“કયા સંબંધે”(21)કુંતા શાહ

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી.

અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું બળ આપ્યું છે – સમાજ સાથે લડવાનું.  આટલાં વર્ષોમાં લાખો બાલિકા, યુવતી, અને સ્ત્રીઓને તમે રક્ષણ અને શિક્ષણ આપ્યું છે જેથી તેઓ સમાજમાં સ્વમાનથી જીવતા શીખી ગયા છે.  આજે,  પાછલા અનેક વર્ષોની જેમ, ટપાલીને બદલે, તેમની કારમાં થેલા ભરી, ભરીને ટપાલ લઇ આવ્યાં છે.  તમારા કાર્યની સફળતા માટે અમને તો આનંદ છે જ, તમને પણ હશે!”

“આનંદ તો થાય જ છે કે પ્રભુએ મને આ કાર્ય કરવાને નિમિત્ત બનાવી. પ્રભુની મરજી વિના કશું થતું નથી.  હા,  નારીત્વનું અપમાન કરનારાઓએ પણ એવું ઘણી વાર કહ્યું છે કે પ્રભુની મરજીથી જ એવી ઘટના બને છે!  અત્યારે લગભગ ૬ કરોડ નારી જાતની વસતી ભારતમાં છે.  માનો, એમાંથી લાખને મારા જેવી સંસ્થા દ્વારા સહારો મળ્યો.  બાકીની કેટલીય પોતાની પરિસ્થિતીમાંથી ઊંચી આવી નથી શક્તી.  કારણ ઘણા છે.  હવે છેલ્લા દસેક વર્ષથી ગામડાઓમાં પણ હવે તમારી જ મહેરબાનીથી અમારા કામનો પ્રચાર થવા માંડ્યો છે.  અફ્સોસ એ વાતનો છે કે, આપણે ભારતીઓ જે પૃથ્વીને અને નદીઓને પણ માતા ગણી પૂજા કરે છે, સૌથી પહેલા “માતૃ દેવો ભવ” કહે છે તે પોતાની પુત્રી, બહેન અને માને દુઃખ આપે છે.  ઘણી દીકરી માને,  વહુ સાસુને અને સાસુ વહુને પણ દુઃખ દે છે. જ્યાં સુધી પોતાની શક્તીનું અભિમાન ખોટી રીતે અજમાવાનું માનવી નહીં છોડે ત્યાં સુધી આ ચાલવાનું જ. પણ એ અન્યાયનો અસ્વિકાર કરતાં શીખવાનુ એ સહુનું દાયિત્વ છે.”

“મા, સાંભળ્યુ છે કે તમારી તબિયત સારી નથી?”

“ભાઇ, ઉમર ઉમરનુ કામ કરે. ગાડી અટકવાની છે એવી સીટી તો હજી વાગી નથી.  અને કેટલીય જાગૃત બહેનો મારું  કામ ઉપાડી લેશે એની મને ખાત્રી છે.”

બધા પત્રકારોએ માને પ્રણામ કરી, કઇં પણ મદતની જરૂરત હોય તો દોડતા આવી જશું એમ કહી વિદાય લીધી.

નિર્મળા લતામાને સહારો આપતી એમની ઓફીસમાં લઇ ગઇ.  માને મોસંબીનો રસ અને મેથીના થેપલા આપતાં યાદ દેવડાવ્યું કે આજે બપોરે ૩ વાગે ડોક્ટર કશ્યપ આવવાના છે. આજે, કોણે શું કરવાનું છે તે પાછા વાંચી ગયા.  કોણ બીમારીને લીધે સોંપેલું કામ કરી નથી શકવાના, અને તેથી અગત્યતાને પહોંચી વળવા શું કરવું તેનો નિર્ણય લઇ દિવસનાં કામની વ્હેંચણી કરી દરેક કક્ષમાં ઇંટરકોમ દ્વારા જણાવ્યું.  રાત્રે તૈયાર કરેલી ભેટની વસ્તુઓ એક કાર્ટમાં મુકી આઠ વાગે મા અને નિર્મળા નિયમ પ્રમાણે પ્રથમ બાલીકા કક્ષમાં ગયા. દરેકને વ્હાલ કરી, નવા કપડા, દોરડા અને ચિત્રકળાના પુસ્તકો તથા સંગબેરંગી પેન્સીલો આપી, યુવતી કક્ષમાં ગયા. એ સહુને પણ વ્હાલ કરી, નવા કપડા, ડાયરી તથા પેન્સીલ આપી સુચના કરી કે આ ડાયરીમાં મનમાં જે આવે તે રાત્રે સૂતા પહેલાં લખો અને પછી જે પ્રાર્થનાથી તમારું મન શાંત અને સ્થિર થાય તે કરજો. એ વર્ગને સોંપાયેલી ગોદડીની રચના ક્યાં સુધી આવી તે જોઇ ખુશ થતાં થતાં “સુંદર” કહી ત્યાંથી પ્રોઢ સ્ત્રીઓના ઓરડામાં ગયા. તેમને પણ વ્હાલ કરીને એ જ વસ્તુઓ ભેટ આપી અને ડાયરી માટે એ જ સુચના આપી.  આ બહેનોએ બનાવેલા ચવાણા, ખાખરા, ફરસાણ અને મીઠાઇ સહેલાઇથી વેચાઇ જાય છે અને નવા ઘરાકો ઉમેરાતા જાય છે તેના અભિનંદન આપ્યા. ત્યાંથી વૃધ્ધકક્ષમાં ગયા. એમને પણ વ્હાલ કરી નવા કપડાં, ભજનની નવી સીડી આપી “કોઇને પણ વાત કરવી હોય તો સાંભળવા આતુર છું” એમ કહી એમને માટે રાખેલી ખુરશીમાં બેઠા.  મોટા ભાગની વૄધ્ધાઓ વિધવા હતી.  ક્યાંક તો સંતાન નહોતા કે હતાં તો પણ મા એમને ભારે પડતી હતી. આ સ્ત્રીઓ એક્બીજા જોડે વાત કરી હૈયુ ઠાલવતી, એકબીજાને માંદગીમાં મદત કરતી, અપંગને સહારો આપતી, આંધળીઓની આંખ બનતી.  રસોઇઘરમાં પણ બનતી મદત કરતી.  પ્રેમની ભૂખી બાળકીઓ અને યુવતીઓની નાની, પ્રૌઢાઓની બહેન કે મા બનવાના પ્રયાસો કરતી.

બાર વાગવા આવ્યા હતા.  નિર્મળા માને લઇ પાછી ઓફિસમાં ગઇ. રસોઇઘરમાંથી મા, નિર્મળા તથા પોતાને માટે ભોજન એક પ્રૌઢા લઇ આવી અને બધાએ મૌનમા જ પ્રસાદ આરોગ્યો. સાડાબારે બીજી  બધી પ્રૌઢા અને યુવતીઓ આવી ગઇ અને બધા ટપાલ ખોલવા બેસી ગયા. મોટે ભાગે ફાળા માટે ચેક હતા.  દરેક ચેકનો આંક્ડો, મોકલનારનાં નામ સરનામા સાથે દાનની લેજરમાં યુવતીઓએ નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા. રસોઇઘર ની કમાણીના ચેક એ જ માહિતિ સહ જુદી  લેજરમાં નોંધ્યા અને એના નિયત કોથળામાં ભરતા ગયા.  થોડા પત્રો દીકરી, બહેન, પત્નિ કે માની શોધ હેતુ હતા.  એ બધા ખોવાયેલ વ્યક્તિના નામના અનુક્રમે ફાઇલ કર્યા.  જો એ વ્યક્તિ એમની સંસ્થામાં  આશ્રયી હોય તો એ આશ્રયીની તૈયારી ના હોય ત્યાં સુધી એ પત્રનો ઉત્તર નહીં અપાતો.  પ્રૌઢ અને વૃધ્ધા જ્યારે પોતાની તૈયારી બતાવે ત્યારે તેમને એ પત્ર આપતા અને રજા આપતા.  યુવતી અને બાળકી માટે વધુ કડક તકેદારી રખાતી.  એક પત્ર નામ વગરનો હતો.  એ ભાઇને માની માફી માંગવી હતી.  પોતાના જીવનની છેલ્લી ઘડીએ એ માના દર્શન કરવા માંગતા હતા.  માએ એ પત્ર જોવા માંગ્યો.  અક્ષર પરિચિત હતા. માએ નિર્મળાને કહ્યું “જવાબમાં લખી દે કે કોઇ પણ દિવસે બપોરના ૪ પછી આવી શકે છે.  પહેલેથી જણાવે કે કયે દિવસે આવવાના છે,”  દરેક દાનીને મા લક્ષ્મીનો ફોટો મોકલવા માટે પરબીડીઆ ઉપર સરનામું લખી, સ્ટેમ્પ લગાડી તૈયાર કરાયા.

બસ આ કામ પુરુ થયું ને ડોકટર કશ્યપ આવી પહોંચ્યા.  માને પહેલાં પ્રણામ કરી, એક ચેક સહ અભિનંદન આપી, તપાસ્યા.  પછી જણાવ્યું કે બ્લડ પ્રેશર બહુ વધારે છે. સવારે ૬ વાગે ગાડી મોકલશે અને ડ્રાઇવર હોસ્પિટલમાં, બ્લડ, યુરિન અને એક્સરે માટે લઇ જશે.  પાણી સિવાય કશું લેવાનું નહી. બધું પતે એટલે ડ્રાઇવર તમને પાછા અહીં મુકી જશે. બ્લ્ડ પ્રેશરની દવાની ગોળીઓની બાટ્લી આપી પુછ્યું “ આજે બીજા કોઇને તપાસવાનું છે?”

“ના, આજે નાઝ અને વસુને સવારે તાવ હતો પણ અત્યારે સારું છે.”

“”તો હું નીકળું? આ ચેકના કોથળા લેતો જાઉં જેથી ખાતામા આજે જ જમા થઇ જાય.”  નિર્મળાએ તૈયાર કરેલા મિઠાઇ અને ચવાણાના ડબ્બા કશ્યપને આપ્યા પછી ચેકના કોથળા નિર્મળા કશ્યપની કારમાં મુકવા ગઇ. માને ફરી પ્રણામ કરી, કશ્યપ વિદાય થયો.

૨૦મી જાન્યુઆરીએ અનામી બપોરે ૪ વાગે આવી ઉભો.  રડી ને લાલ આંખોથી નિર્મળાને જોઇ એ જરા વિચારમાં પડી ગયો પણ માને જોઇ મા પાસે દોડી એમનાં ચરણ દબાવેલાં અશ્રુથી ધોવા લાગ્યો. માએ મા એના મસ્તકને પંપાળતા રહ્યા. એકાંતની જરુર છે એમ કહી નિર્મળાને બારણું બંધ કરી ફૂલોને પાણી આપવા મોકલી. જ્યારે અનામીના ડુસ્કા ધીમા પડ્યા ત્યારે માએ એનું માથું ઉંચુ કરી કહ્યું “નિધિનભાઇ, શાંત થઇ જાવ.”  રડતા રડતા નિધિને કહ્યુ “બહેન, તુ ગઇ ત્યારનો તને શોધું છું.  અચાનક ટીવીમાં તારી છબી મેં જોઇ, અવાજ સાંભળ્યો અને જાણી ગયો કે લતામા બીજું કોઇ નહી પણ મારી બહેન કુસુમ જ છે. તુ મને માફ કરશે કે નહીં એ વિચારમાં મેં મહીના કાઢ્યા.  પછી હિંમત કરી કે બહુ બહુ તો તું મને ના કહેશે, સમાજમાં મારી બદનામી કરશે પણ આજે જોવું છું કે તું ખરેખર મા જ છે.  તેં મને માફ કરી દીધો છે એ વગર બોલ્યે હું અનુભવી શકું છું.”

“ભાઇ,  જ્યારે આપણું ઘર છોડીને ભાગી ત્યારે હું ગુસ્સામાં હતી જ.  જાતને સંભાળી ન હોત તો કદાચ મારે હાથે હત્યા પણ થઈ જતે. એક સંતના આશ્રયમાં મારું મન શાંત થયું અને શિવ શક્તિની ઉપાસનાથી જાગૃત થઇ.  તમને મેં ત્યારનાં માફ કર્યા હતાં જે દિવસે આ માર્ગે પ્રયાણ કર્યું.  તમે તો મારા પર કૄપા કરી જેથી હું પણ મારા અહમને પંપાળવાને બદલે અઢળક લોકોને પંપાળવાનું સુખ ભોગવું છું.  બસ, હવે તમે જઇ શકો છો.”

“જતાં જતાં એક પ્રશ્ન પુછું? આ બહેન,જેને તેં બગીચામાં મોકલી એ કોણ? મદન  “ કુસુમ ફરી લતામા બની ગઈ.  “ભાઇ, કયા મદનની વાત કરો છો? અહંકાર અને વ્યસનોમાં ડૂબેલા બધાં જ તો મદન છે! હવે તમારા કોઇ પ્રશ્નનો જવાબ નહી મળે. અહીંના સર્વે આશ્રિતો અને કાર્યકર્તાઓનું માનસિક અને શારીરિક રક્ષણ કરવું એ આ સંસ્થાનો પહેલો ધ્યેય છે.  હવે તમે જાવ અને ફરી કદી આવશો નહીં”

નિધિન માને પ્રણામ કરી ફરી આંખ ભીંજવતો ચાલ્યો ગયો. અને મા ધ્યાનમાં વિલિન થઇ ગયા.

કુંતા શાહ

1 thought on ““કયા સંબંધે”(21)કુંતા શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.