તમે એવા ને એવા રહ્યા (15) કુંતા શાહ

નિયમસર, બપોરે ચાર વાગે હું ઓફીસેથી ઘરે આવ્યો.  ચા પીતા, પીતા ચારુએ સમાચાર આપ્યા કે ન્યુ યોર્કથી પુત્ર પરાશરનો ફોન હતો. હવે એ વકિલાત છોડી, સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનું નક્કી કરી બેઠો છે.

યેલમાંથી ભણીને આવ્યાને એને હજુ બે વર્ષ થયા હતા.  તરત જ પાલો આલ્ટૉમાં એને મર્ચંટ લો ફર્મમા નોકરી મળી હતી અને એક જ વર્ષમાં એને પાર્ટ્નર બનાવવામાં આવ્યો હતો કારણ કે પરાશરે ટૂંક સમયમાં અનેક કેસીસ કુશળતાથી ઉકેલ્યા હતા અને ન્યાય વ્યાજબી મળવાથી ખૂબ નામના મેળવી હતી. વળી તેના ક્લાયંટોમાં ૨૦% વધારો થયો  હતો.

અચાનક આવો નિર્ણય? પરાશર આજે લંડન કામે ગયો હતો તેથી તેની જોડે હું વાત નહીં કરી શક્યો. મન રવાડે ચઢ્યું. ચારુ એટલી ભક્તિમય હતી કે એનો જીવ હંમેશા પ્રસન્ન જ રહેતો. એના આદ્યદેવ શંકર હંમેશા  લોક કલ્યાણ માટે જે કરે તે, જે થાય તે, એને કબુલ હતું.  એના ખોળાનો ખુંદનાર વોશિંગટન રહેવાસી બનશે એનો પણ એને ઉચાટ નહોતો.

મારે મનહર સ્વામિજી જોડે આત્મિય સંબંધ હતો એટલે એમની આગળ મન ઠાલવવાનું યોગ્ય લાગ્યું અને સાથોસાથ પરાશરને એના નિર્ણય વિષે શું કહેવું એ પણ પુછી જોવું હતું.  મનહર સ્વામિને ફોન કર્યો અને તરત જ એમને મળવા જવાનું નક્કી થયું.  એક ડબ્બામાં પોતે બનાવેલી કાજુ કતલી ભરી, સ્વામિજીને આપવા ચારુએ કહ્યું., કલાકમાં પાછો આવું છું એમ કહી હું સ્વામિજીને મળવા ગયો.

સ્વામિજીનો આશ્રમ પાસે જ હતો એટલે છ વાગે તો પહોંચી ગયો.  સ્વામિજીને પ્રણામ કરી, જમીન પર બેઠો.  સ્વામિજીએ તરત જ પુછ્યું “ચંપકભાઇ, તમારે ગમતા અનાનસ અને કાચી કેરીનું શરબત બનાવ્યું છે. સાથે થોડો નાસ્તો ચાલશે? બધુ ઠીક તો છે ને? ફોન પરના અવાજ પરથી જ મને લાગતુ હતુ કે કંઇક ચિંતામા ગ્રસ્ત છો.”

“સ્વામિજી, પરાશર હવે સીનેટની બેઠક માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરી બેઠો છે.  આજકાલ, દરેક રાજકારણમાં પડેલા વ્યક્તિ, દુષ્મનાવટ આવકારે છે.  એ સત્યવાદી હોય તો લાંચ આપનારા અને લેનારા દુશ્મન બને, અને સત્યવાદી ન હોય તો આમ જનતા, કુટુંબ અને ભગવાનનો પ્રકોપ આવકારે છે.  મને જાણે અત્યારથી જ પરાશરને ખોયો હોય એવું લાગે છે.”

‘ચંપકભાઇ, તમે તો જાણો જ છો કે છોકરું આઠેક વર્ષનું થાય પછી એનો સ્વભાવ, રુચી, અરુચી કે વલણ બદલવું એ જાણે અશક્ય જ છે.  કોઇ મોટો આઘાત, સારો કે ખરાબ પરિવર્તન લાવી શકે પણ અંદરખાને આપણે જે હતાં તે આજીવન રહીએ છીએ.  અને આ વાત ફક્ત એક વ્યક્તિ માટે નથી, દરજ્જા માટે પણ છે. અનાદી  કાળથી  ચાલતી આવતી આ વાત છે.  આપણા પુરાણો પ્રમાણે, સમુદ્રમંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો તરફ પક્ષપાત કરવામાં આવ્યો.  શા માટે એ સમજવા,  દેવો એટલે કોણ અને દૈત્યો એટલે કોણ એ જાણવું જોઇએ.  બ્રહ્માના પુત્ર પ્રજાપતિ દક્ષે પોતાની તેર દીકરીઓ, અદિતિ, દિતિ, કદ્રુ, દાનુ, અરિશ્ટા, સુરસા, સુરભી, વિનત, તામ્રા, ક્રોઘવશા, ઇદ્યા, વિષ્વા, અને મુની, ૠષિ કશ્યપ સાથે પરણાવી હતી. સંયમી અદિતિના સંતાનો દેવો બન્યા જે સ્વર્ગ એટલે સુખ પામ્યા. અસંયમી દિતિના સંતાનો દાનવ બન્યા જે, લાગણીના આવેગમાં તણાઇ જાય, વિવેક ખોઇ બેસી બીજાને ત્રાસ આપે અને તેથી પોતે પણ બીજાઓનો પ્રકોપ નોતરે તે નરક એટલે દુઃખ પામ્યા.  અપવાદ બેઉમાં છે.  ઈંદ્ર દેવોના રાજા, અહંકાર, ઈર્ષા અને લઘુતા ગ્રંથીથી પીડાતા હતા.  તે ન કરવાનું કરી બેસતા અને ન બોલવાનું બોલતા અચકાતા નહીં..  દેવોના રાજા આટલા નિર્બળ? અને ત્રિલોકના  રાજા બનેલા દાનવ બલીની આગળ વિષ્ણુએ વામન થઇ ત્રિલોકનું દાન માગવા આવવું પડ્યું!

સત્તાનો મોહ જે ઈંદ્રને હતો તે લગભગ દરેક નેતાઓને હોય છે પછી ભલેને દેશના, પ્રાંતના, ગામના કે ઘરના નેતા હોય! અસાધારણ કહેવાતા પુરુષો-અને સ્ત્રીઓ પણ-સત્તા અને કામના પ્રભાવમાં પડીને ના કરવાનું કરી બેસે છે. એ વખતે એમનું શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિબળ, શરીરબળ, જપ-તપ કે વ્રતનું સાધન કશું જ કામ નથી કરતું. પોતાના મન તથા ઇન્દ્રિયો પર વિજય મેળવનારા અને કામમુક્ત બનનારા મહામાનવો અત્યંત વિરલ હોય છે.

પણ, હું પરાશરને ઓળખું છું.  કોલેજમાં ભણવા ગયો અને પછી યેલમાં આગળ ભણવા ગયો ત્યારથી મળ્યો નથી પણ તમે જ મને હંમેશ એના સમાચાર આપતા કહેતા કે એ ફક્ત હોંશિયાર નથી, હિંમત વાળો છે, સંસ્કારી છે અને હંમેશા સત્યની શોધમાં રહેતો હોય છે.  તમે બાપ છો એટલે દીકરાની શારીરિક ખોટ લાગે એ સ્વાભાવિક છે પણ એણે દેશને સારા રસ્તે દોરવા માટે જ આ પગલું લેવાનો વિચાર કર્યો છે એની મને ખાત્રિ છે.  એટલે તમે ચિંતા મુક્ત થઇ એને આશિર્વાદ આપો અને બને એટલી સહાયતા કરજો.

હા, દેવો તરફના પક્ષપાતની વાત સમજીએ. આજે તમે જાણો જ છો કે રાજ્યસભામાં નિમણુક થયેલ વ્યક્તિઓને રાત દિવસ કામ કરવું પડે છે, કામ અંગે મુસાફરી પણ કરવી પડે છે અને આવેલા મહેમાનોની આગતાસાગતા કરવી જરૂરી હોય છે.  પછી એમને સગવડ આપવાની પ્રજાની ફરજ બને છે.  તમે જ વિચારો, તમે કામ પરથી આવો ત્યારે ચારુભાભી તમને આરામ મળે અને તમારી સાથે સમય ગાળી શકે એટલે તમારી ૠચિ પ્રમાણેનું ભોજન બનાવી  રાખે, ગરમ ગરમ રોટલી ઉતારી પ્રેમથી પીરસે.  ઘર અને વ્યવહારનાં એકલાથી થાય એ બધાં જ સંભાળી લે અને સદાય તમને અનુકુળ થઇ રહે છે. તમે ભલે પૈસા કમાવવા બહાર મહેનત કરો છો પણ ચારુભાભી  આખો દિવસ ઘર અને વહેવાર અંગેનું કામ કરતા હોય છે છતાં તમે જમી રહ્યા પછી જરા આરામ કરો કે ટીવી જુઓ ત્યારે ભાભી વાસણ અને રસોડું સાફ કરતા હોય અને આવતી કાલ માટે તૈયારી કરતાં હોય છે, ખરું ને? વિશ્વાસ રાખજો કે પરાશર લાંચ રુશવતમાં નહી ફસાય અને સત્તાનો દુરુપયોગ નહીં કરે.  અમેરીકામાં જનમ્યો અને ઉછર્યો છે તોય કદી દારુ નથી પીતો અને માંસાહારી નથી બન્યો. કોઇ કન્યાઓ સાથે લફરાં નથી કર્યા અને બીજે ઘર વસાવવાને બદલે હજુ તમારી સાથે જ રહે છે. કેટલા સંતાનો આ જમાનામાં પરાશર જેવાં છે? અને પછી ભવિષ્ય કોણ જાણે છે? કાલની ચિંતા કરી આજે જીવવાનું નહીં? ગાંધીજીને ગોડસેએ હણ્યા પણ દુનીઆભરમાં ચીરંજીવી આદર અને ખ્યાતિ પામી ગયા.  કહેવાય છે કે શિવાજીને જીજાબાઇએ ધાવણમાં સચ્ચાઇ, દેશભક્તિ અને શૂરવિરતા પાયા હતા.  તમારો પરાશર કઇં ઓછો નથી.”

“તમારો ખુબ આભાર.  મન હળવું થઇ ગયું. આજકાલ તો પત્રકારો અને વિરોધી પક્ષના સભ્યો એટલી ઝીણી ઝીણી બાબતોને વીણી લાવી કાંટાના હાર પહેરાવે છે કે વાત નહીં.  આપણે ક્યારે શું ખોટું અવિવેકી કાર્ય કર્યું હતું કે મત બદલ્યા હતા એની યાદ અપાવી જાણે કાદવના છાંટા ઉડાડે છે. શું લોક એમ નહીં કહે કે હજુ માની સોઢ્માં ભરાતો છોકરો દેશ માટેના નિર્ણયો માને પુછીને કરશે? આવા વિચારોથી હું અસ્વસ્થ થઇ ગયો હતો.

પ્રણામ, સ્વામિજી.  હવે રજા આપો એટલે હું ઘર ભેગો થાઉં.”

“પરાશરને મારા આશિર્વાદ છે કે એ સેનેટર તરીકે ચુંટાશે અને એની કારકિર્દી જગતને ખુણે ખુણે પ્રસરશે. ભાભીને કહેજો કે આવતા શુક્રવાર સાંજે મને ફાવે એમ છે એટલે ઢોકળી ખાવા હું આવીશ.”

હું ઘરે પાછો ફર્યો.  દર મંગળવારની જેમ આજે પણ ચારુએ મંદિરે ધરાવવાની થાળી તૈયાર જ રાખી હતી.  અમે બેઉ દુર્ગા મંદિરે જઇ સાધના કરી પાછા ફર્યા. ફરાળ કરીને બેઠા ત્યાં પરાશરનો ફોન આવ્યો. મેં જ ફોન ઉપાડ્યો, કારણ ચારુ, રસોડામાં કામ કરતી હતી.

“તું સીનટર બનવા માગે છે એ વાત મમ્મીએ  કરી હતી. દીકરા, તને અમારા આશિર્વાદ છે અને તને જેટલી મદત થાય તે કરશું.  મનહર સ્વામિજીએ પણ તને આશિર્વાદ આપ્યા છે.”

“પપ્પા, સ્વામિજી પાસે મન હળવું કરી આવ્યા ને?  ખબર જ હતી.  મમ્મી આટલી સ્વસ્થ રહે છે અને તમે વિહવળ બની જાવ છો.  તમે તો એવા ને એવા જ રહ્યા અને બદલાતા પણ નહીં, હં.  કારણ, પપ્પા તમારી આ વત્સલતા મને ખુબ ગમે છે.  એ જ પ્રેમે મને સેનેટર બનવાની પ્રેરણા આપી છે. જે મહેનતથી તમે અને જે શ્રધ્ધાથી મમ્મીએ મને ઉછેર્યો છે તે જ હું મારી માત્રુભુમિને અર્પણ કરવા માંગુ છું અને આમ જનતા મારા કુટુબીજનો જ છે જેમની મારે સેવા કરવી છે. આવતે મહિને રાજીનામું આપીશ અને શ્રી ગણેષ આપણે ઘરે થી જ મંડાશે.”

પરાશર સેનેટર ચુંટાયો, વોશિંગ્ટન રહેવા ગયો પણ દરરોજ સવારે એનો અચૂક ફોન આવે.  સમય હોય ત્યારે થોડા કલાક માટે પણ ચારુનાં ખોળામાં માથુ ટેકવા આવે. આજે હું નિવૃત્ત થવાનો છું.  અમારું અહીં પાલો આલ્ટોનું ઘર વેચાઇ ગયું છે.  આવતે મહિને અમે અને પરાશર ફરીથી સાથે રહેતા હશું.

કુંતા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.