“કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા

નિંદાનો ખારો દરિયો

સ્તુતિની મધ મીઠી વાણી,

બંને નકામી છાવણીઓ છે

(આપણે) રાખવી અકબંધ કહાણી ( .મો.)

 

મનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે.

અન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે જયારે મનુષ્યમાં આવા સંબંધો મૃત્યુ પર્યંત સ્થાપિત થયેલા હોય છે. વળી, મોટેભાગે મનુષ્ય માત્ર બુધ્ધિ કરતાં હ્ર્ય્દયથી વધુ જીવે છે, વધુ જુવે છે, પરિણામે બહુયામી સંબંધોથી બંધાયેલો હોય છે.

પિતા-પુત્રી-માતા-પતિ-ભાઈ-સાસુ-નણંદ અને મિત્રના બહુરંગી વલયો આપણા સમાજને વહાલ, સમર્પણ, ફરજ વ. ની વિશિષ્ટ પરિપાટી અને અનુશાષિતજીવન માટે એક રંગમંચ-stage પૂરો પાડે  છે. તમે કેવું પત્ર ભજવો છો તે તમારામાં વિકસીત સંસ્કારો કે ઉછેર પર નિર્ભર છે. અને તેથીજ “મકાન” ને બદલે ‘ઘર’નું હોવું, ‘શાળા’ ને બદલે ‘મૂલ્યો અને જ્ઞાનના સંસ્કારધામનું હોવું’, એ હંમેશ પાયાની જરૂરીયાત રહી છે જે એક વ્યક્તિને તેના સંબંધો માટેની ખાસ તક પૂરી પાડે છે. પણ અહીં મિલન-વિયોગ, સુખ-દુઃખ, સ્વીકાર-રુખસદના સંસારિક વ્યવહારોમાં સપડાયેલાં  આપણે, સંબંધોની મૂલવણી અને પાલન પોતાની શક્તિ મુજબ કરતાં કરતાં સ્મરણોની સુખદ કે દુઃખદ યાદો અને તેના આઘાત-પ્રત્યાઘાતોને જોતાં, જીરવતાં  જીવનભર વાગોળીએ છે.

કેટલાક સંબંધો સ્વાર્થના કાચા તાંતણે બંધાયેલા હોય છે જે બંધાય છે જલદીથી અને તૂટે છે પણ જલદીથી. અહી છેતરાઈ જનારને પારાવાર દુઃખ અને યાતના ભોગવેજ છૂટકો. આવા સંબંધો માં મિત્ર-મિત્ર વચ્ચેના તેમજ પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધી ફલક વિસ્તરતું જોવા મળે છે. જેમાં દિનપ્રતિદિન વૃધ્ધિ વર્તાય છે અને માવિત્રો-સંતાનો વચ્ચે કે ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોના કિસ્સા સામાજિક  સુરુચિનો ભંગ કરતા જોવા મળે છે.

સંયુક્ત કુટુંબના સહચર્યના કાંગરા એક પછી એક તૂટવાની સાથે વિભક્ત થયેલ કુટુંબમાં મન મિલાપ ની તીવ્રતા પણ ઘટતી જોવા મળે છે. ખાસ કરીને શેહેર જેવા વિસ્તારોમાં આજ કાલ ઘર ખર્ચને પહોચી વળવા અથવા ભૌતિક સુખો ભોગવવા પતિ-પત્ની બંને નોકરી પર જતાં ભારે મોટી સજા બાળકોને ભોગવવી પડે છે, જે આગળ જતાં, બાળકમાં એકલતાથી માંડી તોછડાપાણાંની ભાવના માં વિકસીત થવાની શક્યતા છે.

સંબંધોમાં પડતી નાની તિરાડો છેવટે મોટી થાય છે, અને પછી કોઈ પ્લાસ્ટર તેને સાંધી શકતું નથી.

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા

લાગણીને ટાંકણે  ટાંક્યા હતા

તેં કફન ખોલી કડી જોયું નહીં

મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા” (વિનોદ ગાંધી)

પણ કોઈ એવા સંજોગો ફરી આવે અને અરસ પરસ ગેર સમજ દૂર થાય તો પછી, પસ્તાવાના ઝરણાંનું પૂછવુંજ શું? કોઈ કવિએ સાચુંજ લખ્યું છે :

અશ્રુ પછીનાં સ્મિતનું દ્રશ્ય તો જુઓ,

વર્ષા પછીનો જાણે કે પેહેલો ઉઘાડ છે

સંબંધોમાં નૈતિકતા અને નમ્રતા સાથે નિઃસ્વાર્થપણું મોટો ભાગ ભજવે છે તે સાથે ભાષા જે આહત કરી શકે છે તે સમાધાન પણ કરાવી શકે છે. અહમથી દૂર અને નિસ્વાર્થ વ્યક્તિ હંમેશ અજાતશત્રુ રહે છે અને કોઈ પણ સંબંધ સાચવવા સમર્થ બની શકે છે.

અપેક્ષિત સંબંધોનાં આપણાં આદર્શ ક્ષેત્રો :

મુખ્યત્વે, આપણાં સંબંધોમાં આદર્શવાદ કેન્દ્રસ્થાને રહ્યો છે, પરિણામે વડીલોનું સ્થાન મુખ્ય રેહેવા પામ્યું છે. તેમાં પણ પુરુષ પ્રધાન કુટુંબોમાં તો સવિશેષ સામાજિક અનુશાસનની ભાવના રેહેતી આવી છે. રામાયણના વિવિધ પાત્રો વચ્ચેની કૌટુંબિક ભાવના આપણાં સમાજ નો આદર્શ રહી છે. તે સાથે અન્ય પાત્રો કૃષ્ણ-સુદામાની મૈત્રીનો સુક્ષ્મ પ્રેમ સંબંધ, રામનો આદર્શ પતિ-પુત્ર-ભાઈ અને શાસક તરીકેનો પારદર્શી સંબંધ, સીતાજીની પત્ની અને કુટુંબ તરફની ઉચ્ચ ભાવના, આપણાં સંબંધો માટે હંમેશ માર્ગસૂચક રહ્યા છે. તે સાથે ‘માં’ નું કુટુંબમાં સંસ્કારલક્ષ્મીનું સ્થાન છે, તેથી ‘માં’ જતાં એક શિરોબિંદુમાં બંધાયેલ સંબંધની દોરીઓ છૂટી પડી જાય છે.

આજે વીજાણું વિષયક સુવિધાઓ એક તરફ વિશેષ જ્ઞાન તેમજ સંબંધો જાળવવાના પર્યાય બન્યા છે. ટેલીવિઝન, લેપટોપ કે મોબાઈલે એક તરફ દુનિયા ને સાંકડી બનાવી છે, તો તેમાં ખર્ચાતો સમય કૌટુંબિક વ્યવહારો અને સંબંધો સાચવવાની મોકળાશ પર મોટી અસર પાડે છે. એક બીજા ના ઘરે જવા આવવાની બાબતો હવે અઠવાડિક કે માસિક છપાતાં સામાયિક જેવી બની ગઈ છે. ભારત અને અન્ય તેવા દેશોનું યૌવનધન, પોતાની ક્ષમતાને કારણે વિદેશોમાં સ્થાયી થતાં વિભક્ત કુટુંબો, સવિશેષ વિભક્ત બનવા લાગ્યાં છે. અને ખાસ કરીને ત્યાં ઉછરતાં બાળકો પોતાના અન્ય કુટુંબીઓ સાથે લગાવ ન રાખી શકતાં આ સંબંધો માત્ર નામ પૂરતાજ રહે છે. ક્યાં દરરોજ દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળી પુલકિત થતું બાળક અને ક્યાં આઈ-પેડ પર હાથ હલાવતું અને વિસ્મયથી “હાઈ-હેલો કરતું બાળક !!

છેલ્લે એક બની ગયેલ વાત રજુ કરવાનું મન થાય છે :

લગ્નના અઠવાડિયા બાદ નૈષધ અને બીના પોતાના આયોજન મુજબ  ઉટી-કોડાઈકેનાલથી મુંબઈ આવી પહોચ્યાં. ત્રણ ચાર દિવસ રોકાઈ અમદાવાદ પરત જવાનો કાર્યક્રમ હતો. બીજા દિવસે ગુજરાતી અખબાર લેવા બંને રેલ્વે  સ્ટેશને ગયા અને ત્યાજ બાંકડા પર બેસી બંને છાપાં વાંચવામાં મશગૂલ હતા. પંદર મિનીટ પછી જેવા બાંકડા પરથી ઉઠવા ગયાં ત્યારે જાણ થઇ કે બીનાનું પર્સ કોઈ તફડાવી ગયું હતું !બંને બેબાકળા બની ગયાં …. પર્સનો ખભા પર રાખવા નો પટ્ટો કાપી પર્સ કોઈ સેરવી ગયું હતું !! હવે શું ???

” એટલું સારું કે મારું વોલેટ સહી  સલામત છે” નૈષધે પોતાનું  ખિસ્સું તપાસી બીના સામે જોયું।

” પણ તેમાં હવે શું પૈસા છે તે તો જુઓ ! “

“મને  ખ્યાલ છે કે હોટેલનું બીલ તો ભરી શકીશ હું. તારી પર્સમાં, વળવાની ટીકીટ, એ.ટી.એમ-ડેબીટ-ક્રેડીટકાર્ડ પણ ગયા…. બાપરે ! ભારે થઇ ! “

“તો હવે અહી  અજાણ્યાંમાં કરવું પણ શું ? મને મૂર્ખીને એ પણ ન સૂઝયુંકે પર્સ ને આમ લટકાવીને બાંકડે ન બેસાય!”

” હવે અફસોસ કરવો નકામો છે. પોલીસ લફરાંથી કોઈ કાંદો નહીં નીકળે ! હવે આવતા સોમવારે તો મારી રજાઓ પણ પૂરી થાય છે ” નૈષધે કહ્યું

” આપણે રેલ્વેની સાદી ટીકીટ  લઇએ તો પણ 800-1000 રૂપિયાની રકમ તો જોઈએજ !” બીનાએ ચિંતા દર્શાવી.નૈષધ-બીના રેલ્વે સ્ટેશનના બાંકડે બેસી હવે પાછું વળવા માટે જોઈતી રકમના વિકલ્પો વિચારતાં હતાં …..

” મારા બે અહીંથી ખરીદેલાં ડ્રેસ, અક્બંધ પડેલ છે, તે પાછા આપી દેશું, તો સેહેજે ચારેક હજાર રૂપિયા તો મળશેજ” બીના એ પ્રસ્તાવ મૂક્યો।

“નાં એવું હરગીઝ નહીં”

“તો બીજો કોઈ રસ્તો પણ નથી ” બીના એ કહ્યું

“હવે તો મિત્રો પૈકી કોઈ એકને ફોન કર્યા સિવાય કોઈ છૂટકો નથી ” નૈષધ એવું કહી ઉઠવા ગયો ત્યાતો બાંકડા ની પાછળના ભાગે બેસેલા 60-65 વર્ષના જૈફ સજ્જને નૈષધના ખભા પર હાથ મુકીને કહ્યું,

“બેટા, ખોટું ના માનતો, પણ હું ક્યારથી તમારા બંનેની વાતો સાંભળતો હતો. તમે બંને મારા સંતાન જેવાં છો, અને મારી મદદ લેવામાં તમને કોઈ હરકત પણ ન હોવી જોઈએ ! હું પણ અમદાવાદનોજ છું. ” ખૂબ સમજાવટ પછી, એક બીજા ના સરનામાંની આપ લે કરી, નૈષધે લોન સ્વરૂપે રકમ સ્વીકારી.અમદાવાદ પહોંચતાંની સાથેજ નૈષધે મુંબઈ ના સરનામે  સજ્જનને મની ઓર્ડર કરી દીધો….પણ ….. આશ્ચર્ય વચ્ચે મની ઓર્ડર પરત ફરે છે, જેના પર નોંધ હતી કે ” આ સરનામે કોઈ રેહેતું ન હોઈ પરત કરવામાં આવે છે “

નૈષધ ત્યાર પછી મુંબઈ રૂબરૂ જઈ, પેલા સજ્જને આપેલ સરનામે પણ જઈ આવ્યો, પણ તેના આશ્ચર્ય અને દુઃખ સાથે તેણે જોયું કે ત્યાં વરસોથી કોઈ રેહેતું ના હતું !

નૈષધે મને કહ્યું ” ત્યાર પછી ઘણી વખત હું મુંબઈ જઈ આવ્યો, દર વખતે પેલા રેલ્વે સ્ટેશનના બાંકડાને જોતો, પણ ત્યાં કોઈ ન દેખાતું ! આ વાતને પાંચ સાત વર્ષો વીત્યાં છતાં તે સજ્જનનો દયાળુ ચહેરો યાદ આવ્યા કરે છે. દસ મિનીટનો છતાં કાયમી સંબંધ !!! પેલો ચહેરો, પ્લેટફોર્મ પરનો તે બાંકડો મારું સંભારણું બન્યા છે ! “

આ કયો સંબંધ હતો? …. શું એ માત્ર હૈયાની ભીનાશ હતી ? … ઋણાનુબંધ હતો, ચમત્કાર હતો, કે પછી કોઈ અદભૂત સંબંધનો સાક્ષાત્કાર ? હોઈ શકે પોતાની એકની એક પુત્રીને ખોળતો કોઈ કોચમેન અલીડોસો હતો ? શું એ વર્ષો પેહેલા ગૂમ થયેલ એક ના એક પુત્રને શોધતો કોઈ કમનસીબ પિતા હતો ? …. એ કોઈ પણ હતો, પણ સંબંધ નિભાવી ગયો !!!

 unnamed

  • અરૂણકુમાર અંજારિયાનામ : અરૂણકુમાર એમ અંજારિયા – ઉ.વ. ૭૫,મૂળ વતન : ભુજ કચ્છ
  • એમ.એ. (ગુજરાતી), બી.એડ નિવૃત્ત : જીલ્લા શિક્ષણ નિરીક્ષક. (૧૯૯૬) Retiered as District Education Officer and recalled by Gujarat Govt. after 5 years of retirement, to a govt project. અન્ય : શિક્ષણ અને સામાજિક વિષયો પર આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારણો.વાર્તા લેખન માં પ્રવૃત્ત.

2 thoughts on ““કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા

  1. વૈભવશાળી શબ્દોની ગૂંથણીથી સમૃદ્ધ અને માહિતીસભર છે આપનો આ લેખ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.