મને પહેલી રાખડી બાંધ-તરુલતા મહેતા

Brother

મિત્રો,

 શ્રાવણ માસની શ્રાવણી પૂનમ આપણે  ‘રક્ષાબંધન’ ઉજવીએ છીએ. ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરતો તહેવાર છે.મારો પ્રિય તહેવાર છે. નાનપણમાં એમ થતું કે બહેન તરીકે મારુ   મહત્વ વધી ગયું।’મને પહેલી રાખડી બાંધ’ એમ કહેતા ચારે ભાઈઓ રાહ જોતા.રાખડી બાંધવાની,પેંડો ખવડાવવાનો અને ખાવાનો. રૂપિયો મળે તે લઈ દોડાદોડી કરવાની.રક્ષાકવચ,રક્ષણની ભાવના એવો અર્થ સમજાયો ત્યારે ટપાલમાં મોકલાતી રાખડી અમૂલ્ય લાગી. વેલેન્ટાઈન ડે ,મધર્સ ડે ફાધર્સ ડે –સૌ દિલખોલીને ઉજવવાના તહેવાર છે.પ્રેમનો અહેસાસ,તેનો સ્વીકાર અને અભિવ્યક્તિ જીવનનો ઉત્સવ છે.

પ્રેમ અને પાણી આપણા જીવનના ધારક તત્વો વિવિધ રૂપે ,રંગે,આકારે ,નામે -અનામે અનંત સમયથી સ્થળમાં અને વ્યક્તિમાં વહેતા રહે છે.પાણી ઉછળતું કે વહેતું ન દેખાય પણ જમીનના સાત પડોની અંદર હોય છે.ઉડું ખોદાય ત્યારે મીઠું જલ નીકળે,પ્રેમ -માતૃપ્રેમ ,પિતૃપ્રેમ ,સંતાનપ્રેમ,પતિપત્ની ,મિત્રપ્રેમ  દાદી દાદાનોપ્રેમ,પ્રકુતિ અને પશુપંખી પ્રત્યેનો પ્રેમ —બસ જ્યાં નજર કરો ત્યાં પ્રેમ.જેને પ્રેમ કરીએ તેનુ રક્ષણ કરવાનો ભાવ હોય છે.જેમકે અસુરોથી રક્ષણ કરવા ઇન્દ્ગાણીએ રાખડી તેયાર કરી હતી,જે દેવોના ગુરુએ ઇન્દ્રને બાંધી હતી.કુંતામાતાએ અભિમન્યુને યુધ્ધમાં જતી વખતે બાંધી હતી.યમુનાએ પોતાના ભાઈ યમને બાંધી હતી.એ સૌમાં ભાઈ-બહેનના પ્રેમની વાત નિરાલી છે.ભાઈ-બહેન બાળપણમાં સાથે રમે,જમે લડે ત્યારે  એમની વચ્ચે આત્મીયતાની એવી રેશમી દોરીનો અતૂટ સબંધ વિકસે છે,જે જીવનભર આનંદ,ઉત્સાહ અને બળ આપે છે. ક્યારેક બહારથી લાપરવાહ, લાગતા ભાઈનું  હદય અંદરથી નરમ માખણ જેવું હોય છે.ભાઈ -બહેન પરસ્પરની રક્ષા સહજ ,નિર્વાજ્ય ભાવથી કરે છે. ‘પ્રેમનો સેતુ ‘ એવી એક વાર્તા છે.

     ‘ પ્રેમનો સેતુ ‘   તરુલતા મહેતા

  1980ની  સાલમાં    અમેરિકાની ધરતી પર પગ  મૂક્યા પછી જોબ શરૂ કરી ત્યારે અમીને સમજાયું કે વીકેન્ડમાં રજા  હોય તેથી  તહેવાર ઉજવાય.કામના દિવસો -સોમથી શુક્ર અમેરીકન સમય અને કેલેન્ડરમાં જીવાતા હતા.  ભારતીય કેલેન્ડરમાં પૂનમની તીથિ પ્રમાણે શુક્રવારે ‘રક્ષાબંધન હતી,પણ તે દિવસે તેને સાંજે આઠ સુધી કામ કરવું પડે તેમ હતું.તેનો ભાઈ જોબ પૂરી થાય પછી બાલ્ટીમોરથી ડ્રાઈવ કરીને કોઈ હિસાબે હેરીસબર્ગ  આવી શકે નહિ,તેથી ફોનથી ભાઈ સાથે વાત થઈ ત્યારે અમીએ કહ્યું હતું ,’સમીર ,શનિવારે  નિરાંતે રહેવાય તેમ આવજે.’ નાની નિશા નારાજ થઈ ખાધા વિના બેસી રહી.એ મામાના દીકરા પીન્ટુ જોડે રમવા અધીરી થઈ હતી. અમીએ કહ્યું કે ,’હું ઈવાને તારી સાથે રમવા બોલાવીશ.’ નિશાનું બેબીસીટીગ કરતી ઈવા કોલેજમાં ભણતી હતી,પણ અમીને જરૂર પડે ત્યારે નિશાનું ધ્યાન રાખતી.હાલના સંજોગોમાં તેને તેના પતિ અમરની ખોટ સાલતી હતી.તેઓ ભારતથી અમેરિકામાં પરમેનન્ટ સેટલમેન્ટ માટે આવ્યાં હતાં,શરૂઆતના બે મહિના જોબ શોધવામાં નીકળી ગયા,ઘીરજ ખૂટી હતી.પાછું વતનમાં જતા રહેવાનું મન થતું હતું।તે વખતે એના ભાઈ સમીરે ટકી રહેવાની હિમત આપી હતી. છેવટે  બન્ને જણને જોબ મળી એટલે એપારટમેન્ટ રાખ્યું ,નિશાને સ્કૂલમાં દાખલ કરી.જરાક ‘હાશ’ થઈ,પણ તે ઝાઝી ટકી નહિ.વતનમાં અમરના પપ્પાને હાર્ટએટેક આવ્યો,અમરને દોડીને   જવું પડ્યુ,ઘરના બિઝનેસને સમેટવામાં સમય નીકળી જશે,એવું લાગતું હતું.અમર ફોનમાં આગ્રહપૂર્વક અમીને  કહેતો હતો કે તે પાછો અમેરિકા ન આવે ત્યાં સુધી તે  એના ભાઈ સમીરને ધેર જાય.સમીર શનિવારે એની મોટી વેન લઈ આવવાનો હતો,જેથી અમીની  બેગો ડીકીમાં મૂકી શકાય.વર્ષો પછી ભાઈને રાખડી બાંધવાનો પ્રસંગ હતો પણ અમી  દ્વિધામાં મૂકાઈ ગઈ હતી,એક તરફ અમરની વાત સાચી હતી કે તે કદી આપમેળે સ્વતંત્ર એકલી રહી નથી,નિશાને સાચવવાની,નોકરી કરવાની તેમાં અમેરિકાથી સાવ અજાણ એપાર્ટમેન્ટમાં એકલી શી રીતે રહેશે?

બીજી તરફ એ વિચારતી હતી નિશાની સ્કૂલ ,નોકરી ,એપાર્ટમેન્ટ બધું અધવચ્ચે છોડીને જતું કેમ રહેવાય?શું એનામાં હિમત નથી?તેને અમર પર ગુસ્સો આવ્યો,તેને કારણે તે અત્યારે ‘ઘરની યે નહિ ને ઘાટની પણ નહિ ‘ જેવી કફોડી હાલતમાં આવી હતી.તેને થયું સમીરને મારા મનની વાત કરું તો તે સમજશે।નાનપણમાં સમીર ધમાલિયો અને તોફાની હતો.શાંતિથી બેસી કોઈની વાત સાંભળતો નહિ.પણ હિમતવાળો હતો અને ધાર્યું કામ પાર પાડતો.વીસ વર્ષની વયે ‘સ્ટુડટ વીસા ‘લઈ અમેરિકા આવી ગયેલો.નીતા સાથે લગ્ન આપમેળે જ કરેલા.હાલ બન્ને જણા ફેડરલ ગવર્મેન્ટની જોબ કરતાં હતાં.સમીરના મોટા ‘હાઉસમાં’અમી માટે બેડરૂમ હતો.પણ અમીનું મન માનતું નથી.

શુક્રવારે રાત્રે અમી જોબ પરથી આવતી   હતી, ટ્રાફિક હતો તેથી તે  સાચવીને કાર ચલાવતી હતી,શુક્રવાર હતો એટલે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ પણ ક્યાંક પાર્ટીમાં જવા સૂમ સૂમ કરતા કાર ભગાડતા હતા.અમીને થતું હતું જાણે કોઈ હરીફાઈમાં તે સૌથી પાછળ રહી ગઈ હતી.  કદાચ સ્પીડ લીમીટ કરતાં ધીરી જતી હતી.એની પાછળની કોઈ કારે  હોર્ન માર્યું ,એટલે એ ચમકી ગઈ,એના માટે હેરીસબર્ગના રોડ   હજી નવા હતા. કાર ચલાવવાનું કઠિન લાગતું હતું. હજી મન  દેશના રસ્તા ,ટ્રાફિકની મધ્યે અટવાતું હતું.રોડ પર એને લાગ્યું કે કોઈ કાર તેને ફોલો કરે છે,તેણે તેની સ્ટ્રીટ પર વળાંક લીધો,પાછળની કારે પણ વળાંક લીધો,અદીઠ ભયથી હવે અમીની છાતીમાં  શ્વાસનું તોફાન ઉમટ્યું ,ગળામાં ચીસ  ઠરી ગઈ,અમરના શબ્દો પથ્થરની જેમ એના માથામાં વાગતા હતા ,’તારાથી એકલા નહિ રહેવાય —નહિ રહેવાય –‘થોડી વાર માટે એના ઘરનો નમ્બર ભૂલી ગઈ,ક્યાં આવી છે?તે ભૂલી ગઈ,ત્યાં એની કારની આજુબાજુ માણસોથી તે  ધેરાઈ ગઈ હોય તેવું લાગ્યું।એના એપારમેન્ટની બહાર અંદર બધે લાઈટો હતી ,નિશા ,ઇવા  તાળી પાડી હસતા હતા.એમની નજીક બીજું કોણ છે?સમીર અને નીતા ખડખડાટ હસતાં હતાં,પીન્ટુ ‘ફોઈ -આંટી ‘કહેતો દોડીને એને વળગી પડ્યો ત્યારે અમીનો ભયનો ફૂગ્ગો ફૂટી ગયો, પોતાની જાત પર હસી પડી,સમીરને ધબ્બો મારતા બોલી ,’તોફાની,બહેનને ડરાવી પાછો હસે છે.’ સમીર બોલ્યો ,’મારી વેન તેં ન ઓળખી.’ અમી કહે,’તું આટલો મોડો આજે આવીશ,તે મેં ધાર્યું નહોતું.’નીતા હસીને બોલી ,તમને સરપ્રાઈઝ આપવા જ સમીરે આજે રાત્રે આવવાનું ગોઠવ્યું।’અમીને  આનંદ થયો પણ ‘ભઇને શું જમાડીશ ?’તેની ચિંતા થઈ,આજે તેને સમય મળ્યો નહોતો,એણે સેન્ડવીચથી ચલાવ્યું હતું,અને નિશાને ને માટે મેક્રોનીચીઝ બનાવ્યાં હતાં,સમીરે બહેનની ટીખળી કરતા કહ્યું,’તું બરોબર અમેરિકન થઈ ગઈ.’ અમી મનોમન વિચારતી હતી,’હજી મારામાં આત્મવિશ્વાસ નથી કે હું  એકલી રહું’

અમીને મૂઝાતી જોઈ સમીરે કહ્યું ,’બધાં જલદી કારમાં બેસી જાવ,ઇન્ડીયન રેસ્ટોરાન્ટ ખૂલ્લું હશે.’

નીતા કહે ,’શુક્રવારે મારે કીચનની છુટ્ટી,ક્યાંક પાર્ટીમાં જવાનું હોય કે રેસ્ટોરન્ટમાં જમીએ.’

સમીરની વાતો ખૂટતી નથી,અમી તેને ઘેર આવશે તેથી તે વઘુ ખુશ હતો.અમી  સમીર કરતાં બે વર્ષે મોટી પણ કોલેજમાં સમીરની દાદાગીરી એટલી કે કોઈ છોકરાઓ અમી પાસે આવતા નહિ.દશ વર્ષ પછી ભાઈ-બહેન સાથે રહીશું એમ વિચારી અમીને આનંદ થતો હતો,પણ હાલના સંજોગોમાં હેરીસબર્ગનું બધું છોડી,હિમત હારી ભાઈને ત્યાં જવાનું એને મન નથી.

 ડીનર પતાવી તેઓ  ઘેર આવતાં  હતાં,છોકરાં કારમાં જ સૂઈ ગયાં,સમીરે અમીને પૂછ્યું :’તારા  એપાર્ટમેન્ટનું લીઝ ક્યાં સુધી છે?’

અમીને ગળામાં કઈક ખટકતું લાગ્યું।તે બોલી શકી નહિ,

સમીરે કહ્યું ,’ તું ચિંતા ન કરીશ,હું બધું જોઈ લઇશ.’

સમીરનો સેલ્ફકોન્ફિડન્સ જોઈ અમી અંદરથી ખળભળી ઊઠી.સમીર પ્રેમથી એને આજે  મદદ કરશે,પણ એમ કોઈની મદદથી અમેરિકામાં કાયમ ન રહેવાય.તેણે ઘેર જઈ સમીર સાથે વાત કરવાનું વિચાર્યું।

સમીરે સૂતા પહેલાં અમીને કહ્યું,’તું થાકી ગઈ છું કે પછી અમરને મીસ કરે છે?એકલીને ગમતું નહિ હોય મારે ઘેર શાંતિથી રહેજે.’

અમીને કહેવું છે કે મારે અહી જ રહેવું છે,મારે જોબ છે,નિશાને સ્કૂલ છે.મારામાં અને તારામાં સરખું લોહી ,સરખા જિન્સ છે, તારા જેવી હિમત મારામાં હશે, પત્ની,બહેન કે માતાનાં ચોખટા ઉપરાંતનું કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ મારી અંદર દટાઈને પડ્યું છે,જે મારે મારી જાતને ક્સીને,અગ્નિમાં તાવણી કરીને,પ્રગટ કરવાનું છે. હાલના સંજોગોમાં તું મને મદદ ન કરે તેમાં મારું હિત હશે, જે તને ,અમરને કે ખુદ મને ભાવનાને  કારણે દેખાતું નથી.અમી મોડી રાત સુધી મનોમન પોતાની જાત સાથે લડતી રહી.પડખાં ફેરવતી રહી,

અમી બિલ્લીપગે ઘરમાં આંટા માર્યા કરે છે.ન કળાય તેવી બેચેની -પીડાથી એનું શરીર અને મન પીડાય છે,એને યાદ આવ્યું નિશાના જન્મની આગલી રાત્રે પ્રસવની પીડાથી એ બેચેન હતી,કેમે કરી ઊઘ આવી નહોતી ,વહેલી સવારે અમર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો.નિશાના જન્મ પછી તેને પીડા ભોગવ્યાની સાર્થકતા લાગી હતી.નિશાના જન્મ સાથે તેનામાં માતાનો જન્મ થયો હતો.આજે અમી તેના પોતાના નવજન્મ માટે તડપતી હતી.

અમી બારી પાસેના સોફામાં ચાંદનીના શીળા તેજમાં પવનમાં હાલતાં વુક્ષોને જોઈ રહી,ડાળીઓ ઝૂલતી પરસ્પરને સ્પર્શી જતી હતી,પાંદડાની મર્મરથી દૂરદૂરના વુક્ષોને કોઈ ભેદી સંદેશ મળતો હતો.સમીર ચૂપચાપ અમીની પાસે બેઠો,

એણે હળવેથી અમીનો હાથ દબાવ્યો,સમીરના જમણા હાથમાં એણે બાંધેલી લાલ રાખડી ચાંદનીમાં ચમકતી હતી.અમીને થયું એમનાં હાથ વુક્ષોની ડાળીઓ છે.એક નીરવ,અદ્રશ્ય પ્રેમના  સેતુને તેઓ અનુભવી રહ્યાં છે.અમીને લાગ્યું એના મનની પીડા સમીર સમજી ગયો છે,

તરુલતા મહેતા

1 thought on “મને પહેલી રાખડી બાંધ-તરુલતા મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.