કયા સંબંધે! (18)તરુલતા મહેતા

સ્નેહી પ્રજ્ઞાબેન તથા સર્જક મિત્રો ,

શબ્દસેતુ દ્રારા તમારી સાથે પુનર્મિલનનો આનંદ અનુભવું છુ,શુભેછામાં કદી ગાડી ચૂકવાની ભીતિ નથી. માતૃદિનની શુભેછા પાઠવવામાં મોડું શું ને વહેલું શું?એક કવિ કહે છે :

લાખ લાખ પરબોથી છીપવી શકાય ના,એવી તરસ મને લાગી.

ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી ઝંખનાઓ જાગી.

મારી વાર્તા  પોતાના સંતાન માટે તરસી એક માની છે.

‘   લોહીના સબંધે ‘    તરુલતા મહેતા

મધર’સ ડે ની શુભેછા મનીષાના  કાનમાં હથોડાના ઘા જેવી વાગે છે.આજના દિવસે તેને બાથરૂમમાં પૂરાઈને પોક મૂકી રડવાનું મન થાય છે.કોઈ પૂછે છે ‘તારા બાળકો  ક્યાં છે?,’ તું એમને તારી પાસે કેમ રાખતી નથી ?મનીષા પોકારીને કહે છે,’મારાં બાળકો મારાં લોહીમાં ,મારા મનમાં હાથમાં પગમાં મારા સમગ્ર અસ્તિત્વમાં સમાયેલાં છે,તમને નથી દેખાતા કારણ કે તમારી પાસે મારી આંખો નથી.’ એ જાણે છે કે બીજા તેને કઠણ ,ક્રૂર હેયાની મા તરીકે ગણે છે.અરે,એના ફૂલ જેવાં બે બાળકો પિન્કી અને પિન્ટુ પણ મમ્મીને ધિક્કારતા હશે.સાત સમુંદરો વટાવી હજારો માઈલ વસતી માને તેઓ પાંચ વર્ષમાં એવા ભૂલી ગયા હશે કે સપનામાં  ય યાદ નહિ કરતા હોય!

મનીષા શિકાગોના એક નર્સિગહોમમાં હેલ્પરનું કામ કરે છે.એની સાથે નોકરી કરતા સૌ  પોતાની મા કે સંતાનો સાથે રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયાં હતાં। એણે  જુલિઆને માટે  લંચ તેયાર કરેલી ટ્રે એના બેડ પાસેની ટીપોઈ પર મૂકી જુલિઆના કાનમાં ‘હેપી મધર ‘સ ડે ‘કહ્યું।.જુલિઆ છેલ્લા બે મહિનાથી બેભાન જેવી હાલતમાં સૂઇ રહે છે.મનીષાને થયું એ પોતે પણ છેલ્લા પાચ વર્ષથી હાલતી ચાલતી પણ બેભાન જેવી તો ફર્યા કરે છે.એનું ચિત્ત સતત વડોદરાની પાસે આવેલા વાસદ ગામના મહાદેવ ફળિયામાં આવેલા બેઠાઘાટના  ઘરની પરસાળમાં ,રસોડામાં અને ઓટલા પર ચક્કર માર્યા કરે છે.એણે એના હાથને ચીમટી ભરી જોઈ ,એ જીવતે જીવ બાળકો માટે તડપતી ભૂત થઈ ગઈ કે શું?

‘સિસ્ટર ,માય મધર વોન્ટ લિસન યુ ‘ જુલિઆની દિકરી સૂઝીએ કહ્યું

મનીષાએ બારી પાસે જઈ પડદા ખોલ્યા,તે ‘બોલી આજે સરસ દિવસ છે.’

સૂઝી એની માને માથે હાથ ફેરવે છે.’મોમ ,મોમ ‘કહી જુલિઆને જગાડવા પ્રયત્ન કરે છે.બારીની બહાર જોતી મનીષાની આંખો  બહાર  સૂર્ય ચમકતો હતો છતાં  વાદળોથી ઘેરાય છે.પિન્કી ,પિન્ટુ મને નહિ ઓળખે તો શું કરીશ?તું અમારી મમ્મી નથી.તેઓ મમ્મી કહેતા  રીટાને વળગી પડશે.શું રીટાએ મારા ફોટા ઘરમાં રાખ્યા હશે! અમેરિકામાં શિકાગોમાં છોકરાઓ માટે રાતદિવસ મહેનત કરતી મમ્મીની વાત કરી હશે! મનીષા પાંચ વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવી હતી,ત્યારે પ્લાન એવો હતો કે બાળકોના ભવિષ્ય માટે પહેલાં મનીષા અમેરિકા જાય.એ સેટ થાય

પછી એનો પતિ અને બાળકો આવે.ભાઈને ત્યાં આવ્યા પછી એને સમજાયું કે ભાઈની સાથે એના કુટુંબસહ  એનાથી વધુ વખત રહેવાય નહિ,એણેપગભર થવું પડશે.અલગ અપાર્ટમેન્ટ રાખ્યા પછી જ બાળકોને લવાશે.

સિસ્ટર , આઈ ડોન્ટ નો ,વોટ હેપન ટુ માય મોમ ? સુઝીના ગળામાં રુદન અટકી ગયું ,છતી માએ આજે માવિહોણી હોવાના શોકમાં તે ડૂબેલી હતી.મનીષા સૂઝીની પાસે ગઈ ,છતાં સંતાને સંતાન માટે તડપતી મા આશ્વાસન ના શબ્દો શોઘતી હતી,છેવટે સૂઝીને ખ્ભે હાથ મૂકી બોલી :

યુ આર ગુડ ડોટર,ગોડ બ્લેસ યુ ‘ એના મનમાં થયું ‘શું હું સ્વાર્થી મા છુ ? ભગવાન મને માફ નહિ કરેં? સૂઝી લાલ રંગના ગુલાબનો ગુચ્છો મૂકીને ઘીમા પગલે રૂમની બહાર જતી હતી અને મનીષા દોડતી ઓફિસમાં પહોચે છે.એ કાકલૂદીભર્યા અવાજે કહે છે.’સર પ્લીઝ મને બે વીકની રજા આપો ,મારે ફેમીલી ઈમરજન્સી છે.મારે જવું જ પડશે.ઘણું મોડું કર્યું ,મારે વહેલા જવાની જરૂર હતી.’

મનીષાએ એકાએક વતનમાં જવાનું વિચાર્યું તેથી સૌને નવાઈ  લાગી. એના  પતિ પરેશની  વાસદની બેંકમાંથી  બીજે ગામ બારડોલીની  બેંકમાં બદલી થઈ હતી, મનીષા આવવાના સમાચારમાં  તેણે  કોઈ   રસ કે ઉત્સુક્તા બતાવી નહિ.એના  ભત્રીજાને અમદાવાદ એરપોટ પર મનીષાને લેવા મોકલી આપ્યો। મનીષાને અમેરિકા જવાનું થયેલું ત્યારે ભત્રીજો રમેશ  અને તેની પત્ની રીટા  ખુશીથી એમની સાથે રહેવાં આવ્યાં હતાં,રમેશ સેલ્સનું કામ કરતો હતો.એમને બાળક નહોતું. રીટાને બાળકો બહુ વહાલાં હતાં,મનીષા વહેલી સવારે અમદાવાદ એરપોટ પર ઉતરી  ત્યારે ચકાચોંધ થઈ ગઈ,અમદાવાદ એરપોટ અમેરિકાના એરપોટને ટક્કર મારે તેવું વિશાળ અને સુવિધાવાળું હતું.વાસદ જવા પુરપાટ હાઈ વે પર દોડતી કારમાં મનીષા વારંવાર રમેશને પિન્કી અને પિન્ટુની ખબર પૂછે છે.છેવટે રમેશ કંટાળીને કહે છે ,’એ બન્ને જણા રીટા જોડે એવા હળી ગયા છે કે તમારી સાથે અમેરિકા આવવા પણ તેયાર  થશે નહી’,મનીષાને ઘરતીકંપનો આંચકો લાગ્યો ,બઘુ રસાતાળ થતું દેખ્યું ,એને લાગ્યું કાર ક્દી વાસદ પહોચશે નહિ ,એ કોઈ મોટી શિલા નીચે દબાઈ ગઈ છે.એનાં બાળકો અને બીજા સૌ ઊભાં ઊભાં હસે છે,પણ હાથ લંબાવી એને મદદ કરતા નથી.એ રડી કકળી ઉઠે છે.’મને મદદ કરો ,હું તમારા ભલા માટે ,તમારાં ભવિષ્ય માટે દુઃખ વેઠીને અમેરિકા ગઈ હતી.પાંચ વર્ષ રાત દિવસ તમારી ચિતા કરતી રહી ,અને તમે મને પડેલી જોઈ હશો છો અને દૂર ભાગો છો.પિન્કી ,ઓ પિન્ટુ આવો આપણી લોહીની સગાઈ કાળે કરી વિસરાય નહિ.!

વાસદમાં ઘરના આગણે કાર ઊભી રહી તો ય મનીષા માથું નમાવી બેસી રહી.રમેશ બોલ્યો ,’રીટા, છોકરાંઓને લઈ  મંદિર  ગઈ છે.આવતી જ હશે.તમે આરામ કરો,મારે  કામે નીકળવું પડશે। એણે મનીષાની બેગો અંદરના રૂમમાં મૂકી। પાણીનો ગ્લાસ અને બોટલ આપી.મનીષા ચમકી ગઈ ,મારા જ ઘરમાં હું પારકી થઈ ગઈ ,હું મહેમાન ! એણે મોટા અવાજે કહ્યું ,’મારી ચિતા ના કરીશ।

મારું જ ઘર છે’.રમેશ કામે જતો રહયો.મનીષા પરસાળના બાંકડે બાળકોની રાહ જોતી બેસી રહી.પણ એના મનમાં  એરપોટ પરના  પ્લેનની ઘરઘરાટી પડઘાયા કરે છે.ઘરમાં બેઠાની’ હાશ ‘

થતી નથી .ઉનાળાની સવારની થંડક છે, આંગણામાં ઊગેલા આંબા પર કોયલ કુહૂ કુહૂ ટહુકે છે.પણ મનીષાને ચેન નથી ,તે વિચારે છે,બહાર બધું હજી એના મનને પ્રસન્ન કરે તેવું છે,તો પાંચ વર્ષમાં ઘરમાં એવું તે શું બદલાય ગયું?ત્યારે આ બાંકડો પણ હતો ,સવારના કૂમળા તડકામાં એ એના ભીના વાળને સૂકવતી ,પિન્કીને પોની ટેલ કરી દેતી ,પિન્ટુ ત્યારે કાંસકો લઈ દોડી જતો .પરેશ સામેની આરામ ખુરશીમાં બેસી છાપું વાંચતો.આજે એ આવી ત્યારે એને એમ હતું કે પરેશ અને બાળકો ખુશખુશાલ કેટકેટલી વાતો કહેશે.જુદાઈના દિવસોનું દુઃખ બધાને મળી પાંદડા પરનું ઝાકળ તડકામાં ઉડી જાય તેમ ભૂલાઈ જશે.પણ આ સૂનું પારકું લાગતું ઘર એના રોમેરોમમાં ખાલીપાની  ચાડી કરે છે દુકાળના .સૂકા કુવા .જેવી એની તરસી આંખો   બાળકોની

રાહ જોઈ રહી છે.દૂરથી એ જુએ છે,એક માતાને વળગી બાળકો ફળિયાના રસ્તા પરથી જઈ રહ્યાં છે.એ બેબાકળી ‘મારો પિન્ટુ ,પિન્કી ‘ બોલી દોડીને વળગી પડે છે.બાળકો ડરીને એની માને

વળગી પડે છે.પેલી મા મનીષાને અવગણી ઝડપથી જતી રહે છે.

અરે ,મનીષાકાકી ,તમે બહાર કેમ ઊભા છો?કયારે આવી ગયાં ?રીટા મનીષાને ઘરમાં લઈ ગઈ ,એક કિશોરીએ એને બાટલીમાંથી પાણી આપ્યું ,મનીષાએ રીટાને પૂછ્યું પિન્કી અને પિન્ટુ ક્યાં ગયાં ?બધાં નવાઈ પામી ગયાં,મમ્મી મજાક કરે છે.એમ માની કિશોરી એને ભેટી પડી ! મનીષા માની કે ઓળખી શકતી નથી,પિન્કીના ફોટા અનેક વાર જોયા હતા પણ પાંચ વર્ષની એની દિકરી આજે એના ખભા સુધી આવી ગઈ ! થોડી વાર પહેલાં જોયેલાં પેલા બે નાના બાળકો તો એ અમેરિકા ગઈ ત્યારે જોયેલાં એનાં  બાળકોની યાદ હતી , ,આજે એ પેલી જુલીઆની જેમ પિન્કીને ઓળખી શકી નહિ ,પિન્ટુ ક્યાં ગયો? પિન્કી એ હસીને પિન્ટુને મમ્મી પાસે બેસાડ્યો।રીટાએ રસોડામાંથી પિન્કીને બોલાવી.પિન્ટુ કાર્ટુનબુક લઈ મનીષા પાસે બેઠો પણ એ છટકવાની રાહ જોતો
હતો.એણે  કહ્યું ,’ચાલ ,પિન્ટુ આપણે રસોડામાં જઈએ.’ પિન્કી દોડતી આવી કહે ,’મમ્મી ,તમે અહી બેસો,હું ચા ,નાસ્તો લાવું છું.’મનીષા રડી પડી.’મમ્મીને તમે કહેવાનું કોણે શીખવાડયું ?

એ બન્ને સંતાનોની સાથે રસોડામાં ગઈ.કેમ જાણે એના આવવાથી ઘરમાં  ભીડ વઘી ગઇ કે પછી  ઘરના સહજ ચાલતા ક્રમમાં કોઈ વિઘ્ન આવી પડ્યું ,પોતાના ઘરમાં ,પોતાના બાળકો સાથે

ખૂલ્લા દિલથી કઈ થતું નથી.સામે પક્ષે રીટા અને બાળકો ની  દુનિયામાં તે મહેમાન જેવી છે.હજારો માઈલોનું અંતર કાપીને એ દોઢ દિવસમાં આવી તો ગઈ પણ વીતેલા  પાચ વર્ષનું અંતર

કેમ કાપી શકાય?એનીગેરહાજરીમાં એનાં સંતાનોના  વીતી ગયેલા બાળપણથી એ જોજન દૂર ફેકાઇ ગઈ હતી. રીટા પાસેથી બાળકોને લઈ જવાશે?

પિન્કી અને પિન્ટુ ખૂબ ખુશ હતાં ,મમ્મી ચોકલેટના બોક્સ અને ગિફ્ટો લાવી હતી.ઘરમાં મનીષાને માટે નવી વાનગીઓ બને છે.વચ્ચે પરેશ આવીને મળી ગયો.એને નોકરી છોડી અમેરિકા જવાની જરા પણ ઈચ્છા નહોતી। મનીષાએ બાળકોને સાથે લઈ જવાની બઘી તેયારી કરી લીઘી। પણ રીટા કે છોકરાંઓને ખૂલ્લા દિલે કહેવાતું નથી, બાળકોને રીટાથી દૂર લઈ જવાની વાતથી જાણે પોતાના જ બાળકોનું અપહરણ કરતી હોય અને કોઈ અક્ષમ્ય અપરાધ કરી રહી હોય તેવું મહેસૂસ કરતી હતી.આગણામાં કોયલ ટહુકતી હતી,પણ કાગડી
 માળામાંથી બચ્ચાંને છીનવી લેવાયા હોય તેમ કાગારોળ કરતી હતી.રીટા કાગડીને કહેતી હોય તેમ બોલી,’કાળા રંગમાં કાગડી છેતરાઈ ગઈ ‘મનીષાને પૂછવાનું મન થયું ,’રીટા ,તું જાણે છેકે હું બાળકોને લઈ જઈશ? રીટા હસી હસીને મનીષાના બધાં કામો કરે છે.પિન્કી તેને મદદ કરે છે.પિન્ટુ ફળિયામાં રમવા

દોડી જતો,પણ રીટા બોલાવે એટલે કહે,રીટામા ,બે મિનીટ રમવા દે ‘ રીટા ખિજાઈને કહેતી ,’આ તાપમાં રમી રમીને તાવ ચઢી જશે ,’ બાંકડા પર બેઠેલી મનીષાને કહે છે :’તમે આ તોફાની બારકસને ઓળખતા નથી તાવ ચઢે ત્યારે મારા ખોળામાંથી આઘો ખસતો નથી.’ મનીષા મનોમન પિન્ટુને ખોળામાં સૂવાડી માથે હાથ ફેરવ્યા કરે છે.આજે દશ દિવસ વીતી ગયા ,એકે વાર
પિન્ટુએ જીદ કરી મમ્મી પાસે કાઈ માગ્યું નથી,કે રીટામાને ખોળે માથું મૂકી સૂઈ જાય ,તેમ સૂતો નથી.પિન્કી જાણે મમ્મીને ખુશ રાખવા એની બઘી સગવડ સાચવે છે.મનીષાએ રીટાની બૂમથી

દોડતી પિન્કીનો હાથ ઝાલી પ્રેમથી કહ્યું ‘ઘડીક મારી પાસે બેસ ,મારે કશું જોઈતું નથી ,’ પિન્કી ઉતાવળી બોલી ,ના,ના,રીટામાએ કહ્યું છે ,તમને તકલીફ ના પડવી જોઈએ.કેટલાં વર્ષો પછી

મમ્મી તમે આવ્યાં છો! મનીષાએ એને પૂછ્યું’ તું રાજી થઈ ?’ પિન્કી મનીષાને આશ્ચર્યથી જોયા કરે છે.પેન્ટ અને ટોપ એણે પહેર્યા છે.કાપેલા વાળને છુટ્ટા રાખ્યા છે.બહાર જવાની હોય તેમ

તેયાર થઈને બેસી છે.આ મમ્મી અમેરિકાથી અમારા માટે બઘું લાવે છે.પણ અહી રહેતી નથી.ધણા દિવસથી એના મનમાં અને ધરમાં સોના મનમાં ધુમરાતો પ્રશ્ન પૂછી નાખ્યી : મમ્મી ,તમે ક્યારે જશો?

મનીષાના દિલમાંથી કાંટો નીકળ્યા જેવી રાહત થઈ.તેણે પિન્કીને માથે વહાલથી હાથ ફેરવી કહ્યું ,’ચાર દિવસ પછી આપણે બધાં સાથે જઈશું,મઝા આવશે ને?

પિન્કી ઉત્સુક્તાથી પૂછી રહી ,’રીટામા આવશે?’મનીષાએ કહ્યું ,’તું જ પૂછી લેજે ને?પિન્કી ખુશ થઈ બોલી ,’હું અને પિન્ટુ જીદ કરીશું તો રીટામા  આવશે જ’.

જવાના  દિવસે મનીષાને ધણા કામ આટોપવાના હતા,છોકરાં અમેરિકા જવા રાજી થઈ ગયા છે.પિન્કી કહે છે ,’મમ્મી ,રીટામાની બેગ પણ તેયાર છે.આપણે બધાં ય સાથે ટેક્ષીમાં જઈશું.’મનીષા

વિચારતી હતી,’ટેક્ષીમાં સાથે જઈશું ,પ્લેનમાં કેમ કરી જઈશું?છેલ્લી ઘડીએ રીટા એરપોટના ગેટની બહાર ઊભી રહી જશે તો ,છોકરાંઓ રીટાને વળગી રહેશે ,એ એમની મા ને હું મમ્મી !રીટામા

જીતી ગઈ.કારની આગલી સીટમાં બેઠેલી રીટા નડિયાદ આવતાં પહેલાં બોલી ,’રમેશ ,મારે નડિયાદ ઊતરી જવું પડશે,તને ખબર છે ને ,મારી મા પડી ગઈ છે.’રમેશ જાણતો હતો.પિન્કી અને

પિન્ટુ બોલી ઉઠયા ,’રીટામા ,તારાથી નહિ જવાય ,આપણે મોડું થશે.’કાર થોભી એટલે રમેશે રીટાની બેગ કાઢી,છોકરાંઓ રીટાને વળગી પડ્યાં ,રીટાએ એમને પ્રેમથી સમજાવ્યાં ,’મારે મારી

મા પાસે જવું જ પડે ,તમારે તમારી મમ્મી સાથે જવાનું,લોહીનો સમ્બન્ધ જીવનભરનો! મનીષા ઉતાવળમાં કારની બહાર આવી ,રીટાને ‘થેંક યુ ‘કહે તે પહેલાં રીટા પોતાની બેગ લઈ રોડની બીજી

તરફ અદ્રશ્ય થઈ ગઈ ,મનીષા અને એના બાળકો વચ્ચે ત્રણ અક્ષર ‘ રીટામા ‘ નો ખલીપો છવાઈ ગયો.

તરુલતા મહેતા 15મી મે 2015.

2 thoughts on “કયા સંબંધે! (18)તરુલતા મહેતા

  1. Very nice!!! કોઇકે કહ્યુ છે કે ભગવાન તો સુખ અને દુખ બંને આપે છે, જયારે મા આપણા દુખ પોતે સહન કરે છે અને આપણને સુખ જ આપે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.