તમે તો એવા ને એવા જ રહ્યા!(8)શૈલા મુન્શા.

                આજે શનિવાર હતો, કામે જવાનુ કોઇ બંધન નહોતુ એટલે સુહાની જરા આરામ થી ઊઠી. એના નામની જેમ સવાર પણ સુહાની જ હતી. હજી ગરમી ની શરૂઆત થઈ નહોતી. બહાર આકાશ સ્વચ્છ હતું અને બારીના બ્લાઈન્ડમા થી દેખાતી ભુરાશ મન ને તાજગી નો અનુભવ કરાવી રહી હતી.સુહાની ને જાણે ઉઠવાનુ મન જ ન થયુ, આસાયેશ થી સુતા સુતા જ એ કુદરત નો નજારો માણતી રહી.

મનમા એ તાજગી ને ભરતી  સુહાની ફ્રેશ થઈ રસોડામા આવી. નિત્ય ક્રમ પ્રમાણે રસોડામા રાખેલા નાનકડા સી.ડી પ્લેયર પર સંસ્ક્રુત શ્લોક ની સી.ડી. ચાલુ કરી ગેસ પર કોફી બનાવવા તપેલી મુકી.

સરસ મજાની કોફી બનાવી સુહાની ડાઈનીંગ ટેબલ પર આવી અને ફોન હાથમા લીધો, વિચાર્યું કે મીતા અને નિલય ને ખાસ બીજો કોઈ કાર્યક્રમ ન હોય તો બધા ભેગા થઈ કોઈ સારૂં મુવી જોવા જઈએ. ફોન હાથમા લેતા જ સુહાની નો મુડ બદલાઈ ગયો. બધી સવારની મોહકતા અદ્રશ્ય થઈ ગઈ. ફોન ની બેટરી સાવ ડાઉન થઈ ગઈ હતી. યલો લાઈટ દેખાતી હતી એનો અર્થ માંડ વીસ ટકા બેટરી હતી.

સુહાની ની સમજમા ના આવ્યું કે રાતે ફુલ ચાર્જ કરેલા ફોનની બેટરી ડાઉન કેવી રીતે થઈ ગઈ? એકાએક એનુ ધ્યાન વોટસ અપ મેસેજ પર ગયુ. ત્રીસ જેટલા મેસેજ કેટલીય વિડિઓ.  ફેસબુક પર ના મેસેજ વધારાના. કોઈ નવાઈ નહોતી કે બેટરી ડાઉન થઈ જાય.

સુહાની વિચારી રહી સગવડ જેટલી વધે  એટલી જ અગવડ પણ એની સાથે વધે જ છે ને! ફોન મા જ  જાણે  આખું વિશ્વ સમાઈ ગયુ હોયએવી વાત બની ગઈ છે આજે, પણ એનો ઉપયોગ જરુરિયાત કરતાંય  વિશેષ એક ખોટા આડંબરની વસ્તુ બની ગઈ છે. જાતજાતના Apps down load કરી શકો અને એનો ખોટો ઉપયોગ પણ કરી શકો. વોટ્સ અપ એક રીતે બહુ ઉપયોગી છે, જ્યારે તમે કુટુંબના બધા એમા જોડાયેલા હો અને પરિવારમા કોઈ માંદુ પડે, કોઈને ત્યાં ખુશી સમાચાર હોય,  મામા માસી કાકા કાકી ફોઈ કોઈને ત્યાં, મિત્રોને ત્યાં કોઈ સારા કે માઠા સમાચાર હોય તો તાત્કાલિક આપ્ણને મળી જાય અને એક ગ્રુપ હોય તો તરત બધાને મળી જાય એ વસ્તુ ખુબ આવકારદયક છે. કોર્પોરેટ લેવલ પર જોબ કરતા યુવાનો મીટિંગમા હોય તો ફોન ના ઉપાડે પણ બે શબ્દોમા મેસેજ કરી શકે. આવા તો કેટલાય ફાયદા છે.

ધીરે ધીરે એનો ઉપયોગ એક જાતની હરિફાઈ માટે થાય ત્યારે એની અગવડતા દેખાવા માંડે છે. સુહાની જોતી કે સવાર પડે અને જાતજાતના ગુડમોર્નિંગ ના ફોટા ફોનમા દેખાવા માંડે. એમા પણ જાણે શરત લાગી હોય  તેવી હરિફાઈ કે કોણ સારો ફોટો મોકલે છે, કોઇવાર રમુજી ટુચકા એ ફરી ફરીને દસ વાર તમારા ફોનમા જુદાજુદા લોકો દ્વારા આવે..કોઈ આરતી કોઈ ભજન કોઈ સ્તવન શ્રી નાથજી, મહાવીર કે ગણપતિ, દર્શન નો લાભ તમારે લેવો હોય કે નહિ પણ તમારા મોબાઈલ પર ઝળકે જ, અને પછી કોઈને કહેવું પડે કે મહેરબાની કરી ભગવાન ના ફોટા ના મોકલો. એને ડીલીટ કરવાનો જીવ નથી ચાલતો. સોમવારના દર્શન જુદા મંગળવાર ના જુદા એમ સાતે દિવસ માટે  ફોટા તૈયાર. શુભ રાત્રિ કે શુભ સવાર માટે રોજ જુદા ફોટા શોધવાનો સમય સહુને ક્યાંથી મળી રહે છે એજ એક અચંબાની વાત હતી સુહાની માટે.

સુહાની હમેશ વિચારતી કે  આ  ખરેખર ધરમ છે કે ફક્ત હોંસતોસી. સુહાની સર્વ ધર્મને પુરેપુરૂં માન આપતી. કોઈ ના પણ દિલ ને દુભવવાનો કે કોઈ નુ અપમાન કરવાનો એ સ્વપ્ને પણ વિચારી ના શકે,

એવું નહોતુ કે એને ભજન કે સ્તવન નહોતા ગમતા. એની પોતાની સવાર સુંદર સંસ્કૃત સ્તવન થી થતી. ભુલે બિસરે ગીતો ની કેસેટ કે રેડિયો પરથી વહેતા એ સાઈઠ કે સિત્તેરના દાયકાના મધુર સંગીત ને માણવુ એને ખુબ ગમતુ. ખાસ તો વરસાદી મોસમ મા રફી, મુકેશ કે કિશોરકુમાર ના ગીતો સાંભળવા અને હાથમા એકાદ સરસ પુસ્તક હોય  બસ એ મસ્તીમા ખોવાવું એને ખુબ ગમતુ. પણ એ જ ગીતો વારંવાર વોટ્સઅપ પર મોકલાતા રહે ત્યારે બીજા માટે એ કેટલું તકલીફ દાયક બની શકે એ વિચાર કદાચ કોઈને નહિ આવતો હોય કારણ  ફોનની મેમરી સ્પેસ તરત જ ભરાઈ જાય અને કદાચ કોઈ કામની વિડીયો કે ઓડિયો માટે જગા જ ના રહે.

ફેસ બુક પર પણ આ જ રામાયણ. લોકોને પોતાની અંગત વાતો કેમ ફેસબુક પર મુકવી ગમતી હશે એનો સુહાની ને કાંઈ અંદાજ જ નહોતો. અંગત વાતો એટલે કે આજે મારે વાળ કપાવવા જવાના છે. આજે મારે મેનીક્યોર અને પેડીક્યોર ( હાથ પગની મસાજ અને નખ રંગવા) માટે જવાનુ છે. આજે મે સ્લો કુકરમા આ વસ્તુ રાંધવા મુકી છે. ભલા માણસ તમે દિવસ દરમ્યાન કોઈનુ ભલુ કર્યુ? ભલુ નહિ તો કોઇ ને અવરોધરૂપ કે નડતર રુપ નથી બન્યા ને? એ અગત્ય નુ છે. તમે  વાળ કપાવવા ગયા કે નહિ તે જાણવામા કોઈને રસ નથી.

કામ વગરની વાતો અને પાછી એ બીજા સાથે શેર કરવાની. સુહાની વિચારી રહી કે  કોઈ જવાન ની દેશ માટેની કુરબાની કે કોઈ અનુપમ સિધ્ધી જેનાથી કદાચ કોઈને પ્રેરણા મળે એ વાત સહુ સાથે વહેંચીએ તે બરાબર છે, પણ ખોટી સહાનુભૂતિ મેળવવા કોઈની લાગણી સાથે ખિલવાડ કરીએ એનાથી કોઈ ફાયદો નથી થવાનો. ફેસબુક પર તો વાત ક્યાંની ક્યાં પહોંચી જાય. તમારા મિત્ર અને એના મિત્ર અને વળી પાછા એના મિત્ર જેને તમે ઓળખતા પણ ના હો, તે તમને કોમેન્ટ મોકલે. તમે કાંઈ લખાણ કે ફોટો કે વિચાર જે પણ કાંઇ ફેસબુક પર મુક્યું એને  કેટલા જણે જોયું કેટલા એ “લાઇક” બટન દબાવ્યુ એ જોઈ જોઈ  તમે પોરસાયા કરો. એમા તમારા કેટલા કિમતી કલાકો વ્યર્થ જતા રહે છે એનો કોઈ હિસાબ નહી.

જો કોઈની કોમેન્ટ ના આવે તો પાછો મનનો ધુંધવાટ! જોયું? આટલો સમય પણ મળતો નથી. જવાબ આપવાનો તો કોઈને સમય જ ક્યાં છે? અને પાછા એમના મિત્રો એ જ પોસ્ટ ને ફરી પોતાના ગ્રુપમા મોકલે. ત્યારે ફરી ફરીને એ જ વસ્તુ તમને વાંચવા મળે.

સુહાની ઘણીવાર તો વાંચ્યા વગર જ આ બધા ફોટા કે ટુચકા ડિલીટ કરી નાખતી એમા ક્યારેક કોઈ કામની માહિતી ડિલીટ થઈ જતી અને  બે ત્રણ દિવસે એ વ્યકતિ નો કાંતો ફોન આવતો અથવા મેસેજ આવતો કે મેં જે તને પુછાવ્યું હતુ, એનો  જવાબ કેમ આવ્યો નહિ? સુહાની મનોમન માફી માગીને કામનુ બહાનુ કાઢી કે ભુલાઈ ગયુ કહી વાત ટાળી દેતી.

કહેવત છે ને કે “સુકાં ભેગુ લીલુ પણ બળે” એવો ઘાટ થતો. જ્યારે પણ સુહાની ફોન હાથમા લે એટલે પહેલા નવા મેસેજ માટે જગા કરવાની અને જુના ને વિદાય કરવાના!

જોયું એક ફોનની બેટરી લો થઈ ગઈ એમા થી તો કેટલી રામાયણ સરજાઈ ગઈ. સુહાની ના મનમા આ બળાપો કેટલાય વખતથી ઘુમરાતો હતો. એને હમેશ થતું કે આપણે ભણેલા માણસો આધુનિક થવાની વાત કરીએ. બીજાની જીંદગીમા ખલેલ પાડવાની કોશિશ ન કરીએ.  ટેકનોલોજી ને સારી રીતે વાપરવાનો યત્ન કરીએ તો જીવન જીવ્યું લેખે લાગે.

ભાઈશાબ સુહાની ની આ રામાયણ કથા સાંભળી ગુસ્સે ના થતા હોં! એ કોઈ ની પણ મશ્કરી, મજાક કે દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતી.

આ  આટલો બળાપો વાંચી તમે કાંઈ સુધર્યા કે પછી ભાઈશાબ તમે તો એવા ને એવા જ રહ્યા?????????

અરે! રામ આ રામ કહાની સંભળાવતા મારા જ બાર વાગી જવાના છે! પતિદેવ આવીને જમવાનુ માગશે અને ભોજન નહિ મળે તો મારા નામના ભજનિયા ગાશે!!!!!!!

(કોઈ ને માઠુ લાગ્યુ હોય તો સુહાની વતી બે રોટલી વધારે ખાઈ લેજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવજો હોં ભાઈ)

શૈલા મુન્શા.  તા ૦૬/૦૯/૨૦૧૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.