તમે એવા ને એવા જ રહ્યા(16)કલ્પના રઘુ

માત્ર વર્તમાન ક્ષણ જ શાશ્વત છે બાકી બધુંજ બદલાયા કરે છે. કહેવાય છે પ્રાણ અને પ્રકૃતિ લાકડા ભેગુજ જાય છે, ક્યારેય બદલાય નહીં. કૂતરાંની પૂછડી વાંકીજ રહે, ક્યારેય સીધી થાય નહીં. ચંદ્રની કળામાં કે સૂરજદાદાની આવન જાવનમાં ક્યારેય ફેર જોવા મળે? તો માનવ પ્રકૃતિ તો ક્યાંથી બદલાય? ક્યારેક માનવ બદલવા પ્રયત્ન કરે છે તો તેનુ પરિણામ હાંસીપાત્ર આવે છે.

એક વખત હું અમેરીકાથી અમદાવાદ ગઇ. એરપોર્ટ પર ઉતરતાં, એક મિત્રની પૌત્રી જે પાંચ વર્ષની હતી. અમેરીકામાં જન્મેલી, ઉછરેલી હતી. તેણે ચોકલેટ ખાધી. અને રેપર નાખવાં ટ્રેશ શોધવા માંડી … થોડીવાર પછી અમદાવાદમાં જન્મેલા અને વર્ષોથી અમેરીકા સ્થાયી થયેલા તેના પપ્પાએ એનર્જીબાર ખાધો અને રેપર ડૂચો વાળીને ખૂણામાં ફેંકી દીધો. પાંચ વર્ષની બાળકી બોલી ઉઠી … પાપા, યુ ફરગોટ, ડસ્ટબીન ઇસ ધેર અને મને થયું આદતસે મજબુર …

ઘણાં દંપતિમાં એવું જોવા મળે છે કે બન્નેમાં ખૂબ પ્રેમ હોય, પરંતુ સ્વભાવમાં ખૂબ વિરોધાભાસ પણ હોય. આપણને એમ લાગે કે આ બે વ્યક્તિ એક સાથે કેવી રીતે રહી શકતી હશે? મારા જ એક મિત્રમાં આ પ્રમાણે છે, તો તેના દિકરાએ તેમના માટે ખૂબ સુંદર કહ્યું, વિરોધાભાસ છે માટે તમે બન્ને મળીને ૧૦૦% સંપૂર્ણ બનો છો, એકબીજાના પૂરક બનો છો. જે મમ્મીમાં છે તે પપ્પામાં નથી, અને પપ્પામાં છે તે મમ્મીમાં નથી. કેટલુ સુંદર હકારાત્મક વિશ્લેષણ, એક દિકરાનું, માતા-પિતા માટે! અને ત્યારથી મા-બાપે સ્વીકારી લીધુ. બન્ને એકબીજાને કહેતા, તમે જેવા છો એવા મને ગમો છો.

કોઇ વ્યક્તિ તેની લાક્ષણિકતા છોડી શકતી નથી. પછી સ્ત્રી હોય કે પુરુષ. ઘણાં યુગલોમાં પ્રેમ હોય પણ ઝગડા વારંવાર થતાં હોય. બન્નેમાં અમુક એવી વાતો હોય કે જે એકબીજાને ગમતી ના હોય. પરંતુ પ્રેમને કારણે તેઓ એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરતા હોય છે. બન્ને નક્કી કરે કે હવે હું મારામાં આ સુધારો કરીશ કે જે તને નથી ગમતુ. અને પરિણામ શું આવે ખબર છે? જીવનની અડધી મજલ કાપ્યા પછી બન્ને એકબીજાને કહે, ‘હવે તમે પહેલાં જેવા નથી રહ્યા.’ પણ ક્યાંથી રહે? બદલવાનાં પ્રયત્નો કર્યા હતા! અને પછી નક્કી કરે, હવે તને માપવાની મેઝર ટેપ હું ફગાવી દઇશ. તમે જેવા છો તેવા સારા છો અને મને ગમો છો.

એક પ્રેમી દંપતિની વાત છે … વર્તમાનને કિનારે વિતાવેલુ લગ્ન જીવન આંખ સામેથી પસાર થાય છે.ભૂતકાળ વર્તમાન બનીને પાછો ભૂતકાળ બને તે પહેલા શબ્દદેહે તેની માવજત કરીને તેને સાચવી રાખવા કોશીશ કરે છે. જીવન સંધ્યાને આરે, પ્રેમી યુગલ, પતિ-પત્ની જ્યારે કબરમાં પગ લટકાવીને બેઠા છે ત્યારે મીઠી યાદોમાં ડૂબી જાય છે. પતિ ખીસામાં સંતાડી રાખેલ મોગરાની વેણી, પત્નીનાં અંબોડે બાંધે છે … મોગરાની સોડમથી પત્નીનું હૈયુ તર થઇ જાય છે. મંદ વાયુની લહેરખી સાથે મોગરાની માદક મ્હેંક … પતિ કહે છે, હવે તો આ મોગરો અને તારા વાળનો રંગ એકદમ મેચ થાય છે. પત્નીથી બોલાઇ જાય છે, ‘શું તમે પણ? તમે એવા ને એવા જ રહ્યાં.’ શરમનાં શેરડા પત્નીના મોઢા પર જોયા પછી ભીની ભીની ભૂતકાળની યાદોમાં બન્ને ભીંજાય છે. પત્નીનુ આ ઉમરે પણ શરમાઇ જવું અને મારકણું સ્મિત જોઇને પતિ બોલી ઉઠે છે, ‘તુ પણ ક્યાં બદલાઇ છું પ્રિયે … ?’ અને પછી તો એકબીજાની સાક્ષીએ સંવાદ રચાય છે, કવિતા સ્વરૂપે …

પતિ પત્નીને કહે છેઃ

તમે કહો તો ઉઠું સજની, તમે કહો તો બેસુ,

ઉઠ-બેસનાં ચક્કરમાં ભવના ચક્કર કાપુ.

તમારા આંખના અફીણ પીને, જીવતર આખુ કાપ્યું,

ના સહેવાનુ સહન કરીને દિલડુ તમારૂ જીત્યુ.

તમે દિન કહો તો દિન, અને રાત કહો તો રાત,

બસ તમારી હા માં હા, હુ રહ્યો તમારો ગુલામ.

મારી ભોળી ભાર્યા મે વંઢેર્યો તારો ભાર,

દિલની રાણી તુજને બનાવી, જીત્યો જગ-સંસાર.

પત્ની જવાબ આપે છેઃ

એ શું બોલ્યા મારા સાજન?, જનમો, જનમનાં ભરથાર,

તમેજ મારો વડલો અને તમેજ મારી છાયા.

તન મનથી ચાહીને મેં પાયો તમારો વિશ્વાસ,

બન્નેની શક્તિથી મે દિપાવ્યો ઘર-સંસાર,

તમે પ્રેમ કરીને પરણ્યા, મેં, પરણીને કર્યો પ્રેમ …

આ પ્રેમના નાજુક ધાગે, બંધાઇ રહ્યાં હેમખેમ!

તડકો-છાંયડો, ઉતાર-ચઢાવ, અગ્નિ-પરીક્ષા આપી,

સંબંધોની જાળમાં ફરજો, આપણી નિભાવી.

દુઃખને હસતા સહન કરીને, સુખને નવાજ્યુ હમેશ,

ગુણ-અવગુણ એકબીજાના અપનાવી રહ્યા છેક.

લાગણીઓના ખેલ ખેલીને, જીન્દગી ભરપૂર માણી,

તમે એવાને એવા જ રહ્યા, હું પણ ના બદલાઇ.

બન્ને એક બીજાને કહે છે,

હવે આવો બન્ને ભેટીએ, કરીએ સૅલીબ્રેટ આજ

પત્નીઃ

કાલ કોણે જોઇ છે? આઇ લવ યુ મારા રાજ્જા

પતિઃ

કાલ કોણે જોઇ છે? આઇ લવ યુ મારી રાણી.

અને … પત્ની પતિના ખભે માથુ મૂકીને આંખો બંધ કરીને શાશ્વત સુખ માણી રહી. થોડી વારમાંજ પતિ કહે છે, ‘પ્રિયે, આજ મારો વારો છે મને તારા ખોળામાં માથુ મૂકીને સૂવા દે’, પત્ની કહે છે … શું તમે પણ … ? પતિ ખોળામાં માથુ મૂકીને આંખો બંધ કરે છે. પત્નીની ધ્રૂજતી આંગળીઓ પતિના ચહેરા પર અને આછા વાળમાં ફરી રહી છે …

કલ્પના રઘુ

1 thought on “તમે એવા ને એવા જ રહ્યા(16)કલ્પના રઘુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.