ભગવાન …રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
   કુશળ હશો. આ સાથે વિદેશમાં સ્થાયી થનારની મનોદશા દર્શાવતી એક વાર્તા મોકલું છું.યોગ્ય લાગે તો સ્વીકારશોજી.
                              

                           ભગવાન
                         ————-
      કોમ્પ્યુટરમાં સ્નાતકની પદવી મેળવ્યાં બાદ વધુ અભ્યાસાર્થે ગૌતમ અમેરિકા આવ્યો હતો.  ભણીને  ભારત પાછા ફરવાનો પાકો નિર્ધાર હતો. ખેર! માસ્ટરની પદવી મેળવ્યા બાદ ઊંચા પગારની નોકરીની ઓફર મળતાં એણે પોતાનો નિર્ધાર થોડો આગળ ઠેલવ્યો . અમેરિકાના  એશો આરામ અને સુખ સગવડ એને ગમવા લાગ્યાં . જો કે સાંજના કામ પરથી ઘરે પાછાં આવ્યાં પછી ઘણીવાર એને એકલતા સતાવતી. મમ્મી ,પપ્પા ,ભાઈ, બહેન ,સ્વજનો અને દોસ્તોની યાદ એને ઉદાસ બનાવી દેતી. આધુનિક વિજ્ઞાનના કારણે લેપટોપ પર રોજ વાતો થઇ જતી. આજે એનો જન્મદિન હતો. સવારે જ મમ્મીએ પ્રેમ નીતરતાં અવાજે આશીર્વાદ આપ્યા હતાં .પપ્પાએ દર્દ છુપાવીને મક્કમ અવાજે વધાઈ આપી હતી. ભાઈએ દૂર હોવાના અફસોસ ને દિલમાં જ રાખી  ખેલદિલીપૂર્વક શુભેછા વ્યક્ત કરી. બહેને મસ્તી ભર્યા પણ ગળગળા અવાજે એનો  પ્રેમ જતાવ્યો. તો પણ સ્પર્શના અહેસાસ વગર બધું અધૂરું  લાગતું હતું. દોસ્તોના વોટ્સ અપ પર સંદેશાઓ પણ આવી ગયા હતાં . આજે  એ ઘરે હોત તો  સવારના  ઉઠીને દેરાસર પૂજા  કરવા  ગયો  હોત. અહીં તો ત્રણ કલાક  ડ્રાઈવ કરીને જવું પડે તો ભગવાનના દર્શન થાય. સાંજની ગમગીની ઘેરી  ન વળે તે માટે એ ઘરની બાજુનાં બગીચામાં લટાર મારવા નીકળ્યો.
       બગીચાની ઠંડક પણ એનાં મનને પ્રસન્નતાનો અહેસાસ ન કરાવી શકી . એ કંટાળીને ઝાડની નીચેનાં એક બાંકડા પર બેસી ગયો. ફરી પાછો એ વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો. એક  મન જાણે અહીંથી ભાગી જઈ સ્વજનો પાસે પહોંચી જવા આતુર હતું તો બીજું મન સોનેરી ભવિષ્યનાં સ્વપ્નનો વિચાર કરતું હતું. એ કંઈ નક્કી કરી શકતો ન હતો. ત્યાં જ એનાં મનમાં વિચાર આવ્યો ‘ હું ઘરથી અને મંદિરથી દૂર છું, પણ ભગવાન તો બધે જ હોય છે તો શું અહીં મને ભગવાનનાં દર્શન ન થઇ શકે.’ એની નજર આકાશ તરફ ગઈ. અવનવા આકારો રચતાં વાદળોને જોવામાં એ ખોવાઈ ગયો. એ વિચારી રહ્યો કે ‘ આવાં જ કોઈ આકારોમાં ભગવાનની પ્રતિમાનો આકાર રચાઈ જાય તો અહીં બેઠાં બેઠાં પણ દર્શન થઇ જાય.’ ત્યાં જ કોઈક અજાણ હાથે એને બાંકડા પરથી ખેંચીને દૂર કરી દીધો ને કહ્યું ” માફ કરજે, તારી પાછળ રહેલું તોતિંગ ઝાડ તારા પર પડી રહ્યું હતું તેથી મારે તને ખેંચવો પડ્યો “. ગૌતમ કંઈ સમજે તે પહેલાં તો એ ઝાડ બાંકડા નો કચ્ચરઘાણ કરતું મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઇ ગયું.” ગૌતમ એ ભાઈનો આભાર માને તે પહેલાં તો એ ભાઈ આંખોથી ઓઝલ થઇ ગયાં . ઉપર આકાશ તરફ નજર કરતાં ગૌતમ જોરથી બોલી ઉઠ્યો ” ભગવાન ! પ્રત્યક્ષ દર્શન આપવાં બદલ લાખ લાખ આભાર.” ત્યાં જ એનાં મોબાઈલની ઘંટડી રણકી. ઘરેથી મમ્મીનાં ફોનનો નંબર હતો. એનાં મનમાં વિચાર આવ્યો ‘અત્યારે તો ત્યાં રાતનાં ચાર વાગ્યાં હશે. સવારે જ તો વાત થઇ ગઈ છે તો પાછો અત્યારે ફોન કેમ આવ્યો હશે ‘? કંઈ અમંગળ કલ્પના તેનાં મનમાં આવી ગઈ. ધ્રૂજતા હાથે તેણે ફોન ઉઠાવ્યો.
સામેથી વ્યાકુળ અવાજે મમ્મીએ પૂછ્યું “બેટા, બધું બરાબર છે ને? રાતના ઊંઘમાં અચાનક જ લાગ્યું કે તું બેચેન છે એટલે તને ફોન કર્યો.” ગૌતમે હસીને કહ્યું ” તારા જેવી દેવીનાં આશીર્વાદ જેનાં મસ્તક પર હોય તેને શું થાય? હું એકદમ સરસ છું. તું શાંતિથી સૂઈ જા . સવારે વાત કરીશું.”  
          બગીચેથી પાછાં ફરતાં ગૌતમ વિચારી રહ્યો હતો ‘ હું  કયાં દૂર આવ્યો છું ? બધા જ  તો  મારી  સાથે છે. અંતર વધ્યા પછી તો હું બધાથી વધુ નજીક થયો છું.’ ને ફરી એક વાર ભગવાનને યાદ કરતાં એ ઘરે આવીને ઘસઘસાટ ઊંઘી ગયો.
                                                         રોહિત કાપડિયા

5 thoughts on “ભગવાન …રોહિત કાપડિયા

  1. અમેરિકા અભ્યાસ અર્થે આવતા યુવકો જેવા જાણીતા વિષયને લઈને તદ્દન નવા પ્રકારની વાર્તા વણી છે. વાંચીને એક્વાર તો વિચાર કરતા કરી દે છે. બહુ સરસ. અભિનંદન.

    Like

  2. ધરતીના કોઇપણ છેડે જાવ તો પણ ઇશ્વર તો સાથે જ છે એવી શ્રદ્ધા મનમાં હોય તો સાચે જ એનો સાક્ષાત્કાર થયા વગર નથી રહેતો.
    ખુબ સરસ વાત.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.