર્ધાર થોડો આગળ ઠેલવ્યો . અમેરિકાના  એશો આરામ અને સુખ સગવડ એને ગમવા લાગ્યાં . જો કે સાંજના કામ પરથી ઘરે પાછાં આવ્યાં પછી ઘણીવાર એને એકલતા સતાવતી. મમ્મી ,પપ્પા ,ભાઈ, બહેન ,સ્વજનો અને દોસ્તોની યાદ એને ઉદાસ બનાવી દેતી. આધુનિક વિજ્ઞાનના કારણે લેપટોપ પર રોજ વાતો થઇ જતી. આજે એનો જન્મદિન હતો. સવારે જ મમ્મીએ પ્રેમ નીતરતાં અવાજે આશીર્વાદ આપ્યા હતાં .પપ્પાએ દર્દ છુપાવીને મક્કમ અવાજે વધાઈ આપી હતી. ભાઈએ દૂર હોવાના અફસોસ ને દિલમાં જ રાખી  ખેલદિલીપૂર્વક શુભેછા વ્યક્ત કરી. બહેને મસ્તી ભર્યા પણ ગળગળા અવાજે એનો  પ્રેમ જતાવ્યો. તો પણ સ્પર્શના અહેસાસ વગર બધું અધૂરું  લાગતું હતું. દોસ્તોના વોટ્સ અપ પર સંદેશાઓ પણ આવી ગયા હતાં . આજે  એ ઘરે હોત તો  સવારના  ઉઠીને દેરાસર પૂજા  કરવા  ગયો  હોત. અહીં તો ત્રણ કલાક  ડ્રાઈવ કરીને જવું પડે તો ભગવાનના દર્શન થાય. સાંજની ગમગીની ઘેરી  ન વળે તે માટે એ ઘરની બાજુનાં બગીચામાં લટાર મારવા નીકળ્યો.
       બગીચાની ઠંડક પણ એનાં મનને પ્રસન્નતાનો અહેસાસ ન કરાવી શકી . એ કંટાળીને ઝાડની નીચેનાં એક બાંકડા પર બેસી ગયો. ફરી પાછો એ વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો. એક  મન જાણે અહીંથી ભાગી જઈ સ્વજનો પાસે પહોંચી જવા આતુર હતું તો બીજું મન સોનેરી ભવિષ્યનાં સ્વપ્નનો વિચાર કરતું હતું. એ કંઈ નક્કી કરી શકતો ન હતો. ત્યાં જ એનાં મનમાં વિચાર આવ્યો ‘ હું ઘરથી અને મંદિરથી દૂર છું, પણ ભગવાન તો બધે જ હોય છે તો શું અહીં મને ભગવાનનાં દર્શન ન થઇ શકે.’ એની નજર આકાશ તરફ ગઈ. અવનવા આકારો રચતાં વાદળોને જોવામાં એ ખોવાઈ ગયો. એ વિચારી રહ્યો કે ‘ આવાં જ કોઈ આકારોમાં ભગવાનની પ્રતિમાનો આકાર રચાઈ જાય તો અહીં બેઠાં બેઠાં પણ દર્શન થઇ જાય.’ ત્યાં જ કોઈક અજાણ હાથે એને બાંકડા પરથી ખેંચીને દૂર કરી દીધો ને કહ્યું ” માફ કરજે, તારી પાછળ રહેલું તોતિંગ ઝાડ તારા પર પડી રહ્યું હતું તેથી મારે તને ખેંચવો પડ્યો “. ગૌતમ કંઈ સમજે તે પહેલાં તો એ ઝાડ બાંકડા નો કચ્ચરઘાણ કરતું મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઇ ગયું.” ગૌતમ એ ભાઈનો આભાર માને તે પહેલાં તો એ ભાઈ આંખોથી ઓઝલ થઇ ગયાં . ઉપર આકાશ તરફ નજર કરતાં ગૌતમ જોરથી બોલી ઉઠ્યો ” ભગવાન ! પ્રત્યક્ષ દર્શન આપવાં બદલ લાખ લાખ આભાર.” ત્યાં જ એનાં મોબાઈલની ઘંટડી રણકી. ઘરેથી મમ્મીનાં ફોનનો નંબર હતો. એનાં મનમાં વિચાર આવ્યો ‘અત્યારે તો ત્યાં રાતનાં ચાર વાગ્યાં હશે. સવારે જ તો વાત થઇ ગઈ છે તો પાછો અત્યારે ફોન કેમ આવ્યો હશે ‘? કંઈ અમંગળ કલ્પના તેનાં મનમાં આવી ગઈ. ધ્રૂજતા હાથે તેણે ફોન ઉઠાવ્યો.
સામેથી વ્યાકુળ અવાજે મમ્મીએ પૂછ્યું “બેટા, બધું બરાબર છે ને? રાતના ઊંઘમાં અચાનક જ લાગ્યું કે તું બેચેન છે એટલે તને ફોન કર્યો.” ગૌતમે હસીને કહ્યું ” તારા જેવી દેવીનાં આશીર્વાદ જેનાં મસ્તક પર હોય તેને શું થાય? હું એકદમ સરસ છું. તું શાંતિથી સૂઈ જા . સવારે વાત કરીશું.”  
          બગીચેથી પાછાં ફરતાં ગૌતમ વિચારી રહ્યો હતો ‘ હું  કયાં દૂર આવ્યો છું ? બધા જ  તો  મારી  સાથે છે. અંતર વધ્યા પછી તો હું બધાથી વધુ નજીક થયો છું.’ ને ફરી એક વાર ભગવાનને યાદ કરતાં એ ઘરે આવીને ઘસઘસાટ ઊંઘી ગયો.
                                                         રોહિત કાપડિયા

શ્રાવણ  ના તહેવારો

ભારત  ઉત્સવોનો  દેશ  છે ‘ ‘ઉત્સવ‘   શબ્દ  સંસ્કૃત માંથી  પરિવર્તિત  થયેલો છેઉત‘  શબ્દનો  અર્થ છે દ્દુર  કરનાર   ,અને સવ  એટલે  સોર્રોદુખો  ને દુર  કરનાર  નિરાશાને   દુર કરનાર   અને આનંદ  નો  અનુભવ   કરનાર  તેજ   ઉત્સવ,

ભારત માં  આવા  અનેક  ઉત્સવો  આવતા    રહે  છે, ભાદરવા  વદ અમાસ   ને  ‘દિવાસો‘  કહેવામાં  આવે  છે,    દિવસ  પછી    લગભગ  બધા ઉત્સવો  શરુ  થાય  છે  એટલે  દિવાસા  ને  બધા  તહેવારો  નો પિતા  માનવામાં  આવે  છે  ‘ દિવાસો‘   પછી  શ્રાવણ  માસ  શરુ   થતાં  તહેવારો  શરુ  થાય  છે  જેમકે   નાગપંચમી   રાંધણ  છઠ, શીતળા સાતમ  અને જન્માષ્ટમી

રાંધણ છઠ

શ્રાવણ   વદ  છઠ ને  રાંધણ છઠ  કહેવા માં આવે છે દિવસ શ્રાવણ માસની વદ સપ્તમી  ના આગળ ના દિવસે ઉજવવામાં આવે  છે ખરેખર કોઈ વ્રત નો દિવસ  નથી,  પરંતુ શીતળા સાતમ  માટેની વસ્તુઓ   બનાવવાનો  દિવસ છે દિવસે બહેનો  ઘણી  બધી ખાવાની વાનગીઓ  બનાવેછે મોટે ભાગે   બહેનો ચોવીસ  કલાક  સુધી   બગડે  તેવી વસ્તુઓ  બનાવે છે   રાત્રે   રસોઈ  બનાવ્યા પછી અગ્નિ દેવતા ની કુમકુમ   ચોખા થી પૂજા અર્ચન કરી  દીપ પ્રગટાવી પોતાના  પરિવાર  તથા બાળકો ના રક્ષણ    માટે પ્રાર્થના કરે છે વ્રત ધારીઓ રાંધણ છઠ ના  દિવસે  જે બનાવ્યું  હોઈ  તેજ જમે છે

શીતળા   સાતમ    

શ્રાવણ વદ  સાતમ  ને દિવસે મનાવવામાં આવે છે   શીતળા દેવી ના નામ પરથી જાણીતો   તહેવાર  છે શીતળા  માતા ગધેડા  પર  સવાર  હોય  છે। એક હાથ  માં  સાવરણી   અને  બીજા હાથ માં  કળશ  હોય  છે।  નાના  બાળકોના સ્વાસ્થ્ય  માટેની  આ  પૂજા  છે। દરેક  પરણેલી  સ્ત્રીઓ  પોતાના  બાળકોને   શીતળા ના રોગ થી  બચાવવા  આ પૂજા વ્રત  કરે છે। ઠંડા  પાણીથી  સ્નાન  કર્યા  પછી જ  પૂજા કરવામાં  આવેછે। શીતળા  માતા ની  મૂર્તિ  નદી કિનારે અથવા  મંદિર  માં મુકવામાં  આવે  છે તેમને પાણી  અને દૂધ  થી સ્નાન  કરાવવામા  આવે  છે। કુમકુમ   ચોખા  અબીલ ગુલાલ હલ્દી  થી પૂજા  કરવામાં આવે  છે। રૂ  નું વસ્ત્ર  પહેરાવવામા  આવે  છે। પછી પ્રસાદમાં  બાજરાની કુલેર  [બાજરીનો  લોટ   અને ઘી  નો પ્રસાદ   ધરાવાય  છે  શ્રીફળ  વધેરવામાં  આવે છે।  અને  ખોળો પાથરી  માતાને   વિનંતી   કરી    પ્રાર્થના   કરવામાં  આવે  છે  .આવી  માન્યતા  છે  કે શીતળા  માતા  ના  આશીર્વાદ  થી  બાળકો  અને મોટાઓનું  આ  પૂજા થી  રક્ષણ  થાય  છે

જનમાષ્ટમી

જનમાષ્ટમી  એ  સૌથી મોટો  અને  અનેરો  તહેવાર છે। તેને  ગોકુલાષ્ટમી   કૃષ્ણ જયંતી  પણ કહેવામાં  આવે છે   આ  તહેવાર  શ્રીકૃષ્ણ ભગવાન ના  જન્મ  સાથે  જોડાયેલો  છે  શ્રીકૃષ્ણ  ભગવાન નો જન્મ  શ્રાવણ વદ  આઠમ  રાત્રે  બાર વાગે થયો  હોવાનું  માનવામાં   આવે છે  તેથી તેને  જનમાષ્ટમી કે  કૃષ્ણ જયંતી  કહેવાય  છે   અને  આ દિવસે  ગોકુલ માં નંદબાવા  ને ત્યાં  જન્મ  મહોત્સવ ઉલ્લાસપૂર્વક   ઉજવાયો  હતો  તેથી ગોકુલાષ્ટમી   પણ કહેવામાં  આવે છે

,જનમાષ્ટમી  ના દિવસે   દરેક મંદિરો માં  સવાર  થી જ કૃષ્ણ  જન્મ ની  તૈયારી ના ભાગ રૂપે  ચહલ પહલ  થતી જોવા  મળે છે   જાત જાત ના  સુશોભન થી  મંદિરો ના દ્વાર  અરે  સંપૂર્ણ  મંદિર  શણગારવામાં  આવે છે   ફૂલો  આસોપાલવ ના તોરણો થી  વાતાવરણ  નવપલ્લવિત   થઇ જાય છે  દરેક મૂર્તિ ઓ  ને સુંદર પોશાક  આભૂષણો થી  નવાજિત  કરવામાં  આવે છે   જાણે સક્ષાત   શ્રીકૃષ્ણ  ભગવાન  સદેહે  હાજર  ન  હોય   ભજન કીર્તન  શંખનાદ  ના રણકાર  સતત  ચાલતા  જ હોય છે    લાલા  ને  ખુબ જ પ્રિય   માખણ મીસરી  અને  પંચાજીરી  ના  ભોગ  પ્રસાદ  માં  રાખવામાં  આવે છે   લાલા ને  ઝુલાવવા  માટે  પારણું  અત્યંત  સુશોભિત  કરી ને રખાય  છે  એની  ચારે  બાજુ  હાથી ઘોડા  અન્ય  રમકડાઓ  પણ વ્યવસ્થિત  રીતે  ગોઠવાયેલા હોય છે  જેને  જોઈ ને  લાલો  ખુબ જ હરખાઈ   જાય  

પારણા  ઉપર ઘંટડી ઓ પણ  બાંધવામાં  આવી હોય છે જેનો રણકાર  જાણે કહેતો હોય ” આવો  રણકાર  બીજે  ક્યાંય  નથી સંભાળ્યો   આ તો મારા કાના નો સ્મિત  નો રણકાર  ”  વહાલા  કાના ને ઝુલાવવા  રેશમ ની દોરી  પણ  બાંધેલી હોય છે  લાલા  ના આગમન  ની સંપૂર્ણ  તૈયારી ઓ સાથે  મીઠી મીઠી  સુવાસ પ્રસરી રહી હોય છે  વાતાવરણ  આહલાદક  બની રહ્યું  હોય છે અને  બરાબર  રાત ના બાર વાગે ”  નંદ  ઘેર  આનંદ  ભયો  જય  કનૈયા  લાલ કી   હાથી  ઘોડા  પાલખી ”   ના જયઘોષ સાથે  લાલા ની આગમન  થાય  છે  ભક્તો પોતાના  વહાલા  લાલા ને નીરખવા  આતુર  બની જાય છે  અને હર્ષાશ્રુ સાથે તાલી ઓ ના  નાદે લાલા ના દર્શન કરી પોતાની  જાત ને ધન્ય માને છે

ભક્તો ની વિશાળ મેદની  હોવા છતાં શિસ્ત બધ્ધ    રહી લાલા ના પારણા  પાસે  જઈ  તેના  ઓવારણા  લઇ  પારણું  ઝુલાવી   જન્મોજન્મ કાના નો સાથ સંગાથ રહે તેવી  કામના  વ્યક્ત  કરે છે  પછીથી  પંચાજીરી અને માખણ મીસરી  નો પ્રસાદ  લઇ  લાલો  હમેશા  પોતાની સાથે જ છે  એ ભાવ લઇ ઘર તરફ  પ્રયાણ  કરે છે   કેટલાક ભક્તો ઘર માં પણ આ જ રીતે  કૃષ્ણ  જન્મ ની ઉજવણી  કરે છે

જન્માષ્ટમી  ના બીજા દિવસે નંદોત્સવ મનાવવા માં  આવે છે  આને  હાંડી  ઉત્સવ  દહીં  ઉત્સવ અથવા  ગોવિંદા  આલા  ઉત્સવ કહેવામાં  આવે છે  અને આ  વખતે માનવ સ્તંભ  બનાવવામાં  આવે છે  

છેવટે  એક ગોવિંદો   ખુબ જ  ઉચે    માખણ   મીસરી  વગેરેથી  ભરેલી   ;દહીં’ હાંડી   મટુકી ને  દાંડિયા થી ફોડે  છે  બધા  ખેલૈયાઓ ‘ગોવિંદા  આલારે  આલા ‘ની  ચિચિયારી   સાથે મટુકીમાં નો  પ્રસાદ  તથા  મટુકી નાં   ઠીકરાં  નો  પ્રસાદ   પોતે    આરોગે  છે  તથા સર્વ  ભેળાં  થયેલ ભાવિક  ભક્તો  ને આરોગાવે  છે। અને કુમકુમ  નાં  અમી  છાંટા  બધા  પર   વરસાવે  છે।

આ નંદોત્સવ    પાછળ  એક કથા જોડેલી  છે। કે  મથુરા ના  રાજા કંસ ની બહેન  દેવકી નાં  લગ્ન  વસુદેવ  સાથે કરવામા  આવે  છે। ત્યારે આકાશવાણી   થાય  છે। કે  આ  દેવકી  વસુદેવ  નો  આઠમો પુત્ર   તારો  કાળ  બનશે  આ   સાંભળી  લગ્ન  થી  ખુશ થયેલો   ભાઈ  કંસ    ભયભીત   થઈ  જાય  છે। અને  પોતાનાં  બહેન  બનેવી   દેવકી  વસુદેવ  ને કારાગૃહ   માં ધકેલી દે  છે। ચોકી  પહેરા   વચ્ચે રહેલ   આ  બન્નેના  છ   સંતાનો નો  નાશ  કરી  દે  છે  અને સાતમાં  સંતાન  નું  વસુદેવ  ની  બીજી  પત્ની  રોહિણી  ના  ગર્ભ  માં  પ્રત્યારોપણ   કરાય  છે।  જે ‘બલભદ્ર ‘ના  નામે  ગોકુલ  માં  ઉછરે  છે।  હવે  આઠમું  સંતાન  ક્રિષ્ણ ના  જન્મ   સમયે  આકાશવાણી  થાય  છે। કે આ બાળક  ને  વસુદેવ  ના  મિત્ર  નંદ  ને ત્યાં  મૂકી  આવવો।  અને  તેને  ત્યાં જન્મેલી  પુત્રી  યોગમાયા  ને    કારાગૃહ  માં    લઇ  આવવી। આ  વખતે ચમત્કારથી બેડી ઓ તૂટી જાય છે બધા  દ્વાર  આપોઆપ  ખુલી જાય છે , દ્વારપાળો  ગાઢ નિંદ્રા  માં સરી જાય છે  અંધારી રાતે વાસુદેવ  ટોપલા  માં શ્રીકૃષ્ણ ને  મૂકી  યમુના  નદી  પાર  કરી નંદ  ને ત્યાં  જવા  નીકળે  છે,  ટોપલા  ઉપર  બલરામ નાગ ની ફેણ  સ્વરૂપે વરસાદ થી  રક્ષણ  કરે છે અને  કૃષ્ણ ના અંગુઠા નો સ્પર્શ  યમુના મૈયા ને થતા  ગોકુલ જવાનો માર્ગ  સરળ  બનાવી આપે છે  ત્યાં પંહોચી  ઊંઘતા  જસોદા  માતા પાસે  લાલા  ને મૂકી ત્યાં થી પુત્રી  યોગમાયા  ને લઇ  વાસુદેવ  કારાગૃહ માં  યથા સ્થાને  પંહોચી જાય  છે.આપોઆપ   દ્વાર  બંધ થઇ જાય છે  પછી જ  દ્વારપાળો  બાળક ના રુદન નો આવાજ સાંભળી  ને  કંસ  ને  જાણ  કરે  છે,  કંસ  બાળકી ને જોઈ દ્વિધા  અનુભવે છે।, છેવટે  પત્થર  સાથે  અફાડે છે  ત્યાં તો જોગમાયા  માતાજી  રૂપ  લઇ આકાશ  માર્ગે  ચાલી નીકળે  છે અને  આકાશવાણી  થાય છે,  ” તારો  કાળ  આઠમો  પુત્ર  તો ગોકુલ માં જન્મી  ચુક્યો છે,

આ છે  જન્માષ્ટમી  ની  આધ્યાત્મિક  વાર્તા

બીજી બાજુ  બીજે દિવસે  નંદ રાજા  જશોદા  પાસે  પુત્ર  રત્ન  જોઈ  ભાવવિભોર  થઇ જાય છે ,બધા  ગોકુલ વાસી  ઓ ભેગા  મળી  નંદોત્સવ  ઉજવે છે  તેજ  આ  ઉત્સવ  

પાંચ  હઝાર  વર્ષો પહેલાની  આ સત્ય  હકીકત  ને સાકાર  કરવાનો ઉત્સવ  તે  જન્માષ્ટમી  

આ દિવસે  લગભગ  ભારત નો દરેક ભક્ત  આખો દિવસ  કૃષ્ણ  પૂજા  ધર્મ ધ્યાન  ભક્તિ  ભજન  કરે  છે  ઉપવાસ  રાખે છે અને રાત્રે  બાર વાગે  ભગવાન  ના દર્શન કરી  પોતાની જાત ને પ્રભુ સમક્ષ  પ્રભુમય  પામી ધન્યતા  અનુભવે છે , આ ઉત્સવ સમગ્ર  ભારત માં  એક યા  બીજી રીતે  ઉજવી ને   પાંચ હજાર  વર્ષ   પહેલા  ના કૃષ્ણ જન્મ  ની તાદ્રશ્ય  અનુભૂતિ  માણે છે

                                   કૃષ્ણ  કનૈયા  લાલ  કી  જય

જયા  ઉપાધ્યાય  

408945 1717

વાચક લખે છે ( ૧ ) વિજય શાહ

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે” 

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) 

 

પોટલી

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.-ડૉ ચિનુ મોદી

(ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી  ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…)

પ્રભુ સાથેનાં પાછલી ઘડીએ સંવાદ કરતા કવિ પહેલા શેરમાં કહે છે જીવન તો પળો ભરેલી પોટલી છે જે તેં દીધી છે તે પળોને જીવી રહ્યો છુ. ખુલાસો કરવો નથી કે તે પળો જે જીવાઇ ગઈ કે જીવાવાની છે તે સારી છે કે નરસી પણ હે પ્રભુ એક વાત સત્ય છે અને તે એ કે તે પળો પ્રભુ તેં મોકલી  છે

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. મૃત્યુ ગમે ત્યારે આવે માટે મોહ  નિંદ્રા અને રાગ દોષોનો  ત્યાગ એ સર્વ રીતે  યોગ્ય છે અને શક્ય તેટલો સમય ગમતા કાર્યોમાં ગાળવો કહી  સુંદર સંદેશ પોતાની જાતને આપતા લખે છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

આ જાગૃતિ છે અને પાછલી ઉંમરે આવી જાગૃતિ શાંત અને પીડા રહિત મૃત્યુ આણતું હોય છે તેવું સાધુ સંતોનું માનવુ છે પરંતુ તેમની વિચારધારા અહીં અટકતી નથી પોતાની જાતને વધુ સંબોધતા કહે છે આ સાંકડી ગલી છે જાતને સંકોચો..બીન જરુરી સર્વ છોડો.. જે સાથે નથી આવવાનું તે તો ખાસ જ છોડો કારણ કે તેને પકડી રાખવાથી છેલ્લી સફર કષ્ટ દાયક થવાની છે.. પળો ઓછી છે અને પેલો મોટા આવર્તન લેતો અને અમળાતો નાગ જેમ દરમાં દાખલથાય ને જેમ સીધો થૈ જાય તેમ હવે સીધા થઇ જાવ વાળી વાત બખુબી કહી જાય છે.

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

આ ઘડી “સ્વ”માં વસવાની છે અને “પર”થી  ખસવાની છે આ જ્ઞાન પાછલી ઉંમરે ઘણા લોકોને આવતુ નથી.. અને તેથી જ કદાચ લક્ષ ચોર્યાસીનાં ફેરા ફરતા રહે છે.વળી આવાત સમજાવવા તે સાંકડી શેરીનું ઉદાહરણ આપે છે..કે જેમાં જે યોગ્ય છે તે જ રહે છે.. મિથ્યા માન અભિમાન ને તો કોઇ સ્થાન જ નથી. તેમની વિચારધારા હજી આગળ ચાલે છે.  પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે.

પ્રભુ! તમે ઘણા દુર છો અને મારી ક્ષમતા ઓછી સમય ઓછો અને કદાચ ફરી લક્ષ ચોર્યાસીનાં ફેરામાં હું પડી જાઉં તો ? આ પ્રશ્નનો જવાબ એટલે  આગલા બે શેરો

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે.

ખબર નથી શ્વાસોની વંશાવલી કેટલી લાંબી છે.. શક્ય છે કે તે ઘણી લાંબી પણ હોય. એક માત્ર ઉપાય છે અને તે સમયનું સ્મરણ કારણ કે સમય જ બાહુબલી છે. અત્રે પ્રભુ શબ્દનો ઉપયોગ ન કરતા સમયનું નામ દઇ કવીએ પોતે આસ્તિક કે નબળો છે તેમ છતુ ન થવા દીધું. આમેય નાટ્યકાર છે. અને પોતાના અંતિમ સમયનું નાટ્ય દ્રશ્ય એ છે કે અજાણી જગ્યાએ મૃત્યુ પામે અને પોલીસ વિચારે કે આ ઇર્શાદ કોણ છે તો તેના પ્રત્યુત્તરમા લખે છે મારું ખીસુ તપાસો તેમાં તેનો જવાબ છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.

આ સુંદર ગઝલ એમના મોં એ સાંભળવાની મઝા અનેરી છે અને તે યાદ કરતા ફરી થી હું એજ ઉત્તેજના અનુભવુ છુ જ્યારે ગુરુ શિષ્યને મૃત્યુ જેવા ભારેખમ અને અઘરા વિષયને સાવ સહજ અને સરળ રીતે શીખવે. તેઓ કહેતા કે “મૃત્યુ” એ ઘટના છે જે ક્ષણમાં ઘટે છે અને તેને માટે આયુષ્યનાં પાછલા વર્ષોમાં ભયભીત રહેવું અજ્ઞાન છે.. જેમ જન્મ તમારા હાથમાં નથી તેમ જ મૃત્યુ પણ તમારા હાથમાં નથી. જે તમારા હાથમાં છે તે કરો.. સંકોચાઓ..જે સાથે નથી આવવાનું તેનો મોહ છોડો.

કહેવું સરળ છે પણ લોકોમાં જે મૃત્યુનો ભય વ્યાપ્ત છે તે સૌને સમજાવતા કવિ કહે છે સમયનું શરણ લેવું એ એક માત્ર વહેવારિક ઉપાય છે કારણ કે તે એક બાહુ બલી છે.

મેં કવીને પુછ્યુ સમય છેલ્લી ક્ષણે જો તમને નવો જન્મ ક્યાં લેવો તે પુછે તો આપનો પ્રત્યુત્તર શો હોય? જવાબ ખુબ ઉઘડેલો અને સુચારુ હતો. હું તો બીજે ભવ પણ ચિનુ મોદી જ થઇશ. જરા વિચારો આ કવી કેટલી ભરી ભરી જિંદગી જીવ્યા હશે? ના અમિરી ના મોટી મહેલાતો પણ જે જીવન જીવ્યા તેનો ભરપૂર આનંદ.. અને એજ જીવન શ્રેષ્ઠ છે તેવો અનુભવ સભર આગ્રહ….આ જવાબ તેમને ઘણા અસંતોષી અને જિંદગી સાથે ફરિયાદો કરતા નકારાત્મક માનવીઓનાં ટૉળાથી જુદા પાડી દે છે.

આમેય હકારાત્મક જીવન જીવતા સૌ વયસ્કોને જોઇને હંમેશા આદરથી મસ્તક ઝુકી જતુ હોય છે પણ ડૉ ચીનુ મોદીનો જવાબ તો સંતોષની પારાકાષ્ટા હતી. અને  આ ગઝલ

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

તે તેમના શીક્ષણાની પારાકાષ્ટા.

મૃત્યુની આજ પ્રકારની તેમની વાત તેમના ખંડ્કાવ્ય વિ-નાયક્નાં અંતિમ ષટક માં લખ્યુ છે.

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

ફરીથી ધ્યાન થી જોશો તો બાહુબલી “સમય”-” ક્ષણપતિ” તરીકે ઉભર્યો છે

આ મહિનાનો “બેઠક”નો વિષય છે.

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે” 

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) 

 શ્રેઠ આસ્વાદ ના  લખાણ માટે નું ઇનામ મહિનાના અંતમાં  બેઠકમાં  જાહેર થશે  ઓછામાં ઓછા 800 થી હજાર શબ્દો હોવા જરૂરી છે. એમની રચનાઓ આપને અહી મળશે    http://layastaro.com/?cat=128 નહીતો ગુગલ ગુરુ ને પુછશો. 

       આજે વિખ્યાત કવિ શ્રી ચિનુભાઈ મોદી “ઈર્શાદ” ની એક સરસ રચના મમળાવીએ….

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?

ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’