ઘર એટલે ઘર–(1)પી. કે. દાવડા

મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાત છે, રોટી, કપડા અને ઘર. કુદરતના પ્રતિકૂળ તત્વો, જેવા કે અતિશય ઠંડી, અતિશય ગરમી, વરસાદ વગેરેથી બચવા માટે મનુષ્યને એક સુરક્ષિત સ્થાનની જરૂર પડે છે. આદી માનવ ગુફાઓનો ઉપયોગ કરતા, પણ સંસ્કૃતિના વિકાસ સાથે નવા નવા સ્વરૂપના ઘર બનવા લાગ્યા. આજથી પચાસ વર્ષ પહેલા પણ ઉત્તર ધ્રૂવમાં એસ્કીમો બરફના ઈગલુમાં રહેતા, જો કે હવે તો ત્યાં પણ ઘર બંધાવા લાગ્યા છે.

ઘર શબ્દનો ઉપયોગ આપણે અનેક પરિપેક્ષમાં કરીએ છીએ. સામાન્ય રીતે, આપણે રહેવા માટે જે ઝુંપડું, ઓરડો, ફલેટ કે મકાન વાપરીએ છીએ એને ઘર કહીએ છીએ. ટપાલી જ્યાં આપણને પત્ર પહોંચાડી શકે એને ઘરનું સરનામું કહીએ છીએ. કેટલાક લોકો પત્નીનો ઉલ્લેખ મારી ઘરવાળી તરીકે કરે છે, એટલે જ્યાં પત્ની સાથે રહેતા હો એ તમારૂં ઘર. કેટલીક જ્ઞાતિમાં હજી પણ ઘર માંડવું નો અર્થ લગ્ન કરવા એવો થાય છે. ગુજરાતી લેક્ષીકોનમાં ઘરભંગ થવું નો અર્થ પત્નીનું મૃત્યુ થવું એવું આપેલું છે.

ઘરનું મહત્વ બાળકો ખૂબ નાના હોય ત્યારથી જ સમજાઈ જાય છે, અને એટલે જ ઘર ઘરની રમત નાના બાળકોની પ્રિય રમત હોય છે. ઘરની સાચી વ્યાખ્યા બાળકો વધારે સારી રીતે સમજી શકે છે. માત્ર ટોવેલ, ચાદર, છત્રી વગેરે લઈ એક ઝુપડું બનાવી લઈને બાળકો એને ઘર કહેતા નથી. એક જણ બાપુજી બને, એક છોકરી બા બને, એક છોકરો ડોકટર બને, આ બધી સંપૂર્ણ વ્યવસ્થાને એ ઘર ઘરની રમત કહે છે.

કેટલાક લોકો કહે છે કે જ્યાં કુટુંબ એક સાથે રહે, એ જગ્યાને ઘર કહેવાય. કુટુંબ તો કેટલીક વાર મુસાફરી દરમ્યાન ધરમશાળામાં, રીસોર્ટમાં કે હોટેલમાં એક સાથે રહે છે, પણ આપણે એને ઘર કહેતા નથી. ઘરની વ્યાખ્યા કરવી એ આપણે ધારીયે છીયે એટલું સહેલું નથી.

ચાર દિવાલો, છત, બારી-બારણાં એ માત્ર ઘરનું શરીર છે, એને ઘર કહેવા માટે એ શરીરમાં જીવ હોય, એમાં આત્મા હોય એ જરૂરી છે. આ જીવ અને આત્મા એમાં વસવાટ કરનારા મનુષ્યો છે. મનુષ્યો મેં એટલા માટે કહ્યું છે, કારણ કે આપણે ઘોડાને રહેવાના સ્થાનને તબેલો કહીએ છીયે અને ગાયોના રહેવાના સ્થાનને ગમાણ કે અન્ય પ્રાદેશિક શબ્દથી ઓળખીએ છીએ.

આપણી માલીકીનું એક વિશાળ મકાન હોય અને એમાં આપણી રોજીંદી જરૂરીઆતના બધા જ સાધનો હોય, પણ આપણે એમાં એકલા જ રહેતા હોઈયે, તો આપણે ભલે કહેવા ખાતર એને ઘર કહીયે, પણ આપણને એ ખરા અર્થમાં ઘર લાગતું નથી. ઘરમાં મા-બાપ હોય, ભાઈ-બહેન હોય, પત્ની હોય અને કિલ્લોલ કરતાં બાળકો હોય; જ્યાં એકલતાનો સદંતર અભાવ હોય, જ્યાં સતત સલામતીનો અહેસાસ હોય, એને ઘર કહેવાય.

આપણે નવા મકાનમાં રહેવા જઈયે ત્યારે બ્રાહ્મણને બોલાવી ગૃહશાંતિ માટે પૂજા કરાવીએ છીએ. આનો અર્થ એ થયો કે શાંતિ એ પણ ઘરનું એક અંગ છે. જે ઘરમાં કુટુંબના બધા સભ્યો વચ્ચે પ્રેમભાવ હોય, ઘરમાં સુખશાંતિ હોય, એ ઘરમાં સ્વર્ગની કલ્પના જેવું સુખ મળે છે. આમ ઘર એટલે માનો ખોળો, પિતાનો સ્નેહ, ભાઈ-બહેનની હૂંફ, પતિ-પત્નીનો સ્નેહ અને બાળકોનું ગુંજન.

ઘરને ઘર બનાવવા માટે કુટુંબના પ્રત્યેક સભ્યનો ફાળો અનિવાર્ય છે. હું જ્યારે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો ત્યારે અનેક વડિલોને મોઢે ફરિયાદ સાંભળેલી કે “અમે અમારૂં ઘર છોડી સંતાનોની છત નીચે રહેવા આવ્યા છીએ.” આ વાક્યમાં રહેલું દર્દ સમજી શકાય એવું છે. સમય જતાં મને સમજાયું કે સંતાનોના ધરને પોતાનું ઘર બનાવવા વડિલોનો ફાળો પણ જરૂરી છે. આપણે આબોહવા અનુસાર ઘરની બાંધણી કરીએ છીએ, ઋતુ અનુસાર કપડા પહેરીએ છીએ, તો અમેરિકાની સંસ્કૃતિને સમજીને એ અનુસાર સંતાનોને અનુકૂળ થઈને રહીયે તો અહીં પણ આપણું ઘર બની જાય. સંતાનો પણ ઇચ્છે છે, કે ઘરમાં વડિલોની પ્રેમાળ છત્રછાયા હોય, કુટુંબમાં પ્રેમ અને આનંદ હોય, બાળકોનો કલરવ હોય અને ઘરમાં બધા સંતુષ્ટ હોય.

ઘર એટલે શ્રધ્ધા, પ્રેમ અને શાંતિનો ત્રિવેણી સંગમ. આ સંગમથી વાસ્તુને તથાસ્તુ કહી શકાય.

Interior Decoration થી ઘરને સુંદર બનાવી શકાય, પણ સુખી ન બનાવી શકાય. ઘરને સુખી બનાવવા કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. ઘરમાં પ્રત્યેક જણનું માન જાળવવું જોઈએ, ખાવાપીવાની અને અન્ય બધી વસ્તુઓની ન્યાયપૂર્ણ વહેંચણી થવી જોઈએ, કોઈ એક સભ્ય પ્રત્યે પક્ષપાત કે કોઈ એક સભ્ય પ્રત્યે તિરસ્કાર ન હોવો જોઈએ, ઘરના બધા કામકાજમાં પ્રત્યેક સભ્યે યથાશક્તિ ફાળો આપવો જોઈએ, અને વડિલો માટે સન્માનની લાગણી હોવી જોઈએ. ઘરને ઘર કહેવડાવવા માટે પોતાના માણસની હુંફની અનુભૂતિ બહુ જ જરૂરી છે.

આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મકાનો ઊભા છે પણ ઘર ભાંગી પડ્યા છે. સંયુક્ત-કુટંબ પ્રથા શહેરોમાં તો નષ્ટ થઈ ચૂકી છે, લગ્નવિચ્છેદના બનાવો ઝડપથી વધવા લાગ્યા છે, અને સંતાનો નોકરી અંગે પરગામ કે પરદેશ રહેવા ચાલ્યા જાય છે. અમેરિકામાં કુટુંબની વ્યાખ્યા અલગ જ છે. મારી પત્નીના અવસાન બાદ મારા કુટુંબમાં હું એકલો જ. મારો દિકરો, મારી પુત્રવધુ અને મારી બે પૌત્રીઓ મળીને જે કુટુંબ થાય એ મારા દિકરાનું કુટુંબ. અહીં બાળકો પુખ્તવયના થાય અને કમાતા થાય એટલે એ તમારા કુટુંબમાંથી નીકળી જાય, અને પોતાનું કુટુંબ શરૂ કર. આ પધ્ધતિના ફાયદા નુકશાનની ચર્ચામાં હું અહીં નથી ઉતરતો.

આમ સ્થળકાળ પ્રમાણે ઘરની વ્યાખ્યા તો બદલતી જ રહેવાની. તો ઘરની ચોક્કસ વ્યાખ્યા કઈ? આખો દિવસ કામ કરી, થાક્યા પાક્યા જે સ્થળે જવાની ઈચ્છા થાય એ ઘર? જ્યાં તમારા આવવાની કોઈ રાહ જોતું હોય એ ઘર? જ્યાં પહોંચીને જીવને શાંતિ મળે એ ઘર? જે સ્થળે રહેતા પ્રત્યેક જણ પ્રત્યે આપણને પ્રેમની લાગણી થાય એ ઘર? જ્યાં નાનામાં નાનું કામ કરતાં પણ નાનપ ન લાગે એ ઘર? જ્યાં પરણી ને નવોઢા પગલાં પાડે એ ઘર?

ઘરની ગમે તે વ્યાખ્યા કરો, પણ ઘર એ ઘર.

-પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ઘર એટલે ઘર, પી. કે. દાવડા, સહિયારુંસર્જન and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to ઘર એટલે ઘર–(1)પી. કે. દાવડા

  1. Kalpana Raghu says:

    ખુબજ માહિતીસભર રસપ્રદ લેખ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s