તમે એવા ને એવા જ રહ્યા(4) પ્રજ્ઞા દાદભાવાળા

કહું છું, અડધો કપ ચા મુકજોને
મારી ચા કયા છે ?
આ લ્યો ‘દિવસનો આ છઠ્ઠો કપ છે.
હજુ બીજા ત્રણ-ચાર કપ થઇ જશે…. 
અરર હું કહું છું તમે હવે આ ચાની તમારી લત છોડો તો સારું।..આખો દહાડો શું ચા પી પી કરવાની? પછી ભૂખ મરી ન જાય તો બીજું શું થાય?’  ‘દહાડામાં દસ વાર આખી ચા ઠપકારવાથી એસિડીટીનો પ્રોબ્લેમ થાશે એ તો લટકામાં, પણ માવજીભાઈ માટે ચા, વિજ્ઞાન-ગણિતની પરિભાષામાં કહીએ તો, ‘આવશ્યક અને પર્યાપ્ત’ છે.
આપણે હવે કાયમ માટે અમેરિકા જવાના છીએ ત્યાં કોઈ વારેઘડીએ ચા નહિ બનાવે.
માવજીભાઈ સાંભળે એ બીજા અને મણીબેન મુંગા રહી શકે તો મણીબેન નહિ….
એ ભલે અડધી કહે,પણ મણીબેન તો તો આખી જ પાશે’ એવી દૃઢ શ્રદ્ધા હૈયે ધરીને જ ‘અડધી’ માગતા હોય છે.બસ આમ જ ચાલે છે એમની જિંદગી, ક્યારેક મણીબેન રિસાય તો રેકડીની કટિંગ ચા પણ માવજીભાઈ ગટગટાવે છે હા અડધી ચા થી માવજી ભાઈનું ગળું પણ ભીનું ન થાય’ પણ ચા વગર ન ચાલે એ વાત પાકી અને ચા પીવી અને પીવડાવવી એ માવજીભાઈ નું ગૌરવ છે.
એક દિવસ ટપાલી ખાસ પોસ્ટ લઇ આવે છે ખોલતા માવજીભાઈ બોલ્યા ચા પીવડાવો તો સારા સમાચાર આપું. હવે બિસ્તરા પોટલા બાંધવા માંડો આ ગ્રીન કાર્ડ આવી ગયું છે. 
અને આ સંભાળતા મણીબેન તો ખુશ ખુશ થઇ બાજુવાળા ચંપા બંનને ઘર હરખાતા સમાચાર આપતા કહે અરર ચંપાબેન સાંભળો છો? હવે તો અમે અમેરિકા જવાના તમે જ અમારા ઘરનું ધ્યાન રાખજો અને ચંપાબેન કહે વાહ વાહ મણીબેન તમે તો હવે આવશો ત્યારે ફોરેન રીટન કહેવાશો પેલું શું કહે છે NRI …..હા મણીબેન હવે આ સાડીઓ ન ચાલે પેન્ટ પહેરજો,
તમે પણ શું ચંપાબેન…. મણીબેન શરમાણાં
હા મેં સાંભળ્યું છે કે બધા ત્યાં બદલાય જાય છે. 
અને દેશ એવો વેશ ,સાચું કહ્યું મારી માં એ પરણાવી ત્યારેથી શીખવાડી મોકલી હતી કે જ્યાં જાવ ત્યાં સમાઈ ને રહ્જે અને હવે અમેરિકા બાકી રહી ગયું હતું તો એ પણ આ વળતી જીંદગીમાં જોઈ જાણી લેશું, ચંપાબેન પણ તમને અમે કોઈ દિવસ ભુલશું નહિ હો.આ પોળ,આ ઘર બધું ખુબ યાદ આવશે અને આંખના છેડા સાડીના છેડા થી બંને જણ લુછતા છુટા પડ્યા..અને મણીબેન તૈયારીમાં પરોવાયા, ઘરની ન જોઈતી વસ્તુ આજુબાજુવાળાને આપી અમેરિકાનો સમાન પેક કર્યો, ત્યાં માવજીભાઈ ને શું યાદ આવ્યું કે કહે તમે ચાનો મસાલો લીધો કે નહિ?
અરર મારે તમારું શું કરવું ? તમે અને તમારી ચાની ચુસકી
ના આતો પ્લેનમાં ચા મળશે નહિ તો આ  આટલા કલાક કેમ નીકળશે અને તમને ખબર છે ને મને ચા પીધા વગર જાજરૂ પણ નથી જવાતું ,પણ ચાનો મસાલો હોય તો કૈક ગડમથલ કરી ચા જેવું થોડું પીશું. 
અરર તમે પણ…  ક્યારે સુધરશો? .
તમને હું ઓળખું છું આટલા વર્ષ મારા પાણીમાં નથી ગયા,આ જોવો મારા હાથની બેગમાં તમારા માટે ચાનો મસાલો અને થેપલા પણ લીધા છે સાથે મરચાં પણ
હા પણ ધ્યાન રાખજો કઈ પણ રસાવાળું ન લેતા નહીતો ફેંકાવી દેશે. 
મને બધું ખબર છે મેં બધું પૂછી કરીને પેક કર્યું છે, અરર તમે મને ક્યારેય ઓળખી શક્યા નહિ। .
હા હા ચાલો હવે સુઈ જાવ કાલે સવારે વહેલા નીકળશું રમેશભાઈ ગાડી લઇ ને આવશે,ઊંઘ તો ન આવી, 
અને બીજે દિવસે આવજો આવજો અને અરર અરર કરતા બન્ને જણ પ્લેનમાં ગોઠવાણા 36 કલાક તો જેમ તેમ કાઢ્યા મણીબેન પગના દુખાવાની ફરિયાદ કરતા રહ્યા અને માવજી ભાઈ ચા ની સાથે જાજરૂ ન ગયાની.. અંતે ગમે તેમ અમેરિકાની ધરતી પર પગ મુક્યો ત્યારે હાશકારો થયો. 
માવજીભાઈના દીકરા વહુએ ગોળ વંદાવ્યા વગર જ બન્ને ને આવકાર્યા. 
એ તો કઈ નહિ પણ દીકરો તુરંત કામે જવા રવાના થયો અને અમેરિકન બોન વહુ પણ પાછળ નીકળી. 
બા અહી બધું રસોડામાં છે.ટેબલ પર જમવાનું રાખ્યું છે. 
હા તમે ચિંતા ન કરશો..તમ તમારે જાવ, 
કહું છું પહેલા એક સરસ મજાની અડધો કપ ચા મુકોને ….
હા લાવો ચા મુકું તો તમારો છુટકારો થાય… 
અરર આશું અહી દૂધ કેમ આવું પાતળું છે ?
જે હોય તે,પાણી નાખ્યા વગર ચા એકલા દુધની ચા કરો અને હા મસાલો નાખજો. 
પણ કહું છું અહી કપ આવડા મોટા અને રકાબી તો છે જ નહિ. 
તમે ચા કેવી રીતે પીશો?
જે હોય તે એકલા કપમાં જ લાવજો પણ બસ ચા આપો. 
આ પેટ ખુબ ભારે થઇ ગયું છે….
મણીબા તમે તો સાવ અમેરિકા આવ્યા ભેગા વટલાઈ ગયા ,તમારી ચા નો સ્વાદ જ જાણે બદલાઈ ગયો..
અરર તમે શું કહો છો?
જુઓ તમારા હાથની ચાથી મારી સવાર પડે છે.આમ કરશો તો હું દેશ ભેગો થઇ જઈશ…
મારી પસંદગીમાં ચા પહેલા
અને પછી હું એમ જ ને? અરર તમે નહિ સુધરો. 
પણ સાચું કહું અહી બધું ખુબ ચોખું છે. 
પણ સવાર પડે ત્યાં દુધવાળો આવતો નથી એ મજા નથી આવતી
તમે ચાની રાહ જોઈ ને બેઠા હો દૂધવાળો મોડો આવે હું ભાવ તાલ કરું તપેલામાં દૂધ લેવાનું પૈસાની રકજક કરવાની એની મજા જ કૈક જુદી હો !
પણ સાચું કહ્યું એ મને પણ ખુબ મજા આવતી..
બધું જ અલગ
અહી ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીતા નથી.
તમારી ચાની તલપ ક્યારે પૂરી થશે એ તો રામ જાણે હવે શાંતિ રાખો અને મને આ ભજન સંભાળવા દો તો સારું
હે મણિબા આ તમારા નરસિંહ મહેતા ચા પીધા વિના પ્રભાતિયાં કેવી રીતે ગાતા હશે…?
અરર મારે તમારું કરવું શું ?
જે હોય તે ચા સરસ બનાવજો.. 
મારો દીકરો મોઘી ચા લાવે છે તમારા માટે એક તો ડોલરમાં વધારે પૈસા આપીએ છીએ! અને પછી એમાં ચાનો ગરમ મસાલો નખાવો છો.. 
…દીકરા અને વહુ ને ઘણીવાર વિચાર આવે કે ઉચ્ચ ક્વૉલિટીની ચાની મુલાયમ ખુશ્બૂ અને ઉચ્ચ ક્વૉલિટીના મસાલાની તીવ્ર તામસિક વાસને ભેગા કરાવીને ચાના સબડકા લેતા લેતા કહે છે સાલી દેશ જેવી મજા ન આવી….પપ્પા તમે તો ખરા છે ? અને અમેરિકન વહુ વિચારે ‘આખો મગ છલકાઇ જાય ને ડીશમાં અડધી ઉભરાઇ જાય એટલી ચાને અડધી કેમ કહેતા હશે?
પણ ચાના સબડાકાઓ સાથે માવજીભાઈ મગજ કાર્ય કરતુ થઇ જાય …..પરફોર્મન્સ દેખાડે માંડે. 
નવરા બેઠા એક દિવસ માવજી ભાઈ ની ગુજરાતી વેપારી પ્રકૃતિ બોલી ઉઠી….
કહું છું તમે અહી ચાની લારી નાખો તો કેમ ?
તમે પણ…. .
અરે આપણા દેશ જેવી જ ચા બનાવજો અને હું નરેન્દ્ર મોદીની જેમ કીટલીમાં ચા વેચીશ..
અને ચોટીલાના કપરકાબી મંગાવશું….
પછી નામ આપશું “સબડકા ટી કાફે” અને રેકડીમાં હશે તો “મોબાઈલ સબડકા ટી કાફે”
ટેક ટી સબડકા એન્ડ એકટીવેટ યોંર બ્રેન એન્ડ સ્ટમક (ચા ના સબડકા લ્યો અને મગજને ઉઘાડો અને પેટ ને સાફ રાખો )
અરર અહીંથી અટકો તો સારું ,તમારો ચા અને પૈસા કમાવાનો ગાંડો શોખ અહી ન પોષો તો સારું …
મણીબા તમને ખબર છે એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય) પાચ ડોલરની ચા ના કેટલા થાય ગણો તો? એક વાર “સબડકા ટી” શરુ થવા દયો પછી લોકો કહેશે “સફળ વ્યક્તિની સફળતા પાછળ કટિંગ ચા અને સબડકા ચાહનો સાથ હોય છે”. અને અહી બધા સફળતા પાછળ દોડ મુકે છે…સવારના પોરમાં હાથમાં ચા પકડાવી દયો પછી જોવો મજા ,માર્કેટિંગ,માર્કેટિંગ…..
અરર તમે પણ નવરા બેઠા આવા સપના જોવાનું બંધ કરો,…
અને વધુ એક પણ શબ્દ ન બોલતા મને હવે ગુસ્સો આવે છે.
માવજીભાઈ મૂડમાં હતા મસ્તી કરતા બોલ્યા મણિબા સાચું કહ્યું આ ચા માં અને તમારામાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, તમે બન્ને પડ્યાં પડ્યાં ઊકળે રાખો છો !
આ શું બોલ્યા ?
માવજીભાઈ મસ્કા મારતા બોલ્યા અરે મણીબા ઊકળવું એ તો તમારો અધિકાર છે .
તમે ઊકળો નહિ ત્યાં સુધી જામે ય નહિ હો,મન પરફોર્મન્સ જ ના આપે.
તમને આ ઘરડે ઘડપણ શું સુજે છે જરાય શોભતા નથી.
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, અને તું ઊકળે તો … લાલ પીળી થાય !
હવે મુંગા રહો, વહુ સંભાળશે તો શું કહેશે …
અરે તમને ખબર છે ચા નો નશો શું છે ?
ચા ની ચૂસકીમાં આપણને બે પેગ પીધા પછી થતો હોય તેવો નશો છે..
અને તે દિવસે સાંજે દીકરાના એક મિત્રને ત્યાં પાર્ટીમાં જવાનું થયું. માવજીભાઈ એ ચા માગી તો બધા કહે આ લો ચાની બદલે આજે આનો નશો કરો અને શું સુજ્યું કે માવજીભાઈ ચાના વાકે પી ગયા એ દારૂ!એ પહેલીવાર નશો કર્યો અને માવજીભાઈ એ જાણે બદલાઈ જ ગયા ચાની ઈચ્છામાં શાયર થઇ ગયા અને ‘બોલતા રામની” શાયરી બોલવા માંડ્યા.
મિત્રો ઓ હવે નથી રહી એક પણ ઇચ્છા સિવાય એક કપ “ચા”
કોઈ પૂરી કરો મારી આ ઈચ્છા અને લાવો એક કપ કડક “ચા”
મારા મરણ વખતે કહેજો ડાઘુઓ ને કે “ચા” પીને આવે
અને સ્મશાન માં પીવા માટે થર્મોસ “ચા” ના ભરતા આવે
મારી નનામી “લિપ્ટન” તણા ખોખા ની જ બનાવજો
શ્રીફળ ને બદલે ચાર ડબ્બા “બ્રુક્બોન્ડ” ના જ લટકાવજો
દોણી મહીં ન લાવતા અગ્ની પણ કીટલી માં “ચા” જ લઈ આવજો
મારી પાછળ આવનારા સૌ “કપ-રકાબી” ખખડાવજો
સળગતી મારી ચિતા માં ઘી ને બદલે “ચા” નખાવજો
અને ભભરાવી “ફોફા” મારી રાખ માં પછી જ નદી માં પધરાવજો
અને પાછો જનમ મળે મુંજ ને આ ફાની દુનિયા મહીં તો
પ્રાર્થું પ્રભું ને એટલું કે “ચા” ના જ ધાવણ ધવડાવજો…
માંડ બોલતા બંધ કર્યા …..
સવાર સુધી ઊંઘમાં પણ ચા ચા નો લવારો કરતા રહ્યા. 
દીકરો અને વહુ જાણે ડઘાઈ ગયા….
સવારે ઉઠતા ની સાથે લીંબુ પાણી આપ્યા સાથે કોફી પીવડાવી ત્યારે નશો ઉતર્યો. 
તો કહે મને ચા આપો…
દીકરો કહે પપ્પા હવે આ તમારું ચા પ્રકરણ બંધ કરો તો સારું
હવે થી આ ઘરમાં કોઈ ચા નહિ પીવે. અને ચા ઉપર પ્રતિબંધ લાગ્યો , 
ચાના બંધાણી અને માવજી ભાઈ તો બરાબરના ફસાણા, 
એક તો રોજ ની મોકાણ ચા વગર જાજરૂ પણ બરાબર ન આવે
સવાર તો બગડે પણ હવે તો આ પેટ પણ .
માવજીભાઈ મુંજાણાં ..શું કરવું,
એ ચા, ને એ ચાનો સબળકો ,સાલું કટિંગ અમેરિકામાં કોઈ સમજતું જ નથી,રેકડી તો છે નહિ ,હું અહી કંયા આવી ચડ્યો?… ચા નો સબળકો પછી રોજ સવારે જાજરૂ નો  ઉમળકો,ચા નો ગલ્લ્લો,…કટિંગ ચા …એ જ કડકો દોસ્ત..પોળ ની ગલીઓ,.. ખુલ્લી સડકો, ..જાણે બધું ખોવાઈ ગયું…,બસ માવજી ભાઈ માંદા પડી ગયા.મણીમાસી કહે બેટા કૈક તોડ ગોતવો પડશે તારા  બાપુ આખો દિવસ  લવારો કરે છે. પ્રતિબંધ હટાવ્યો ,ઘરમાં ચા બનાવી પણ માવજીભાઈ સાજા ન થયા,

અંતે એક દિવસ ટીકીટ લઇ ઇન્ડિયા ભેગા થયા… બાજુવાળા લેવા આવ્યા ,ઘર ખોલ્યું, આવાવરું ઘર પણ સારું લાગ્યું અને સવારે કૂકડાની બાંગ સાથે રવજી દૂધવાળો આવ્યો,એ દૂધ લેજો અને મણીબેન તપેલું લઇ દરવાજો ખોલતા બોલ્યા અરર..રોયા આટલો મોડો કેમ આવે છે?આ તારા કાકા ચાની રાહ જોઈ ને બેઠા છે ! અનેદૂધ જોતા જ ઓરીજીનલ મણીબેન તરત તાડુંકયા અરર અલ્યા પાણી કેટલું નાખે છે ?અને ચાર મહિના બહારગામ ગયા ત્યાં ભાવ કેટલા વધાર્યા ? અરર આ નરેન્ર્દ મોદી શું કરે છે ?પછી જટ દેતાની ચા મૂકી મસાલો અને લીલી ચા,આદુ નાખી ચા માવજી ભાઈ ને આપી,ચાના બંધાણી માવજી ભાઈ કપ રકાબીમાં ચા મળતા એક ઝાટકે બેઠા થઇ ગયા અને એક પગ ઉચો કરી,ચા રકાબીમાં રેડીને ગગનભેદી સબડકો બોલાવ્યો…. 

ત્યારે મણીબેન બોલ્યા …અરર જોવો તો કેવા સાજા થઇ ગયા .

પ્રજ્ઞા દાદભાવાળા   

4 thoughts on “તમે એવા ને એવા જ રહ્યા(4) પ્રજ્ઞા દાદભાવાળા

  1. પ્રજ્ઞાબેન,મજા આવી ગઈ.તમેતો,ચાની રકાબીમાં વાચકોને ડુબાડી દીધા. ખુબ સુંદર કથાબીજ,રજૂઆત અને અંત

    Like

  2. આ લેખ વાંચી મનમાં થયું , પ્રજ્ઞાબેન , તમે એવાં ને એવાં રમુજી રહ્યાં !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.